Murderer's Murder - 5 books and stories free download online pdf in Gujarati

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 5

આરવીએ તેની મમ્મીને માથા સાથે ઊંઘની ગોળી પણ આપી હતી તે જાણીને ઝાલાએ ઊલટ-તપાસ કરી, “આરવી પર્સમાં ઊંઘની ગોળીઓ રાખતી હતી ?”

“હા, તેને અનિદ્રાની બીમારી હતી.” અભિલાષાએ કહ્યું.

“પછી ?”

“પછી, અમે બંને બહેનોએ કોલ્ડ ડ્રિંક પીધું અને બેડ પર આડા પડ્યા. થોડી વારમાં મારી આંખ લાગી ગઈ. લગભગ સાડા બારે મારી આંખ ખૂલી, મને તરસ લાગી હતી. મેં જોયું તો રૂમનો નાઇટ લૅમ્પ બંધ હતો. આરવીને અંધારું કરીને સૂવાની આદત છે, માટે તેણે જ તે બંધ કર્યો હશે. મેં ટેબલ લૅમ્પની સ્વિચ ઑન કરી, પણ આરવી રૂમમાં ન્હોતી. મેજ પર રાખેલી પાણીની બૉટલમાંથી પાણી પી હું બહાર નીકળી. દીવાનખંડમાં ઝીરોના લૅમ્પનો આછો પ્રકાશ રેલાતો હતો. હું આરવીના રૂમ તરફ ગઈ, બેડરૂમનો દરવાજો ખોલ્યો તો અંદર એકદમ અંધારું હતું. જોકે, દરવાજો ખૂલવાથી દીવાનખંડનો હળવો પ્રકાશ રૂમમાં ફેલાયો. એ હળવા પ્રકાશમાં મને આરવી દેખાઈ, તે ઘસઘસાટ ઊંઘમાં હોય એવું લાગતું હતું. રૂમમાં અંદર જઈશ કે લાઇટ ચાલુ કરીશ તો તેની ઊંઘ ઊડી જશે એમ માની મેં દરવાજો બંધ કર્યો અને મારા રૂમમાં પાછી ફરી.”

“શું ત્યારે આરવી જીવતી હતી ? કે તેના હાથની નસ કપાઈ ચૂકી હતી ?”

પ્રશ્ન સાંભળી અભિલાષાને ધક્કો લાગ્યો, તે એકદમ લથડી ; તેણે પોતાની છાતી પર હાથ ભીંસી દીધો. તે માંડ માંડ બોલી શકી, “મેં એવું કંઈ જોયું હોત તો હું આરવીને બચાવી ન લેત ? અંધકાર એટલો બધો હતો કે કંઈ સ્પષ્ટ નહોતું દેખાયું, આરવીનો ચહેરો પણ નહીં. આ તો ઓળા પરથી અનુમાન કરી લીધેલું.” તેના અવાજમાં વેદના છલકી.

“આપે મોડી રાત્રે જે કોલ્ડ ડ્રિંક પીધું તેના ખાલી ગ્લાસ સવારે નીચે લઈ ગયા હતા ? અત્યારે તે અહીં રૂમમાં નથી.”

“ના.”

“તો ?”

“હું રાત્રે સૂતી ત્યારે પાણીની બૉટલ પાસે જ તે પડ્યા હતા, પણ સાડા બારે જાગી ત્યારે ત્યાં ન્હોતા. કદાચ, આરવી નીચે મૂકી આવી હશે.”

“બેન, નિખિલ બાબા ઊઠી ગયા છે. આટલા બધા અજાણ્યા માણસોને જોઈ કકળાટ કરી રહ્યા છે.” રામુએ દાખલ થઈને કહ્યું.

“ઠીક છે.” ઝાલાએ ઇશારો કર્યો. લલિત અભિલાષાને રૂમની બહાર દોરી ગયો.

