રેડલાઇટ બંગલો ૩૯ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રેડલાઇટ બંગલો ૩૯

રેડલાઇટ બંગલો

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૯

રાત્રે વિનયને મળીને આવ્યા પછી અર્પિતાએ પોતાની યોજનાને મનોમન અંતિમ રૂપ આપી દીધું હતું. પુરુષોની રાતોને રંગીન બનાવતી અર્પિતાએ હેમંતભાઇને ધોળે દિવસે તારા દેખાય એવી સ્થિતિમાં મૂકવાનું ગોઠવી દીધું હતું. આ રાત હજુ ઘેરી અને કાળી બને તેની રાહ જોઇ રહી હતી. આજની રાત તેના માટે કતલની રાત હતી. જો તે હેમંતભાઇની બાજી ઊંધી ફેરવી ના શકે તો તે અને વિનય ગામલોકોની નજરમાંથી ઊતરી જાય એમ હતા. અને વિનયને તો જેલના સળિયા ગણવાની નોબત આવી શકે. હેમંતભાઇએ હરેશકાકાને ઝેર આપીને પરલોક પહોંચાડી વર્ષાબેન સાથે આ લોકમાં લહેર કરવાનું ગોઠવી દીધું હતું. હવે હેમંતભાઇને પોતાની શક્તિનો પરચો બતાવવાનો સમય આવી ગયો હતો. વિનયને તેણે ખાતરી આપી હતી કે તે જરૂર કંઇક કરશે. તેમના લગ્નને કોઇ રોકી શકશે નહીં.

વિનયને નિર્દોષ સાબિત કરવા માટે અર્પિતાના મગજમાં વિચાર ઝબકી ગયો અને તેના અમલ માટે રાત પડે તેની રાહ જોવા લાગી હતી. રાત એકદમ જામી ગઇ અને ચોર જે સમયનો ચોરી માટે ઉપયોગ કરે એ કલાક આવ્યો એટલે અર્પિતા ઊભી થઇ. ધીમે રહીને તેણે દરવાજો ખોલ્યો. આસપાસમાં નજર નાખી. ક્યાંય કોઇ દેખાતું ન હતું. દૂર દૂર સુધી અંધારું હતું. કૂતરાં પણ ઊંઘી ગયા હોય એમ તમરાં સિવાય કોઇ અવાજ ન હતો. તેણે હરેશકાકાના ઘર તરફ નજર કરી. લાલુ મજૂર હમણાં ત્યાં જ સૂઇ જતો હતો. બીજી કોઇ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી વર્ષાબેન અને હેમંતભાઇએ તેને હરેશભાઇના ઘરે રહેવા કહ્યું હતું. અત્યારે તે ઘાઢ ઊંઘમાં હશે એ અર્પિતા જાણતી હતી. તેણે મોબાઇલની લાઇટ ચાલુ કરી અને ધીમે પગલે હરેશકાકાના ઘર પાસે ગઇ.

હરેશકાકાના બારણાની કડી ખખડાવી પણ ધીમા અવાજથી લાલુ જાગ્યો નહીં. અર્પિતાને થયું કે જો લાલુએ રાત્રે દારૂ પીધો હશે તો સવારે પણ સરખા હોશમાં આવશે નહીં. આટલા અવાજથી તે જાગે એવી કોઇ શક્યતા નથી. થોડો પ્રયત્ન કર્યા પછી તે થાકી ગઇ. વધારે અવાજ સાથે બારણું ખખડાવે તો આજુબાજુમાંથી કોઇ જાગી જાય. તે નિરાશ થઇ ગઇ. જો લાલુને ના જગાડી શકી તો સવારે તે બાજી હારી જાય એમ હતી. હેમંતભાઇએ કાલે વિનયને પોલીસના હવાલે કરવાનું કહી દીધું હતું. અર્પિતા સુરક્ષા માટે હાથમાં લાકડાની મોટી ડાંગ લઇને આવી હતી. તેને થયું કે ડાંગથી ધક્કો મારીને દરવાજો તોડી નાખું. પણ એ શક્ય ન હતું. તેનું મગજ ઝડપથી વિચાર કરવા લાગ્યું. તેણે જોયું તો બારી પણ બંધ હતી. બારી ખુલ્લી હોત તો એમાંથી પથ્થર નાખીને પણ લાલુને જગાડ્યો હોત. ક્યાંય કોઇ આશા દેખાતી ન હતી. તેણે છેલ્લી વખત ધીમા અવાજે લાલુના નામની બૂમ પાડી દરવાજો ખખડાવ્યો. લાલુ તરફથી કોઇ પ્રતિસાદ ન હતો. તે નિરાશ થઇને ઘર તરફ ચાલવા લાગી.

