મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 51 Hardik Kaneriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 51

રિમાન્ડ રૂમમાં ઊભેલા ઝાલા વિચારવા લાગ્યા, ‘અભિલાષાએ લલિત અને આરવી વચ્ચેની જે વાતચીત સાંભળી છે તેના પરથી સાબિત થાય છે કે આરવી લલિત પર લગ્ન કરવાનું દબાણ કરતી હતી. જોકે, લલિત અભિલાષાને છોડવા તૈયાર ન હતો. અભિલાષા દરવાજા બહાર ઊભી છે તેનાથી અજાણ હોવા છતાં, તેણે અભિલાષાને પ્રેમ કરતો હોવાની વાત પકડી રાખી હતી.

બીજું, આરવીએ લલિતને ‘આઇ લવ યુ’ કહેવાનું જે દબાણ કર્યું તેનું અનુસંધાન આરવીના ફોનમાં આવેલા લલિતના મેસેજ સાથે મળે છે. લલિતે આરવીને આઇ લવ યુ કહેવાની ના પાડતાં તે ગુસ્સે ભરાઈ હતી, ‘હું ય જોઉં છું કે અભિલાષા પ્રત્યેનો તમારો પ્રેમ કેટલો સમય ટકે છે ?’ એ ધમકીમાં તેનું પ્રતિબિંબ પડે છે. પછી, આરવીનો ‘સેન્ડ મી યોર લવ બિફૉર આઇ ડુ વ્હોટ આઇ શુડ નોટ’ મેસેજ આવે તો લલિત તેને ધમકી જ સમજે ને !

ઘરના તમામ સભ્યોએ કબૂલ્યું છે કે આરવી અત્યંત જિદ્દી અને હઠીલી છોકરી હતી, તે ક્યારે કયું પગલું ભરી લે તે કહી ન શકાય. મેસેજ વાંચી લલિતને લાગ્યું જ હોય કે આ જક્કી છોકરી નક્કી તેમના સંબંધો વિશે અભિલાષાને કહી દેશે. વળી, લલિત પોતાની ભૂલ કબૂલે તે પહેલા આરવી આ ધડાકો કરી દે તો ચોક્કસ જ લલિત અભિલાષાને ન મનાવી શકે. માટે, લલિતે જે વિચાર્યું કે કર્યું તે ખોટું ન હતું. લલિતની જગ્યાએ અન્ય પુરુષ હોત તો તેણે પણ આરવીને આઇ લવ યુ વગેરે મેસેજ કર્યા હોત.

આ આખા કિસ્સામાં લલિત ખોટી રીતે ભેરવાઈ ગયો છે. થોડી વારની ક્રીડા, પ્રચુર પીડાનું લંગર લઈને આવે છે તે પાઠ હવે તે જિંદગીભર નહીં ભૂલે.’

“તો તને ભય લાગ્યો હતો કે લલિત તને છોડી દેશે ?” ડાભીએ અભિલાષાને પૂછ્યું.

“હા. મને મારો સંસાર ડામાડોળ થતો લાગ્યો હતો. લલિત મને છોડી દેશે, મને છૂટાછેડા આપી દેશે તો હું શું કરીશ, ક્યાં જઈશ, હું અને નિખિલ કેવી રીતે ટકીશું, વગેરે પ્રશ્નોએ મને ભયભીત કરી મૂકી હતી. લાખ પ્રયત્નો છતાં મારા દિમાગમાંથી એ ખસતું ન હતું, તે આખોય સંવાદ મારા કાનમાં પડઘાઈ રહ્યો હતો. હું સતત અજંપામાં હતી, સેકન્ડો પર મિનિટો, મિનિટો પર કલાકો વીતી રહ્યા હતા અને મારા મન પરનો બોજ પણ... લલિત મને છોડીને આરવીને અપનાવી લેશે એવી મારી શંકા દ્રઢ થતી જતી હતી.”

“તેં આના વિશે કોઈને કહ્યું હતું ?”

“કોને કહું ? મારા નાલાયક સસરાને કે રખડું દિયરને ? કે પછી એ સાસુને જે પોતાની ઓરમાઇ વહુને પસંદ જ નથી કરતી ! વળી, હું તેમની સમક્ષ શું રજૂઆત કરું ? કે મારી સગી બહેન મારા પતિ પર ડોળા માંડીને બેઠી છે તો તેને સમજાવો કે એવું ન કરે. કે પછી, મારી સગી બહેનના પેટમાં મારા પતિનું બાળક રહી ગયું હતું તો તેને સમજાવો કે આવા સંબંધો ન બાંધે !” અભિલાષાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. “તમે કહો છો તેમ કરવાથી ફજેતો થાત, ફાયદો નહીં. હા, મારા મમ્મીને વાત કરવાની મને ઇચ્છા થઈ હતી, પરંતુ ‘તેઓ બિચારા શું કરી શકશે’, ‘ઊલટું, જાણીને દુ:ખી થશે’ જેવા વિચારોથી હું બોલી ન શકી.”

“પછી ?”

“પછી મેં, હું કંઈ જાણતી નથી, મેં કંઈ સાંભળ્યું નથી, એવી રીતે વર્તવાનું નક્કી કર્યું. મમ્મી અને આરવી બીજા દિવસે રાજકોટ ચાલ્યા જવાના હતા. મને લાગ્યું કે આરવીની ગેરહાજરીમાં મારું દિમાગ શાંત થઈ જશે અને મને આ મુસીબતનો ઉકેલ શોધવા ખાસ્સો સમય મળશે. તેથી, આ વાત કોઈની પણ સામે ઉખેળ્યા વિના, હું થોડી મિનિટો પહેલા હતી તેવી સ્વસ્થ હોવાનો ઢોંગ કરવા લાગી. તેમાં મને મારો ઍક્ટિંગનો શોખ અને આવડત કામ લાગ્યા, છેક રાત સુધી હું તેવી જ રીતે વર્તતી રહી.

