મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 50 Hardik Kaneriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 50

પોલીસ સ્ટેશનની બહાર 29મી ઑક્ટોબરનો સૂરજ આથમવા લાગ્યો હતો. ઝાલા અને ડાભી પોતપોતાના ઘરે જઈ, ઊંઘ ખેંચી, ફ્રેશ થઈ પાછા આવી ગયા હતા. સવારથી ટૉર્ચર થઈ રહેલી અભિલાષાને, શરીરના એકેએક અંગમાં કળતર થતી હતી, ત્વચા પર સખત બળતરા થતી હતી, આંખોમાં ચુભન થતી હતી, ચિત્કારો કરી તેનું ગળું બેસી ગયું હતું, અસહ્યને સહેવાની શક્તિ ચૂર થઈ ગઈ હતી, હવે તો શ્વાસ લેવામાં ય વેદના અનુભવાતી હતી. છેલ્લા દસ કલાકમાં તેણે દોજખની વેદના સહી હતી, આના કરતા તો મોત બહેતર હોય એવું લાગવા લાગ્યું હતું. આખા દિવસમાં તે કંઈ કેટલીય વાર રોઈ હતી, પણ તેના આંસુથી અહીં કોઈ પીગળવાનું ન હતું. ઊલટું, કિરણ, ફરહા અને મંજુલા નવી નવી પદ્ધતિઓ અપનાવી તેને ત્રાસ આપ્યે જતી હતી. છેવટે, અભિલાષા ભાંગી પડી, “હા, મેં જ મારી બહેનના મોં પર ઓશીકું દબાવી તેને મારી નાખી હતી.” તે બોલી ઊઠી.

અભિલાષાનો એકરાર સાંભળી મંજુલા, ફરહા અને કિરણના ચહેરા પર વિજયી સ્મિત આવ્યું.

“પહેલા કબૂલી લીધું હોત તો તારે આંસુ અને અમારે પરસેવો ન પાડવો પડત.” મંજુલાએ ભાવશૂન્ય અવાજે કહ્યું.

અભિલાષાએ તેનો જવાબ ન વાળ્યો, પણ તે આટલો સમય સુધી પીડા સહી શકી તેની પાછળ એક આશા હતી. તેને આશા હતી કે આવતી કાલે કોર્ટ ઊઘડતા જ, પરિમલ અને રાજદીપ તેના જામીન કરાવશે. તેને લાગ્યું હતું કે ફક્ત ચોવીસ કલાક કાઢવાના છે અને એટલો સમય તો ગમે તેવી વેદના સહીને પણ ચૂપ રહી શકાશે. પરંતુ, તેની ગણતરી ખોટી ઠરી હતી. શરૂઆતના દસ કલાકમાં જ તેની હિમ્મત તૂટી ગઈ હતી. ઘડિયાળનો કાંટો ખૂબ ધીમો ચાલી રહ્યો હોય એવું લાગવા લાગ્યું હતું. કાઢ્યો તેના કરતા ય વધુ સમય કાઢવાનો હોવાથી તે હામ હારી ગઈ હતી. તેને લાગ્યું કે હવે સહન નહીં થાય, અને આવતી કાલ સવાર સુધી તો નહીં જ ! છેવટે, તેણે ગુનો કબૂલી લીધો.

કિરણે અભિલાષાને કપડાં આપ્યા અને ફરહા લાંબી ફર્લાંગો ભરતી બહાર ગઈ. અભિલાષાએ પોતાના કપડાં પહેર્યા ત્યાં ઝાલા અને ડાભી રિમાન્ડ રૂમમાં આવી પહોંચ્યા. ફરહા તેને બોલાવી લાવી હતી. ઝાલાએ અભિલાષાનો દેહ ઉપરથી નીચે સુધી જોયો.

માણસ કરતા વધુ દગાખોર સમયે પલટી મારતાં ફિલ્મની હિરોઈન જેવી અભિલાષા દીનહીન બની ગઈ હતી. તેના વાળ સાવ વિખરાઈ ગયા હતા, આકર્ષક ચહેરો નિસ્તેજ બની ગયો હતો, ફટાફટ પહેર્યા હોવાથી કપડાં અસ્તવ્યસ્ત લાગતા હતા. અભિલાષા નીચું જોઈ ગઈ. કિરણે તેની હડપચી પકડી રૂક્ષતાથી માથું ઊંચક્યું અને અભિલાષાએ ઝાલા સામે જોયું. તેની આંખમાં આંસુ હતા, સાથે કંઈક પસ્તાવો અને પરાજયનો ભાવ પણ.

“આરવીની હત્યા શા માટે કરી ?” ઝાલાએ કડકાઈથી પૂછ્યું..

