સેકન્ડ મેરેજ વિથ ફર્સ્ટ લવ.....! Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સેકન્ડ મેરેજ વિથ ફર્સ્ટ લવ.....!

સેકન્ડ મેરેજ વિથ ફર્સ્ટ લવ.....!

@ વિકી ત્રિવેદી ( 14 oct 2018 )

"એટલે તું ડરે છે નિધિ ? તે કઈ પાપ કર્યું છે ?" તે ચિલ્લાઈ ઉઠ્યો. એનાથી સમાજની આવી વાહિયાત વાતો સહન ન થતી.

"પાપ અને પુણ્ય સાપેક્ષ છે વિક્રમ......" નિધિ આકાશમાં જોઈને બોલી, તેની આંખો ભીની હતી, "આ દુનિયા પાપ પુણ્ય કે સારા ખરાબ ઉપર નથી ચાલતી દેખા દેખી ઉપર ચાલે છે. રિવાજો ઉપર ચાલે છે."

"એ બધું તારે મારી લાઈફમાં આવતા પહેલા વિચારવું જોઈએ ને ?"

"હું સમજતી નહોતી ત્યારે....." કહી નિધિ આડુ જોઈ ગઈ.

"નહિ ? ત્યારે તું 22 વર્ષની હતી આજે 24 ની છે ફક્ત 2 વર્ષમાં તું સમજદાર થઈ ગઈ ? અને પહેલા મૂર્ખ હતી એમ ? કે પછી હવે રસ નથી તને આ માણસમાં ? કે પછી જ્યાં તારા ઘરવાળા નક્કી કરે એ છોકરો સુખી છે પૈસાદાર છે ?"

"તું મને આવી સમજે છે ?"

"એમાં બીજું સમજી પણ શું શકાય ? અને તું આવા છોકરીઓ જેવા ડાયલોગ બોલે છે એનો અર્થ તો એ જ થયો ને કે તું એવી જ છે જેવી બાકીની હોય છે. તું કહેતી હતી કે હું અલગ છું બધાથી તો બતાવ શુ અલગ છે તારી અંદર ?" વિક્રમે ગુસ્સેલ તો હતો જ એમાંય તેનાથી તર્ક વગરની વાતો સહન ન થતી.

"મારી અંદર......." નિધીને કઈ સુજ્યું નહિ. તે વિક્રમ સામે નજર પણ મેળવી ન શકી છતાં ધીમેથી બોલી, "હું તારી જોડે ભાગી જવા તૈયાર છું......"

"કરી નાખી હલકટ છોકરી જેવી વાત ?" કઈક મર્મમાં વિક્રમ હસ્યો, "તું ભાગવા તૈયાર હો પણ હું શું કામ ભાગુ ? મેં તો તને ચાહી છે કઈ લફરું નથી કર્યું. તને જરૂર ન હોય તો મારે તને જબરજસ્તી કઈ નથી ચાહવી......"

"તું મને હર્ટ કરે છે વિક્રમ હવે..... પ્લીઝ......."

"બસ હવે નિધિ પ્લીઝ, તમારા જેવી છોકરીઓને લીધે જ કોઈ આજકાલ આવા પ્રેમ બ્રેમમાં નથી પડતું બસ લફરાં જ કરે છે." કહી વિક્રમ ચાલ્યો ગયો. નિધિ એને કશુંય કહી ન શકી.

કહે પણ ક્યાંથી ? ના વિક્રમે કદી એને મળવા બોલાવી હતી ન કદી એને સ્પર્શ કર્યો હતો. ઉલટા ક્યારેક નિધીને મનમાં એવા વિચાર આવતા પણ વિક્રમે ક્યારેય એવી કોઈ માંગણી કરી નહોતી. હી વોઝ રિયલી ડિફરન્ટ.

આજે અત્યારે એ ઘરમાં બેઠી હતી. પિયરમાં. ડાયવોર્સ લઈને. મનહર અલરેડી કોઈ છોકરી જોડે ગોઠવાયેલો હતો. ખાસ્સા તો એ પૈસા પણ પડાવતી. છ મહિના એરેન્જ મેરેજ ટક્યા. સાસુને પણ ખબર હતી મનહર વિશે. અરે મનહરની બહેને જ તો એ સેટિંગ કરાવી આપ્યું હતું ! ઘરમાં બધા બધું જાણતા હતા.

