મર્ડરર'સ મર્ડર - પ્રકરણ 1 Hardik Kaneriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડરર'સ મર્ડર - પ્રકરણ 1

ઑક્ટોબર 25, 2૦17 (કારતક સુદ પાંચમ – લાભપાંચમ) - સવારના સાડા સાત વાગ્યાનો સમય...

“આરવી ઊઠી ગઈ ?” અભિલાષાએ રામુને પૂછ્યું.

“હજુ દેખાયા નથી, કદાચ સૂતા હશે.” પ્રૌઢ ઘરઘાટીએ જવાબ આપ્યો.

“આવડી મોટી થઈ તોય નાના છોકરાંની જેમ ઘોરતી રહે છે. રાત્રે સૂવામાં નથી સમજતી અને સવારે ઊઠવામાં ! લાવો એક કપ ચા, હું તેને ઉઠાડી આવું.”

“બેન, તમે શું કરવા તકલીફ લો છો ? હું આપી આવીશ.”

“તમને કહ્યું એટલું કરો ને ભાઈસા’બ !” અભિલાષાના અવાજમાં તીખાશ ભળી. રામુ એક પણ શબ્દ બોલ્યા વગર કપમાં ચા રેડવા લાગ્યો.

ટ્રેમાં કપ-રકાબી ગોઠવાયા, અભિલાષા ટ્રે હાથમાં લઈ પગથિયાં ચડવા લાગી. પહેલા મજલે આરવીના રૂમ પાસે પહોંચી તેણે એક હાથમાં ટ્રે પકડી અને બીજા હાથે બંધ બારણાને લયબદ્ધ ટકોરા માર્યા. અમુક પળો વીતવા છતાં અંદરથી કોઈ જવાબ ન આવ્યો. અભિલાષાએ વધુ જોરથી દરવાજો ખખડાવ્યો. તેણે બૂમ મારી : “આરવી... એ આરવી...” જવાબમાં મૂક શાંતિ જ સંભળાઈ. અભિલાષા એક પળ માટે ખચકાઈ અને દરવાજાનો નોબ ઘુમાવ્યો.

તેણે ધીમેકથી દરવાજો ખોલ્યો, પણ પોતે રૂમમાં પ્રવેશે એ પહેલા જ તેની આંખો ફાટી ગઈ, શરીરે કમકમા આવી ગયા અને હાથ નિશ્ચેતન બની ગયા. તેના હાથમાંથી ટ્રે છટકી, કાચના કપ-રકાબી જમીન પર પછડાઈને ફૂટ્યા અને ગરમ ચા ફરસ પર રેલાઈ.

“આરવી....” તેણે ભયંકર ચીસ પાડી, જાગતા લોકો થડકી જાય અને ઊંઘતાની ઊંઘ ઊડી જાય એટલી ભયંકર ચીસ ! “આરવી... આરવી, મારી બહેન...” અભિલાષા જોરજોરથી રડવા લાગી. સવારની નીરવ શાંતિનો ભંગ કરતું તેનું આક્રંદ આખા ઘરમાં ગુંજી ઊઠ્યું.

ત્યારે, આરવી, અભિલાષા અને રામુ સિવાય ઘરમાં છ સભ્યો હતા. ઘરધણી મહેન્દ્રભાઈ અને તેમના પત્ની નીચેના માળે પોતાના બેડરૂમમાં હતા. તેમની સામેના રૂમમાં યુવાન વરુણ સૂતો હતો જે બલર પરિવારનો નાનો દીકરો હતો. મોટો દીકરો લલિત પોતાના પાંચ વર્ષના દીકરા સાથે અન્ય રૂમમાં આરામ ફરમાવતો હતો. આરવી લલિતની સાળી હતી. આરવી-અભિલાષાના મમ્મી મનીષાબેન પણ અહીં જ હતા, લલિતે તેમને દિવાળીની રજાઓ ગાળવા તેડાવ્યા હતા.

એકબીજાની સંગતે ઊભેલા સાઠ આલીશાન મકાનોથી સર્જાયેલી, ‘હરિવિલા’ સોસાયટીના બંગલો નંબર 5૦માં આ ઘટના ઘટી હતી. વડોદરા શહેરની આ ચિત્તાકર્ષક સોસાયટીમાં હજારવારનો બગીચો, એથીય વિશાળ કૉમન પ્લૉટ, જિમ, સ્વિમિંગ પૂલ, મિનિ થીએટર અને બીજી અનેક ભભકાદાર સુવિધાઓ હતી. એ દમામદાર સોસાયટીમાં ‘બલર’ પરિવારનો છસ્સો વારનો વિશાળ અને ભવ્ય બંગલો ઊભો હતો.

