મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 49 Hardik Kaneriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 49

પોલીસ જીપ બલર બંગલે પહોંચી ત્યારે હરિવિલા સોસાયટીના મોટાભાગના રહીશો મીઠી નીંદર માણી રહ્યા હતા. એક તો તેઓ મોડા ઊઠવા ટેવાયેલા હતા અને તેમાંય આજે રવિવાર હતો.

જોકે, અભિલાષા વહેલી ઊઠીને તૈયાર થઈ ગઈ હતી, એમ કહોને કે તે આખી રાત સૂઈ જ ન્હોતી. સમયે રુખ બદલતા, ‘સુખ’ના પહેલા અક્ષરની જગ્યા કક્કાના સોળમા અક્ષરે લઈ લીધી હતી. લલિત, મનીષાબેન અને આખા પરિવારની ચિંતામાં, તેણે બધો સમય અકળામણમાં વિતાવ્યો હતો. ગઈ કાલ સાંજથી બલર બંગલે આવી પહોંચેલા લલિતના બે મિત્રો અને તેમની પત્નીઓએ, એકલી પડી ગયેલી અભિલાષાને ચિંતાની ચિતામાંથી બહાર કાઢવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ હજુ ચોવીસ કલાક સુધી કંઈ થઈ શકે તેમ ન હતું.

રવિવાર અને જાહેર રજા સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવારે કોર્ટ રૂમ બંધ રહેતા હોવાથી લલિત, વરુણ, મહેન્દ્ર, મનીષાબેન કે મુક્તાબેનના જામીન થઈ શકે તેમ ન હતા. તેમની ધરપકડ ચાલુ દિવસે થઈ હોત અથવા ગુનો નાનો હોત તો કંઈક થઈ શકત. પરંતુ, ચોથા શનિવારે ધરપકડ કરાયેલા તે તમામ આરોપી પર હત્યાના ચાર્જ લગાવાયા હતા અને હત્યાના આરોપીને કોર્ટમાં હાજર થયા વગર જામીન ન મળી શકે. સંજોગવશાત્ સર્જાયેલા આ યોગાનુયોગે ઝાલા અને ડાભીને સોકટી મારવામાં મદદ કરી હતી.

ઝાલાએ બેલની સ્વિચ દબાવી. લલિતના મિત્રો રાજદીપ અને પરિમલ, તેમની પત્નીઓ તથા અભિલાષા, ડ્રૉઇંગ રૂમના સોફા પર બેસી ‘હવે શું કરવું’, ‘કયા વકીલને કેસ સોંપવો’, ‘પરિવારના સભ્યોને કેવી રીતે છોડાવવા’ વગેરે બાબતો પર ચર્ચા કરી રહ્યા હતા. રાજદીપે ઊભા થઈ ઘરનો દરવાજો ખોલ્યો.

દરવાજો ખૂલતાં ઝાલાનું ધ્યાન સામે બેસેલી અભિલાષા પર પડ્યું. તેણે અડધી નહીં ને આખી નહીં એવી પોણી બાંયનો બરગંડી રંગનો ઓપન વી-નેક કુરતો પહેર્યો હતો. ભડકાઉ રંગના કુરતામાં તેની લાંબી ગરદન ઓર ગૌર ઓર રૂપાળી લાગતી હતી. કમળની કળી જેવા આછા ગુલાબી હોઠ નાજુક-નમણા, સુંદર લાગતા હતા. મોહક આંખો મોહિની પાથરતી હતી અને કપાળમાં લાગેલી નાની લાલ બિંદી તેના રૂપાળા ચહેરાને દીપાવી રહી હતી.

“અમે આરવીની હત્યાના અંતિમ આરોપીની ધરપકડ કરવા આવ્યા છીએ.” ઝાલા બલર બંગલોના ડ્રૉઇંગ રૂમમાં પ્રવેશ્યા. પાછળ રહેલી મંજુલાને તેમણે ઇશારો કર્યો એટલે તેણે આગળ વધી અભિલાષાનું બાવડું પકડ્યું.