ઘરનો દરવાજો ખોલતી વખતે અચાનક અર્પિતાને ઉપાય મળી ગયો. તે ઘરમાં દોડીને ગઇ અને એક ચાવી લઇ બહાર આવી. હરેશકાકાના ઘરની પાછળના દરવાજે ગઇ. જો લાલુએ પાછળનો દરવાજો અંદરથી બંધ કર્યો નહીં હોય તો તે તાળું ખોલીને અંદર પ્રવેશ કરી શકશે. હરેશકાકાના મોત પછી તેમના ઘરનો પાછળનો દરવાજો માએ તાળું મારીને બંધ કર્યો હતો. જેથી ઢોર-જનાવર પેસી ના જાય. એ વાત યાદ આવતાં અર્પિતાએ ચાવી લઇ દરવાજો ખોલ્યો. અને દરવાજો ખૂલી ગયો. ત્યારે કિસ્મત ખૂલી ગઇ હોય એટલો આનંદ અર્પિતાને થયો. હવે તેને પોતાની યોજનામાં સફળ થતાં કોઇ રોકી શકશે નહીં.

અર્પિતા ઝટપટ અંદર ગઇ. લાલુ બિંદાસ રીતે ખાટલામાં નસકોરાં બોલાવતો પડ્યો હતો. ખાટલાની નીચે દારૂની નાની બોટલ પડી હતી. અર્પિતાને થયું કે વધારે પીધો લાગતો નથી. તેણે હાથમાંની ડાંગથી તેના શરીરને હલાવી ઊઠવા કહ્યું. બે-ત્રણ વખતના પ્રયત્ન પછી પણ તે ઊઠયો નહીં. અર્પિતાને થયું કે લાલુને ઊઠાડવાનું સરળ નથી. તેણે બાજુમાં પડેલી માટલીમાંથી પાણીનો અડધો ગ્લાસ ભર્યો અને તેના ચહેરા પર છંટકાવ શરૂ કર્યો. ધીમે ધીમે લાલુ સળવળવા લાગ્યો. અને બહુ જલદી તેણે અડધી આંખ ખોલી. સામે ડાંગ સાથે અર્પિતાને જોઇ તે બેઠો થઇ ગયો. મોબાઇલની બેટરીના અજવાળામાં અર્પિતાને ઓળખતા તેને વાર ના લાગી.

લાલુ કોઇ સવાલ કરે એ પહેલાં ગભરાયેલા અવાજે અર્પિતા બોલી:"લાલુભાઇ, મારા ઘરમાં નાગણ ઘૂસી ગઇ છે, જલદી આવોને... એને બહાર કાઢવામાં મારી મદદ કરોને..."

લાલુ તરત જ ઊભો થયો અને ખુલ્લા શરીર પર ખેસ જેવું કપડું નાખી અર્પિતાની પાછળ ચાલવા લાગ્યો. અર્પિતાએ મુખ્ય દરવાજાની કડી ખોલી બહાર નીકળીને લાલુને મોબાઇલની લાઇટથી રસ્તો બતાવ્યો. લાલુને ઊંઘમાં એવો વિચાર ના આવ્યો કે આગળનો દરવાજો બંધ હતો છતાં અર્પિતા અંદર કેવી રીતે આવી. દારૂના નશાની પણ થોડી અસર હતી.

અર્પિતાએ પોતાના ઘરનો દરવાજો ખોલ્યો અને અંદર ગઇ. લાલુએ પાછળથી આવી ઘરના ખૂણાઓ જોયા અને કંઇ ના દેખાતાં પૂછ્યું:"ક્યાં હતી નાગણ?"

અર્પિતાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો અને હાથમાં ડાંગ લઇ હિંમતથી તેની સામે ઊભી રહીને પોતાના તરફ હાથ બતાવી બોલી:"લાલુભાઇ, આ રહી નાગણ!"

લાલુએ આંખો ચોળતાં નવાઇથી પૂછ્યું:"ક્યાં છે? મને તો ક્યાંય દેખાતી નથી..."

"હું છું નાગણ! જો મને હરેશભાઇના મોત વિશે સાચું ના કહ્યું તો એવો ડંખ મારીશ કે ના જીવી શકીશ ના મરી શકીશ..."