પહેલી વાર નિધીને સમજાયું હતું કે પુરુષ કૃષ્ણ જેવો નહિ રામ જેવો જોઈએ. મર્યાદા પુરુષ તો રામ છે. દરેક પુરુષ રામ હોવો જોઈએ કૃષ્ણ નહિ. પણ સ્ત્રીઓ પૂજે જ કૃષ્ણને છે તો પછી પુરુષો શુ કામ રામ બને ? સ્ત્રીને ગમે એવા કેરેકટરને જ ફોલો કરે ને ! એ તો સ્વભાવિક છે. તે ખૂબ રડી હતી. હું કૃષ્ણને માનીશ તો મને કૃષ્ણ જેવો પુરુષ મળે એમાં કોઈની શુ ભૂલ ? જો રામને માનતી હોત તો રામ જેવો મળોત. અરે વિક્રમ રામ જેવો જ તો હતો ! જો હું પપ્પા સામે થોડીક જિદ્દી બની હોત તો આ દિવસ ન આવોત.

તેને ઘમંડી સ્પષ્ટ વક્તા વિક્રમના એકએક શબ્દ યાદ આવતા હતા. અઠવાડિયા સુધી કોનવીન્સ કરીને વિક્રમને ઘરે બોલાવ્યો હતો. ધડકન ફિલ્મની જેમ સંજીવ કુમારે એને એકવાર મળવાનું સ્વીકાર્યું હતું. વિક્રમ આવ્યો હતો. એના રોજના લિબાશમાં જરાય ફેરફાર વગર. સાવ સરળ અને સીધા એના રોજના કપડામાં. પણ વાત વણસી હતી.

"તને અહીં આવતા ડર ન લાગ્યો ?" સંજીવ કુમારે સવાલ કર્યો હતો.

"હું શું કામ ડર રાખું અંકલ ?" સટ્ટાક કરતો વિક્રમે જવાબ આપ્યો હતો. સંજીવ કુમારે આવો જવાબ ધાર્યો નહોતો.

"એટલે તને આ બધું ઠીક લાગે છે ? મેં મોટી કરી એ છોકરીને તું ભગાડી જાય એ પ્રેમ છે ?"

"કોણ ભગાડી ગયું મી. સંજીવ કુમાર ? ઉલટા નિધિ કહેતી હતી કે ભાગી જઈએ પણ હું શું કામ ભાગુ ? ભાગીને કાયરો જાય બાયલાઓ જાય નામર્દ જાય.... ગુનો કર્યો હોય એ જાય. જેને પોતાની હેસિયતથી કઈક વધારે મેળવી લેવું હોય એ ભાગી જાય. હું શું કામ ભાગુ ?"

"એટલે તું એમ સમજે છે કે આ સંજીવ કુમાર શહેરના મોટા બિઝનેસમેનની દીકરીને તું લાયક છે ?"

"સવાલ તો તમારે તમારી દીકરીને કરવો જોઈએ એ મારા લાયક છે કે મેં થોડું ઘણું કોમ્પ્રમાઇઝ કર્યું છે ?" વિક્રમે ફરી ધાર્યા બહારનો જવાબ આપ્યો હતો.

"બદતમીજ પણ છે."

"એ પણ તમારે એકવાર વિચારવું જોઈએ ને કે હું બદતમીજ છું કે તમે સત્ય સ્વીકારી નથી શકતા ?"

"હાઉ ડેર યુ ? મારા ઘરમાં મારી સામે આ રીતે વાત કરવાની તારી હેસિયત નથી વિક્રમ. ભીખ મંગવાને બદલે તું આમ રોફ બતાવે છે ?"

"વોટ એ જોક અંકલ વોટ એ જોક ! હું ભીખ માંગુ ? બોલોને કેમ માંગુ પણ ? ભીખની જરૂર તો તમારે છે. મારે શું કામ ભીખ મંગાવી પડે ? મારી પાસે જે છે એ તમારા કોઈ બિઝનેસમેન ફ્રેન્ડના છોકરા પાસે નથી. મેં નિધીને ટચ નથી કરી એને લઈને ક્યાંય કોઈ થ્રિયેટરના ગંધાતા ખૂણામાં નથી ગયો. સો વોટ ઓન ધ અર્થ મેક્સ યુ બિલિવ મારે ભીખ મંગાવી જોઈએ ? ભીખ માંગવી જોઈએ તમારે કે તમારી નિધીને મારા જેવો કોઈ આ જમાનામાં મળે."

"તું મારી સામે જ આવી વાત કરે છે ? ટચ એન્ડ ઓલ ?"

