13. ચાંચિયા પાછળ પડ્યા...
ફડલબી તરફ પાછા ફરતી વખતે, ડૉક્ટરે બાર્બરી ટાપુ પસાર કરવાનો હતો. (ઘણાં વર્ષો પહેલાં યુરોપના તે ટાપુ પર બર્બર જાતિના લોકો રહેતા, માટે તે ‘બાર્બરી’ ટાપુ તરીકે ઓળખાય છે.) આમ તો બાર્બરી ટાપુ એટલે વિશાળ ઉજ્જડ રણપ્રદેશ. તે અફાટ વેરાન રણમાં ફક્ત રેતી અને કાંકરા જ દેખાય પરંતુ બર્બર તરીકે ઓળખાતા ચાંચિયાઓ ત્યાં મુકામ કરતા.
આ ચાંચિયાઓ માણસના રૂપમાં હેવાન હતા. દરિયો ખેડવા નીકળેલા દરિયાખેડુંના જહાજને ડૂબાડવા તે તત્પર રહેતા. જયારે પણ કોઈ હોડી કે વહાણ ત્યાંથી પસાર થાય કે તેઓ પોતાનું ઝડપી વહાણ લઈ તેનો પીછો કરતા અને તે હોડી કે વહાણ સુધી પહોંચી, તેના પર રહેલી તમામ વસ્તુઓ કબજે કરી, હોડીમાં રહેલા માણસોને બંદી બનાવી, લૂંટેલી હોડીને ડૂબાડી દેતા. પછી, પોતાના અપરાધનો પસ્તાવો કરવાના બદલે ગર્વભેર નાચતા-ગાતા બાર્બરી ટાપુ પર પાછા ફરતાં. આટલું ઓછું હોય તેમ, તેમણે જે માણસોને બંદી બનાવ્યા હોય તેમને જીવતા છોડવા, જે તે બંદીવાનના સબંધી કે મિત્રો પાસેથી જબરન પૈસા વસૂલતા. અને જો કોઈ બંદીવાનના મિત્રો-સંબંધીઓ પૈસા આપવાની ના પાડે તો તે બંદીવાનને દરિયામાં ફેંકી દેતા.
ડૉક્ટરનું વહાણ એ જ બાર્બરી ટાપુ પાસેથી પસાર થઈ રહ્યું હતું. સૂર્ય માથા પર આવી ગયો હતો. ડૉક્ટર અને ડબ-ડબ કસરત થાય એ માટે વહાણના પગથિયાં ચડ-ઉતર કરી રહ્યા હતા. એકદમ તાજા ઠંડા પવને વાતાવરણને ખુશનુમા બનાવી દીધું હતું. વહાણ પરનો દરેક જીવ ખુશ હતો. અને અચાનક, ડબ-ડબને પાછળ આવતા વહાણનો સઢ દેખાયો. ખાસ્સા દૂર દેખાતા એ વહાણનો સઢ લાલ રંગનો હતો.
“લાલ સઢ કેટલો વિચિત્ર દેખાય છે.” ડબ-ડબે કહ્યું. “મને લાગે છે કે તે વહાણમાં સારા માણસો નહીં હોય. ચોક્કસ જ આપણે મોટી મુસીબતમાં ફસાવાના છીએ.”
તે સમયે જિપ, કે જે સૂર્યના કૂણા તડકામાં ઝોકું મારી રહ્યો હતો તેણે બબડવાનું શરૂ કર્યું. તે ઊંઘમાં જ બોલ્યો, “મને શેકાયેલા ગૌમાંસની વાસ આવે છે. તે બદામી ગ્રેવીમાં શેકાયું છે છતાં કાચું રહી ગયું છે.”
“આ કૂતરાંને શું થઈ ગયું ?” ડૉક્ટર બોલી ઊઠ્યા. “તે ઊંઘમાં પણ સૂંઘે અને બોલે છે !”
“તેમાં નવાઈ પામવા જેવું નથી.” ડબ-ડબે કહ્યું. “કૂતરાંઓનું સૂંઘવાનું કામ ઊંઘમાં પણ ચાલુ જ હોય છે.”
