જગ્યા ! એક કરુણ નવલિકા Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જગ્યા ! એક કરુણ નવલિકા

જગ્યા !

© વિકી ત્રિવેદી

કબરમાં જઈને રહેશો તો ફરિશ્તા ઉભા કરશે
અહીં બેફામ કોઈ પણ જગા ખાલી નથી હોતી

- બેફામ

નહિ! ના ! એ શક્ય નથી ! હું મા થઈને આમ કરું ? સાવ આવી મા હોય ? પછી દુનિયામાં મા ને કોણ માનશે ? ઈશ્વરની ભુલોની સજા આખીયે માણસ જાતને આપવાની ?

શાળાના મેદાનમાં મુકેલા બાંકડા ઉપર બેઠી બેઠી કલ્પના વિચારતી હતી. ઉનાળુ પવન ફૂંકાતો હતો. બાંકડા ઉપર ઘેઘુર લીમડાનું વૃક્ષ વળી વળીને કંઈક તાનમાં જાણે નાચતું હતું. મેદાનમાં એકાદ વર્ગના થોડાક બાળકો રમતા હતા. કલ્પના એ જોઈ રહી.

આ બધા જ છોકરા છોકરીઓ કેવા સરસ છે ? ને મારે જ લતા કેમ આવી ? તેનું હૈયું ભરાઈ આવ્યું. મોઢા ઉપર તેણીએ સાડીનો છેડો હાથથી દબાવી દેવો પડ્યો. નહિતર ડુસકા નીકળી જાય!

હજુ કાલે જ માસ્તરે કહ્યું હતું, "કલ્પના બેન લતાને અહીં શુ કામ મુકો છો ? એને કશુંય નથી અવડવાનું."

"માસ્તર તમે મારી દિકરીથી કંટાળ્યા છો ?" રડમસ અવાજે એ માંડ એટલું પૂછી શકી હતી.

"સવાલ કંટાળી ઉઠવાનો નથી કલ્પના બહેન, પણ એને બીજા છોકરા છોકરીઓ રંજાડે છે - હું કેટલાકને વારુ ? કેટલાકનું ધ્યાન રાખું ? ને આમેય મા ની મમતાથી જે સાજી ન થઈ હોય એ પગારદાર માસ્તર પાસે સાજી થાય ખરા ?"

બસ એટલું ઘણું હતું. જોશી માસ્તરની વાત ખોટી ન હતી. એ કલ્પના પણ સમજતી હતી. પણ એને એમ હતું કે અહીં બધા જોડે રહેશે તો એ સમજતી થશે કદાચ. કદાચ એનામાં ફેરફાર આવશે. મા ની એ લાલચ હતી.

હજુ એ વિચારતી હતી ત્યાં જ રાડારાડ થઈ. મેદાનમાં રમતા બાળકો પણ ગભરાઈ ગયા. કલ્પના વિચારમાંથી બહાર આવી. ઉભી થઇ ગઇ. લતાના રૂમ તરફથી અવાજ આવ્યો હતો. એ દોડી. અનાયાસ જ દોડી.

ઘેલી થઈને દોડી. લતાના રૂમ પાસે ગઈ ત્યાં તો એની આંખ ફાટી ગઈ. એક છોકરો જોશી માસ્તરના પગ પાસે બેઠો હતો. તેના માથામાંથી લોહી નીકળતું હતું. કલ્પનાની ફાટેલી આંખો ફરી અને જોશી સાહેબના હાથમાં સ્લેટ દેખાણી. સામે ખૂણામાં ગભરાયેલી લતા ઉભી હતી. તેના ડોળા ફરતા હતા. વાળ વિખેરાઈ ગયા હતા. વર્ગના બાકીના છોકરા છોકરીઓ ઉભા થઈને ઘડીક લતા સામે ઘડીક જોશી સાહેબ સામે ને ઘડીક રાજુ સામે જોતા હતા.

બંને હાથ મોઢા ઉપર દઈને કલ્પના ધબ કરતી બારણાંમાં બેસી પડી. જોશી સાહેબની નજર એના ઉપર ગઈ. લતાએ પણ એની મા ને જોઈ અને દોટ મૂકી. એને મા કે બાપમાં ખબર પડતી નહિ પણ જન્મથી કલ્પના સાથે રહી હતી એટલે એને ઓળખતી ખરા.

