મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 4 Hardik Kaneriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 4

“આપ કેવી વાત કરો છો ? ઘરનો કોઈ માણસ આરવીને શા માટે મારે ?” ખૂની ઘરનો જ કોઈ માણસ છે તેવા ઝાલાના આક્ષેપથી લલિત ગુસ્સે થઈ ગયો.

“હત્યારો મળશે ત્યારે તેનો જવાબ પણ મળી જશે. અત્યારે તમે એ જણાવો કે વરુણ નોકરી કરે છે કે વેપાર ?” ઝાલાએ પૂછપરછ શરૂ રાખી.

લલિત થોડો ખચકાયો અને વિચાર કરીને બોલ્યો, “તૈયારી કરે છે.”

“શાની તૈયારી ?”

“એને વિદેશ જવું છે. જીઆરઈ-ટોફેલની તૈયારી કરે છે.”

“તો મોડી રાત સુધી બહાર રહેવાનું કારણ ? તમે કહ્યું કે ઘરની બીજી ચાવી તેની પાસે હોય છે.”

“સાહેબ, યુવાનો રાતના રાજા હોય. વરુણની ઉંમર મોજ-મજા કરવાની છે. ક્યારેક મિત્રો સાથે બેઠો હોય કે નાટક-મૂવી જોવા ગયો હોય તો મોડું થઈ જાય.” લલિતે ઠાવકાઈભર્યો જવાબ આપ્યો.

“તમારા પત્ની પણ ડૉક્ટર હશે ને, તેમને ઇમરજન્સી નથી આવતી ?”

“જી ના, તે હાઉસ વાઇફ છે. અભિલાષા અને મમ્મી ઘરે જ હોય છે.”

“તમારા પપ્પા ?”

“તેમને મોડે સુધી બહાર રહેવું પડે એવું ક્યારેય બનતું નથી.”

“તમે કહ્યું કે આરવી ગઈ રાત્રે તમારી પત્ની સાથે હતી, મારે તેમની પૂછપરછ કરવી છે.”

“તે બહેનના મૃત્યુના આઘાતમાંથી બહાર આવે ત્યાં સુધી રાહ જોવી પડશે.” લલિતે અક્કડ થઈને કહ્યું.

“મેં તમને પૂછ્યું નથી, કહ્યું છે. અહીં કોઈનું પર્સ નથી ચોરાયું, હત્યા થઈ છે.” ઝાલાએ રુઆબ બતાવ્યો.

ક્યારેક સ્વાધીન બનવા કરતા આધીન બનવું વધુ હિતકારી હોય છે. લલિત અભિલાષાને બોલાવવા ચુપચાપ ચાલ્યો ગયો.

તે રૂમની બહાર નીકળ્યો કે ડાભીએ ધીમેથી કહ્યું, “સર, મનીષાબેન અને અભિલાષાએ કહ્યું છે કે આરવીના ફોનનો પાસકોડ તેની બર્થ ડેટ એટલે કે 15/૦4/94 છે, પરંતુ તે કોડથી ફોન ખૂલ્યો નહીં. કદાચ, આરવીએ તે બદલી નાખ્યો હશે. બીજું, મેં આખા ઘરમાં ફરીને બધું જોઈ લીધું છે. ઘરમાં કુલ અગિયાર રૂમ છે. તેમાંથી બે રૂમના દરવાજા પર એક સરખી જગ્યાએ, એક સરખા ડાઘ છે. નાનકડાં દિલ આકારની ગુંદરવાળી વસ્તુ કે સ્ટિકર ચોંટાડીને ઉખેડ્યા હોય એવા એ ડાઘ છે. ગુંદર બહુ ચોંટ્યો નથી એટલે વસ્તુ ચોંટાડ્યાના થોડા સમયમાં ઉખેડી લેવામાં આવી હશે. ધ્યાનમાં આવે એવું નથી, પણ દરવાજો ખૂલે ને ત્રાંસો થાય ત્યારે અલગ એંગલથી પ્રકાશ પડતા દેખાઈ જાય છે. મેં તે બંને જગ્યાએ મોબાઈલની ટોર્ચ મારીને ચકાસ્યું છે, લગભગ એક જ વસ્તુના ડાઘ છે. આમ તો એ મહત્વનું ન કહેવાય, પણ જે બે રૂમના દરવાજા પર ડાઘ છે તેમાંથી એક રૂમમાં આરવીની લાશ પડી છે.”