"હેં...? આ શું બોલે છે? હું તને બચાવવા અને તારી મદદ માટે આવ્યો છું ત્યારે મને મારવાની વાત કરે છે..."

અર્પિતાની વાતથી લાલુનો બધો નશો ઉતરી ગયો હતો. તેની ઊંઘ ઊડી ગઇ હતી.

"તેં હરેશભાઇને મારી નાખ્યા ત્યારે તને દયા આવી ન હતી ને? વિનય કોઇને ઝેર આપે એવો નથી. એ તો પ્રેમનું અમૃત આપે એવો છે...."

"હરેશભાઇને કોણે મારી નાખ્યા એ આખું ગામ જાણે છે. વિનયને ત્યાંથી મોકલાવેલા ભાણામાં ઝેર ભેળવેલું હતું એટલે હરેશભાઇ મરી ગયા..."

"લાલુભાઇ, વિનયના બાપા લાભુભાઇ તો ભગવાનના માણસ છે. મહેમાન એમના માટે ભગવાન જેવો હોય છે. હરેશભાઇ માટે જમવાનું બનાવ્યું હશે ત્યારે તેમાં પ્રેમ હશે. ઝેર તો પછી આવ્યું હશે...."

"આટલી રાતે મને બોલાવીને ફાલતુ વાત કરી હેરાન ના કર..." કહી લાલુ મજૂર ગુસ્સો કરી બહાર નીકળવા આગળ વધવા લાગ્યો.

દરવાજા પાસે રસ્તો રોકી હાથમાં ડાંગ લઇ ઊભેલી અર્પિતાની આંખ લાલ થઇ. છૂટ્ટા વાળમાં અંધારામાં તેના સ્વરૂપને જોઇ લાલુ થથરી ગયો.

"ત્યાં જ ઊભો રહેજે. અને જે સત્ય હકીકત હોય તે કહી દેજે."

"જમવામાં ઝેર આવ્યું અને હરેશભાઇ મરી ગયા એ સત્ય છે. તું વિનયની ઊલટતપાસ કર એ સાચું કબૂલી લેશે. આમ પણ સવારે પોલીસ આવવાની જ છે..."

"બહુ હોંશિયાર બનવાની કોશિષ ના કરીશ. જો તું સાચું નહીં બોલે તો હું મારા કપડાં ફાડીને બૂમાબૂમ કરીશ. તું અડધી રાતે મારી ઇજ્જત પર હાથ નાખવા આવ્યો છે એ જાણી આખું ગામ તારા પર તૂટી પડશે. બોલ સાચું કહે છે કે...?" બોલતી અર્પિતાએ દરવાજાની બાજુની લાઇટની સ્વીચ પાડી.

માત્ર ચડ્ડીભેર રહેલો લાલુ ચમકી ગયો. તેને થયું કે તે ફસાઇ ગયો છે.

અર્પિતાએ મોબાઇલની લાઇટ બંધ કરી અને રેકોર્ડીંગ ચાલુ કરી દીધું.

"અર્પિતા, હું તને સાચી વાત કરીશ...પણ હું ફસાઇ ના જઉં તેનો તારે ઉપાય કરવો પડશે. વિનયને આપણે બચાવી લઇશું...."

"હું તને વચન આપું છું કે તને નુકસાન ના થાય એવું કરીશું."

લાલુ એકદમ ચૂપ થઇ ગયો. ક્યાંથી શરૂઆત કરવી એ વિચારવા લાગ્યો. પછી ધીમા અવાજે શરૂઆત કરી.

"અર્પિતા, હરેશભાઇ માટે જે જમવાનું વિનયના ઘરેથી આપવામાં આવ્યું હતું એ હું જાતે લઇ આવ્યો હતો. વિનય આપવા આવે તો હું એમાં ઝેર ભેળવી શકું નહીં. એટલે મેં તેની પાસેથી જમવાની થાળી લઇને હરેશભાઇને આપતાં પહેલાં દાળમાં ઝેર ભેળવી દીધું હતું. હરેશભાઇએ રોટલી-શાક ખાધા ત્યાં સુધી કોઇ તકલીફ ન હતી. એ દરમ્યાનમાં મેં કાગળો પર તેમની સહી લઇ લીધી હતી. હું ઘણા દિવસોથી તેમને ત્યાં કામ કરતો હતો એટલે મારા પર વિશ્વાસ રાખતા હતા. ઝેર એટલું અસરકારક હતું કે દાળભાત ખાધા પછી તરત જ તેમનો જીવ નીકળી ગયો...."

