થોડીક વાતો ઢળતી સાંજે.....! Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થોડીક વાતો ઢળતી સાંજે.....!

થોડીક વાતો ઢળતી સાંજે.....!

- વિકી ત્રિવેદી ( 9 oct. 2018 )

સૂરજ ઉગીને ધસમસતો આકાશમાં ચડવા લાગ્યો હતો જાણે ઊંચે ચડીને હિમાલયની પેલી તરફ ઉભી એની મહેબૂબાને જોવાની ઉતાવળ ન હોય ? એમ યુવાન આશીકની જેમ દોડ્યો હતો.

તદ્દન એમ જ સીડીઓ ચડીને જવાહર અગાસી પર જતાં હતાં. પાછળના બાગીચામાં કબુતરોને દાણા આપતી બંસીને જોવા માટે એ હમેશા વહેલા તૈયાર થઈ જતા. પણ જુવાની જેમ હવે અવનવા કપડાં ન પહેરતા. તેમણે સફેદ લેંઘો અને શર્ટ પહેર્યા. માથામાં આછા વાળ ઠીક કર્યા અને મૂછો સરખી કરી. તૈયાર થઈને છાપું ઉઠવ્યું અને બહાર નીકળી કમાંડ દીધું ( દરવાજો બંધ કર્યો ) પણ એ સૂરજ જેમ યુવાન ન હતા. સાહિઠ ઉપર સાત વર્ષ જૂનું શરીર હતું. ધીમે પગલે અને એક હાથે રિલિંગ પકડીને તે અગાસીએ પહોંચ્યા. રોજની આદત મુજબ છાપું ખુરશીમાં નાખ્યું અને પાછળના કઠેડા પાસે પહોંચ્યા.

ગુલાબી સાડીમાં સજ્જ બંસીના અર્ધા સફેદવાળવાળા અંબોડા ઉપર સૂરજ કિરણો પાથરતો હતો. બંસી એક હાથમાં ડિશ પકડી બીજા હાથે કબૂતરોને દાણા આપતા હતા. થોડીવારે ડિશ ખાલી થઈ. સાડીનો છેડો ખોસીને બંસીએ પહેલાં જાણે તડકા સામે જોઇને સમય જોઈ લીધો અને જાણે કઈક ચોક્કસ સમય થઈ ગયો હોય તેમ છત તરફ નજર કરી. મરક મરક હસતા જવાહર રોજની જેમ ટટ્ટાર ઉભા હતા. બંસીના ગોરાડુ ( સફેદ ) ચહેરાની કરચલીઓમાં સંચાર થયો. તેણીએ છત તરફ માથું નમાવીને હાથ જોડ્યા. સૂરજ દેવ અને પતિ દેવ બંને એ તરફ હતા.

બંસી હજુય તારું સ્મિત એવું જ છે હો. જવાહર મનમાં બબડીને ખુરશી તરફ પાછા વળ્યા. આ રોજ સૂરજને માથું કેમ નમાવતી હશે એ મને નથી સમજાતું. માથું ધુણાવીને એમણે છાપું ઉઠાવ્યું અને વાંચવા લાગ્યા.

આ રોજની આદત હતી. જવાહર જાગે અને તૈયાર થાય એ પહેલાં બંસી બગીચામાં જતા. કબૂતરોને દાણા નાખતા. અલગ થઈ ગયેલા દીકરા આશિષ અને વહુ કુસુમ તેમજ પૌત્રી લવીનાને યાદોમાં મમળાવતા ત્યાં સુધી જવાહર જાગીને તૈયાર થઈ જતા. ઉપર આવતા અને એમને જોતા એ બધું બંસી જાણતા હતા. બંસી નાના હતા યુવાન ત્યારે એમની સગાઈ થયેલી. બંસીના ઘર આગળ ગાયો માટે મેદાન હતું. સાંજે તે ત્યાં કબૂતરોને દાણા નાખવા જતા ત્યારે સગાઈ નવી નવી થયેલી. મેદાનની પેલી તરફના મંદિરે જવાહર નવા નક્કોર કપડાં પહેરીને આવતા અને બંસીને જોતાં. મળવાનું ત્યારે જાહેરમાં થતું નહીં. પણ બસ આમ જોતાં ખરા. બંસી પણ તૈયાર થઈને જ જતા. આ પ્રેમમાં રતીભાર ફરક આવ્યો નહોતો. જુવાની ગઈ સમય વીત્યો બધું જ ગયું પણ પ્રેમ જેમનો તેમજ રહ્યો હતો. જવાહર કવિ હતા. કવિતાનો ઢગલો સગાઈ પછી લખ્યો હતો અને લગન પછી એ બધી કવિતાઓ બંસીને સંભળાવી હતી. શરૂઆતમાં તો બંસી પાકી જતા કંટાળી જતા પણ સાથે રહ્યા પછી સમજાયું કે કવિએ જે લખ્યું છે એ એક એક શબ્દે શબ્દ મુજબ સાચે જ પ્રેમ કર્યો છે. હા ક્યારેક ભૂલ હોય તો ગાળ દેતા ખરા પણ એમાંય બંસી પછી તો પ્રેમ ભાળી ગયા હતાં.

