હું તો માછલી છું.....! Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું તો માછલી છું.....!

હું તો માછલી છું.....!

હું ત્યાં ઉભી હતી. એક સાવ સૂકું તળાવ હતું. ઉનાળાની કાળઝાળ દિવસોમાં પાણી સુકાઈ ગયું હતું. આખા ઉનાળા દરમિયાન ધરતીએ પાણીએ અને એમાં રહેતા જીવોએ કેવી ટક્કર લીધી હશે એ સ્પષ્ટ દેખાતું હતું. તળાવના તટની ચીકણી માટીમાં તિરાડો પડી હતી. ધરતી પણ અલ્લડ હોય છે સૂરજ સામે એટલી લડે છે કે ફાટી જાય પણ ઝુકતી નથી.....! એ પણ મૂળ તો નારી જાતિમાં આવે ને !

તળાવમાં એક નર માછલી હતી. સાવ સૂકા તળાવમાં એ શુ કરતી હશે ? અરે ! આની આંખો તો વિવેક જેવી છે! નજીક જતા જ મને એની આંખો ઓળખીતી લાગી.

વિવેક મને ચાહતો હતો પણ એ ખૂબ ગરીબ હતો. નોકરી માટે વલખા મારતો હતો. પણ ક્યાંય કોઈ ઉપલબ્ધી કિસ્મતમાં સાંપડતી નહોતી. એ બિચારો ભણ્યો ગણ્યો દરેક કામ કરવા તૈયાર થયો પણ ક્યાંય કામ મળતું જ નહોતું.

"તું ચિંતા શુ કામ કરે છે વિવેક નોકરી મળી જશે એક દિવસ.....!" હું એને કહેતી.

"મળી જશે એમ થોડી ચાલે મીરલ ? હું ભણ્યો ગણ્યો બધું કર્યું એનું કોઈ પરિણામ જ નહીં ? મારે કઈ અમીર નથી બનવું મીરલ પણ તને ખવડાવવા પીવડાવવા માટે કંઈક જોઈએ તો ખરાને ?"

બસ આટલું કહીને એ ચાલ્યો જતો. એની ઉદાસ આંખો રડવા માંગતી હોય એવું લાગતું પણ એ રડતો નહિ. કદાચ મારી આંખો ભીની થાય એ માટે જ નહીં રડતો હોય.

ખેર એને મળ્યા પછી પપ્પાને હું વાત કરતી અને એ પણ એવી જ આંખો બતાવીને કશું બોલ્યા વગર મારી સામે તાકી રહેતા. જાણે કહેતા ન હોય અહીં આવડા મોટા મકાનમાંથી તું ભાડાના ઝૂંપડામાં જઈશ ? તું સુકાઈ જઈશ ત્યાં ! અને પછી એ તને બરાબર નહિ રાખે તો ?

પણ એ બોલતા નહિ. કશું જ ન બોલતા. હું કહી ન શકતી કે આ તમારી મિલકત મારે નથી જોઈતી પપ્પા. એ બધું અપાહીજ ભુવાને આપવાનું છે. હું તો હાથે પગે ઠીક છું એ બિચારીનું કોણ ? પણ હુંય એવું બોલી ન શકતી.

પણ આ સાવ સૂકાઠઠ આ તળાવમાં શુ કરે છે ? મને નવાઈ થઈ. એ થોડીવારમાં મરી જશે. હું એની વધુ નજીક ગઈ. તો મને ખ્યાલ આવ્યો કે એની પાસે એક માદા માછલી સૂતી હતી. અને વિવેક જેવી જ આંખોવાળી એ નર માછલીની આંખોમાંથી પાણી સરતું હતું. એના આંસુ પેલી માદા માછલી ઉપર પડતા હતા અને એ શ્વાસ લઈ શકતી હતી કારણ કે નર માછલીએ રડી રડીને એક ખાબોચિયું ભર્યું હતું.

