Katputali books and stories free download online pdf in Gujarati

કટપૂતળી.....

કટપૂતળી..... ( વાર્તા )

@ વિકી ત્રિવેદી

સ્વામી આનંદ દાદાની ગાડી ઉભી રહી. સંચાલકો સાથે બીજા માણસોનું ટોળું દોડી આવ્યું. એક અગ્રણીએ ફોર્ચ્યુનરનો દરવાજો ખોલ્યો અને સ્વામી આનંદે પગ નીચે મુક્યો. સફેદ ધોતી ઘૂંટણ નીચે ફરકતી હતી અને ઉપર સ્વામીએ રોજની જેમ લાલ ઝભ્ભો પહેર્યો હતો. વધેલી દાઢી મૂછ અને માથામાં નાના વાળ લઈને સ્વામી આનંદ ઉતર્યા. તે કઈક વિચાર તંદ્રામાં હતા. બંને તરફ માણસો ઉભા હતા. હાથ જોડી અભિવાદન કરતા લોકોને આનંદ કાયમ સામા નમસ્કાર કરતા પણ આજે એ સીધા જ જપાટાભેર સ્ટેજ ઉપર ચાલ્યા ગયા.

ઘડીભર એ લોકો સામે જોઈ રહ્યા. રોજની જેમ ગાદી ઉપર બેસવાને બદલે એ માઈક હાથમાં લઈને ઉભા જ રહ્યા. એમના મગજમાં એક જ દ્રશ્ય ભમતું હતું.

ગઈ કાલે રાત્રે સ્વામી આશ્રમથી બહાર નીકળ્યા હતા. રસ્તામાં એક લોજ આગળ બે ભાઈ બહેન બેઠા હતાં. સ્વામીની નજર એમના ઉપર પડી. બંને ઉદાસ હતા.

"શુ થયું બેટા ? કેમ બંને ઉદાસ છો ?"

છોકરો દસેક વર્ષનો હતો અને એની બહેના તેર પંદર વર્ષની હશે. છોકરે એનો ગોળ શ્યામ ચહેરો ઊંચકીને એની બહેન સામે જોયું. છોકરીએ ધોયા વગરના વાળની લટો સરખી કરી અને ઘડીભર સંત જેવા દેખાતા સ્વામી આનંદને જોઈ રહી. એના મનમાં થયું આ તો સંત છે વાત કહીશ તો કદાચ જે આજે નથી મળ્યું એ મળી જશે. પણ પછી થયું કે આ તો સંત છે એની પાસે શુ હોય ? એ બિચારા ભિખારી ભાઈ બહેન વિખ્યાત સંત સ્વામી આનંદને ક્યાંથી ઓળખે ?

પણ સ્વામી જાણે મનનો વિચાર પામી ગયા હોય તેમ બોલ્યા, "બોલો હું સ્વામી આનંદ છું તમને શું તકલીફ છે ? તમારે મા બાપ નથી ? તો મારા આશ્રમમાં રાખીશ તમે રહેશો ?" આનંદ ખૂબ દયાળુ હતા અને એ પામી ગયા હતા કે જરૂર આ બંને ભિખારી બાળકોના મા બાપ નહિ હોય. બહેન એના ભાઈને સાચવતી હશે.

"અમે રોજ ભીખ માંગીએ છીએ અને સાંજે આ ઢાબામાં ખાઈએ છીએ. પણ આજે પૈસા ન મળ્યા એટલે ઢાબા વાળા કાકાએ બાકીમાં ન આપ્યું. મેં કહ્યું કાલે બેય દિવસના પૈસા આપી દઈશું તો કાકા બોલ્યા કે આજના નથી આપી શકતા એક દિવસના તો બે દિવસના સાથે ક્યાંથી આપવાની હતી તું રમી ?"

"પછી મેં કહ્યું તો કઈ નહિ મારા ભાઈ એકને તો આપો !" કહી રમીએ એના ભાઈ દશું ઉપર હાથ ફેરવ્યો અને ઢીલો થઈ ગયેલો છોકરો રડી પડ્યો. એને નજીક ખેંચી લેતા એ બોલી, "આજે બસ સ્ટેશનમાં ભિખારીઓમાંથી કોઈએ મુસાફરનું પાકિટ ચોર્યું હશે એટલે પોલીસે અમને બહાર કાઢ્યા એટલે સવારથી જ બસ સ્ટેશનમાં ભીખ માંગવા ન મળી તેથી એક પણ રૂપિયો ભેગો ન થયો....."