જવાહર છાપું ઉથલાવતા હતા અને જાણે નીચેથી મોગરાના છોડને પગ આવ્યા હોય ને એ અગાસી ઉપર આવ્યો હોય એવી ખુશ્બુ ફેલાઈ ગઈ. તેમણે મલકીને સીડીઓ તરફ જોયું. બંસી ચા ના કપ લઈને આવ્યા હતા.

"બંસી રોજ ત્રીજું પાનું વાંચું એટલામાં તું આવી જાય છે રતીભાર ફરક નથી પડતો તારા સમયમાં...... ખરી છો હો....."

"અચ્છા ? " બીજી ખુરશીમાં બેસતા બંસી બોલ્યા, "ને ડોશા તમેય કઈ ઓછા નથી હો મારી દાણા ભરેલી ડિશ પુરી થાય એ પહેલાં અહીં અગાસીએ પહોંચી જાઓ છો. હું તો જાગતી હોઉં એટલે સમયસર આવું છું પણ તમે તો ઊંઘમાંથી સમયસર જાગીને આવો છો."

"હશે હવે એ જવાદે ને ચા આપ....."

"કેમ આજે કવિતા નથી સંભળાવવી ? " કપ આઘો કરતા બંસી બોલ્યા. તેમના હાથમાં કરચલીઓ પડી હતી. હાથ થોડા ધ્રુજતા હતા.

"હવે જ્યારે જીવન જ કવિતા જેવું છે ત્યારે કવિતાને શુ કરવાની ?" જવાહર ચા પીવા લાગ્યા પણ એમની આંખમાં થોડી ઉદાસી છલકાઈ ગઈ.

"શુ થયું કવિ ?" તેમના ઘૂંટણ ઉપર હાથ દબાવી બંસીએ પૂછ્યું.

"બંસી બધું ઠીક જીવનમાં એકેય ખોટ નથી આવી પણ એવું તે શું ખૂટયું આપણા પ્રેમમાં કે કુસુમને ફાવ્યું નહિ હોય ?"

"આવી વાતો શાને કરો છો કવિ ? તમારા મોઢે તો પ્રેમની વાતો શોભે હશે ભાઈ જુવાન છે તો એમને એમની રીતે જીવવા દો...."

"મેં ક્યાં કહ્યું કે બાંધીને રાખવા છે કોઈને ? તને મેં કદી રોકટોક કરી ? તો છોકરાઓને શુ કામ કરું પણ લાગે તો ખરા ને કે કશુંક ખૂટે છે ?"

બંસી કઈ બોલ્યા નહિ. એ ચૂપચાપ ચા પીતા રહ્યા. એમની આંખ ભીની થઇ પણ રડ્યા નહિ કેમ કે તે કવિના હૃદયને ઓળખતા હતા. સાવ પોચા હૃદયના કવિ ફટ કરતા રડી લેતા.

"પણ બંસી તું ખરી હો......"

"આવું તમે હજાર અરે હજાર નહિ લાખ વાર કહ્યું છે ભાઈસાબ હવે મુકો એ પીપુડી......"

"આવા શબ્દો બોલીને અપમાન નહિ કર મારી લાગણીઓનું. હું કવિ છું જે દેખાય એ બોલું ખોટા વખાણ કરવાની તો આદત જ નથી."

"હા પણ હું નવી નવી આવી ત્યારે તો તમે કેવું કહેતા કે તારે શુ ? તારે તો બસ રસોડામાં બે ટાઈમ રાંધવાનું હોય બહાર દુનિયા સામે તો અમારે લડવાનું હોય."

"ને પછી મેં એમેય કહ્યું હતું ને બંસી કે જે દુનિયા સામે લડી શકે એ પુરુષ સામે લડવાની શક્તિ તમારા અંદર હોય છે. એ ભૂલી ગઈ ?"

"ના રે ક્યાંથી ભૂલું ? મને યાદ છે તમે નોકરી છોડી ત્યારે કહેતા હતા કે બંસી મારુ કામ પૂરું થયું પણ તારું ન થયું. પહેલા મારા માટે બે ટાઈમ રાંધવાનું પછી એમાં છોકરાની જવાબદારી આવી ને હું તો કામથી છુટ્ટો થઈ ગયો તોય તારે એનું એ જ રસોડું રહ્યું."