****

થોડી વાર પછી, જોતા જ સરકારી હોવાની ખાતરી થઈ જાય એવી એક ગાડી, બલર બંગલોની પૉર્ચમાં આવી પહોંચી. તેમાંથી બે કૂતરાં અને ત્રણ માણસો નીચે ઊતર્યા. ગાડીમાંથી ઉતરેલા બંને ડૉગ - લેબ્રાડોર રિટ્રાઇવર હતા.

સ્નિફર ડૉગની આ જાત ટ્રેકર તરીકે અગ્રિમ હરોળમાં સ્થાન પામેલ છે. આવેલા બંને ડૉગની ઊંચાઈ બે ફૂટ આસપાસ હતી, એકનો રંગ કાળો અને બીજો ઘેરા બદામી રંગનો હતો. તેમની અખરોટ કલરની શાંત આંખો ઘણું બોલતી હતી. કાન શિથિલ થઈ ગયેલા પત્તાની જેમ ઢળેલા હતા. બદામી લેબ્રાડોરનો રંગ નાક અને હોઠ પાસે આછો થઈ સહેજ પીળાશ પડતો થઈ જતો હતો.

નવીન અને વિરેન કૂતરાંના પાલક હતા, તો અચલ ટીમનો હેડ... ડાભી સૌને ઉપર લઈ આવ્યા. હોશિયાર ડાભીએ નોંધ્યું કે ડૉગ સ્કવૉડને જોઈ, ઘરના મોટાભાગના સભ્યોના ચહેરા પર ચિંતા છવાઈ છે.

“જેમ્સ ફર્સ્ટ.” અચલે આદેશ આપ્યો. નવીન બ્લેક લેબ્રાડોરને મૃતદેહ પાસે લઈ ગયો.

અચલે ઝાલાને કહ્યું, “સર, આ ડૉગની મદદથી અમે કેટલાંય કેસ સોલ્વ કર્યા છે. અમુક કેસમાં તો પોલીસને કોઈ તપાસ, શોધખોળ કે મહેનત જ નથી કરવી પડી. અમે આનું નામ જેમ્સ ૦૦7 રાખ્યું છે કારણ કે તે જેમ્સ બોન્ડની જેમ આરોપીઓના છક્કા છોડાવી દે છે.” જેમ્સની વડાઈ કરતા અચલની આંખો જેમ્સની હિલચાલ પર મંડાઈ.

જેમ્સ આરવીના મૃતદેહને સૂંઘી, આખા રૂમમાં આંટા મારવા લાગ્યો હતો. તેણે રૂમના બંધ બાથરૂમના દરવાજામાં નાક ભોંક્યું અને ભસ્યો. નવીને દરવાજો ખોલી આપ્યો. જેમ્સ નાકના સરડકા બોલાવતો બાથરૂમની અંદર ધસ્યો. જેમ્સના ગળા પર બાંધેલા પટ્ટાનો છેડો નવીનના હાથમાં હતો. બાથરૂમની અંદર, કમોડ પાસે જઈ જેમ્સે વિચિત્ર અવાજ કર્યો. નવીને કમોડ ઉઘાડીને જોયું અને જેમ્સના માથા પર હાથ ફેરવ્યો.

“તેને કોઈ વાસ પકડાઈ છે, પણ તે જમીન નથી સૂંઘી રહ્યો.” નવીને બાથરૂમમાંથી કહ્યું.

“ત્યાં કમોડમાંથી અમને પીવાઈ ગયેલી સિગારેટનું ઠૂંઠું મળ્યું છે.” ઝાલાએ જવાબ આપ્યો. નવીન જેમ્સને બહાર લઈ આવ્યો.