સ્વામી આનંદનું હૃદય દ્રવી ઉઠ્યું. આ કઈ સંસાર છે ? શું આ માણસો જે મારા પગમાં લાખો રૂપિયા દાન મૂકે છે એ લોકો દયાળુ નહિ હોય ? એ લોકો ફક્ત દેખાડો ઢોંગ કરે છે ?

સ્વામીએ બંને બાળકોને આશ્રમ લઈ જઈને જમાડ્યા હતા અને એમના રહેવા માટેનો પ્રબંધ કર્યો હતો.

અત્યારે આ માણસો જે હાથ જોડીને અભિવાદન કરતા હતા એ બધાના ચહેરા ઉપર થુંકી દેવાનું મન થઇ આવ્યું. પણ નહીં આમાંથી ઘણા એવાય હશે જે સત્ય નથી સમજ્યા. ઘણા એવા હશે જે ફક્ત દેખાડો કરવા આવે છે. તો ઘણા એવા ય હશે જેમને ઢોંગી સંતોએ મૂર્ખ બનાવ્યા છે. મારા જેવા ઘણા સંતો છે એમાંથી લગભગ બધા જ સંતો દાન ફાળો લે છે પણ એ જાય છે ક્યાં એનું પરિણામ શુ આવે છે એ તો લોકોને ખબર જ નથી. એસો આરામ અને લીલા કરતા આ સંતોએ માણસોને ધર્મના નામ ઉપર માનસિક બીમાર બનાવ્યા છે. સત્ય એમને ખબર જ નથી. આખી રાત જે વિચાર કર્યા હતા એ વિચાર અહીં માઈક પકડીને ફરી એકવાર તાજા કર્યા. બધા માણસો ઉપર નજર ફેરવીને ફરી નક્કી કર્યું નહિ આજથી હું માણસોને સાચા રસ્તે વાળવા માટે જ ભાષણો કરીશ.

"વ્હાલા પ્રજાજનો........" સ્વામી આનંદે શરૂ કર્યું, "મેં લાખો રૂપિયા ફાળો લઈને આશ્રમ ઉભો કર્યો છે આશ્રમમાં ઘણા બાળકોને વિધવાઓને અનાથ લોકોને રાખ્યા છે. એક શાળા પણ બનાવી છે. એ બધું જ તમારા દાનથી શક્ય બન્યું છે."

"સ્વામી આનંદ મહારાજની......" એકાએક લોકોએ જયનાદ કર્યો, "જય....."

"સ્વામી આનંદ....."

"અમર રહો......"

આગળની હરોળમાં ઉભા લોકોએ ફૂલોનો વરસાદ કર્યો અને એકાએક જ સ્વામીએ ભયાનક ભાષણ શરૂ કર્યું.... "પણ તમને અંદરની વાત ખબર નહિ હોય....."

સોપો પડી ગયો. ચકલી ઉડે અને એની પાંખોનો ફફડાટ પણ સ્પષ્ટ કાનમાં પડે એવો સોપો. પિન ડ્રોપ સાયલન્સ જેને કહેવાય એવી નીરવ શાંતિ. સ્વામીએ વિચાર્યું જોયું ? આ લોકોને કઈક જાણવાનો કેવો રસ છે ? ફક્ત એક જ વાક્યમાં બધાએ કેવું ધ્યાન પરોવ્યું આગળ સાંભળવા ?

"તમને ખબર નહિ હોય કે મારા આશ્રમમાં આવતી વિધવા સ્ત્રીઓ રાત્રે ફક્ત મારી સેવા કરે છે. હું રોજ એક વિધવા સ્ત્રી સાથે શરીર સુખ માણું છું. એના વિડીયો ઉતરે છે અને એને બ્લેક મેઈલ કરવામાં આવે છે. એ કોઈને કશું જ કહી નથી શકતી.."

"ઓહ રામ......." કરતી એક ડોશી કાનમાં આંગળી નાખીને પડી ગઈ. પણ બીજા લોકોએ ચપ્પલ અને જૂતા સ્વામી સામે ફેકયા.