"કેમ જે નથી કર્યું એની વાત કરવી પણ જો એટલી ખરાબ હોય તો પછી તમે તમારું વિમેક્સ થ્રિયેટર બંધ કેમ નથી કરી દેતા ? ત્યાં આવી રોજની સો નિધિ આવે છે અને એમાંથી 90 નો ઉપયોગ કરીને ફેંકી દે છે છોકરાઓ. ડોન્ટ યુ હેવ આઇસ ? કાંટ યુ સી ?"

" યુ આર રિયલી મેનરલેશ " દાંત ભીંસીને સંજીવ કુમાર બોલ્યા હતા.

"ઇઝ ઇટ ? તમે નિધિને કેમ નથી પૂછતાં કે હું બદતમીજ છું કે નહીં ? તમારા બિઝનેસ પાર્ટનર શુ નામ એનું ? હા રાજીવ ત્રિપાઠી એનો છોકરો સંજય તમારી આ નિધિ પાછળ કેટલા આંટા લગાવતો ! કેટલી વાર એનો હાથ પકડ્યો કોલેજમાં ! કેટલી વાર એને હોટ એન્ડ સેક્સી કહ્યું ! પણ એ તમને તમીજવાળો લાગે છે કેમ કે તમારી આ મૂર્ખ છોકરી તમને તમારા બિઝનેસ પાર્ટનર વિશે એની ફેમિલી વિશે કઈ કહેતી નથી ? કે પછી તમે ખરા ડર્ટી બિઝનેસમેન છો ?"

"જસ્ટ ગેટ આઉટ ઓફ માય હાઉસ."

"હું તો આવવાનો જ નહોતો પણ નિધીએ કહ્યું કે એકવાર મળી લે કદાચ પૈસા કમાઈ લેવાની આવડત હતી એમ માણસ ઓળખવાની આદત પણ હશે મારા પપ્પામાં.... બટ સી વોઝ રોંગ....." કહી વિક્રમ ઉભો થઇ ગયો, " અને હા ગાડી બંગલા તો તમારી જોડે પણ છે જ કોઈ ગાડી બંગલા વાળાને આપવાની જરૂર નથી નિધીને ઘરે જ રાખજો....." કહી વિક્રમ ચાલ્યો ગયો હતો.

નિધિને એક એક શબ્દ યાદ આવતો ગયો. તે રડતી રહી. ડાયવોર્સ પેપર એની સામે ટેબલ ઉપર પડ્યા હતા. સંજીવ કુમારે જ્યાં એને મૂકી ત્યાં એ ગઈ હતી. અરે ગઈ જ કેમ વિક્રમ ખરેખર બદતમીજ છે એવું માની લઈને એ મનહર સાથે જીવવા પણ લાગી હતી બટ વોટ નેક્સ્ટ ? એ જ સત્ય હતું જે વિક્રમ કહેતો હતો.

મનહર એને બધી છૂટ આપતો. એના માટે અલગ ગાડી આપી હતી. ફેસબુક એકાઉન્ટ નિધીએ લગન પછી બંધ કરી દીધું હતું એ મનહરે જ ચાલુ કરાવ્યું હતું.

"અરે નિધિ તું ફેસબુક યુઝ નથી કરતી યાર ?" કહીને તેનું નવું આઈડી બનાવી આપ્યું હતું.

મહિના પછી તો, "તારા એક પણ ફોટોસ ફેસબુક પર કેમ નથી ડાર્લિંગ ?" કહીને તેના ફોટા પણ અપલોડ કરાવ્યા હતાં.

અરે નવરાત્રીમાં તો એણે કહ્યું કે મારે બિઝનેસ મિટિંગ છે પણ તું ચોક્કસ જજે. એ પાસ લઈને આવ્યો હતો. અને કહ્યું હતું નહીં આવા દેશી બાઈ જેવા લુકમાં નહિ. મોડર્ન બનીને બેકલેશ સ્લીવલેશ પહેરીને જજે. બધાને લાગવું જોઈએ કે મનહરની વાઈફ છે.

ત્યારે નિધીને કઈ સમજાયું નહોતું. પણ એ બધું પછી એને સમજાયું હતું. આ જે પુરુષો બધી જ છૂટ આપે છે એ કેમ આપે છે ? ભલા કોઈ પતિ વાઇફને આમ સામેથી શુ કામ કહે ? એવો વિચાર આવેલો છતાંય એ સમજી નહોતી પણ બીજા દિવસે મનહરના કપડાં વોસ કરવા કાઢ્યા. નિધીને ખિસ્સા ચેક કરવાની આદત હતી. એણીએ ખિસ્સા જોયા અને અંદરથી કોન્ડમ્સ નીકળ્યા !

