પુરુષ ખુદ જ ગુલામ છે ! Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુરુષ ખુદ જ ગુલામ છે !

પુરુષ ખુદ જ ગુલામ છે !

- વિકી ત્રિવેદી ( 7 ઓક્ટોમ્બર 2018 )

"ડેડ યુ આર રિયલી હાર્ટલેશ.....!" પગ પછાડીને ધરતી એના રૂમમાં ચાલી ગઈ. ધડામ કરતો દરવાજો બંધ થયો અને હર્ષલના હૃદય ઉપર જાણે હથોડો ઝીંકાયો. આ તે કેવી વિકલાંગતા માણસની કે એ સાચો હોય તોય એને પથ્થરનો કહી દે ? શુ દુનિયામાં કોઈ બાળકો માતા પિતાના પ્રેમને ચિંતાને કાળજીને નહિ સમજતા હોય ? કે.... કે પછી હું જ એક અભાગીયો છું ?

રૂમમાંથી ધરતીના ડુસકા બહાર આવતા હતા. દરવાજાની તડમાંથી બહાર પડતું અજવાળું કઈક અંધારું દૂર કરવા મથતું હતું પણ આખરે અંધારા સામેં દિવાની શી વિસાત ? એક આભલું રચાયું માત્ર એક પટ્ટી જેવું પ્રકાશપુંજ માર્બલ ઉપર રેલાતું ઝળહળતું રહ્યું અને આસપાસ અંધારું એને ભરખી જવા શેતાની હાસ્ય વેરતું જાણે ખડું હતું !

એવો જ એક નાનકડો દીવો હતો ધરતી. હર્ષલના જીવનમાં અંધારા અંધકારભર્યા જીવનમાં એક જ નાનકડી જ્યોત વધી હતી ધરતી. એ પણ હવે એમ સમજતી હતી કે પપ્પા પથ્થર છે ! માણસ કેવો લાચાર છે નહીં ? એની પાસે બે હાથ છે બે પગ છે બે આંખો છે સમજવા વિચારવા મગજ છે દલીલો કરવા તર્ક છે બોલવા માટે જીભ છે અભિવ્યકતી માટે ભાષા છે અને છતાંય તે જાણે સાવ પાંગળો છે, નથી શુ ?

હર્ષલે ખિસ્સામાંથી પર્સ કાઢ્યું. પર્સમાં બે વર્ષની અમૃતાના બે ત્રણ ફોટા હતા એક છાપાનું કટિંગ હતું. એક બે ફોટા તેની પત્ની માધુરીના હતા અને એક બીજું છાપાનું કટિંગ હતું. તેણે એમાંથી એકએક ફોટો અમૃતાનો અને માધુરીનો પેલા બે છાપાના કટિંગ અને એક પત્ર સાચવીને કાઢ્યા. ટેબલ ઉપરથી પેપર વેઇટ લઈને એ ધરતીના રૂમના દરવાજે ગયો. દરવાજાની તડમાંથી આવતા પ્રકાશમાં ફોટા અને કાગળ મૂકી એના ઉપર પેપર વેઇટ મૂક્યું.

હવે આ એક જ રસ્તો છે હર્ષલ. એને બધું કહ્યા વગર છૂટકો જ નથી. એ મનોમન બબડયો.

હર્ષલ બહાર ચાલ્યો ગયો. ચાલીસ વર્ષની ઉંમરે હવે એને એમ થતું હતું કે મોત આવે તો ઠીક. ઠીક જ કેમ સુંદર ઘડી કહેવાય એ તો. પછી હું ચૂપ થઈ જઈશ. બોલીશ નહિ. આમેય હું બોલું છું એ ધરતીને ક્યાં ગમે છે ?

અશોક ગાર્ડન સુધી ચાલતા ચાલતા તેના હાથ પગ જાણે જમાનાથી ખાધું ન હોય એમ ઢીલા પડીને ભયાનક ધ્રુજતા હતા. બોલવા માટે શબ્દો હતા પણ શું બોલે ? કેવળ આંખો જ કહેતી રહી - વહેતી રહી !

ગાર્ડનના બાંકડા સુધી પહોંચ્યો ત્યાં સુધી એને થયું પડી જઈશ......! એમ ઈશ્વર કોઈને કઈ હૃદયનો હુમલો આપીને મોત પણ થોડી આપે છે ? પથ્થરનો અમસ્તો જ છે ઈશ્વર !