એક યુવાનનું મજબૂત બુટ સ્વામી આનંદના ચહેરા ઉપર વાગ્યું. એમના કપાળમાંથી લોહી ફૂટયું. સેવક દોડી આવ્યા. એમને પણ સમજાયું નહીં કે લાઈવ સુટિંગ થાય છે ત્યાં આ સ્વામીએ શુ બાફી નાખ્યું ? એમાં પણ સાવ આવું હળાહળ અસત્ય સ્વામીએ પોતાના માટે શા માટે કહ્યું ? પણ અત્યારે તો સ્વામીને બચાવી લેવાનો અવસર હતો. મૂર્ખ પ્રજા શુ કરી શકે એક ટોળું શુ કરી શકે એ બધા જાણતા હતા. ફક્ત એક જ માણસ સ્ટેજ ઉપર હિંમત કરીને ચડી આવે પછી તો આ ઘેટાં એની પાછળ ધસી આવે. એટલે જ મશીનગનવાળો બોડીગાર્ડ ભયાનક વેગે સ્વામી પાસે ધસી આવ્યો અને હવામાં બે ફાયર કર્યા.

માઈક ઉપર સ્વામી ખડખડાટ હસવા લાગ્યા. બોડીગાર્ડ કરેલા ફાયરથી લોકો સ્તબ્ધ થઈ ગયા હતાં.

"વ્હાલા પ્રજાજનો બસ આટલી જ તમારી બુદ્ધિ છે ને ?" સ્વામીએ કપાળ ઉપરથી લોહી આંગળી ઉપર લીધું.

"બસ આટલી જ તમારી સમજશક્તિ છે ને ? મેં કહ્યું કે મેં આશ્રમ બનાવ્યો શાળા બનાવી એ માટે તમે તાળીઓ પાડી અને જયનાદ કર્યો અને મેં જ કહ્યું કે હું વિધવા સ્ત્રીઓનો ઉપયોગ કરું છું તો તમે મને મારુ લોહી બતાવ્યું ? આ ગાર્ડ ન હોત તો કદાચ મારી પણ નાખ્યો હોત ! "

સ્વામી અટક્યા અને ગાર્ડને આઘા ખસવા કહ્યું.

"તમને પહેલા જે કહ્યું એ પણ મેં જ કહ્યું હતું અને પછી જે કહ્યું એ પણ મેં જ કહ્યું હતું. બંનેમાંથી એક પણ વાતની મેં કોઈ સાબિતી તમને આપી નહોતી છતાંય તમે બંને વાત સાચી માની લીધી. તમારી પોતાની રીતે તમે શું નક્કી કર્યું ? તમારી પોતાની રીતે તમે કશુંય ન વિચારી શક્યા ?"

"શુ આ છે તમારી બુદ્ધિ ? આ છે તમારી વિચાર શક્તિ ?" સ્તબ્ધ થયેલા લોકો ઉપર નજર કરીને આગળ કહ્યું, "જો તમે ભાષણો સાંભળીને સંતો પાસે જઈને આટલી જ બુદ્ધિ કેળવી હોય તો શું અર્થ છે તમારો સમય બગાડીને આટલા બધા સંતોને સાંભળવાનો ? તમે તમારી રીતે વિચારી શકતા હોવ તો આપણા ધર્મમાં આવા ઢોંગી સંતો ઉદ્દભવ્યા જ ન હોત. પણ તમારા મનમાં જ એવા ભૂંસા ભરી નાખ્યા છે સંતોએ એસોરામ કરવા માટે લીલા કરવા માટે કે લોકોએ સંતોને દાન આપવું અને સંતો આશ્રમમાં એ પૈસા વાપરે લોક કલ્યાણ કરે.... આ એક ધતિંગ છે. તમે મારા માટે આ પંખા આ બે ફૂટ જાડી ગાદી ઉભી કરી છે પણ સાચો સંત કદી એવા એસોઆરામ નથી કરતો. તમારા પૈસાથી હું ફોર્ચ્યુનર ગાડી લઈને ફરું છું કોઈ પણ મહેનત વગર અને એમાં કશું ખોટું નથી. મારે બધી જગાએ જવા માટે ગાડી જોઈએ એ વાત સાચી પણ તમે જે મને આપો છો ધર્મના નામ ઉપર એ બધું તમે જે મહેનત કરે છે એને કેમ નથી આપતા ? આપણા દેશમાં કલાકારો ભૂખે મરે છે ફક્ત જેના નામ મોટા છે અને દર્શન ખોટા છે એવા જ કલાકારો પાસે પૈસો છે કેમ કે તમે નામ જોઈને પૈસા ખર્ચો છો."