"પણ હરેશભાઇને ઝેર આપવામાં તને શું લાભ હતો?"

"મને રુપિયાની થપ્પી મળવાની હતી. હું એ રુપિયા લઇને ગાયબ થઇ જવાનો હતો."

"કોણ હતું એ રુપિયા આપનાર?"

"એ...એ.. હેમંતભાઇ...પણ એમને હરેશભાઇના મોતથી શું લાભ થવાનો હતો એની મને ખબર નથી..."

અર્પિતાને હેમંતભાઇના નામથી કોઇ નવાઇ ના લાગી. તેને શંકા હતી જ કે આવું કાળું કામ હેમંતભાઇનું જ હોય.

"હવે તારે જેલમાં જવું પડશે. કોઇ નહીં માને કે હેમંતભાઇના કહેવાથી તેં ઝેર આપ્યું હતું. તું હેમંતભાઇનું નામ આપીશ તો એ પણ ના પાડશે...."

" અર્પિતા, આવું ના બોલ... તેં કહ્યું હતું કે હું તને બચાવીશ..."

"હું બચાવીશ તો પણ હેમંતભાઇ તને છોડશે નહીં...."

"મને હમણાં તો બચાવી લે...."

લાલુ મજૂર કરગરવા લાગ્યો. અર્પિતાએ મોબાઇલનું રેકોર્ડીંગ બંધ કર્યું અને થોડો વિચાર કર્યો. પછી કહ્યું:"ઠીક છે. કાલે પોલીસ આવે અને તને પૂછે ત્યારે કહી દેવાનું કે જમવામાં ઝેર હતું જ નહીં. તે કુદરતી રીતે મૃત્યુ પામ્યા છે...."

પછી અર્પિતાએ તેને બધું સમજાવી દીધું.

લાલુ મજૂર તેનો આભાર માનીને નીકળતો હતો ત્યારે અર્પિતાએ તેને ચેતવણીના સૂરમાં કહ્યું:"લાલુભાઇ, કાલે ફરી જતા નહીં. તમને અત્યારે તો છોડી દઉં છું. અને એમ ના વિચારતા કે હવે હું તમારું શું કરી લઇશ? આ મોબાઇલમાં તમારી કબૂલાત રેકોર્ડ કરી લીધી છે...."

અર્પિતાએ ધડામ દઇને દરવાજો બંધ કરી દીધો. તેને લાલુના ચહેરાના હાવભાવ જોવાની જરૂર ના લાગી. તેને હવે ઊંઘ નહીં આવે એ નક્કી હતું.

***

સવારે લાલુને સાક્ષી તરીકે રજૂ કરવામાં આવ્યો ત્યારે તેણે અર્પિતાના સમજાવ્યા પ્રમાણે જ્યારે કહ્યું કે જમવામાં ઝેર ન હતું અને તેણે પણ એ જમવાનું ખાધું હતું ત્યારે હેમંતભાઇના ચહેરાનો રંગ ઊડી ગયો. તેમને ખબર ન હતી કે તે હવે અર્પિતાનું પઢાવેલું બોલી રહ્યો છે. આ રીતે પોતાના પાસાં ઊંધા પડશે એવી તેમણે કલ્પના પણ કરી ન હતી. તેમને ખબર ન હતી કે રાત્રે તે વર્ષાબેનની સોડમાં ભરાઇને તે જલસા કરતા હતા ત્યારે અર્પિતાએ તેમની સવાર બગાડવાનું આયોજન કરી લીધું હતું.

"લાલુ, તું આ શું કહે છે? સવારમાં જ પી લીધો નથી ને?" હેમંતભાઇને હજુ વિશ્વાસ આવતો ન હતો કે આવું લાલુ જ બોલી રહ્યો છે.

"શેઠજી, હું ક્યારેય દિવસે પીતો નથી. મને ભાન છે કે હું શું બોલી રહ્યો છું. વિનયના ઘરેથી આવેલી જમવાની થાળીમાં ઝેર નહોતું...."

પોતાની સામે બોલતા લાલુને એક થપ્પડ મારવાનું મન થઇ ગયું પણ હેમંતભાઇએ જાતને સંભાળી અને સમજાવતાં હોય એમ બોલ્યા:"કેમ તું જ કહેતો હતો ને કે જમવામાં ઝેર હતું..."