મોભાદાર કહી શકાય એવા આ મકાનમાં નાના મોટા થઈ કુલ અગિયાર રૂમ હતા. ઘરમાં પ્રવેશતાં જ વિશાળ દીવાનખંડ આવતો. તેની જમણી બાજુએ, દીવાલની મધ્યમાં દરવાજા જેવડો ખાંચો પડતો. તેમાં દાખલ થઈએ કે સામેની દીવાલમાં વૉશ-બેઝિન જોવાં મળે. વૉશ-બેઝિનની બંને બાજુએ સામસામે ખૂલે એવા બે દરવાજા હતા, જે અલગ અલગ બેડરૂમમાં ખૂલતાં. તેમાંનો એક બેડરૂમ મહેન્દ્રભાઈ-મુક્તાબેનનો હતો જયારે બીજો વરુણનો. દીવાનખંડની ડાબીબાજુની દીવાલમાં પણ જમણી દીવાલ જેવો ખાંચો પડતો. તે ખાંચામાં પ્રવેશી, ડાબી બાજુએ રસોડામાં તેમજ જમણી બાજુએ પુસ્તકાલયમાં જઈ શકાતું.

દીવાનખંડની ડાબી દીવાલને સમાંતર આવેલા પગથિયા માણસને ભોંયતળિયા જેવી રચના ધરાવતા ઉપલા મજલે લઈ જતાં. અહીં પણ નીચેની જેમ બેઠકખંડમાં જ પ્રવેશ થતો, પણ વિરુદ્ધ દિશામાંથી. વરુણ અને મહેન્દ્રભાઈના બેડરૂમની ઉપર આવેલા એ જ કદના રૂમ ગેસ્ટરૂમ તરીકે વપરાતા જેમાંથી એકમાં આરવી રહેતી. પુસ્તકાલય અને રસોડાની ઉપર આવેલા બે રૂમ અનુક્રમે લલિત-અભિલાષા તથા નિખિલ માટે અનામત રાખવામાં આવ્યા હતા. નિખિલ, લલિત-અભિલાષાનો પુત્ર હતો. તે ભાગ્યે જ પોતાના રૂમમાં સૂતો. પાંચ વર્ષનો નિખિલ વાર્તા સાંભળવી હોય તો દાદા-દાદીના રૂમમાં, મસ્તી કરવી હોય તો આરવી માસીના રૂમમાં અને થાક્યો હોય તો મમ્મી-પપ્પા પાસે સૂઈ જતો.

બંને દીવાનખંડને એકબીજા સાથે જોડતા પગથિયા અહીંથી ફરી શરૂ થતા અને ઉપર જઈ છત પર અટકતા. સીડી ખતમ થતી ત્યાં, બીજા માળે બે મધ્યમ કદના રૂમ હતા. એક રૂમ સ્ટૉરરૂમ તરીકે વપરાતો અને બીજો ઘરના નોકર રામુને ફાળવાયો હતો.

અભિલાષાની ચીસ કદાચ તેની મમ્મીએ સૌથી પહેલા સાંભળી હતી. આરવીના રૂમની સામેના રૂમમાં રોકાયેલા મનીષાબેન સ્નાન કરી રહ્યા હતા. અભિલાષાનો કલ્પાંત સાંભળી તેમણે નહાવાનું અધૂરું છોડી ઉતાવળે સાડી પહેરી અને અવાજની દિશામાં દોડ્યા.

લલિત પણ એ જ માળે હતો. તે નિખિલના રૂમમાં સૂઈ રહ્યો હતો. ચીસ સાંભળી તે ઝબક્યો. પહેલા તો તેને લાગ્યું કે કોઈ ભ્રમ થયો છે, પણ અભિલાષાનું આક્રંદ સાંભળી એ ઝડપથી દોડ્યો. તે અને મનીષાબેન લગભગ એકસાથે રૂમમાં પહોંચ્યા. અંદરનું દ્રશ્ય, ચોંકી જવાય તેવું હતું.