સ્વામી અટક્યા પાણી પીધું અને ગઈ કાલે બનેલો કિસ્સો કહ્યો પછી વાત આગળ વધારી, "એ ઢાબાવાળો મારા આશ્રમમાં દર મહિને પાંચ હજારનું દાન કરે છે. એ કયો ધર્મ છે ? એક માસૂમ નિર્દોષ બાળકને એક દિવસ માટે મફતમાં કે ઉધાર જમવાનું ન આપી શકે એ માણસ આશ્રમમાં દાન આપે એનો અર્થ શુ ? ફક્ત દેખાડો ? ફક્ત સંતના આશ્રિર્વાદ મેળવવાની ઘેલછા ? શુ ભગવાન મારો નોકર છે કે મારા આશીર્વાદ આપવાથી એ ઢાબાવાળાનું ભલુ કરી નાખશે ? તો પછી કેમ આવી ધર્મના નામની પુણ્ય કમાઇ લેવાની ઘેલછા ? તમે લોકો સંતોને દાન કરો છો કરોડો રૂપિયા દરેક સંતને ફાળો આવે છે એ કયા જાય છે ? એના કરતાં જો સાચું પુણ્ય મેળવવું હોય સાચો ધર્મ નિભાવવો હોય તો તમારી આસપાસના ચાર જરૂરિયાતમંદ માણસોને મદદ કરો. એ જ સાચું પુણ્ય છે બાકી મારા જેવા સંતના પગમાં મુકવાથી ન તો પુણ્ય મળશે ન તમે ધર્મ નિભાવી શકશો ન એ પૈસા કોઈના કામે આવશે."

હવે લોકોના માથા હકારમાં હલવા લાગ્યા. અંદરોઅંદર ગુસપુસ થવા લાગી.

"સાંભળો......" આનંદ સ્વામીએ કહ્યું, "આજના સંત તો ભાષણમાં એમ કહે છે કે ફલાણા નેતાને વોટ આપો ફલાણી પાર્ટીને વોટ આપો. પણ તમને એટલી ખબર નથી પડતી કે સંત માટે કોઈ નેતા મહત્વનો નથી. સાચો સંત ક્યારેય આવા નેતાઓની તરફેણ ન કરે. નેતા પસંદ કરવા પડે છે એ તો ફક્ત મજબૂરી છે આપણી એમાં વળી સારું શુ ને ખરાબ શુ હોય ? એવો કયો નેતા છે જેની પાસે અબજોની મિલકત નથી ? તો પછી એ સારો ક્યાંથી હોય ? પણ તમે મૂર્ખ છો તમે તમારી બુદ્ધિ નથી ચલાવી શકતા. તમારા માટે તો મેં કહ્યું એ જ સાચું. મેં કહ્યું કે ફ્લાણો નેતા સારો છે એટલે એને વોટ આપી દેવાના. પણ એ નેતા સારો છે તો એના સૂટ કરોડોના હોય ? જ્યાં દેશમાં નિર્દોષ બાળકોને ખાવા શિક્ષણ રહેવા નથી મળતું એ દેશનો નેતા ઢળતી ઉંમરે શોખ કરી શકે ખરો ? એના હૃદયમાં પ્રેમ હોય લોકો માટે દેશ માટે તો એ અવનવા ધતિંગના કપડાં પહેરીને ફરે ખરા ?"