તે બાંકડા ઉપર બેઠો. ગાર્ડનના ગેટ પાસે ટ્યુબલાઈટ ઝળતી હતી. તેની આસપાસ ફૂંદા ઉડતા હતા. હર્ષલ એ તરફ તાકી રહ્યો. જાણે એને ત્યાં કઈક દેખાતું ન હોય!

આવો જ એક નવરાત્રીનો દિવસ હતો. ધરતી મામાના ઘરે રાજકોટ હતી. માધુરી અને મોટી દીકરી સ્મિતા બંને કલબના ગરબા જોવા ગઈ હતી.

રાતે મોડા સુધી માધુરી આવી નહિ એટલે હર્ષલ ઘડિયાળ જોઈ જોઈને થાકીને આખરે સુઈ ગયો હતો. એને માધુરી કરતા વધુ ફિકર સ્મિતાની હતી. એ હજુ આઠ જ વર્ષની હતી. એને ઊંઘ આવતી હશે તો ? છે ને માધુરી એની સાથે એમ મન મનાવી એ સુઈ ગયો હતો.

સવારે જાગ્યો ત્યારે એકાએક જ એને ખ્યાલ આવ્યો કે માધુરી રાતે પાછી આવી જ નથી. તે હજુ કઈ વિચારે સમજે કે કરે એ પહેલાં જ દરવાજો ખખડયો.

એના જીવમાં જીવ આવ્યો. હાશ ! ક્યાંક બહેનપણીના ઘરે રાત રોકાઈ ગઈ હશે. શુ નામ એનું હા પેલી નયનાનું ઘર ત્યાં જ છે. હવે આવી હશે.

એ દરવાજે ગયો અને દરવાજો ઉઘાડયો ત્યાં જ ધ્રાસકો પડ્યો. દરવાજે પોલીસ ઉભી હતી. પી.એસ.આઈ. ઝાલા ખુદ દરવાજે ઉભા હતા. ઝાલા સાહેબને એ એક બે વાર મળેલો ખરો એટલે થોડીક ઓળખાણ હતી.

"તમે સાહેબ ? "

"માફ કરજો હર્ષલભાઈ પણ સમાચાર ખરાબ છે....."

"એટલે ?" તેના હૃદયનો ધ્રાસકો આંખોમાં ડોકાઇ આવ્યો. ઝાલા ઘડીભર હેબતાઈ ગયા. આને કહેવું કે નહીં ? ક્યાંક સાંભળીને........ છતાંય એને પોલીસ ફરજ નિભાવવાની હતી.

"તમારી દીકરી અને પત્ની હોસ્પિટલમાં છે મી. હર્ષલ....." ઝાલાએ કેપ સરખી કરતા કહ્યું.

"પણ શું થયું છે ? " ઝાલાના ખભા પકડીને તેમને હચમચાવી નાખ્યા. પોતે એક પોલીસ અફસર સાથે વાત કરે છે એ પણ ભૂલી ગયો. હોસ્પિટલ શબ્દ જ કેવો ભયાનક છે ?

"તમે ચાલો મારી સાથે ફરિયાદ પણ નોંધવાની છે હજુ....."

ફાટી આંખે જ હર્ષલ શર્ટ પહેરીને આવ્યો. ઝાલા એને હોસ્પિટલ લઈ ગયા.

રૂમમાં એક ખાટલા ઉપર માધુરી સૂતી હતી. તેની આંખોમાંથી આંસુ સરતા હતા. હર્ષલ એને જોતા જ દોડીને તેની પાસે ગયો. પણ માધુરીએ મોઢું ફેરવી નાખ્યું.

"શુ થયું માધુરી ?" તેણે હાથ પકડીને પૂછ્યું પણ એ બોલી ન શકી એના ગળામાંથી કેવળ ડુસકા જ નીકળ્યા.

પાછળથી ઝાલાએ આવીને હર્ષલના ખભે હાથ મુક્યો, "એ બંને ઉપર....... એ બંને ઉપર રેપ થયો છે."

