ફોન કર્યાની વીસ મિનિટ પછી પોલીસ જીપ આવી પહોંચી, ટાયરો ઘસાવાનો કર્કશ અવાજ આવ્યો અને ખાખી કપડાંમાં સજ્જ ત્રણ માણસો જીપમાંથી નીચે ઊતર્યા. પાંચ મિનિટ પહેલા જ બે યુવાનો આવ્યા હતા, મીડિયા સેલના તે માણસોને પોલીસે બોલાવ્યા હતા.
આરવીના મૃત્યુના સમાચાર ફરી વળતા ઘરના વરંડામાં તેમજ અંદર સોસાયટીના માણસો એકઠા થઈ ગયા હતા. સૌને જબરદસ્ત આઘાત લાગ્યો હતો.
“ફોન કોણે કર્યો હતો ?” ઇન્સ્પેક્ટર જયંત ઝાલાએ પૂછ્યું. છ ફૂટ ઊંચા ઇન્સ્પેક્ટર થોડા મેદસ્વી લાગતા હતા. જોકે, તેઓ એકલા હાથે જ બે-ચાર બદમાશને ધૂળ ચાટતા કરી દે એવા સ્ફૂર્તિલા હતા. ‘દેખાવ માણસને પ્રભાવશાળી નથી બનાવતો, વલણ બનાવે છે’ એ વાત સાચી ઠેરવતા હોય તેમ, તેમની વાત કરવાની પદ્ધતિ અને ઊભા રહેવાની સ્ટાઇલ, ખભા પર ચમકી રહેલા ત્રણ સ્ટાર કરતા વધુ આકર્ષક હતી.
“સાહેબ, મેં કર્યો હતો. આપની સૂચના પ્રમાણે ઘરના સભ્યો સિવાય કોઈને ઉપર જવા દીધા નથી.” પોલીસની રાહ જોઈ રહેલા રામુએ કહ્યું.
“સારું કર્યું.”
રામુ પગથિયા ચડવા લાગ્યો. તે પોલીસને ઉપર દોરી લાવ્યો. આરવીના ઓરડામાં પ્રવેશતા જ જયંત ઝાલાએ પોતાની ટોપી ઉતારી. બીજા બે ખાખીધારીઓ ઘટનાનો મલાજો જાળવતા પોતાના સાહેબને અનુસર્યા.
“સાહેબ હું ડૉક્ટર લલિત, ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ છું.”
“ડૉક્ટર સાહેબ માફ કરજો, પણ આવા સંજોગોમાં ય અમારે કાયદા પ્રમાણે વર્તવું પડશે.” ઝાલાએ મક્કમ સ્વરે કહ્યું.
“ચોક્કસ. જોકે, આ દેખીતી રીતે જ આત્મહત્યાનો કેસ છે.”
ઝાલા બે પળ અટક્યા, ઓરડામાં નજર ફેરવી અને પલંગ પર પડેલી લાશ જોઈને કહ્યું, “આ મર્ડર છે.”
ઝાલાની વાતથી રૂમમાં સોપો પડી ગયો. આક્રંદ કરતા તમામ પરિવારજનોએ ઝાલા સામે જોયું.
મહેન્દ્રભાઈએ વાતનો દોર પોતાના હાથમાં લીધો, “આપ જાણો છો કે અમે સદ્ધર અને આબરૂદાર માણસો છીએ, આરોપ વાહિયાત કે બેબુનિયાદ હોય તો ય અમારી બદનામી થાય. આપની શંકા ખોટી છે છતાં... વાતને અહીં જ દફનાવી દેવાની કીમત બોલો.”
આ સાંભળી જયંત ઝાલાના ભવાં ખેંચાયા. તેમની આંખોમા રતાશ ઊપસી, જડબાં તંગ થયાં.
“આબરૂદાર હોવાનું સર્ટિફિકેટ પૈસા નહીં પણ પ્રામાણિકતા છે. જોકે, આમાં તમારો વાંક નથી ; ‘પરિણીતા કુંવારી હોય તો ય તે કુમારિકા નથી કહેવાતી.’ સરકારી ખાતાઓમાં ફેલાયેલા ભ્રષ્ટાચારના કારણે લોકો આવું ધારી લે તે સ્વાભાવિક છે. પણ, પ્રામાણિકતા હજુ મરી પરવારી નથી, તે મૃત:પ્રાય બની છે, છતાં ક્યાંક તો જીવે છે ! જો આ ખરેખર આત્મહત્યા હોત તો હું કેસને એમ જ સૂલટાવી દેત. પરંતુ, મેં જે કહ્યું એની પાછળ કારણ છે.” ઇન્સ્પેક્ટરના અવાજમાં કડકાઈ હતી. તેમની દ્રઢતા અને આત્મવિશ્વાસ જોઈ મહેન્દ્રભાઈ કૂણા પડ્યા.
આ સાંભળી લલિતે આશ્ચર્યથી પૂછ્યું, “તમે આવ્યાને હજી પૂરી બે મિનિટ પણ નથી થઈ, છતાં આ હત્યા જ છે એવા નિષ્કર્ષ પર કેવી રીતે આવી ગયા ?”
“રૂમમાં દરવાજો ખોલી દાખલ થઈએ એટલે સૂવા માટેનો ડબલ બેડ જમણી દીવાલને અઢેલીને ગોઠવાયો છે. જેનું મૃત્યુ થયું છે તે યુવતી બેડની ડાબી બાજુએ દીવાલ તરફ માથું રાખીને સૂતી છે. હવે ખાસ વાત એ કે યુવતીના ડાબા હાથની નસ કપાઈ છે અને પલંગ પર રહેલા જમણા હાથ પાસે બ્લેડ પડી છે.”
ઝાલાની વાત સાંભળી લલિતે નજર માંડી. પલંગ પર લોહીના ડાઘવાળી પતરી પડી હતી. “તો ?”
“હવે આ જુઓ.” ઇન્સપેક્ટરે સામેની દીવાલ પર લટકતી તસવીર તરફ આંગળી ચીંધી. તસવીરમાં આરવી એક ટેબલ પર બેસી કંઈક લખતી હતી. અભિલાષા તેની પાછળ ઊભી હતી. અભિલાષાના હાથ આરવીના બંને ખભા પર હતા અને આરવીનું ધ્યાન લખવામાં હતું. આરવીના ચહેરા પર સ્મિત હતું, તેના ડાબા હાથમાં પેન હતી અને કોણીએથી વળેલો જમણો હાથ મેજ પર ટેકવાયો હતો.
લલિતે થોડી વાર તસવીર સામે જોયા કર્યું અને બોલ્યો, “મેં જ એ ક્લિક કરી છે, લગભગ દોઢ વર્ષ પહેલા... અમારી ઘરની લાઇબ્રેરીમાં... પણ, એનું શું છે ?”
“તમને જે નથી દેખાતું એ મને દેખાય છે કારણ કે તમે જુઓ છો અને હું ધ્યાનથી જોઉં છું.”
“હું સમજ્યો નહીં.”
“જેનું મૃત્યુ થયું એ યુવતીના ડાબા હાથમાં પેન છે, મતલબ તે ડાબોડી હતી.”
“તો ?”
“તમે ડાબોડી છો કે જમોડી ?” ઝાલાએ પ્રશ્ન પૂછ્યો.
“જમોડી, કેમ ?”
“લો આ પેન. માની લો કે આ પેન નથી પણ બ્લેડ છે અને આપ આત્મહત્યા કરવા ઇચ્છો છો. તમારા હાથની નસ કાપો.”
ઝાલા શું કહી રહ્યા છે તે લલિતને ન સમજાયું. છતાં, તેણે જમણા હાથમાં પેન પકડી પોતાના ડાબા કાંડા પર ફેરવી.
“આપ જમોડી છો એટલે બ્લેડ જમણા હાથે પકડશો, મતલબ આપ આત્મહત્યા કરો તો આપના ડાબા કાંડાની નસ કપાય. હવે આ બહેન, શું નામ એમનું ?”
“આરવી.”
“હા, તે ડાબોડી હતા. તેઓ આત્મહત્યા કરે તો બ્લેડ ડાબા હાથમાં પકડે અને જમણા હાથની નસ કાપે. પણ એવું નથી થયું, તેમના ડાબા કાંડાની નસ કપાઈ છે.”