“હું ડરી ગઈ હતી, તે મારી પાસેથી લલિતને છીનવી લેવા માંગતી હતી.” અભિલાષા રડવા લાગી.

થોડી વાર ઝાલા એમ જ ઊભા રહ્યા, પરંતુ તેનું રડવાનું બંધ ન થયું એટલે તેમણે મંજુલા સામે જોયું. મંજુલાએ અભિલાષાના વિખરાયેલા વાળ મૂઠીમાં પકડ્યા અને જોરથી બોલી, “દુ:ખી હોવાનું નાટક પછી કરજે, જેલમાં રિહર્સલ કરવા બહુ સમય મળશે.”

“આરવી અને લલિતના સંબધો વિશે ક્યારથી જાણે છે ?” ઝાલાએ પૂછ્યું.

“જે રાત્રે મેં આરવીની હત્યા કરી એ જ દિવસે મને તેની ખબર પડી હતી.” અભિલાષાએ નાના બાળકની જેમ બાંયના છેડાથી આંસુ લૂછ્યા.

“મતલબ, 24મી તારીખે.”

“હા. તે દિવસે લલિત સિવાયનો આખો પરિવાર ડ્રૉઇંગ રૂમમાં બેઠો હતો. લલિતને કોઈ ઇમરજન્સી આવી હોવાથી તે હોસ્પિટલ ગયો હતો. એવામાં કુરિયર બૉય આવ્યો અને હું ઊભી થઈ. થોડા દિવસ પહેલા મેં લલિત માટે ઑનલાઇન શોપિંગ કરી ટી-શર્ટ અને ટ્રાઉઝર મંગાવ્યા હતા. તેની ડિલિવરી કરવા કુરિયર બૉય આવ્યો હતો. મેં તે સામાન લઈ કુરિયર બૉયને પૈસા ચૂકવ્યા અને ઉપર જઈ કપડાં વૉડરોબમાં મૂક્યા. થોડી વારે હું નીચે આવી, પરિવાર સાથે બેસી ફરી ગપ્પાં લડાવવા લાગી.

એવામાં લલિત થાકેલા ચહેરે દાખલ થયો. તે કંઈ બોલ્યા વગર સીધો ઉપર ચાલ્યો ગયો. તેના વર્તનમાં કંઈ નવાઈ પામવા જેવું ન હતું. ક્યારેક હોસ્પિટલમાં દાખલ થયેલો દર્દી સિરિયસ હોય કે તેના સગાંવહાલાંએ કંઈ માથાકૂટ કરી હોય ત્યારે તે અપસેટ થઈ જતો. મને લાગ્યું કે એવું જ કંઈક બન્યું હશે. લલિતના ઉપર ગયાની થોડી મિનિટો પછી આરવી, “મારા ફોનની બેટરી ઊતરી ગઈ છે” એમ કહી, પાવર બેંક કે ચાર્જર લેવા ઉપર દોડી ગઈ. આરવી સીડી ચડી ગઈ એટલે મને થયું કે હું ય ઉપર જઈ, લલિત માટે ખરીદેલા કપડાં બતાવી તેને મૂડમાં લાવવાનો પ્રયત્ન કરું.

આથી, ઉપર જઈ મેં મારા રૂમનો દરવાજો ખોલવા હેન્ડલ પકડ્યું, પણ મને વાક્ય સંભળાયું, “તો તમારે મારી સાથે લગ્ન નથી કરવા, એમ ને ?” તે અવાજ આરવીનો હતો. મારા બેડરૂમમાંથી આવેલો આરવીનો અવાજ સાંભળી હું જોરદાર રીતે ચોંકી. દરવાજો ખોલવાના બદલે હું એમ જ ઊભી રહી.

અંદર શું ચાલી રહ્યું છે તેની મને જાણ ન હતી, પરંતુ મને લલિતનો અવાજ સંભળાયો. તેણે કહ્યું, “એ કેવી રીતે બને ? હું તો અભિલાષાને ચાહું છું.”

લલિતનો જવાબ સાંભળી મને સારું લાગ્યું, પરંતુ બીજી પળે આરવીએ જે કહ્યું તેનાથી હું હલી ગઈ. આરવીએ કહ્યું, “તો હું દીદીને જઈને કહી દઉં છું કે તમારા પતિનો અંશ મારા પેટમાં રહી ગયો હતો.” મને લાગ્યું કે હું ત્યાં જ ઢળી પડીશ. જીજા-સાળીના સંબંધો લક્ષ્મણ રેખા ઓળંગી ચૂક્યા હતા, હું અંધારામાં રહી હતી, તેમણે મને બેવકૂફ બનાવી હતી. પછી, લલિતે કહ્યું “તું મને બ્લેકમેઇલ કરે છે ?” અને આરવીની વાત મજાક કે ખોટી હોવાની શક્યતાઓ પણ ઊડી ગઈ. મારો આત્મા કકળી ઊઠ્યો. મારી સાથે વિશ્વાસઘાત થયો હતો.