"અરે વાહ મને તો એમ કે તું ખાલી મારી કડવી વાતો જ યાદ રાખતી હોઈશ." કવિએ ખુશ થઈને કહ્યું હતું.

"કવિ, ખાલી કડવી વાતો યાદ રાખે ને એ સ્ત્રી કદી જીવી ન શકે. સ્ત્રી કેમ આખી જિંદગી એકનું એક કામ કંટાળ્યા વગર કરી શકે છે ખબર છે ? "

"નહિ તો......"

"કેમ કે એ ખાલી મીઠી યાદો જ સાચવે છે. તમે મને ક્યારે ગાળ દીધી એ મેં યાદ નથી રાખ્યું. તમે ગાળ દેતા ત્યારે હું તો અંદરથી હસતી સાચુકલો ગુસ્સો આવે તો કઈ સાંજે જમવાનું બનાવ્યું હોય ?"

"ઓહ તારી તો તો તું મને બનાવી ગઈ એમને. હું તો આખો દિવસ ચિંતા કરતો કે બંસીને માઠું લાગ્યું હશે. ને સાંજે આવીને તને મનાવતો. એ બધું કરવાની જરૂર જ ન'તી એ હવે ખબર પડી."

"જરૂર ન'તી ? તો કવિ આપણો દિવસ કેમ જાઓત ? આ ઘરમાં બેઠા બેઠા મારો દિવસ કેમ જાય ? તમને ખબર છે તમે ઝઘડીને જતા પછી હું વિચારતી કે હવે કવિ શુ વિચારતા હશે ? સાંજે આવીને શુ કહેશે ? મને મનાવવા વળી પાછું ક્યાંથી સાવ સસ્તું શુ લઈને આવશે ? એમાં મારો દિવસ જતો. બાકી મારો દિવસ કેમ જાય ?" બંસી જાણે આકાશમાં કશુંક દેખતા હોય એમ બોલ્યા અને આંખો ભીની થઇ આવી. "જવાહર યાદો ન હોય તો માણસ એક સેકન્ડ પણ ન જીવી શકે..... સવારની યાદમાં માણસની સાંજ પડે છે. આજની યાદમાં માણસની કાલ વિતે છે."

"અને હું એવી અઢળક યાદ આપીને જઈશ બંસી કે મારા ગયા પછી તારા દિવસો આરામથી જશે......"

"બસ બસ આવું ન બોલો......." કહી બંસીએ હાથ ઊંચો કર્યો.

પણ હાથ ઊંચો કર્યો એવા તો ડિશમાંથી બધા દાણા ઢોળાઈ ગયા. ડિશ છટકીને ઘાસ ઉપર પડી અને કબુતરો પાંખો ફફડાવીને ઉડી ગયા.

"શુ થયું દાદી ?" લવીનાએ પૂછ્યું.

"કઈ નહિ દીકરા......" ખાસ્સી મિનિટો પછી બંસી વર્તમાનમાં આવ્યા. તેમણે સફેદ સાડીનો છેડો ખોસ્યો. ડિશ ઉઠાવી અને છત તરફ જોયું. જાણે કવિ મલકતા ઉભા હતા. ઉપર સૂરજ દેવ આવી ગયા હતા.

બંસીએ માથું નમાવીને હાથ જોડ્યા અને મનમાં જ કહ્યું, "સૂરજ દેવ એમને કહેજો કે હું આટલા વર્ષોથી એમને હાથ જોડતી હતી સૂરજને નહિ......."

"મારે મોડું થાય છે દાદી....." લવીનાએ કહ્યું.

"તારી મમ્મીએ જમવાનું બનાવી દીધું ?" જવાહરના ગયા પછી બંસીની તબિયત ઠીક રહેતી નહિ એટલે દીકરો અને વહુ એમને લઈ જવા આવ્યા હતા પણ એ ગયા નહિ. ઘર અને યાદો છોડીને જવું એમને ન ગમ્યું એટલે કુસુમે જ અહીં રહેવા આવવાનો નિર્ણય કર્યો હતો. ખાસ્સા સમયે એની અંદર પણ હવે સમજ આવી હતી.

"હા ક્યારનુય......"

"હમમમમ........" કહી બંસી લવીનાને લઈને ઘર તરફ ગયા. ઉપર છત ઉપર સૂરજ ચમકતો હતો. બે વર્ષ થયાં પણ એ છત ઉપર જાણે આજેય જવાહર ઉભા હોય એમ બંસી એ તરફ એક નજર કર્યા વગર રહી ન શકતી.

@ વિકી ત્રિવેદી