પછી, રાત્રે સાડા દસે હું અને લલિત નિખિલને લઈ અમારા બેડરૂમમાં પ્રવેશ્યા. લલિત સાથે આ બાબતે ચર્ચા કરવી કે કેમ તે વિશે હું વિચારી રહી હતી ત્યાં, અમારા રૂમનો દરવાજો ખખડ્યો. દરવાજો ખખડાવનાર આરવી હતી. તેણે કહ્યું કે તે મારી સાથે સમય વિતાવવા માંગે છે. તે મારા પ્રત્યે લાગણી બતાવતી હતી. તેને એમ કે મને કંઈ ખબર નથી, પરંતુ હું ખબરદાર થઈ ગઈ છું તેનાથી તે જ બેખબર હતી. મને લાગ્યું કે ફક્ત એક રાતનો સવાલ છે, બીજા દિવસે તો તે રાજકોટ ચાલી જવાની હતી.”

ઝાલા સમજી ગયા કે અભિલાષા, આરવીની તેની હત્યા કરવાની યોજના વિશે અજાણ છે.

“બાદમાં, મેં પહેલા કહ્યું તેવું જ બન્યું હતું. પરંતુ, મારી મનોદશા વિપરીત હતી. મને આરવી પ્રત્યે નફરત અને ઘૃણા થઈ રહ્યા હતા.

લલિત અને નિખિલ રૂમ છોડીને ચાલ્યા ગયા પછી અમે ગપ્પાં મારવા શરૂ કર્યા ત્યારે, તે સાચે કોઈ ઉદ્વેગમાં હોય એવું લાગતું હતું. મને સમજાઈ ગયું કે ‘લલિત મને છોડી દેશે’ પ્રકારનો જે ભય મને પજવી રહ્યો છે એવો જ ‘લલિત મને નહીં છોડે તો’ પ્રકારનો ભય તેને પજવી રહ્યો છે. છતાંય મેં જાણી જોઈને પૂછ્યું, “કંઈ તકલીફ કે ચિંતા છે ?” તેણે કહ્યું, “ચિંતા તો છે કારણ કે હું બહુ મોટું પગલું ભરવાની છું, આખું ઘર ચોંકી જાય એટલું મોટું !” હું મનોમન બબડી, ‘લલિત મને છોડી તને અપનાવે તો આખું ઘર ચોંકી જ જાય ને ?’ છતાં, મેં અજાણ બનીને પૂછ્યું, “શું પગલું ભરવાની છો ?” તો કહે, “આજે રાત્રે તમને સુવડાવીને આરામથી સૂઈ જવાની છું.”

આ વાત સાંભળી મને જોરદાર આંચકો લાગ્યો. મને લાગ્યું કે હું સુઈ જઈશ પછી તે અને લલિત.... જો મેં તેની અને લલિત વચ્ચેની વાતચીત ન સાંભળી હોત તો મને આવો વિચાર ન આવ્યો હોત.

પછી, અમારી વચ્ચે વાતચીત થતી ગઈ અને લાગણીનો નકાબ ઓઢીને વર્તવાનો મને કંટાળો આવતો ગયો. જે આરવીને હું મારા કરતા ય વિશેષ ચાહતી હતી તેની હાજરી મને ડંખવા લાગી. તે ઠંડુ લેવા નીચે ગઈ ત્યારે મારી વ્યગ્રતાએ હદ વટાવી દીધી. મારા મનમાં ઘમસાણ મચ્યું હતું, ભયની તીવ્રતાએ મને બેચેન કરી મૂકી હતી, મને મૂંઝારો થવા લાગ્યો હતો. ખાસ્સી વાર થવા છતાં તે ન આવી એટલે હું ઊભી થઈને રૂમની બહાર નીકળી.

હું પગથિયાં પાસે પહોંચી તો આરવી ટ્રે લઈ ઉપર આવી રહી હતી. તેના કપાળ પર પરસેવો બાઝ્યો હતો. મેં ટ્રે લેવા હાથ લંબાવ્યો પણ તેણે તે ન આપી. અમે પાછા મારા રૂમમાં પ્રવેશ્યા ત્યાં મારા મમ્મી અમારી પાછળ આવ્યા. તેમને માથું દુખતું હતું અને ઊંઘ આવતી ન હતી. આરવી માથાની ગોળી લેવા તેના રૂમમાં દોડી ગઈ અને હું વૉશ રૂમમાં ગઈ. હું બાથરૂમની બહાર આવી ત્યારે આરવી રૂમમાં બેઠી હતી અને મમ્મી ગોળી લઈને ચાલ્યા ગયા હતા.

અમે બંને બહેનોએ કોલ્ડ ડ્રિંક પીને બેડ પર લંબાવ્યું. પહેલી મુલાકાતમાં મેં તમને જણાવ્યું હતું કે કોલ્ડ ડ્રિંક પીને મારી આંખ લાગી ગઈ હતી, પરંતુ હું ખોટું બોલી હતી. તે રાત્રે મને ઊંઘ જ ન્હોતી આવી, હું આંખો બંધ કરીને ઊંઘી ગયાનો ડોળ કરતી પડી રહી હતી.”

ક્રમશ :