“બીજો રૂમ કોનો છે ?”

“ડૉક્ટર લલિતનો. અત્યારે આપણે ઊભા છીએ એ જ રૂમ છે.”

“ફોટોગ્રાફરને કહી તેના ફોટા ખેંચાવી લો અને ફિંગરપ્રિન્ટ્સ એક્સપર્ટને બોલાવી લો, કદાચ ડાઘની આસપાસ કોઈ ફિંગરપ્રિન્ટ્સ મળી આવે. અને હા, ડૉગ સ્કવૉડને પણ બોલાવી લેજો.”

ઝાલાનો આદેશ સાંભળી ડાભીએ ફોન જોડ્યો, પણ લલિત અને અભિલાષાને રૂમમાં દાખલ થતા જોઈ તેઓ બહાર ચાલ્યા ગયા.

અભિલાષા ડૂસકાં ભરતી હતી. ઝાલાએ તેને ધ્યાનથી જોઈ. પાંચ વર્ષના દીકરાની મા હોવા છતાં, જૂનો શરાબ વધુ નશીલો લાગે તેમ તે નશીલી લાગતી હતી. તેમાં ગુલાબની નહીં, પણ આખા ગુલદસ્તાની સુંદરતા સમાયેલી હતી. તેની ગોરી ત્વચા ચમકી રહી હતી. અસ્વસ્થ લાગતા ચહેરાની સોજી ગયેલી આંખો અને લાલ ગાલ, કરેલા રુદનની ચાડી ખાતા હતા. પોપટી કલરનો ખૂલતો ડ્રેસ, ડ્રેસને મેળ ખાય તેવી બિંદી, જમણા કાંડામાં બંધાયેલી રાડો ઘડિયાળ, ડાબા હાથનું બ્રેસ્લેટ, આંગળીમાં પહેરેલી હીરાજડિત વીંટી, તેની ઊંચી પસંદગીનું પ્રદર્શન કરતા હતા.

“માફ કરજો મહોદયા, આવી પરિસ્થિતિમાં પણ આપને તકલીફ આપવી પડે છે.”

અભિલાષા કંઈ બોલ્યા વગર નીચું જોઈને રડતી રહી.

“આપ પણ ડાબોડી છો, આપની બહેનની જેમ.” ઝાલાએ કહ્યું. અભિલાષાએ આશ્ચર્યથી નજર ઊંચકી.

“આપે જમણા હાથમાં ઘડિયાળ બાંધી છે એટલે અનુમાન કર્યું. જમોડી માણસ મોટાભાગે ડાબા હાથે ઘડિયાળ બાંધે છે.” ઝાલાએ ચોખવટ કરી. અભિલાષા કંઈ બોલી નહીં.

એટલામાં ડાભી ફોટોગ્રાફર સાથે પ્રવેશ્યા અને દરવાજા પરના ડાઘના ફોટા ખેંચાવ્યા. કામ પૂરું થતાં ડાભી ઝાલાની પાસે આવી ઊભા રહી ગયા.

“ગઈ કાલે રાત્રે શું બન્યું હતું ?” ઝાલાએ અભિલાષાને પૂછ્યું.

પોતાના આંસુ ખાળવાનો વ્યર્થ પ્રયત્ન કરતા તે બોલી, “લગભગ સાડા દસે હું અને લલિત નિખિલને લઈ બેડરૂમમાં ગયા અને આરવીએ દરવાજો ખખડાવ્યો. તે અંદર આવી અને લલિતને નિખિલના રૂમમાં ચાલ્યા જવા કહ્યું. તે મારી સાથે સમય વિતાવવા માંગતી હતી. મેં તેને કહ્યું પણ ખરું, “તું અહીં બે વર્ષ રોકાઈ તે દરમિયાન તો આવું કંઈ કર્યું નથી ને આજે વળી આ શું સૂઝ્યું ?” પછી, લલિત અને નિખિલના ગયા પછી અમે ગપ્પાં મારવાં શરૂ કર્યાં, પણ તેને કોઈ ઉદ્વેગ હોય એવું લાગતું હતું. મેં પૂછ્યું, “કંઈ તકલીફ કે ચિંતા છે ?” તો કહે, “ચિંતા તો છે કારણ કે હું બહુ મોટું પગલું ભરવાની છું, આખું ઘર ચોંકી જાય એટલું મોટું !” મેં કહ્યું, “શું પગલું ભરવાની છો ?” તો મને ઠોંસો મારીને કહે, “તમને સુવડાવીને આરામથી સૂઈ જવાની છું.” અને પછી ખડખડાટ હસવા લાગી. તે કાયમ આવા લવારા કરતી એટલે મને એમ કે મસ્તીના મૂડમાં ગમે તેમ બોલે છે. મને શું ખબર કે તે આત્મહત્યા કરવા ઇચ્છતી હશે !”