“પણ તેને વાસ શાની આવે છે ?” ડૉક્ટરને આશ્ચર્ય થયું.
“એ વિચારવા જેવું છે. આપણા વહાણ પર તો ગૌમાંસ નથી રંધાઈ રહ્યું.” ડબ-ડબે વિચાર કરી કહ્યું. “કદાચ તે વાસ પેલા પાછળના વહાણમાંથી આવતી હશે.”
“પણ, તે અહીંથી દસ માઈલ દૂર છે. આટલા અંતરે રહેલી વસ્તુને જિપ કેવી રીતે સૂંધી શકે ?” ડૉક્ટરને ફરી આશ્ચર્ય થયું.
“બેશક સૂંઘી શકે. તમે એને જ પૂછો ને !” ડબ-ડબે જવાબ આપ્યો.
પછી જિપ જે હજુ ય ભરઊંઘમાં હતો, ફરી બબડવા લાગ્યો. જાણે તે ગુસ્સામાં ઘૂરકતો હોય તેમ તેના હોઠ ઉંચકાયા અને સફેદ અણીદાર દાંત ભીંસાયા. તે બોલ્યો, “મને ખરાબ માણસોની વાસ આવે છે, મારી જિંદગીમાં જોયેલા સૌથી ખરાબ માણસોની વાસ. હવે, મુસીબત આવવાની છે. એક મુકાબલો થશે. છ નીચ માણસો એક બહાદુર સાથે બાથ ભીડશે. મારે તે બહાદુર પુરુષને મદદ કરવી છે. ભાઉ... ભાઉ..” અને તે જોરથી ભસવા લાગ્યો, એટલા જોરથી કે તેની પોતાની જ ઊંઘ ઊડી ગઈ. તેના ચહેરા પર આશ્ચર્યના ભાવ હતા.
“જુઓ !” ડબ-ડબે ચીસ પાડી. “પેલી હોડી નજીક આવી ગઈ છે. તેના પર ત્રણ મોટા સઢ છે અને તે ત્રણેય લાલ રંગના છે. તે જે કોઈ પણ છે, આપણી પાછળ આવી રહ્યા છે. મને તો ડર લાગે છે કે તે આપણો પીછો કરી રહ્યા છે.”
“તે ખરાબ માણસો બાર્બરીના ચાંચિયા છે. વળી, તેનું વહાણ એટલું ઝડપી છે કે તે હવા સાથે વાતો કરી રહ્યું છે.” જિપે કહ્યું.
“તો તો આપણે ભાગવું પડશે. વહાણ પરના બધા સઢ ખોલી નાખો જેથી વહાણની ઝડપ વધી જાય અને આપણે તેમનાથી દૂર જઈ શકીએ. જિપ, જલદી નીચે જા અને જેટલા સઢ દેખાય એ બધા ખોલી નાખ.” ડૉક્ટરે ઈશારો કર્યો.
આથી, કૂતરો નીચે દોડ્યો અને એક પછી એક સઢ ખોલવા લાગ્યો.
તેમણે તે તમામ સઢને કૂવાં-થંભ પર ચડાવ્યા અને કૂવાં-થંભને પવનની દિશામાં ફેરવ્યો જેથી સઢમાં પવન ભરાય અને વહાણની ગતિ વધે. પરંતુ તેનાથી કામ બન્યું નહીં. આ બધું કરવા છતાં તેમનું વહાણ ચાંચિયાઓના વહાણ કરતા ધીમું દોડતું હતું. ચાંચિયાઓનું વહાણ તેમની નજીક ને નજીક આવી રહ્યું હતું.
“બમ્પોએ આપણને સૌથી નબળું વહાણ પકડાવ્યું છે.” ભૂંડ ગબ-ગબ બોલ્યું. “સૌથી ધીમું અને જૂનું. સૂપ ભરવાના કટોરાને દરિયાના પાણી પર વહેતું મૂકીએ અને તેની જેટલી ઝડપ હોય એટલી ઝડપ આની છે. અને આપણે ચાંચિયાઓ સાથે સ્પર્ધામાં ઉતર્યા છીએ ! જુઓ, તે લોકો કેટલા નજીક આવી ગયા છે. હવે તો વહાણ પર રહેલા છએ ચાંચિયાઓની જાડી મૂછો પણ દેખાય છે. આપણી આગળની યોજના શું છે ?”