“આ શું બકવાસ છે ?” લલિતના મિત્ર રાજદીપે વિરોધ નોંધાવ્યો, પરંતુ અભિલાષાના કપાળ પર પરસેવાની ભીનાશ છવાઈ. તેનો ચહેરો ફિક્કો પડ્યો.

“અમે પૂર્વગ્રહ કે પક્ષપાત રાખ્યા વગર, ફક્ત પુરાવાના આધારે કામ કરીએ છીએ.” ઝાલાએ શાંત સ્વરે કહ્યું.

“આપની પાસે શું પુરાવો છે કે...”

“અમે તે કોર્ટમાં પ્રસ્તુત કરીશું.”

“પણ હું મારી બહેનની હત્યા શા માટે કરું ?” અભિલાષા ભયાર્ત બની હતી. તેણે પોતાનો હાથ છોડાવવા પ્રયાસ કર્યો.

“ભારતીય સ્ત્રી બધું સહી શકે, પણ પોતાના પતિનો અન્ય સ્ત્રી સાથેનો સંબંધ નહીં. તારા પતિને આરવી સાથે સંબંધ હતો અને આરવી લલિતને તેની સાથે લગ્ન કરવા દબાણ કરતી હતી. બીજું એ કે આરવીએ તને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. જો તું તેને ન મારત તો તે તને મારી નાખત !”

“તમે લોકો પાગલ થઈ ગયા છો કે શું ?” લલિતના બીજા મિત્ર પરિમલે જોરથી કહ્યું. આરવીએ ઘડેલી અભિલાષાની હત્યાની યોજના વિશે કદાચ આરવી, દુર્ગાચરણ અને મનીષાબેન સિવાય કોઈ જાણતું ન હતું, માટે તેનો આ પ્રતિભાવ વ્યાજબી હતો.

“કામ પ્રત્યેના ગાંડા સમર્પણને પાગલપન ગણતા હો તો હું છું.” ઝાલાએ ચપટી વગાડતાં બીજી મહિલા કૉન્સ્ટેબલ મંજુલાની મદદે આવી અને તે બંનેએ અભિલાષાને જોરથી ખેંચી. અભિલાષાને જીપમાં બેસાડી જીપ ચોકી તરફ રવાના થઈ.

‘સારું થયું નિખિલ સૂતો હતો, નહિતર પોતાની મમ્મી સાથે જબરદસ્તી થતી જોઈ તેને પોલીસ પ્રત્યે ખોટી માન્યતા બંધાઈ જાત.’ જીપમાં બેસેલા ઝાલાએ વિચાર્યું.

***

રિમાન્ડ રૂમમાં અભિલાષા સિવાય ત્રણ મહિલા કૉન્સ્ટેબલ હાજર હતી. ગઈ કાલ સવારથી આરામ ન પામેલા ઝાલા અને ડાભી પોતપોતાના ઘરે સૂવા માટે ચાલ્યા ગયા હતા. પોલીસ પાસે અભિલાષા વિરુદ્ધ કોઈ તગડો પુરાવો ન હોવાથી તે સરળતાથી ગુનો નહીં કબૂલે એ વાત ઝાલા સારી રીતે જાણતા હતા. માટે જ, “આનું મોઢું તમારે ખોલાવવાનું છે” કહી, અભિલાષાનો હવાલો મહિલા કૉન્સ્ટેબલોને સોંપી, તેઓ પોલીસ સ્ટેશનથી નીકળી ગયા હતા.

મંજુલા સહાય, કિરણ સોલંકી અને ફરહા હુસેન ગમે તેવી કઠણ સ્ત્રીઓનું મોઢું ખોલાવવામાં માહેર હતી. તેમના દમનથી ભલભલી સ્ત્રીઓના પેટમાં રહેલ વાતોનું વમન થઈ જતું. તેમણે જરાય દયા કે અનુકંપા રાખ્યા વગર અભિલાષાની સર્વિસ શરૂ કરી દીધી.

“બાલદી લઈ આવ.” મંજુલાએ હુકમ કરતા ફરહા પાણીની ડોલ ભરી આવી. કિરણે અભિલાષાના હાથ પાછળ બાંધ્યા અને ફરહાએ અભિલાષાનું માથું પકડી બાલદીમાં ડૂબાડ્યું. ખાસ્સા સમય સુધી અભિલાષાનું માથું પાણીમાં ડૂબાડી રાખવામાં આવ્યું. જયારે બાલદીના પાણીમાં અતિશય પરપોટા ઊઠ્યા, અભિલાષાનો જીવ જવું જવું થઈ ગયો ત્યારે જ તેમણે માથા પરની પક્કડ ઢીલી કરી. લગભગ એક કલાક સુધી અભિલાષાને આ રીતે રંજાડવામાં આવી.

પછી, અભિલાષાના કપડાં કાઢી નાખવામાં આવ્યા. નિર્વસ્ત્ર અભિલાષાને રિમાન્ડ રૂમના બાથરૂમમાં લઈ જવામાં આવી. કિરણે તેને, મોં નળની બરાબર નીચે આવે એ રીતે ચત્તી સુવડાવી, તે સહેજ પણ હલનચલન ન કરી શકે તેવી રીતે મુશ્કેટાટ બાંધી અને પાણીનો નળ ખોલ્યો. પાણી અભિલાષાના ચહેરા તથા નાક પર પડવા લાગ્યું. તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી, નાકમાં ઘૂસી જતા પાણીથી સખત બળતરા થવા લાગી. અભિલાષાનો તરફડાટ એક હદ કરતા વધ્યો ત્યારે જ તેણે નળ બંધ કર્યો અને અડધી મિનિટ પછી ફરી શરૂ કર્યો.

ખાસ્સા સમય સુધી આ રીતે પીડી, તેઓ અભિલાષાને રિમાન્ડ રૂમમાં લઈ આવ્યા. વિશાળ પહોળા ટેબલ પર અભિલાષાને ઊંધી સુવડાવી, બળજબરીપૂર્વક ભુજંગાસન કરાવી રહ્યા હોય તેમ તેના પગને, પાછળ લઈ જવામાં આવેલા હાથ સાથે ચસોચસ બાંધી દેવામાં આવ્યા. અર્ધ ગોળાકારે બંધાયેલો તેનો અનાવૃત્ત દેહ ફક્ત પેટના આધારે ટકી રહ્યો. સતત બે કલાક સુધી તેને એ જ પરિસ્થિતિમાં રાખવામાં આવી અને તેની કમર તથા ખભા સખત રીતે દુખવા લાગ્યા. તે ખૂબ કરગરી, ખૂબ રડી પણ કોઈએ તેના પ્રત્યે રહેમ ન દાખવ્યો.

એવામાં મંજુલા દળેલું મરચું લઈ આવી અને એ જ સ્થિતિમાં રહેલી અભિલાષાના મોંમાં તેનો ફાકડો મરાવ્યો. અભિલાષાના મોંમાં આગ લાગી, હોઠ અને હોઠની આસપાસના ભાગ તમતમી ઊઠ્યા. તે પાણી માટે વિનવવા લાગી, પણ કોઈએ તેને પાણીનું ટીપું ય ન આપ્યું.

પછી, અભિલાષાની હાથ-પગની આંગળીઓને ઊલટી કરી મચડવામાં આવી, પાસપાસેની આંગળીઓને વિરુદ્ધ દિશામાં ખેંચવામાં આવી. સહનશક્તિની હદ આવી જતાં રડારોળ કરવા લાગેલી અભિલાષા પર લાફા, ધબ્બા અને મુક્કાનો વરસાદ વરસ્યો.

આ અમાનુષી જુલમ સહ્યા પછી પણ અભિલાષાએ પોતાનો ગુનો ન કબૂલ્યો એટલે ફરહા અને મંજુલાએ તેને ફરસ પર સુવડાવી. તેના હાથ અને પગને અલગ અલગ દોરડાથી મજબૂત રીતે બાંધ્યા અને હાથને બગલમાંથી તેમજ પગને જાંઘમાંથી છૂટા કરી દેવાના હોય તેટલી તાકાતથી બંને દોરડા ખેંચ્યા. ખાસ્સા સમય સુધી ચાલેલી આ દોરડા ખેંચથી જીવ પર આવી ગયેલી અભિલાષા ઊભી થવા પ્રયત્ન કરવા લાગી, પરંતુ પાસે ઊભેલી કિરણે તેને ઊભી ન થવા દીધી.

જેમ જેમ અભિલાષા પોતે નિર્દોષ છે એવું કહેતી ગઈ તેમ તેમ ત્રણેય કૉન્સ્ટેબલ વધુ ને વધુ ક્રૂર બનતી ગઈ. તેમણે અભિલાષાની ડોક, કમર અને છાતીના ભાગ પર પુષ્કળ માત્રામાં બામ લગાવ્યો જેથી બામની ગરમીથી સખત બળતરા થાય. શેક કરવા વપરાતી રબર બૅગમાં દઝાડી દે એવું પાણી ભરી અભિલાષાના અંગો સાથે અડાડ્યું. અભિલાષા નિર્દોષ હોય તો ય ન કરેલો ગુનો કબૂલવા તૈયાર થઈ જાય એવા ખુન્નસથી ત્રણેય કેર વર્તાવતી રહી. એટલે સુધી કે તેમણે નેલ-કટર લાવી અભિલાષાની એક આંગળીનો થોડો જીવતો નખ કાપી લીધો ! કમકમાટી ઉપજાવે એવી પાશવી રીતો એક પછી એક અજમાવાતી રહી, એક પીડાનું શમન થાય તે પહેલા બીજું દમન કરાતું રહ્યું. અભિલાષાના દર્દભર્યા ચિત્કાર ઊઠતા રહ્યા, પણ તે ચિત્કાર એવા કાનો સાથે અફળાતા જેમના હૃદય પથ્થરના બનેલા હતા.

ક્રમશ :

(મર્ડરર’સ મર્ડર નોવેલમાં મુખ્ય ગુનેગાર કોણ હશે તે વિશે અનુમાન કરી આપ આ જ લેખકે લખેલું અને બહુ વખણાયેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક “કારસો” જીતી શકો છો. વાર્તાના પચાસ પ્રકરણ સુધીમાં આપ ધારણા કરીને જણાવી શકશો કે મુખ્ય વિલન કોણ છે. આપની તે ધારણાનો જવાબ નોવેલ પૂરી થતાં સુધી આપવામાં આવશે નહીં. વળી, એક વાચક પોતે જણાવેલા મુખ્ય વિલનનું નામ બદલશે અથવા એક કરતાં વધુ વિલનનું નામ લખશે તો તેને ક્વિઝ માટે ડિસ્ક્વૉલિફાઇ ગણવામાં આવશે. છેલ્લા બે પ્રકરણમાં મુખ્ય વિલન ખુલ્લો થશે ત્યારે ગુનેગારના સાચા નામ ધારનાર વાચકોના નામનો ડ્રો કરવામાં આવશે અને કોઈપણ ત્રણ વાચકને હાર્દિક કનેરિયાએ લખેલું તથા અમોલ પ્રકાશને પ્રકાશિત કરેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક ‘કારસો’ ભેટ આપવામાં આવશે. તો ધ્યાનથી વાંચતા રહો મર્ડરર’સ મર્ડર અને મુખ્ય વિલન વિશે ખાતરી હોય તો કમેન્ટમાં તેનું નામ લખી “કારસો” જીતવાનો પ્રયત્ન કરો.)