સ્વામીએ નેતા ઉપર કરેલા પ્રહારથી ફરી ગુસપુસ વધી અને સ્વામીએ ફરી ત્રાડ નાખી, "સાંભળો મૂર્ખાઓ....... તમને અમારા જેવા સંતો ધર્મના નામ ઉપર મૂર્ખ બનાવે છે, નેતાઓ દેશના નામ ઉપર મૂર્ખ બનાવે છે અને ઉધોગપતિઓ તમને મફતનું નકામું આપીને વ્હાલા થઈ જાય છે. કોઈ ઉદ્યોગપતિએ શહીદોને 25 લાખ આપ્યા એટલે તમે એના ફોટા સેર કરવા માંડી પડ્યા ફેસબુકમાં પણ એ વાત ક્યારેય વિચારી ખરા કે અહીં દેશમાં દેશનો નાગરિક ઝૂંપડું બનાવે તો સરકાર ગમે ત્યારે તોડી નાખે છે અને એ જ સરકાર ઉદ્યોગપતિને સેંકડો એકર જમીન મફતના ભાવે આપી દે છે. તો શું એ ઝૂંપડું બાંધનાર માણસ પાકિસ્તાનથી આવ્યો છે ? શું એને આ જમીન ઉપર રહેવાનો હક નથી ? પણ એ મૂર્ખ નાગરિક એટલો મૂર્ખ છે કે એ જ નેતા ફરી એને દેશના નામ ઉપર ધર્મના નામ ઉપર કે યેન કેન પ્રકારેણ વોટ મેળવી લે છે. આ તો થઈ આપણી સિસ્ટમની વાત. પણ જો તમારે સાચો ધર્મ આચરવો હોય, સાચું પુણ્ય કરવું હોય તો તમારી આસપાસ જે જરૂરિયાતમંદ માણસ છે એમની મદદ કરો. કોઈ સંતને સાંભળવાની જરૂર નથી તમારે."

અને છેલ્લે સ્વામીએ પોતાના ખભેથી કેસરી રૂમાલ જમીન ઉપર ફેંક્યો, "આજથી હું ખરો સંત છું આજથી હું આ જ વાત આખાય દેશને કહીશ. હું પોતે પણ આટલા દિવસ ઢોંગમાં જીવ્યો છું. જેને હું સંત સમજતો હતો એ ખરા સંત છે જ નહીં. ખરો સંત હું આજથી બન્યો છું. તમારે પણ ખરા માણસ બનવું હોય તો જાતે વિચારતા શીખો સાચી માનવતા શીખો દેખાડો નહિ. મારા પગમાં મુકેલું દાન તમે ફક્ત બીજાને બતાવવા કર્યું છે. ન એ કોઈને કામ આવે છે ન એનું કોઈ પુણ્ય મળે છે. ખરું જીવન એ છે જે તમે વિચારીને જાતે જ નિર્ણય કરી શકો બાકી કટપૂતળી જેમ જીવ્યાનો કોઈ અર્થ નથી. બધું વ્યર્થ છે."

કહી સ્વામી સ્ટેજ પરથી ઉતરી ગયા. લોકો દોડી આવ્યા પણ સ્વામીએ જોરથી ત્રાડ નાખી, "ખબરદાર જો એકેય મારા પગે પડ્યો છે તો, પગે પડવું હોય તો તમારા મા બાપના પગે પડો જેમણે તમને મોટા કર્યા છે. હું કોણ છું ? મેં શુ આપ્યું છે તમને ? અરે મેં જ કેમ કોઈ સંતે તમને શું આપ્યું છે ? સદીઓથી અહીં સંત આવીને ભાષણ આપે છે 2 ફૂટ જાડી ગાદી ઉપર બેસીને શુ એનાથી માનવ જીવનમાં કોઈ સુધાર આવ્યો ? હા સુધર્યું છે તો એ ઢોંગી સંતોનું જીવન સુધર્યું છે બીજું કશું જ નહીં. ખબરદાર જો મારા પગમાં પડીને દેખાડો કર્યો છે તો......"

કહીને આનંદ નીકળી ગયા. તે દિવસથી એમણે આખાય ભારત ભરમાં આ રીતે લોકોની આંખ ખોલવા પ્રયત્ન કર્યા પણ લોકોએ ક્યારેક સ્વામીની જય બોલાવી તો ક્યારેક કૂદીને એમના પગમાં પડી ગયા. ક્યારેક કોઈએ વળી પરાણે સ્વામીને જમવાનું કહ્યું તો કોઈએ સ્વામી માટે ગાડી ભેટ આપી..... પણ સ્વામી આનંદે એ જ લોકો ઉપર ફિટકાર વરસાવ્યો. એમણે કહ્યું કે મને આ ગાડી ધરીને મોટા બનવું છે દેખાડો કરવો છે. જાઓ સેવા કરવી હોય તો ગામના ગરીબ બાળકોનો અભ્યાસ ખર્ચ ઉઠાવો. સ્વામીએ બસ આ રીતે જ કટપૂતળી જેમજીવતા લોકોને જીવતા બનાવવાની કોશિશ ચાલુ જ રાખી......!

આપણા દેશમાં ફકત એક જ આવા સંતની જરૂર છે.

@ વિકી ત્રિવેદી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED