Doctor Dolittle - 8 books and stories free download online pdf in Gujarati

ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 8

8. સિંહોનો રાજા...

વાંદરાઓના પ્રદેશમાં પહોંચી, જ્હોન ડૂલિટલ અત્યંત વ્યસ્ત બની ગયા. ત્યાં હજારો-લાખો વાંદરાઓ બીમાર હતા. પછી, તે ગોરીલા, ઉરાંગ-ઉટાંગ, ચિમ્પૅન્ઝી, બબૂન, માર્મોસેટ, ભૂરા કે લાલ મોઢાંવાળા વાંદરાઓ જ કેમ ન હોય. કેટલાક તો બિચારા મરી ગયા હતા.

આવી પરિસ્થિતિમાં ડૉક્ટરે સૌથી પહેલું કામ સાજા અને બીમાર વાંદરાઓને એકબીજાથી અલગ કરવાનું કર્યું. પછી, તેમણે ચી-ચી અને તેના પિતરાઈને ઘાસનું નાનું મકાન બનાવવા કહ્યું અને જે સાજા વાંદરાઓ હતા તેમને રસી આપવાનું શરૂ કર્યું.

જંગલો, ખાડીઓ, પર્વતો પરથી વાંદરાઓ સતત ત્રણ દિવસ સુધી ત્યાં આવતા રહ્યા. ડૉક્ટર ચોવીસે કલાક ત્યાં ઘાસના મકાનમાં બેસી રહેતા અને દરેકને રસી આપતા.

બાદમાં, તેમણે બીજું મોટું ઘર બનાવડાવ્યું. તેમાં ઘણી પથારીઓ કરવામાં આવી હતી. બધા જ બીમાર વાંદરાઓને તેમણે તે ઘરમાં રાખ્યા.

પણ, બીમાર વાંદરાઓની સંખ્યા એટલી મોટી હતી કે તેમની સારવાર માટે સેવાર્થીઓ ઓછા પડવા લાગ્યા. આથી, તેમણે સિંહ, ચિત્તા અને કાળિયાર જેવા અન્ય પ્રાણીઓને સંદેશ મોકલાવ્યો કે તેમણે વાંદરાઓની સારવાર માટે મદદ કરવી જોઈએ.

પણ, સિંહોનો રાજા ખૂબ અભિમાની હતો. ડૉક્ટરે બનાવડાવેલા વિશાળ મકાનમાં પ્રવેશી તેણે ગુસ્સામાં ત્રાડ પાડી, “તમારી હિંમત કેવી રીતે થઈ ?” તેની આંખોમાં રતાશ ઊપસી આવી હતી. “વાંદરાઓની સારવાર માટે તમે મને કહેવડાવ્યું, મને, જંગલના રાજાને ! સિંહ જંગલનો રાજા કહેવાય, પણ હું તો સિંહોનો ય રાજા છું. હું આ ગંદા વાંદરાઓની સેવા કરીશ એવું તમે કેમ માની લીધું ? અરે, હું તો આમને નાસ્તામાં પણ ન ખાઉં.”

સિંહ ખૂબ ગુસ્સામાં હતો છતાં ડૉક્ટરે સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કર્યો. “મેં તને તેમને ખાઈ જવાનું નથી કહ્યું.” તેમણે શાંતિથી કહ્યું અને ઉમેર્યું, “બીજી વાત એ કે તેઓ બિલકુલ ગંદા નથી, તે બધા આજે સવારે જ ન્હાયા છે. ઊલટું, તારી ગંદી કેશવાળી જોઈને એવું લાગે છે કે તારે વાળ ઓળવાની જરૂર છે. અને હવે હું તને જે કહેવા જઈ રહ્યો છું તે ધ્યાનથી સાંભળ... એક દિવસ એવો પણ આવશે કે બધા સિંહ બીમાર પડશે. અને જો તમે બીજા પ્રાણીઓને મદદ નહીં કરી હોય તો એવી મુશ્કેલીના સમયે તમને કોઈ મદદ નહીં કરે. તમે સૌ એકલા પડી જશો. અભિમાની માણસો સાથે આવું જ થતું હોય છે.”