આટલું ઓછું હોય તેમ આરવીએ લાજ શરમ નેવે મૂકીને કહ્યું, “હા, હું તમને બ્લેકમેઇલ કરું છું. મને આઇ લવ યુ કહો.” મને સખત ગુસ્સો આવ્યો. મને થયું કે લલિત આ ત્રણ શબ્દો બોલે તે પહેલા હું દરવાજો ખોલી અંદર ધસી જાઉં, તે બંને સાથે ઝઘડો કરું અને લલિતને છોડીને ચાલી નીકળું.

પરંતુ, હું એવું કંઈ કરું તે પહેલા જ લલિતે જવાબ આપ્યો, “નહીં કહું, હું ફક્ત અભિલાષાને જ આઇ લવ યુ કહું છું કારણ કે હું તેને સાચો પ્રેમ કરું છું.” મારો ગુસ્સો ઠરી ગયો. મને લાગ્યું કે ઉતાવળ કરવામાં શાણપણ નથી. જોકે, લલિતનો જવાબ રૂમમાં રહેલી આરવીને રુચ્યો નહીં હોય. મને તેનો ધમકીભર્યો અવાજ સંભળાયો, “હું ય જોઉં છું કે અભિલાષા પ્રત્યેનો તમારો પ્રેમ કેટલો સમય ટકે છે ?”

તેની ધમકીમાં મારા માટે ચેતવણી હતી. પોતાને જોઈતી વસ્તુ મેળવવા સાવ છેલ્લી પાયરીએ ઊતરી જવું એ તેની બચપણની આદત હતી. મને લાગ્યું કે લલિતને મેળવવા તે ગમે તે હદે જશે. પછી, આરવીએ “ગુડબાય” કહેતા, હું ઊછળીને સીડી તરફ ભાગી અને ફટાફટ પગથિયાં ઊતરી ગઈ.

તેમની વાતો સાંભળી મને ભય પેઠો હતો કે આરવી મારું સ્થાન લઈ લેશે. ભલે, લલિતે મને પ્રેમ કરતો હોવાનો ખુલાસો કર્યો હતો છતાં, સ્ત્રીના નખરાં આગળ ગમે તેવા પુરુષની બુદ્ધિ લકવો મારી જતી હોય છે. કદાચ એટલે જ આરવીના પેટમાં તેનું...” અભિલાષાએ મુઠ્ઠીઓ વાળી, તેના લાંબા નખ હથેળીની સુંવાળી ચામડીમાં પેસી ગયા. “એકવાર સ્ત્રી હઠ પકડે તો જોઈતું પામ્યા વગર રહેતી નથી. એમાંય આરવી તો સુંદર હતી, યુવાન હતી, બોલ્ડ હતી, બુદ્ધિશાળી હતી, બિનધાસ્ત હતી, અલ્લડ હતી. કોઈ પણ પુરુષને લાચાર કરી શકે તેવી સક્ષમ હતી. મારો ભય ચરમ સીમાએ પહોંચ્યો, મને લાગ્યું કે હું લલિતને નહીં બચાવી શકું. આરવી પ્રત્યે મારા દિલમાં નફરત જન્મી, મને આરવીને ત્યાં જ ખતમ કરી દેવાની ઇચ્છા થઈ. તેને અહીં રહીને ભણવા દીધી એ મારી મોટામાં મોટી ભૂલ હતી, મેં જાતે કરીને મારા પગ ઉપર કુહાડો માર્યો હતો.”

ક્રમશ :

(મર્ડરર’સ મર્ડર નોવેલમાં મુખ્ય ગુનેગાર કોણ હશે તે વિશે અનુમાન કરી આપ આ જ લેખકે લખેલું અને બહુ વખણાયેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક “કારસો” જીતી શકો છો. મુખ્ય વિલન કોણ છે તેની ધારણા કરીને જણાવવાની આજે છેલ્લી તક છે. મર્ડરર’સ મર્ડર નોવેલના ચોપન પ્રકરણ પૂરા થયા પછી વિલનના સાચા નામ ધારનાર વાચકોના નામનો ડ્રો કરવામાં આવશે અને કોઈપણ ત્રણ વાચકને હાર્દિક કનેરિયાએ લખેલું તથા અમોલ પ્રકાશને પ્રકાશિત કરેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક ‘કારસો’ ભેટ આપવામાં આવશે.)