પલંગ પર સૂતેલી આરવીનો ડાબો એટલે કે દરવાજા બાજુનો હાથ પલંગની બહાર લબડતો હતો. ડાબા કાંડાની નસ કપાઈ ગઈ હતી અને નીચે ફરસ પર ફેલાયેલું ગાઢું લોહી જુગુપ્સાજનક લાગતું હતું. કપ-રકાબીના ટુકડા અને ટ્રે દરવાજા પાસે પડ્યા હતા. ફરસ પર ઢોળાયેલી ચાના થોડાં છાંટા, સૂકાઈ ગયેલા લોહીના જથ્થામાં ભળી ગયા હતા. લલિતે આરવીના શ્વાસ અને ધબકારા ચેક કરી ઊંડો નિસાસો નાખ્યો.

થોડી વાર પછી ક્રમશ: રામુ, મુક્તાબેન અને મહેન્દ્રભાઈ આવી પહોંચ્યા.

“વરુણ ક્યાં છે ?” લલિતે રામુ સામે જોયું. પ્રશ્નનો મર્મ સમજી ગયેલ નોકર નીચે દોડ્યો. અભિલાષા અને મનીષાબેન આરવીના મૃતદેહને ભેટી રડી રહ્યા હતા. નજર સામે પડેલી આરવીની લાશ જોઈ સ્તબ્ધ થઈ ગયા હોય કે મા-દીકરીનો વિલાપ જોઈ ડઘાઈ ગયા હોય, મુક્તાબેન જડવત્ ઊભા રહ્યા. તેમની આંખોમાંથી આંસુ ટપક્યા. ગાલ પર સરી રહેલા ગરમ આંસુને તેમણે ધ્રૂજતી હથેળીઓથી લૂછી નાખ્યા અને આગળ વધી મનીષાબેનના ખભે હાથ મૂક્યો.

બે મિનિટ પણ નહીં વીતી હોય ત્યાં નોકર પાછો ફર્યો. તેની સાથે એક યુવાન હતો. યુવાનની લાલ આંખોમાં ઘેન હતું. મૃત્યુ પામેલા દેહને જોઈ તે સ્થિર રહ્યો, ન તો તેના ચહેરા પર શોક દેખાયો કે ન તો દુ:ખની લકીર !

“પોલીસને ફોન કરો.” લલિતે રામુને કહ્યું.

“એક મિનિટ... એ ઝંઝટમાં પડવું જરૂરી છે ? આપણી પોલીસ તપાસ કરીને નિર્ણય નથી લેતી, નિર્ણય લઈને તપાસ કરે છે.” વરુણે રામુને રોક્યો. તેના અવાજમાં ભય હતો.

“ખોટો ફજેતો થશે અને માનસિક અજંપો વેઠવો પડશે.” મુક્તાબેને વરુણનો સાથ આપ્યો.

“પોલીસ આવશે એટલે પાણીમાંથી પોરા કાઢશે અને કંઈક શંકાઓ કરશે.” રડતી અભિલાષાએ ડૂસકું ભરતાં ઝંપલાવ્યું.

“આત્મહત્યા કરી હોય એવું લાગે છે.” મહેન્દ્રભાઈએ ધીમા અવાજે કહ્યું.

“જે થવાનું હતું તે થઈ ગયું, પોલીસને બોલાવવાની કોઈ જરૂર નથી.” પેટે જણેલી દીકરીના મૃત્યુનો કલ્પાંત કરી રહેલા મનીષાબેન માંડ બોલી શક્યા. તેમના રણકારમાં અભિલાષાના સાસરિયાંની બદનામી ન થાય એવી ગણતરી અને અજ્ઞાત ભય હતો.

આમ તો યુવાન પુત્રીનો મૃતદેહ જોઈ સગી મા હોશમાં ય ન રહે, પણ વર્ષો પહેલા પોતાના પતિને ગુમાવી ચૂકેલા મનીષાબેન કઠણ કાળજાના બની ગયા હતા. પતિના ગયા પછી કુટુંબ, સમાજ અને દુનિયાએ તેમને અનેક પાઠ ભણાવ્યા હતા.

“મારી ય ઇચ્છા છે કે પોલીસ અહીં ન આવે, પણ તે શક્ય નથી. રામુકાકા પોલીસને ફોન કરો.” લલિતે મક્કમ અવાજે કહ્યું. નોકર સિવાય સૌના ચહેરા પર અણગમો છવાયો, પણ કોઈએ ફરી વિરોધ ન કર્યો. નોકરે ‘1૦૦’ નંબર ડાયલ કર્યો.