“સિંહો ક્યારેય આફતમાં નથી પડતા – તેઓ બીજાને આફતમાં પાડતા હોય છે.” સિંહે નાકનું ઢીચકું ચડાવતા ગર્વથી કહ્યું. અને જાણે તે એકલો જ હોશિયાર હોય એવા ફાંકા સાથે પાછો ચાલ્યો ગયો.

પછી તો ચિત્તાઓનો અહંકાર પણ ઊછળ્યો. તેમણે ય મદદ કરવાની ના કહી દીધી. અને પછી કાળિયાર.... આમ તો તે શરમાળ અને ડરપોક જીવ છે, છતાં ડૉક્ટર સાથે ઉદ્ધતાઈથી વર્ત્યા. તેમણે જમીન પર પગ ઘસીને ધૂળ ઉડાડી અને ડૉક્ટરની ઠેકડી ઉડાવતા હોય એમ તીખાશથી બોલ્યા, “અમે આજ સુધી કોઈની સેવા કરી નથી.”

હવે, બિચારા ડૉક્ટરને ચિંતા થવા લાગી. તેમને થયું કે પથારીઓમાં પડેલા હજારો વાંદરાઓની સેવા કોણ કરશે ?

આ બાજુ, જંગલનો રાજા સિંહ તેની બોડમાં પાછો ફર્યો ત્યારે તેની પત્ની સિંહણ ઉદાસ બેઠી હતી. તે સામેથી દોડતી સિંહ પાસે ગઈ. “આપણું બચ્ચું કંઈ ખાતું-પીતું નથી.” સિંહણે કહ્યું. “મને સમજાતું નથી કે હું શું કરું ? પાછલી રાતથી તેના પેટમાં કંઈ જ ગયું નથી.” આટલું કહી સિંહણ રડવા લાગી અને ગભરાટથી કાંપવા લાગી. ભલે તે એક સિંહણ હતી પણ પહેલાં તે એક મા હતી.

સિંહણની વાત સાંભળી સિંહ બોડની અંદર ગયો અને બચ્ચાં સામે જોયું. બે આકર્ષક બચ્ચાં ફરસ પર સૂતા હતા, પણ તેમાંનું એક સાવ નબળું પડી ગયું હતું.

પછી સિંહે, ડૉક્ટરને જે જે વાત કહી હતી તે તમામ વાતો પોતાની પત્નીને ગર્વભેર કહી. આ સાંભળી સિંહણ ખૂબ ગુસ્સે ભરાઈ અને તેણે સિંહને બોડની બહાર કાઢી મૂક્યો. “તારામાં અક્કલનો છાંટો છે કે નહીં ?” તે બરાડી ઊઠી. “અહીંથી લઈ હિંદ મહાસાગર સુધીના બધા જ પ્રાણીઓ તે ડૉક્ટરના વખાણ કરતા થાકતા નથી. ગમે તેવી બીમારીનો ઈલાજ કરી શકતા તે ડૉક્ટર દયાળુ પણ છે. આખી દુનિયામાં તે એક જ વ્યક્તિ પ્રાણીઓની ભાષા સમજી શકે છે અને તું અક્કલનો ઓથમીર... આપણું બચ્ચું બીમાર છે ત્યારે તેનું અપમાન કરીને ચાલ્યો આવ્યો ! તારે સિંહોના નહીં પણ મૂરખાઓના સરદાર હોવું જોઈએ. તારા જેવા અડબંગ સિવાય કોઈ તે ડૉક્ટર સાથે ઉદ્ધતાઈથી વર્તવાનો વિચાર સુધ્ધાં ન કરે.”

પછી, સિંહણે તેના પતિની કેશવાળી ખેંચી.

“અત્યારે જ તે ડૉક્ટર પાસે જા અને તેમની માફી માંગ.” સિંહણે ચીસ પાડીને કહ્યું. “અને હા, તારા જેવા દિમાગ વગરના સિંહોને સાથે લેતો જજે. અને પેલા ચિત્તા અને કાળિયારને પણ... પછી ડૉક્ટર કહે એ પ્રમાણે વર્તજો, ખૂબ કામ કરજો, વાંદરાઓની સેવા કરજો, કદાચ તમારું કામ જોઈ ડૉક્ટર તને માફ કરી દે અને આપણા બચ્ચાંનો ઈલાજ કરવા રાજી થાય. હવે, નીકળ અહીંથી, મારું મોઢું શું જુએ છે ? તું પિતા બનવાને લાયક નથી !”

સિંહને તતડાવી સિંહણ બાજુની બોડમાં ગઈ અને તેમાં રહેતી સિંહણને બધું વિગતે જણાવ્યું.

આ બાજુ સિંહોનો રાજા ફરી ડૉક્ટર પાસે ગયો અને બોલ્યો, “હું અહીંથી પસાર થઈ રહ્યો હતો તો લાગ્યું કે લાવ ને અંદર ડોકિયું કરતો જાઉં. કોઈની મદદ મળી ?”

“ના,” ડૉક્ટરે કહ્યું, “મદદ કરવા કોઈ તૈયાર નથી. મને ખૂબ ચિંતા થાય છે.”

“આજના દિવસોમાં મદદ મળવી ખૂબ મુશ્કેલ થઈ ગયું છે.” સિંહે કહ્યું. “કોઈ પ્રાણીને મહેનત કરવી જ નથી. જોકે, તે માટે ખાલી તે એકલા જવાબદાર નથી. જયારે તમે મદદ માંગી ત્યારે મેં જ તમને મદદ કરવાની ના પાડી દીધી હતી અને હવે બીજા પ્રાણીઓ પર માછલાં ધોવાનો મને કોઈ હક્ક નથી. જોકે, મેં અહીં આવતા પહેલાં બીજા શિકારી પ્રાણીઓને તમારી મદદે આવવાનું કહ્યું છે. ચિત્તાઓ ગમે તે મિનિટે પહોંચતા જ હશે. અને હા, મારું બચ્ચું બીમાર પડી ગયું છે. તે વધારે પડતું બીમાર હોય એવું લાગતું નથી છતાં મારી પત્નીને ચિંતા થાય છે. જો તમે એ બાજુ નીકળો તો તેને એક વાર જોઈ લેશો, પ્લીઝ ?”

પછી, સિંહ, ચિત્તા, કાળિયાર, જિરાફ, ઝીબ્રા અને જંગલો, પર્વતો તેમજ મેદાનના બધા જ પ્રાણીઓ ડૉક્ટરની મદદે આવ્યા. આ વાતથી ડૉક્ટરને ખૂબ આનંદ થયો. ઊલટું, સેવાર્થી પ્રાણીઓ એટલા વધી ગયા કે ડૉક્ટરે હોશિયાર પ્રાણીઓને રહેવા દઈ બીજા પ્રાણીઓને પાછા કાઢવા પડ્યા.

હવે, વાંદરાઓ ખૂબ ઝડપથી સાજા થવા લાગ્યા હતા. અઠવાડિયું પૂરું થતા તો વાનરોથી ભરેલું મોટું મકાન અડધા ઉપર ખાલી થઈ ગયું. અને બીજા અઠવાડિયે તેમાં રહેલા છેલ્લા વાંદરાને પણ રજા મળી ગઈ.

ડૉક્ટરનું કામ હવે પૂરું થયું હતું. પણ, તેઓ એટલા થાક્યા હતા કે તેમણે પથારી પર લંબાવી દીધું. પછી સતત ત્રણ દિવસ સુધી પડખું પણ ફર્યા વગર તેઓ ઘસઘસાટ ઊંઘતા રહ્યા.

ક્રમશ :

(વાંદરાઓ સાજા થઈ ગયા છે એટલે ડૉક્ટરનું કામ પૂરું થાય છે. પણ, હવે તેઓ શું કરશે ? શું તેઓ કાયમ માટે આફ્રિકાના જંગલોમાં રોકાઈ રહેશે કે પછી ફરી ફડલબી જવા રવાના થશે ? જો તેઓ ફડલબી જવા નીકળશે તો તેમણે જોગિલિન્કીના પ્રદેશમાંથી પસાર થવું પડશે અને ત્યાંનો રાજા તેમને આસાનીથી પસાર નહીં થવા દે. જે પણ થશે, આપને ભરપુર મનોરંજન મળે તે રીતે વાર્તા આગળ ધપતી રહેશે. તો અચૂક વાંચતા રહેજો - ડૉક્ટર ડૂલિટલ – પ્રાણીઓની ભાષા જાણતા દુનિયાના એક માત્ર માણસની વાર્તા.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED