મર્ડરર'સ મર્ડર - પ્રકરણ 10 Hardik Kaneriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડરર'સ મર્ડર - પ્રકરણ 10

દુર્ગાચરણના ઘરે આવેલી પોલીસ જીપ જોઈ ઘણા અડોશી-પડોશીઓ બહાર નીકળ્યા હતા. પારકો તમાશો જોવા લોકો પાસે હંમેશા સમય હોય છે. ઝાલાએ તેમના પર નજર ફેંકી અને પોલીસ જીપમાં ગોઠવાયા.

તેમણે ડાભીને કહ્યું, “તમે રજિસ્ટરના પેજનો ફોટો ખેંચ્યો છે, તેમાં વિશેષનો નંબર હશે. તેને ફોન કરો અને સોસાયટીની આસપાસની દુકાનો, એટીએમ તથા રોડ સાઇડ કૅમેરાના આખી રાતના રેકૉર્ડિંગ્સ મંગાવો.”

‘યસ સર’ કહી ડાભીએ પોતાનો મોબાઈલ કાઢ્યો, ફોટામાંથી નંબર લખી તેમણે વિશેષને ફોન જોડ્યો. બે-ચાર પ્રયત્ન કર્યા પછી તેમનો ચહેરો ઝંખવાયો, તેમણે સાશંક અવાજે કહ્યું, “ફોન સ્વિચ ઑફ આવે છે.”

“સરનામું મેળવી તેના ઘરે પહોંચી જાવ, ઉઠાવી લાવો એને પોલીસ સ્ટેશને. અને તે જેને મળવા આવ્યો હતો તે અજયને પણ...” ઝાલાના અવાજમાં કડપ આવી.

****

ઝાલાને ચોકીએ ઉતાર્યાના દોઢ કલાક પછી ડાભી પરત ફર્યા. તેમની સાથે એક યુવાન હતો. તેણે વ્હાઇટ ટી-શર્ટ, બ્લેક જિન્સ અને વેસ્ટર્ન કપડાંને મેચ થાય તેવા શૂઝ પહેર્યા હતા. ટી-શર્ટ પર કાળા અક્ષરે “Look Pretty Play Dirty” લખ્યું હતું. ઝાલાએ નોંધ્યું કે યુવાન લંગડાયા વગર બરાબર ચાલી રહ્યો છે, માટે અજય હશે.

“સર, અજયને સાથે લઈ અમે વિશેષના ઘરે પહોંચ્યા તો તેના મમ્મીએ જણાવ્યું કે વિશેષ આજે સવારે આબુ ફરવા નીકળી ગયો છે. તેઓ પંદર દિવસથી શિમલા હતા અને તેના મમ્મીએ તેને રોક્યો પણ ખરો... પરંતુ, તેણે કહ્યું કે ફૅમિલી સાથે ફરવાની એટલી મજા ન આવે જેટલી ફ્રેન્ડસ સાથે આવે. જોકે, તે કયા ફ્રેન્ડસ સાથે ગયો છે તેની તેના મમ્મીને ખબર નથી. તેઓ કહેતા હતા કે વિશેષ ઘણી વાર આવી રીતે ફરવા ઊપડી જાય છે. બાદમાં, મેં તેમને આરવી વિશે જણાવ્યું અને વિશેષને ફરી ફરી ફોન કર્યા પણ તેનો ફોન બંધ જ આવતો હતો. આથી, અમે ત્યાંથી નીકળી ગયા.” ડાભી કહી રહ્યા ત્યાં, એક આધેડ ઉંમરનો પુરુષ, પોલીસ સ્ટેશનમાં દાખલ થયો. તેના ચહેરા પર રુઆબ અને ગુમાન હતા.

“મને મારી પત્નીનો ફોન આવેલો કે અજયને પોલીસ લઈ ગઈ છે. આવી રીતે આપ કોઈ સજ્જનને પરેશાન ન કરી શકો, મારા દીકરાને વગર વાંકે પોલીસ સ્ટેશન ઢસડી લાવવા બદલ આપે જવાબ આપવો પડશે. અહીંનો કૉર્પોરેટર મારો ખાસ મિત્ર છે.” આવનાર પુરુષ અજયના પપ્પા હતા, તેમણે પોલીસ સ્ટેશન માથે લીધું.

“તમારી સોસાયટીમાં એક મર્ડર થયું છે અને જે છોકરીનું મર્ડર થયું છે તે અજય સાથે એક જ કોલેજમાં ભણતી હતી. માટે, મારે અજયની પૂછપરછ કરવી છે. તમે કૉર્પોરેટરના મિત્ર છો તો તેમના ઘરે જઈ ચા-નાસ્તો કરી આવો, ત્યાં સુધીમાં અમારી પૂછપરછ પતી જશે.” ઝાલાએ કટાક્ષબાણ છોડ્યું.

“તમે સમજો છો શું તમારી જાતને ?” અજયના પપ્પા બેકાબૂ થઈ ગયા.

“સ્સ્સ્સ....” ઝાલાએ પોતાના નાક પર જમણા હાથની આંગળી મૂકી. તેમની આંખો અંગારા ઓકતી હોય તેમ લાલ બની. “આ તમારું ઘર કે ઑફિસ નથી, પોલીસ કાર્યવાહીમાં અડચણ કરવા બદલ અંદર કરી દઈશ. અને હા, તમારે વકીલ, કૉર્પોરેટર કે અન્ય કોઈને પણ બોલાવવા હોય તો બોલાવી લો. દરિયામાં ડૂબકી લગાવનારા મરજીવા શાર્કથી ડરતા નથી હોતા.”

ઝાલાની વાત સાંભળી પુરુષ ખચકાયો, કદાચ તેણે આવા વર્તનની અપેક્ષા રાખી ન્હોતી, છતાં પોતાનો ફોન બહાર કાઢી નંબર જોડવા લાગ્યો.

“ફોન પર વાત કરવી હોય તો બહાર, આઉટ...” ઝાલાએ ચપટી વગાડી બહારનો રસ્તો દેખાડ્યો. સત્તા કરતા સત્તાનો રુઆબ છાંટવાની આવડત વધુ અસર કરતી હોય છે. ઝાલાનું વર્તન જોઈ પુરુષ થીજી ગયો, તેનો ચહેરો પાકી ગયેલા ચીભડાની જેમ પીળો પડી ગયો. પોતાનો ફોન ખિસ્સામાં સરકાવી તે ચુપચાપ ઊભો રહ્યો.

“અમને લાગે છે કે આરવીની હત્યામાં વિશેષનો હાથ છે અથવા હત્યા બાબતે તે કંઈક જાણે છે. વળી, અત્યારે વિશેષનો ફોન સ્વિચ ઑફ આવે છે અને તે ઘરે પણ નથી. આ બાબતો અમારી શંકા વધુ મજબૂત બનાવે છે. ગઈ કાલે વિશેષ તને મળવા આવ્યો હતો, ખરું ?” ઝાલાએ નેણ ઊંચકાવ્યા.

“હા.” અજયના ચહેરા પર ભય છવાયો.

“કેમ ?”

“ખરેખર તો તે મને નહીં પણ આરવીને મળવા આવ્યો હતો.”

“હું કંઈ સમજ્યો નહીં.”

અજય બે પળ ચૂપ રહ્યો અને પછી એકડે એકથી કહેવા લાગ્યો, “હું, આરવી અને વિશેષ એક જ ક્લાસમાં ભણતા હતા. પહેલી જ મુલાકાતમાં વિશેષ આરવી પર મોહી પડેલો. ધીમે ધીમે તે બંને પાક્કા મિત્રો બની ગયા હતા. પછી, વિશેષે આરવીને પ્રપોઝ કરેલું, પરંતુ આરવીએ ના પાડી દીધેલી. આરવીને મનાવવાના વિશેષના પ્રયત્નો ત્યાર પછી પણ ચાલુ રહ્યા હતા. છેવટે, આરવી અકળાઈ ગઈ, તેણે તેને ફેસબુક પર અનફ્રેન્ડ કરી નાખ્યો અને કહ્યું, “મેં એક વાર ના પાડી તો સમજ નથી પડતી ? મારી પાછળ પાછળ ફરે છે તો તારે સ્વમાન જેવું છે કે નહીં ? મારે ઓલરેડી બોયફ્રેન્ડ છે અને ન હોત તોય તારી ગર્લફ્રેન્ડ તો ન જ બનત. તારું મોઢું જોજે અરીસામાં, લંગડો તેમાં !

સર, લોકો તમને અપંગ કહે તેની વેદના, અપંગ હોવાની વેદના કરતા અનેક ગણી વધારે હોય છે. વિશેષ નાનો હતો ત્યારથી તેના જમણા પગમાં ખોટ રહી ગઈ છે. આરવીએ તેને ‘લંગડો’ કહ્યો એટલે તે પણ છંછેડાયો. તેણે આરવીને ધમકી આપી, “જોજે આ ‘લંગડો’ તને મજા ન ચખાડે તો કહેજે.” જોકે, પાછળથી વિશેષે કબૂલેલું કે તે આવેશમાં આવું બોલી ગયો હતો. તેમના વચ્ચેની આ તકરાર કૉલેજમાં ચર્ચાનો વિષય બની હતી.

બાદમાં, ભણવાનું પૂરું થતા આરવી રાજકોટ ચાલી ગયેલી. વિશેષ હજુ ય તેને ચાહતો હતો. તે ક્યારેક તેને ફોન કરતો, પરંતુ આરવી ફોન ન ઉપાડતી. થોડા સમયથી તો આરવીએ વિશેષનો નંબર જ બ્લૉક કરી નાખ્યો હતો.”

અજય પઢાવેલા પોપટની જેમ બોલી રહ્યો હતો, “કૉલેજ પૂરી કરીને ચાલી ગયેલી આરવી દિવાળી કરવા વડોદરા આવી હતી, પણ એ વાતથી વિશેષ અજાણ હતો. તે અને તેનો પરિવાર શિમલા ગયા હતા. ગઈ કાલે ત્યાંથી પાછા ફરતાં તેણે મને ન્યૂ યર વિશ કરવા ફોન કર્યો અને મારાથી બોલાઈ ગયું કે “આરવી આવી છે.” આ સાંભળી તેણે તરત જ કહ્યું, “આજે મોડી રાત્રે હું ત્યાં આવીશ અને આરવીને મનાવવા પ્રયાસ કરી જોઈશ. હવે, તે નહીં માને તો...” એટલું કહી તે અટક્યો. મેં પૂછ્યું “તો ?” પણ, તેણે જવાબ ન આપ્યો.

કાલે રાત્રે તે આરવીને મળવા જ આવ્યો હતો. પણ, સોસાયટી રજિસ્ટરમાં આરવીનું નામ લખાવે તો ચોકીદાર આરવીને ફોન કરે અને આરવી ચોકીદારને ના પાડી દે તો વિશેષને સોસાયટીમાં પ્રવેશ જ ન મળે. માટે, તેણે મારું નામ લખાવ્યું, ચોકીદારે મને ફોન કર્યો અને મેં હા કહી. પરંતુ, પછી શું થયું, વિશેષ અને આરવી વચ્ચે શું વાતચીત થઈ, વિશેષ ક્યારે પાછો ગયો, એ વિશે મને કંઈ જ ખબર નથી.”

“ડૂબવા માટે બાથટબ જ કાફી હોય છે અને તેં તો અજાણતા દરિયામાં ડૂબકી લગાવી છે. જો વિશેષે આ હત્યા કરી હશે તો તું પણ ફસાઈશ. તેં કહ્યું કે આરવીને ઓલરેડી બોયફ્રેન્ડ હતો, તે કોણ ?”

ક્રમશ :