હવે, તેઓ જેમ્સને લઈ એક પછી એક રૂમમાં ફરવા લાગ્યા. પહેલા તેઓ મનીષાબેન રોકાયા હતા તે રૂમમાં ગયા, પછી લલિતના બેડરૂમમાં અને બાદમાં નિખિલના રૂમમાં પ્રવેશ્યા. ઉપરના દીવાનખંડમાં આંટો મારી તેઓ પગથિયાં ઊતરી ગયા અને નીચે દીવાનખંડમાં દાખલ થયા. ઘરના સભ્યો તથા પડોશીઓ ત્યાં બેઠા હતા. ત્યાંથી તેઓ વરુણના રૂમમાં પ્રવેશ્યા. ત્યાં મહિલાઓ એકઠી થઈને રડી રહી હતી. અભિલાષાના ખોળામાં બેઠેલો નિખિલ મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. ઝાલા અને ડૉગ સ્કવૉડની ટીમ રૂમમાં પ્રવેશી ત્યારે જ નિખિલે મોબાઈલ દૂર ફેંક્યો અને પગ પછાડતા બોલ્યો, “મને આરવી માસીના ફોનમાં છે એ સબ્વે સર્ફર્સ કરી દે !”

રડી રહેલી અભિલાષાએ કોઈ જવાબ ન આપ્યો.

“મને એ ગેમ કરી દે.” નિખિલે ચીસ પાડી.

“મારા ફોનમાં તે નથી.” અભિલાષા અકળાઈ.

“તો મને માસીનો ફોન આપ.”

‘બગડેલો અને જિદ્દી છોકરો છે.’ ઝાલા મનમાં બબડ્યા.

“માસીનો ફોન લૉક છે.” અભિલાષા ગુસ્સે થઈ.

“મને આપ, હું તે ખોલી લઈશ.” નિખિલની વાત સાંભળી ઝાલા ચમક્યા પણ તેઓ કંઈ બોલ્યા નહીં.

વરુણના રૂમમાંથી બહાર નીકળી આખી ટીમ મહેન્દ્રભાઈના રૂમમાં પ્રવેશી. રૂમમાં દાખલ થતાં જ જેમ્સમાં ઉત્તેજના આવી અને તેની કપાઈ ગયેલી અડધી પૂંછડી ટટ્ટાર થઈ. નવીને જેમ્સનું વર્તન પારખી પટ્ટો છોડી દીધો. જેમ્સ દોડ્યો. બેડ પાસેના મેજ પર એશ ટ્રે પડી હતી, જેમ્સ તેને ભસવા લાગ્યો.

“હમ્મ. ઝાલા સાહેબની વાત સાચી છે. જેમ્સને પગલાં નહીં પણ હવાની વાસ પકડાઈ છે. જે રૂમમાં લાશ પડી છે તેના બાથરૂમમાં કમોડ પર બેસી કોઈએ આવી જ સિગારેટ પીધી છે. બાથરૂમ બંધ હોવાથી તેની વાસ જળવાઈ રહી છે અને એવી જ વાસ જેમ્સને અહીં પણ આવે છે.” નવીને ફોડ પાડ્યો.

ઝાલાએ એશ ટ્રે જોઈ, પોણી પીવાઈ ગયેલી ગોલ્ડ ફ્લૅકનું ઠૂંઠું તેમાં પડ્યું હતું. ઝાલાના ચહેરા પર સ્મિત આવ્યું. “ઉપર બાથરૂમના કમોડમાંથી મળી એ જ બ્રાન્ડ છે. આ રૂમ કોનો છે ?” તેમણે સાથે ફરતા નોકરને પૂછ્યું.

“મોટા સાહેબનો.”

“મહેન્દ્રભાઈનો ? તેમને સિગારેટ પીવાની આદત છે ?”

“હા.” રામુએ ખચકાઈને કહ્યું.

“ઘરમાં બીજા કોઈ સિગારેટ પીવે છે ?” ઝાલાએ પૂછ્યું.

રામુ કંઈક વિચારતો હોય તેમ ચૂપ રહ્યો.

“ખોટું બોલવાની ભૂલ નહીં કરતા.” ઝાલાએ સપાટ અવાજે કહ્યું.