અચાનક ડૉક્ટરને કંઈક સૂઝતા તેમણે ડબ-ડબને કહ્યું, “તું ઊડીને જા અને વાદળી પાંખોવાળા પંખીઓને પૂછ કે અમારી પાછળ ચાંચિયા પડ્યા છે તો બચવાનો કોઈ ઉપાય છે ?”
જયારે વાદળી પાંખોવાળા પક્ષીઓએ આ જાણ્યું તો તેઓ ડૉક્ટરના વહાણ પર આવ્યા. તેમણે ડૉક્ટરને કહ્યું, “વહાણ પર દોરડું હોય તો તેના ટુકડા કરી સંખ્યાબંધ પાતળી દોરીમાં ફેરવી નાખો. પછી તે દરેક દોરીનો એક-એક છેડો વહાણની આગળની બાજુએ બાંધો અને બીજો છેડો અમે ચાંચમાં પકડીને ઊડીશું. આ બધું શક્ય તેટલું જલદી કરવું પડશે.”
પછી, ડૉક્ટર અને વહાણના પ્રાણીઓએ તેમ કર્યું અને વાદળી પાંખવાળા પક્ષીઓ સંખ્યાબંધ દોરીના છેડા ચાંચમાં પકડી વહાણ ખેંચવા લાગ્યા. આમ તો તે કદમાં નાના હતા અને બહુ શક્તિશાળી પણ ન્હોતા પરંતુ સંપીને કામ કરી રહ્યા હતા. તે બે-ચાર હોત તો કંઈ ન કરી શકત પરંતુ બે હજાર પક્ષીઓ હજાર દોરીના છેડા પકડી વહાણ ખેંચી રહ્યા હતા.
આ નાના પક્ષીઓની મોટી મહેનતથી વહાણ દોડવા લાગ્યું. એક સેકન્ડમાં તો વહાણે એટલી ઝડપ પકડી કે ડૉક્ટરને પોતાની ટોપી ઊડી ન જાય એ માટે તેને બેય હાથે પકડી રાખવી પડી. એવું લાગતું હતું કે વહાણ પાણી ઉપર તરતું નથી પણ ઊડે છે ! પળભરમાં તો વહાણની ઝડપ એટલી થઈ ગઈ કે તેના તળિયે ટકરાતું પાણી પરપોટા બની હવામાં ઊડી જવા લાગ્યું.
હવે, વહાણ પર રહેલા બધા જ પ્રાણીઓ આનંદમાં આવી ગયા. કેટલાક તો એ ધસમસતા વહાણ પર નાચવા લાગ્યા. તેમણે પાછળ ફરીને જોયું તો ચાંચિયાઓનું જહાજ નાનું થતું જતું હતું. છેવટે, લાલ સઢવાળું વહાણ પાછળ છૂટી ગયું, પાછળ – ઘણું જ પાછળ.
ક્રમશ :
(ડૉક્ટર ડૂલિટલ અને પ્રાણીઓએ હાલ પુરતો તો ચાંચિયાઓથી છુટકારો મેળવી લીધો, પણ શું ચાંચિયાઓ એમ જંપીને બેસી રહેશે ? તેઓ તેમનો પીછો કરવાનું છોડી દેશે કે હજુ તેમની પાછળ પાછળ જ આવશે ? જો એવું થશે તો વાદળી પાંખવાળા નાના પક્ષીઓ વહાણને ક્યાં સુધી ખેંચી શકશે ? શું ચાંચિયાઓ વહાણને આંબી લેશે ? શું જિપે ઊંઘમાં જોયું હતું તેમ ડૉક્ટર અને ચાંચિયાઓ વચ્ચે ખરેખર મુકાબલો થશે ? કે પછી વાર્તામાં નવો જ વળાંક આવશે ? જાણવા માટે અચૂક વાંચજો ડૉક્ટર ડૂલિટલનું આગામી પ્રકરણ...)