"ના, મેં એવું કહ્યું જ નથી. લાભુભાઇએ વધારે મોકલાવેલું એટલે હરેશભાઇએ મને પણ થોડું જમવા આપ્યું હતું. મને ખબર હોત કે એમાં ઝેર છે તો હું થોડો ખાવાનો હતો..."

લાલુની વાતથી મોટા પેટવાળા હવાલદારની હાલત પતલી થવા લાગી હતી. તેને સમજાઇ ગયું કે એકમાત્ર સાક્ષી ગણાતો લાલુ પણ હવે ઝેર આપ્યું ન હોવાનું કહી રહ્યો છે. જો તે હેમંતભાઇની તરફેણ કરશે તો ફસાઇ જશે અને નોકરી ગુમાવવાનો વારો આવશે. અર્પિતાએ પહેલાં જ આખી બાજી પલટાવી હતી. હરેશભાઇનું ઝેરથી મોત થયાનો કોઇ રીપોર્ટ ન હતો. અને હવે લાલુ જમવામાં ઝેર ન હોવાનું રટણ કરી રહ્યો છે.

હવાલદારને પવન જોઇ સઢ ફેરવતાં આવડતું હતું. તેમણે હેમંતભાઇ પર નિશાન તાક્યું:"હેમંતભાઇ, આ બધું શું છે? તમે ખોટી રીતે પોલીસનો સમય બગાડી રહ્યા છો. તમારી ફરિયાદમાં કોઇ આધાર-પુરાવા નથી. તમે જેને સાક્ષી કહેતા હતા એ તો જુદું જ કહે છે..."

હેમંતભાઇને ખ્યાલ આવી ગયો કે તે ફસાઇ ગયા છે. લાલુ પર ઘણો ગુસ્સો આવતો હતો પણ તેને કંઇ કહી શકતા ન હતા. હવાલદારને નોટની થપ્પી આપીને બોલાવ્યો હતો એ પણ હવે મારા પર ડોળા કાઢે છે. તે જાણતા હતા કે પોલીસની દોસ્તી ના સારી અને દુશ્મની પણ ના સારી.

"જી...જી... હવાલદાર સાહેબ, મેં તો ગામના ભલા માટે રજૂઆત કરી હતી. ફરી આવો બનાવ ના બને એટલે તમને બોલાવ્યા હતા. એમના પરિવારના સભ્ય જ તપાસ કરાવવા માગતા નથી તો મારે શું પડી છે. તમને ખોટા હેરાન કર્યા. માફ કરજો સાહેબ તમારો સમય બગાડ્યો...." હેમંતભાઇએ બે હાથ જોડ્યા.

"હવે પછી કોઇ પુરાવા વગર ફરિયાદ કરવા દોડી ના આવતા..." કહી હવાલદારે અહીંથી રવાના થવાની તૈયારી કરી.

"હવાલદાર સાહેબ, મારે ફરિયાદ કરવી છે. અને મારી પાસે પુરાવો પણ છે...." અર્પિતાનો અવાજ સાંભળી હવાલદાર ચમક્યા. તેમના જીપ તરફ વળેલા પગ અટકી ગયા.

અર્પિતા હવે હરેશભાઇના મોત માટે કોની સામે ફરિયાદ કરશે? તેની પાસે શું પુરાવા હશે? એવા વિચાર સાથે લાભુભાઇ અને વિનય જ નહીં હાજર ગામ લોકો પણ ઉત્સુક્તાથી અર્પિતાને જોવા લાગ્યા. હેમંતભાઇનો જીવ તાળવે ચોંટી ગયો હતો. લાલુને પણ થયું કે અર્પિતાએ તેને બચાવવાનું વચન આપ્યું હતું એ ભૂલી ગઇ?

***

અર્પિતા શેની ફરિયાદ આપશે ? એ હરેશભાઇના મોતની હશે કે બીજી કોઇ? લાલુ અને હેમંતભાઇનું શું થશે? રાજીબહેન વિરુધ્ધની યોજનાને સાકાર કરવા અર્પિતાએ રચનાને કયું કામ સોંપ્યું હતું? આ બધું જ જાણવા હવે પછીના રસપ્રચૂર પ્રકરણો વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.

રેટ કરો અને રિવ્યુ આપો

Bhart .K

Bhart .K 1 માસ પહેલા

Hims

Hims 6 માસ પહેલા

girish ahir

girish ahir 10 માસ પહેલા

Nidhi Vyas

Nidhi Vyas 2 વર્ષ પહેલા

Hemal nisar

Hemal nisar 2 વર્ષ પહેલા