“ઘણી વાર વરુણ સાહેબના રૂમમાંથી ય આવા ઠૂંઠા મળે છે.”

ઝાલાએ ડાભી સામે જોયું, તેઓ તેમની ઈશારત સમજી ગયા હોય તેમ વરુણને બોલાવી લાવ્યા. પોલીસ ટીમ અને ડૉગ સ્કવૉડ વરુણને લઈ ઉપર ગઈ. મહેન્દ્રભાઈ, પંચનામું કરી રહેલા હેમંત પાસે ઊભા હતા.

“આપના બેડરૂમમાં જેમ્સ ભસે છે, આપ અને વરુણ જેવી સિગારેટ પીવો છો એવી જ સિગારેટ આરવીના બાથરૂમમાંથી મળી છે. રાત્રે આપ બંનેમાંથી કોઈ એક આરવીના બાથરૂમ ગયું હતું, કેમ ?” ઝાલાએ કડકાઈથી પૂછ્યું.

બાપ-દીકરો ચોંક્યા. “પણ... સાહેબ... હું આરવીના બાથરૂમમાં ગયો જ નથી !” મહેન્દ્રભાઈએ કહ્યું. “સાહેબ, હું ય નથી ગયો.” વરુણ ભયભીત થઈ ગયો હોય એવું લાગ્યું. બંનેને પસીનો છૂટ્યો. કોઈ ભૂત જોઈ લીધું હોય તેમ તેમનો ચહેરો ફિક્કો પડી ગયો.

“હમણાં ખબર પડી જશે” કહી અચલે નવીન સામે જોયું. નવીન જેમ્સને લઈ મહેન્દ્રભાઈ અને વરુણ પાસે આવ્યો. જેમ્સ તેમને સૂંઘવા લાગ્યો, પણ ભસ્યો નહીં. ઝાલાને આશ્ચર્ય થયું. હવે, નવીન જેમ્સને લઈ આરવીના બાથરૂમમાં ગયો અને થોડી વાર પછી ફરી મહેન્દ્રભાઈ અને વરુણ સામે આવ્યો. આ વખતે ય જેમ્સ શાંત રહ્યો. “સર, બાથરૂમમાં બેસી કોઈએ સિગારેટ પીધી છે એ નક્કી, પણ આ મહાશય તે વ્યક્તિ નથી.” નવીને કહ્યું.

“અને એવું કંઈ હોત તો જેમ્સ પહેલા જ તેમને ભસ્યો હોત.” અચલે અનુભવનિચોડ આપ્યો.

‘તો પછી અંદર બેસી સિગારેટ કોણે પીધી હશે ?’ ઝાલા વિચારવા લાગ્યા.

નવીને જેમ્સને છોડી મૂક્યો, તે થોડી વાર આમતેમ ફર્યો, પછી મૂંઝાયો હોય એમ નવીનના પગ પાસે આવી, ધીમો અવાજ કરી બેસી ગયો. નવીને જેમ્સની ગરદન નીચે હાથ પસવાર્યો અને નકારમાં માથું ધુણાવ્યું.

“સાલું, તપાસ હોય કે જીવન, શરૂઆતમાં લગભગ નિષ્ફળતા જ મળતી હોય છે. શેરલોકને અજમાવો.” અચલે હુકમ છોડ્યો. જાણીતા ડિટેક્ટિવ શેરલોક હોમ્સ પરથી આ નામ પાડ્યું હશે એવું અનુમાન કરતા ઝાલા બ્રાઉન લેબ્રાડોરની હિલચાલ જોવા લાગ્યા.

ક્રમશ :

(રેટિંગ આપવાનું ભૂલશો નહીં. આપને આ નોવેલ વાંચવાની ખૂબ મજા આવતી હોય તો આપના મિત્રો-કુટુંબીઓ અને સંબંધીઓને તે વાંચવાનું કહેજો.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED