મારી પાસે મારો પતિ છે.....! Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી પાસે મારો પતિ છે.....!

મારી પાસે મારો પતિ છે.....!

- વિકી ત્રિવેદી

કમ્પાઉન્ડર બધાને લાઈનમાં બેસાડીને ગયો. તાવ વાળાને બહારના ભાગે જ્યાં તડકો પડતો હતો ત્યાં બેન્ચ પર બેસાડ્યા. મહિલાઓને અલગ બેન્ચ પર બેસાડવી અને પુરુષોને સામેની તરફ અલગ બેસાડવા એ એમનો નિયમ હતો.

આરતી એના પાંચ વર્ષના બાળકને લઈને બેન્ચ ઉપર બેઠી. આસપાસ બીજી મહિલાઓ બેઠી. એનો પતિ શુનીલ બેન્ચ પાસે આરતીના પગ પાસે ઉભો રહ્યો.

" માઈ ગોડ આરતી તું ?" મહિલાઓની બીજી બેન્ચ પરથી જાણીતો અવાજ આવ્યો. આરતીએ નજર ફેરવીને જોયું તો જિયા એક બેન્ચ ઉપર એના બાળકને લઈને બેઠી હતી.

"ઓહ જિયા તું કેમ અહીં ? " આરતીએ એના કોલેજ દિવસોની જેમ જ હસીને પૂછ્યું.

"મને થોડો ફેવર ( ફીવર ) છે હની એટલે....." હજુય જિયા એની અંગ્રેજી છાંટ મારીને બોલવાની રીત ભૂલી નહોતી. તે બોલી એટલામાં સામેની પુરુષોની બેન્ચ પર બેઠેલા જિયાના પતિ પ્રતીક ઉપર નજર પડી. તેના હાથમાં તેમનું બાળક હતું.

"ઓહ તો બેબીને કેમ લાવી ? " ફરી જિયા તરફ જોઈને આરતીએ પૂછ્યું.

"એને પણ થોડોક ફેવર છે......" જિયા બોલી અને કપાળ ઉપર ઉપસેલા પરસેવાના ટીપાં નેપકીનથી લૂછયા. આરતીને થયું પોતાનું બાળક બીમાર હોય અને ભલા કોઈ મા એને પુરુષના હાથમાં આપે કે પોતાના ખોળામાં રાખે ? એ વિચારે જ એના હાથમાં પોતાનું બાળક હતું એ અનાયાસ જ છાતીએ લગાવી દીધું.

"તું કેમ આવી ? " આરતી કઈ બોલી નહિ એટલે જિયાએ જ પૂછ્યું.

"મારા બેબીને પણ તાવ છે ખૂબ......" તે સ્વગત બોલતી હોય તેમ ધીમે બોલી.

"ઓહ પણ તુંય નરમ તો દેખાય છે."

"હા મને પણ તાવ છે થોડોક." આરતીએ કહ્યું ત્યાં એકાએક પ્રતિકના હાથમાં બેબી રડવા લાગ્યું. પ્રતીક ઉભો થયો અને જિયા પાસે જઈને એના હાથમાં બેબી આપી દીધું, "રાખ એને મારાથી નહિ રહે......"

આરતી જોઈ રહી. જિયાની સાડી તેના ઘરેણાં અને પ્રતીકના હાથમાં મોંઘી રિસ્ટ વોચ તેમજ ખિસ્સામાં બહાર લટકતી ગાડીની ચાવી જોઈને તેણે પોતાના પતિ તરફ નજર કરી. સસ્તા કાપડના કપડાં સિવાય તેની પાસે કઈ હતું નહિં. પછી પોતાના ઉપર જ નજર કરી. સાવ સસ્તી સાડી શરીર ઉપર એકેય ઘરેણું નહિ. તેને મનમાં થોડું દુઃખ થયું. જિયા કરતા હું વધારે રૂપાળી છું મારી પાસે આવા ઘરેણાં હોય તો હું કેવી સુંદર લાગુ ?

એ વિચારતી હતી ત્યાં જ છાતીએ વલગાડેલું એનું બાળક રડવા લાવ્યું. તરત જ શુનીલ એની પાસે આવ્યો. ખિસ્સામાંથી રૂમાલ કાઢીને એના બાળકના માથા ઉપર થયેલો પરસેવો લૂછયો. બેબીના માથા ઉપર કિસ કરી અને બાળક રડતું બંધ થઈ ગયું. શુનીલ ત્યાં જ આરતીના પગ પાસે નીચે બેસી ગયો. આજુબાજુ બધી મહિલાઓ જોવા લાગી.

વિચારોમાં જ આરતીએ બેબીને છાતીએ લગાવ્યું હતું. બંનેને તાવ આવતો હતો એટલે તેની છાતી પરસેવામાં ભીની થઇ ગઇ હતી. શુનીલે તેના હાથમાંથી બેબી લીધું અને રૂમાલ આરતીને આપીને ઈશારો કર્યો.

શુનીલે બાળકને રમાડવા લાગ્યો. તે નીચે જમીન ઉપર બેઠો હતો. પ્રતીક તો જિયાને બેબી આપીને સામેની બેન્ચ ઉપર બેસીને પગ ઉપર પગ ચડાવી મોબાઈલમાં કશુંક કરતો હતો. આરતીએ એ જોયું અને તેની છાતી અને ગળા પરથી પરસેવો લૂછયો. તેના મનમાં કશુંક ભયાનક ઉલકાપાત થતો હતો. મેં આવું વિચાર્યું જ કેમ કે મારી પાસે ઘરેણાં નથી ? મારા પતિ પાસે સારા કપડાં ગાડી કે બીજું કશુંય નથી ? તેની આંખમાંથી અનાયાસ પાણી પડ્યું. અને તરત લૂછી નાખ્યું.

*

કલાક પછી બધાના નમ્બર લાગ્યા. આરતી બેબી અને દવાની થેલી લઈને બહાર નીકળી. શુનીલ ડોકટર જોડે શુ ખાવું શુ પીવું એ વાત કરવા ઉભો રહ્યો.

જિયા બહાર ઉભી હતી. એની ગાડી પાસે બેબી લઈને એ ઉભી હતી પ્રતીક સામે ગલ્લા ઉપર પાન લેવા ગયો હતો. આરતીને જોઈને જિયાએ એને નજીક બોલાવી.

"આરતી શુ મળ્યું તને શુનીલ જોડે મેરેજ કરીને ?" એણીએ પૂછ્યું. આરતી ચૂપ રહી. જિયા છેક કોલેજ સમયથી જ એને કહેતી આરતી જો આ શુનીલ પાસે તને કશુંય મળવાનું નથી. ના ઘર ના ગાડી ન ઘરેણાં અરે તું તો મારા જેવી જ સુંદર છો તને પ્રતીક જેવો જોઈ કરોડપતિ મળી જ જશે. પણ આરતી એની વાત સાંભળતી અને બીજા કાને કાઢી નાખતી.

"કેમ બોલતી નથી ?" જિયાએ તેના ખભે હાથ મૂકીને કહ્યું કારણ કે આરતીની આંખમાં ભીનાશ હતી, "રડીને હવે કોઈ ફાયદો નથી આરતી....."

જિયા બોલે ગઈ પણ તેને સમજાયું નહીં કે આ ભીનાશ દુઃખની નથી.

"જો તો આરતી તું કેટલી થાકી ગઈ છે પહેલા કરતા પણ સ્લિમ બની છે. ના તારી પાસે એકેય ઘરેણું છે."

"ઘરેણું ?" એકાએક આરતી બોલી, "તને ઘરેણું નથી દેખાતું જિયા ?" કઈક મર્મમાં હસીને તેણીએ પૂછ્યું.

"નહિ તો ક્યાં ઘરે છે ઘરેણાં તારા ? " જિયાએ આંખો ફાડીને પૂછ્યું.