ધડામ કરતોક ને ખાટલા ઉપર હર્ષલ ફસડાઈ પડ્યો. અને બીજી જ પળે ઉભો થઇ ગયો, "સ...... સ્મિતા ક્યાં છે ? "

"માધુરી સ્મિતા કયા છે...... ઇન્સ્પેકટર મારી સ્મિત..... સ્મિતા......"

"સી ઇઝ નો મોર......." ડોકટરે તેના ખભે હાથ મૂકીને કહ્યું, "તેનો રેપ કર્યા પછી........" ખુદ ડોકટર પણ આગળ બોલી ન શક્યા.....!

ત્રણ દિવસે માધુરી ચાલતી થઈ હતી પણ લાશની જેમ. સ્મિતાનો ચહેરો એની આંખોથી ખસતો ન હતો. ધરતીને મામાના ઘરે જ રાખવાનું બધાએ કહ્યું હતું એટલે એને ત્યાં જ રાખી હતી.

સ્મિતાનું ક્રિયાકર્મ પત્યું ત્યાં સુધી ઝાલાએ માણસાઈ ખાતર કોઈ ઇન્વેસ્ટિગેશન કરવા માટે હર્ષલ કે માધુરીને બોલાવ્યા ન હતા. માધુરી તો આમેય કશું બોલતી જ નહોતી.

તેરમાં દિવસે હર્ષલ પોલીસ સ્ટેશન ગયો અને વળતો આવ્યો ત્યારે તેના સંસારમાંથી બીજી એક વ્યક્તિ પણ ખસી ગઈ હતી. રૂમમાં પંખે માધુરીની બોડી લટકતી હતી અને હાથમાં કાગળ હતું.....!

આ બધું થયા પછી હર્ષલ પણ એવું જ કંઈક કરોત પણ એને એકલો પડવા જ દીધો ન હતો. ધરતીને એ પછી મામાના ઘરે જ ભણાવી હતી. એ સમજતી થઈ ત્યારે એમ જ કહ્યું હતું કે એની મમ્મી અને બહેન અકસ્માતમાં ગુજરી ગયા છે. છેક કોલેજમાં આવી ત્યારે એને ઘરે લાવી હતી.

બાંકડાના પાછળના ભાગે સૂકા પાંદડા ઉપર ખડખડાટ થયો. ડુસકા ભરતી ધરતી ઉભી હતી. હર્ષલે આંખો લૂછીને એ તરફ નજર કરી અને ધરતી હાથમાં કાગળ અને ફોટા લઈને દોડી અને હર્ષલને ભેટી પડી.

"પપ્પા......." આગળનું સોરી એ બોલી ન શકી.

"તારો વાંક નથી બેટા....." તેના માથા ઉપર વ્હાલથી હાથ ફેરવતા હર્ષલે કહ્યું, "મને એમ કે તને આ બધું કહીશ તો તું પણ મારી જેમ દુઃખી જીવીશ..... એટલે કહ્યું નહોતું. અને કહ્યા વગર શુ ખબર પડે કોઈને ? પણ બેટા તમે પુરુષને જેવો સમજો છો એવો એ નથી. પિતા ભાઈ કે પતિ સ્ત્રી ઉપર અમુક બંધનો રાખે છે એના કારણો બીજા ખરાબ પુરુષો છે. હેવાનો છે. પણ અમને પુરુષોને એ બધું સમજાવતા નથી આવડતું એટલે તમને અમે ગુલામ બનાવીએ એવું લાગે છે......."

ધરતી કઈ બોલી તો ન શકી પણ હર્ષલના મોઢા ઉપર હાથ મૂકીને એને આગળ કઈ બોલવા ન દીધો. ક્યાંય સુધી એ બાંકડા ઉપર બંને રડતા રહ્યા.

"ચલો પપ્પા ઘરે મારે ક્યાંય ગરબામાં નથી જવું હું ફ્રેન્ડ્સને ના કહીને આવી..... કે હું જઈશ તો પપ્પા સાથે જઈશ તમારી સાથે નહિ અવાય...."

ને બંને બાપ દીકરી ઘર તરફ ચાલવા લાગ્યા..... એક હૃદયનો બોજ ઉતારીને ચાલતો હતો ને એક દુનિયાનો બોજ ઉઠાવીને.

@ વિકી ત્રિવેદી