ઝાલાની વાત સાંભળી લલિત છક્ક થઈ ગયો. ઝાલા આટલો સચોટ અને ત્વરિત નિર્ણય કેવી રીતે લઈ શક્યા તે તેને સમજાયું. તીક્ષ્ણ નિરીક્ષણ કરી ચોક્કસ તારણ પર આવવાની કળા ઝાલાએ આત્મસાત્ કરી હતી.
“મારું આમ કહેવાનું બીજું ય કારણ છે. ડૉક્ટર હોવાના નાતે તે આપના ધ્યાન પર પણ આવવું જોઈએ.”
“શું ?” લલિતે પૂછ્યું.
“અહીં ફરસ પર જમા થયેલા લોહીની માત્રા ખૂબ ઓછી છે. જીવતા માણસના કાંડા પર બ્લેડ વાગે તો શરીરમાંથી વહેલા કે ફરસ પર જમા થયેલો લોહીનો જથ્થો આના કરતા અનેકગણો વધારે હોય. જીવતા માણસનું હ્રદય ધબકતું હોય એટલે તે લોહીને ધક્કો માર્યા જ કરે. જયારે, મરેલા માણસના કાંડા પર બ્લેડ મારવામાં આવે તો હાથમાંથી બહુ લોહી ન વહે ; હ્રદય બંધ થઈ ગયું હોવાથી લોહીને ધક્કો ન વાગે અને નસમાં હોય તેટલું જ લોહી બહાર આવે. હા, હાથ લબડતો હોય તો ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ હાથની બધી નસોનું લોહી નીકળી જાય. પણ તો ય, તે બહુ ઓછું હોય. અહીં ફરસ પર જમા થયેલું લોહી વધારે નથી. માટે, પહેલા આરવીની હત્યા કરવામાં આવી છે અને પછી તે હત્યાને આત્મહત્યામાં ખપાવવા, મરેલી આરવીના કાંડા પર બ્લેડ મારવામાં આવી છે.” ઝાલાનું તારણ જોરદાર હતું.
લલિતના ચહેરા પર ચિંતા પ્રગટી. તે બોલ્યો, “પણ, આરવીને કોણ મારે અને શા માટે ?”
“દરેક ગુના પાછળ કારણ હોય છે. ક્યારેક ગુનેગાર શોધવાથી કારણ મળી જાય છે, તો ક્યારેક કારણ શોધવાથી ગુનેગાર. સૌથી પહેલા તો બધાને નીચે લઈ જાવ.”
લલિત અને મહેન્દ્રભાઈ સિવાયના ઘરના તમામ સભ્યો રૂમની બહાર નીકળ્યા, મહિલાઓનું આક્રંદ ચાલું જ હતું.
ઇન્સ્પેક્ટર ઝાલા, ખાલી થઈ ગયેલા રૂમનું બારીકાઈથી નિરીક્ષણ કરવા લાગ્યા. આરવી સૂતી હતી તેની બાજુનું ઓશીકું સહેજ ત્રાંસુ હતું. બેડની ચાદર અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. ‘આને ભેટીને મહિલાઓ રોકકળ કરતી હતી એટલે આવું થયું હશે.’ તેમણે વિચાર્યું.
આરવીએ સફેદ કલરનું અડધી બાંયનું ટી-શર્ટ અને કાળી કેપ્રી પહેર્યાં હતા. ટી-શર્ટની બાંય પૂરી થાય ત્યાં, જમણા હાથની કોણી પાસે લોહીનું નાનું ટીપું જામ્યું હતું. ઝાલાએ તે જોયું અને ફોટોગ્રાફરને તેનો ફોટો ખેંચવા કહ્યું.
આરવીનો મૃતદેહ જે બેડ પર પડ્યો હતો તેની જમણી બાજુએ એક મેજ હતું. મેજ પર આઇ ફોન સિક્સ પડ્યો હતો. “આ ફોન આરવીનો છે ?” ઝાલાએ પૂછ્યું.
“હા.” લલિતે એકાક્ષરી જવાબ આપ્યો અને ઝાલાએ ડાભી સામે જોયું.
ક્રમશ :
(જો આપને મર્ડરર'સ મર્ડર વાંચવાની મજા પડતી હોય તો આપ તે વિશે આપના મિત્રો-કુટુંબીઓ-સંબંધીઓને અચૂક જણાવજો. અને હા, પ્રકરણને સ્ટાર આપવાનું - રેટિંગ કરવાનું ભૂલશો નહીં.)