"અહીં જ છે જિયા મારી પાસે મારો પતિ છે....." કહીને એ રીક્ષા સ્ટેન્ડ તરફ ચાલી ગઈ. જિયા હાથ ઉલાળીને એની ગાડીમાં ગોઠવાઈ ગઈ.....!

આરતી જઈને એક રિક્ષામાં બેઠી. થોડીવારે શુનીલ આવ્યો. તેની પાસે પાણીની એક બોટલ હતી. તેણે દવાની થેલીમાંથી ગોળીઓ અને એક બોટલ કાઢી અને બેબીને બોટલમાંથી થોડી દવા પાઈ. ગોળીઓમાંથી એક કાઢીને આરતીને આપી.

"હમણાં ? "

" હા ડોકટરે કહ્યું છે એક હમણાં ભૂખ્યા પેટે... એટલે અહીં જ લઈ લે ઘરે જતા સુધી સારું થઈ જશે....."

કહેવું તો હતું કે મને ક્યારનુંય સારું થઈ ગયું છે શુનીલ દવા વગર જ પણ બોલી નહિ અને તેણીએ ટેબ્લેટ લીધી અને પાણીના ઘૂંટ સાથે ઉતારી દીધી. શુનીલે થેલી બંધ કરીને બરાબર મૂકી પછી રીક્ષા વાળાને એડ્રેસ આપ્યું.

રિક્ષા ઉપડી અને શુનીલ કઈક વિચારોમાં બહાર તાકતો બેસી રહ્યો. આરતી એને તાકતી રહી. કોલેજમાં શુનીલ એના માટે કવિતાઓ લખતો એમાંથી એક કવિતા એને યાદ આવી.....

હું ચાહું તને પણ એક હાથે તાળી ન પડે
તનેય મારી જેમ રંગે ઉલફત લાગવી જોઈએ

તારી નજરોમાં માન દેખાય છે મારા માટે પણ
હજુ થોડીક લાગણીઓ જાગવી જોઈએ

હું ક્યાં ઊંઘયો જ છું કે દિલને ચેન મળે મારા
ઊંઘ તારી ક્યારેક રાતોમાં ભાગવી જોઈએ

મારા દિલને ધડકવા તારી જરૂર લાગે છે સતત
કિન્તુ તનેય મારી એવી જરૂરત લાગવી જોઈએ

ખ્વાહિશ તો છે તને મેળવવાની જીવનમાં મને
પરંતુ તનેય એવી કોઈ હસરત જાગવી જોઈએ

તારી ગળીઓમાં રાતે પણ આવું છું ક્યારેક હું
તનેય એવી મારી કોઈ લત લાગવી જોઈએ

હું આને મહોબત કહું છું મારા દોસ્તો આગળ
તને પણ આવી કોઈ ચાહત જાગવી જોઈએ

મહોબત ખુદ એક દુઃખ છે આમ તો ઉપેક્ષિત
તોય બધાય દુઃખોમાં તને રાહત લાગવી જોઈએ

છેલ્લી પંક્તિઓનો આજે એને મર્મ સમજાતો હતો. તેણીએ બેબીને ફરી છાતીએ લગાવીને માથું શુનીલના ખભા ઉપર ઢાળી દીધું.

"જિયા પાસે ખૂબ ઘરેણાં છે નહીં અભિલાષા ?" શુનીલ કોલેજ સમયથી જ આરતીને અભિલાષા કહેતો. તેની કવિતામાં તે આરતીને અભિલાષા નામથી દર્શાવતો કેમ કે તેને મેળવવાની તેને અભિલાષા હતી - ઈચ્છા હતી - ઝંખના હતી.

"શુનીલ મારા જેવું ઘરેણું એની પાસે નથી....." આરતી બોલી.

"તારી પાસે આ ખોટા મંગળસૂત્ર સિવાય શુ છે ?"

" મારી પાસે મારો પતિ છે....." તે એટલું જ બોલી - બોલી શકી.....!

@ વિકી ત્રિવેદી