એકાએક જ મારી નજર થોડેક દૂર તરફડતી એક બીજી વૃદ્ધ નર માછલી ઉપર ગઈ. તેની આંખો બંધ હતી. હું દોડીને એની નજીક ગઈ અને એ એકાએક બોલી ઉઠી, " પેલી નર માછલી જે મારી દીકરીને રડી રડીને જીવતી રાખે છે એને કહેજે મને માફ કરે......!"

"પણ કેમ ? " મેં એ વૃદ્ધ નર માછલીને પૂછ્યું.

"કેમ કે જ્યારે આ તળાવ ભરેલું હતું ત્યારે મેં એને મારી દીકરી આપવાની ના પાડી હતી, હવે મારાથી હલાય એમ પણ નથી છેલ્લા શ્વાસ લઉં છું, મારી દીકરી માટે કશુંય કરી શકું તેમ નથી છતાં એ મારી દીકરીને હજુ જીવાડે છે......" એટલું કહીને એ વૃદ્ધ માછલીએ બળ કરીને આંખો ખોલી અને એની દીકરી જે પેલી નર માછલીના આંસુથી બનેલા ખાબોચિયામાં જીવતી હતી એ તરફ નજર કરી અને કાયમ માટે આંખો બંધ કરી દીધી.....!

પણ એ નિસ્તેજ આંખો જાણે મેં ક્યાંક જોઈ હતી. અરે ! આ તો મારા પિતા જેવી આંખો છે ! મેં વૃદ્ધ માછલીની આંખો બંધ કરી અને પેલી તરફ નજર કરી. હવે એ યુવાન નર માછલી પણ તરફડતી હતી.

મારાથી આ બધું જોયું જાય એમ ન હતું.....! પણ હું આ તળાવ કેમ કરીને ભરી શકું ? હું ફરી દોડીને એ બંને પાસે ગઈ. નર માછલી મૂર્છિત થઈ ગઈ હતી અને માદા માછલી એના આંસુના ખાબોચિયામાં પડી પડી રડતી હતી.

"તને શરમ નથી આવતી ? આમ એના આંસુમાં તું જીવે છે અને એને મરવા દે છે ? " મારાથી બોલાઈ ગયું.

"શુ કરું હું તો માછલી છું...... " એ બસ એટલું જ બોલી અને આંખો મારી સામે કરીને ટગર ટગર તાકવા લાગી. અને ફરી મને એક નવાઈ લાગી એ માદા માછલીની આંખો મારા જેવી હતી.....!

મને ઘણું બધું સમજાઈ ગયું. એકાએક વરસાદ શરૂ થયું અને તળાવમાં પાણી એકઠું થવા લાગ્યું. પેલી નર માછલી ઉપર વરસાદ પડ્યો એના શરીર નીચે પાણી આવ્યું અને તેને ફરી હોશ આવ્યો.

જોતજોતામાં ખાસ્સું પાણી એકઠું થયું અને નર માછલી માદા માછલીને વળગી પડી. બંને રડતા રહ્યા. એક બીજાને ચુમતા રહ્યા.

મેં એમનું મિલન જોયું અને પેલી વૃદ્ધ માછલીનો સંદેશ એ બંનેને આપ્યો. બંને હસીને સ્મિત વેરીને પાણીમાં ડૂબકી લગાવીને દોડી ગયા.

મારા ઘૂંટણ સુધી પાણી એકઠું થઈ ગયું હતું. હું ઝડપથી તળાવ બહાર નીકળવા દોડી.

બસ ત્યાં જ મારી આંખો ખુલી ગઈ. રૂમમાં દીવો ઝળહળતો હતો. દિવાની આછી જ્યોતમાં પપ્પાની તસ્વીરમાં આંખો ચમકતી હતી. જાણે કહેતી ન હોય , " મીરલ બેટા વિવેકને કહેજે જરૂર વરસાદ આવશે તમારા જીવનમાં અને સુખી જીવી શકશો તમે બરાબર પેલી માછલીઓ જેમ જ. અને મને માફ કરજો......"

હું ક્યાંય સુધી રડી. પણ છતાં એ આંસુ ખુશીના હતા છતાંય હું રડી. આખરે હું પણ માછલી છું......!

@ વિકી ત્રિવેદી