તે દોડીને કલ્પનાની સોડમાં ભરાઈ ગઈ. તેના ડોળા ભયાનક રીતે જોશી સાહેબ ઉપર મંડાઈ ગયા હતા. રાજુ એને કાયમ રંજાડતો. આજે લતાની માનસિક સ્થિતિ વધારે ખરાબ હશે એટલે માથામાં સ્લેટ ફટકારી દીધી.

"કલ્પના બહેન તમારી લતાનો વાંક નથી પણ તમે અહીંથી જલ્દી ચાલ્યા જાઓ. રાજુની મા આવશે તો મોટી માથાકૂટ થશે."

પણ કલ્પના બહાર જાય એ પહેલાં તો કોઈ છોકરે આચાર્યને જઈને વાત કરી હતી. આચાર્ય દોડી આવ્યા.

"આ શું છે જોશી ?" આચાર્ય પ્રમોદે ત્રાડ પાડી. રાજુ એનો ભત્રીજો હતો.

જોશી સાહેબે વાત કરીને એને શાંત કરવાનો પ્રયાસ કર્યો, કલ્પના પણ હાથ જોડીને કરગરી, પણ આચાર્ય શાંત ન થયા.

"નહિ આ છોકરી શાંત હતી એટલે એને અહીં આવવાની છૂટ આપી પણ એણે તો હદ વટાવી. હવે આ છોકરી અહીંથી સીધી પાગલખાને જ જશે....."

"નહિ....... આચાર્ય સાહેબ....." કલ્પના પગે પડી, "નહિ સાહેબ હું કદી નહિ મોકલું લતાને હવે આ એકવાર જવા દો....." તેના ડુસકા નીકળતા હતા. જોશી સાહેબ દિલવાળો માણસ હતો. તેણે આચાર્ય સામે હાથ જોડ્યા.

આખરે આચાર્ય ઢીલા પડ્યા અને જવા દીધા. પણ અહીં દુનિયામાં એવી કોઈ જગ્યા હતી નહિ જ્યાં લોકો શાંતિથી જીવવા દે.

છ એક મહિના પછી કુટુંબમાં લગન હતા. લતાને તૈયાર કરીને એ લગ્નમાં ગઈ હતી. પણ ત્યાં કઈક કામમાં એને રોકાવું પડ્યું. એટલામાં લતા આડા અવળી થઈ ને ત્યાં કોઈ જુવાનિયાઓને ખબર પડી કે આ છોકરી ગાંડી છે. એટલે એની મશ્કરી શરૂ કરી. એક બે જાણે તો શરીરે હાથ પણ ફેરવી લીધો. લગનમાં સાજી છોકરીઓ સાથે પણ આવા અડપલાં કરવાવાળા એક બે હોય છે અહીં તો આ બિચારી ગાંડી હતી - એને કોઈ કેમ છોડે ?

લતા એ રાડા રાડ કરી અને બધા દોડી આવ્યા. છોકરા ગભરાઈ ગયા પણ ગાંડી શુ કહેવાની છે ? એમ વિચારી એ ઉભા રહ્યા. કલ્પના દોડી આવી.

ત્યાં ઘણાએ કહ્યું આવી ગાંડી છોકરીને લઈને ક્યાંય ન જવું જોઈએ તમારે. આ તો ઠીક છે અહીં બધા હતા નહિતર કોઈ સારા ઘરના છોકરાને આ ગાંડી છોકરી બદનામ કરી નાખે.

કલ્પના વિલા મોઢે પતિ હરેશને લઈને ઘરે ગઈ. હરેશ મૂંગો થઈને ખાટલામાં પડ્યો. કલ્પનાએ કપડાં બદલ્યા. લતાને કપડાં પહેરાવવા પડતા. એ લતાને ગઈ ઓરડામાં ગઈ. એના કપડાં કાઢ્યા ને ત્યાં એના હૃદયમાં ફાળ પડી. લતાની છાતી ઉપર ઉઝરડા થયેલા હતા. લાલ ચાઠા આંગળીઓના નિશાન ઉપસી આવ્યા હતા.