આવી બિઝનેસ મિટિંગમાં ગયો હતો મનહર ? એટલે મને બધી છૂટ આપતો હતો ? હવે સમજાયું મને આ જે પુરુષો પત્નીને છૂટ આપે છે એ બધા ખુદ લફરાંબાજ હોય એટલે આપે છે. બાકી જે ખુદ સીધો સારો અને સરળ હોય એ છૂટ આપવાની વાત પણ ન કરે.

પણ એને મોડું સમજાયું હતું છતાં ઘણું મોડું નહોતું થયું.

તેણીએ ડાયવોર્સ લીધા. અને ત્રણ મહિનાથી ઘરે હતી. બાપના ઘરે. સંજીવ કુમાર અર્ધા થઈ ગયા હતા. મનહરે છાપામાં ઊલટું જ લખાવ્યું હતું. મારી વાઈફને લફરું હતું એટલે કાઢી મૂકી ! આવો ઇન્ટરવ્યૂ એનો છપાયો હતો. સંજીવ કુમારની આબરૂને કાપ લાગ્યો હતો એના કરતાં માનસિક ઠેસ આઘાત વધારે લાગ્યો હતો. તે બોલતા ચાલતા બંધ થઈ ગયા હતા.

નિધિ સામે એ લાચાર નજરે જોતા અને નિધિની આંખો જાણે કહેતી, "બસ પપ્પા જોઈ લીધા ઈજ્જતદાર માણસો ? બદત્તમીજ વિક્રમ હતો કે બાકીની દુનિયા ? પપ્પા એ બદતમીજ લાગ્યો કેમ કે એણે દુનિયા નાની ઉંમરે સમજી લીધી હતી એટલે આખા બોલો ગરમ મિજાજનો હતો."

અરે પપ્પા તમે તો એને શુ કહ્યું હતું ? વિક્રમ ફિલ્મ જોઈને આવ્યો છે ? ડાઈલોગ મારે છે ! અને એણે શુ કહ્યું હતું યાદ છે ? એણે કહ્યું હતું મી. સંજીવ કુમાર ફિલ્મો જોવાની એને જરૂર પડે છે જેને રોમાન્સ શીખવો હોય પ્રેમ તો જન્મજાત લાગણી છે એ શીખવાની ચીજ નથી. સ્ફુરણા થાય એની.

અને સંજીવ કુમાર નજર ફેરવીને પોતાના રૂમમાં ચાલ્યા જતા. કઈક અંદરથી કોરી ખાતું હતું. શુ હતું એ ? ઘમંડ ? ભૂલ ? થાપ ખાધાનો આઘાત ? કે અફસોસ ? સમજાતું નહોતું પણ અંદર ને અંદર સંજીવ કુમાર રડતા હતા.

બીજી જગ્યાએ પૂછી જોયું હતું પણ કોઈએ નિધિ માટે હાથ સ્વીકાર્યો નહિ. કોણ સ્વીકારે ? મોટા ઘરવાળા આખરે આવી છોકરીને શુ કામ લઈ જાય એમને તો કોઈ પણ વર્જિન મળી જાય. ત્યારે પહેલી વાર સંજીવ કુમારને થયું હતું કે પૈસાથી કઈ મળી શકે નહીં.

એ ઉભી થઇ અને આંખો લૂછીને રૂમ બહાર નીકળી. બહાર નીકળતા જ એને અવાજ સંભળાયો.

"તો તમારી અક્કલ ઠેકાણે આવી ખરા એમને ?"

"હા પણ તારે જે બોલવું હોય એ અહીં મને એકાંતમાં કહી દે નિધિ સામે આવું ન બોલતો આખરે હું બાપ છું મને એમાં નાનપ લાગે....." હસીને સંજીવ કુમાર બોલ્યા.

આ આગળનો અવાજ કોનો હતો ? આવો બદતમીજ ટોન..... આ તો..... આ તો માઈ ગોડ...... આ તો વિક્રમનો અવાજ છે. અને નિધિ માથી વિખુટા પડી ગયેલા વાછરડાને એની માનો અવાજ સંભળાય ને જેમ દોડે એમ સંજીવ કુમારના રૂમ તરફ દોડી.....!

© વિકી ત્રિવેદી