આ આખીય ઘટના નજર સામે બની રહી હોય અને અભિલાષા તેને જોવા ન ઇચ્છતી હોય તેમ તેણે આંખો બંધ કરી લીધી.

“મેં પહેલા પણ કહ્યું હતું અને ફરી કહું છું : આ આત્મહત્યા નથી, હત્યા છે.”

“તો પછી તેણે એવું કેમ કહ્યું કે ‘આખું ઘર ચોંકી જાય એટલું મોટું પગલું ભરવાની છું.’ અને મને સુવડાવીને ‘આરામ’થી સૂઈ જવાનો શું મતલબ થાય ?” અભિલાષાએ ‘આરામ’ શબ્દ પર ભાર મૂક્યો.

ઝાલા કંઈક વિચારવા લાગ્યા. એકાદ મિનિટ શાંતિથી વીતી. તેમણે કહ્યું, “તમે જે કહ્યું એ પઝલના ટુકડા હોઈ શકે છે, પણ જ્યાં સુધી બધા ટુકડા નહીં જોડાય ત્યાં સુધી આખું ચિત્ર નહીં બને. પછી શું થયું ?”

“અમે ઘણી વાતો કરી, લગભગ સવા અગિયાર સુધી... પછી તે કહે, “દીદી, ઠંડુ પીએ.” અમે ફ્રીઝમાં કોલ્ડ ડ્રિંકની બૉટલ રાખીએ છીએ. મેં કહ્યું, “અત્યારે કોલ્ડ ડ્રિંક ? રામુકાકા તો સૂઈ ગયા હશે, હું લઈ આવું છું.” પણ તેણે મને રોકી અને ઍક્ટિંગ કરતા કહ્યું, “નાની બહેન હાજર હોય ને મોટીએ કામ કરવું પડે, બહુત નાઇંસાફી હૈ યે...” પછી તે નીચે ચાલી ગઈ. હું તેની રાહ જોતી બેસી રહી. તેને પાછાં ફરતાં ઘણી વાર લાગી એટલે હું નીચે જવા રૂમની બહાર નીકળી. જોકે, હું સીડી પાસે પહોંચી ત્યારે તે પગથિયાં ચડી રહી હતી ; તેના હાથમાં ટ્રે હતી, બે ગ્લાસમાં કોલ્ડ ડ્રિંક હતું. તેના કપાળ પર પરસેવો બાઝ્યો હતો. મેં કહ્યું, “આટલા ઠંડા વાતાવરણમાં આટલો પરસેવો ? મને ટ્રે આપી પરસેવો લૂછી નાખ.” મેં ટ્રે લેવા હાથ લંબાવ્યો, પણ તેણે તે ન આપી. તેણે કહ્યું, “હું તમને મારા હાથે જ કોલ્ડ ડ્રિંક આપીશ.” “આજે મોટી બહેન પર બહુ પ્રેમ ઊભરાય છે ને કંઈ ?” એમ કહી મેં તેનો ગાલ ખેંચ્યો. અમે પાછા મારા રૂમમાં પ્રવેશ્યા. ત્યાં મારા મમ્મી આવ્યા, તેમણે કહ્યું, “મને માથું દુખે છે એટલે ઊંઘ આવતી નથી.” આરવીના પર્સમાં સ્ટોપેક પડી હતી. તે દવા લેવા તેના રૂમમાં દોડી ગઈ અને હું વૉશ રૂમમાં ગઈ. હું બાથરૂમની બહાર આવી ત્યારે આરવી રૂમમાં બેઠી હતી. તેણે કહ્યું, “માથાની સાથે ઊંઘની ગોળી પણ આપી દીધી છે, મમ્મી આરામથી સૂઈ જશે.””

ક્રમશ :