ભયાનક દર્દથી કલ્પના પોકારી ઉઠી. હરેશ ઉભો થઈને ઓરડામાં દોડી આવ્યો. છોકરી મોટી હતી. પંદર વર્ષની લતાને નિર્વસ્ત્ર એક બાપ દેખે નહિ પણ આમ કલ્પનાએ આક્રંદ કર્યું તેથી એ દોડી આવ્યો. લતાને તો બિચારીને બાપની શુ શરમ આવે ? એને મન ઉઘાડા શુ ને ઢાંકેલા શુ ? પણ હરેશ એની કોમળ છાતી જોઈ રહ્યો. કદાચ કોઈ પિતાએ પંદર વર્ષની છોકરીને નિર્વસ્ત્ર જોઈ નહિ હોય. પણ હરેશે જોઈ. એની કોમળ છાતી ઉપર દુનિયાની હેવાનીયત રાક્ષસી નિશાનીઓ છપાઈ હતી. યુવાન છોકરાઓએ એકલી જોઈને એના શરીર સાથે અડપલાં કર્યા હતા. ગાંડી છોકરીને આ લોકો શુ કરે છે એ કઈ સમજાયું નહીં હોય પણ એ દર્દથી કદાચ રાડ પાડી ઉઠી હશે અથવા આવું વિચિત્ર કઈક જોઈને અજાણ્યા છોકરાઓ જોઈને એણીએ રાડા રાડ કરી હશે. જો ન કરી હોત તો કદાચ.....

હરેશ મોઢું હાથમાં લઈને બહાર ગયો. ખાટલામાં ફસડાઈ પડ્યો. થોડી વારે એણે ઊંઘની ગોળી લીધી અને સુઈ ગયો. કલ્પનાએ લતાના કપડાં બદલ્યા.

સવાર સુધી કલ્પનાને ઊંઘ આવી નહિ. સવારે ઊંઘતી લતાને એણીએ ઉઠાડી. તૈયાર કરી. એના માથા ઉપર ચુંબનો કર્યા. એને છાતી સરસી ચાંપી. લતા કઈ સમજી નહિ. એને બિચારીને ક્યાંથી ખબર પડે કે આ બધું શુ છે ? કેમ છે ?

એક કપડાંની અને થોડીક જરૂરી વસ્તુઓની બેગ ભરીને કલ્પનાએ તૈયાર કરી. એક કાગળ લીધો અને એમાં કઈક લખ્યું. લખેલો કાગળ હરેશના ખાટલા નીચે મૂકીને ઉપર વજન મૂક્યું. પછી લતાને લઈને એ નીકળી પડી.

*

એ ભાંગેલા હૃદયે પાછી આવી. ઘરમાં આવતા જ આંગણામાં ફસડાઈ પડી. એના હૃદયમાં ભયાનક વેદના થતી હતી. પગલખાનામાં છોડલી લતા કેવી કરુણ ચીસો પાડતી હતી ? એને ખબર નહોતી કે આ મારી મા છે છતાંય એ કેવી સમજી ગઈ કે હવે આ કલ્પના મારી પાસે નહિ રહે.

હાથમાં કાગળ લઈને હરેશ ખાટલામાં ત્યાં જ બેઠો હતો.

"મૂકી આવી કલ્પના.....?" અવાજ સાથે આંસુ પણ બહાર આવ્યા.

"હરેશ... હરેશ....... એની જગ્યા અહીં નથી....." એ ઉભી થઈને દોડી. હરેશને બાજી પડી. ધ્રુસકે ધ્રુસકે રડતી રહી. હરેશ પણ રડતો હતો.

"સાચી વાત કલ્પના એની જગ્યા ત્યાં છે. એ ડાહ્યા માણસો વચ્ચે એ જીવશે અહીં આ ગાંડી દુનિયામાં એ ન જીવી શકે....."

ને ક્યાંય સુધી બંને પતિ પત્ની એકબીજાને વળગીને નિસહાય રીતે ભયાનક આક્રંદ કરતા રહ્યા.....!

© વિકી ત્રિવેદી