રેડલાઇટ બંગલો
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૩૫
વિનય જ્યારે અર્પિતા સાથે લગ્ન કરવાનું સપનું જોતો હતો ત્યારે પિતાએ નટુભાઇની છોકરી સાથે તેના લગ્નનું ગોઠવવા માંડ્યું એ કરતાં અર્પિતા માટે ના પાડી દીધી તેનો ઝાટકો તેને વધારે લાગ્યો હતો. અર્પિતાના માતા-પિતાના ચરિત્ર વિશે વાત કરીને લાભુભાઇએ વિનયને તેમના પરિવારના સંસ્કારનો ચિતાર આપી દીધો હતો. તે અર્પિતાના ચરિત્ર માટે પણ આડકતરી રીતે આંગળી ચીંધી રહ્યા હતા એ વિનયને સમજાતું હતું. પિતાએ ચોખ્ખા શબ્દોમાં પોતાનો નિર્ણય જાહેર કરી દીધો હતો કે તે અર્પિતાને આ ઘરમાં વહુ તરીકે લાવવા માગતા નથી. પણ વિનયને અર્પિતા બહુ ગમતી હતી. બીજી મુલાકાતમાં અંગત પળો માણ્યા પછી તેને થતું હતું કે તે હવે અર્પિતા વગર રહી શકશે નહીં. તેનો અર્પિતા માટેનો પ્રેમ વધી ગયો હતો. તેના માટે પિતાની વિરુધ્ધ જવાનું સરળ ન હતું. લાભુભાઇ હંમેશા પોતાનું ધાર્યું જ કરતા હતા એ વિનય સારી રીતે જાણતો હતો. અને તેમના વિરુધ્ધ જવાનું પરિણામ શું આવશે એ પણ તે સમજી શકતો હતો. અર્પિતા સાથે તેના લગ્ન કરવા પિતા કોઇ કાળે રાજી નહીં થાય એનો ખ્યાલ આવી ગયો હતો. તેનું ગરમ લોહી પિતા સામે બળવો કરવા આખા શરીરમાં ફરી રહ્યું હતું. તે અર્પિતાને છોડી શકે એમ ન હતો. તેણે પરિણામનો સામનો કરવાના નિર્ધાર સાથે નિર્ણય કરી લીધો કે ગમે તે થાય તો પણ અર્પિતાના માથામાં તે સિંદુર ભરશે. ભલે પિતા લાલપીળા થાય પણ અર્પિતાને આ ઘરની વહુ બનાવશે.
લાભુભાઇ ગયા પછી મા કંચનબેન પુત્રને મૂંઝવણમાં મુકાયેલો જોઇ રહ્યા હતા. તે પતિનો સ્વભાવ જાણતા હતા અને તેમની વિરુધ્ધ જઇ શકે એમ ન હતા. તે વિનયને સમજાવવાના આશયથી બોલ્યા:"બેટા, નટુભાઇની છોકરી સારી દેખાય છે. અને પરિવાર પણ સંસ્કારી છે...."
વિનય સમજી ગયો કે માનો કહેવાનો ઇરાદો એવો હતો કે અર્પિતાનો પરિવાર સંસ્કારી નથી. અને નટુભાઇની પુત્રી ભૂમિકા અર્પિતા જેટલી જ સુંદર છે. વિનયને દેખાવે તો ભૂમિકા ગમી હતી. જો તે અર્પિતાને પ્રેમ કરતો ન હોત તો ભૂમિકા સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગયો હોત.
માને પિતાની તરફેણ કરતી જોઇ વિનય નારાજ સૂરમાં બોલ્યો:"મા, તું પણ મારી લાગણી સમજતી નથી.. અર્પિતા મને ગમે છે. હું....હું એને પ્રેમ કરું છું. તમે બાપાને સમજાવોને.."
"જો બેટા, આ ઉંમરે કોઇનું આકર્ષણ હોય પણ આપણે આપણી પરંપરા અને પરિવારની પ્રતિષ્ઠાનો પણ વિચાર કરવો જોઇએ." કંચનબેનને લાગતું હતું કે પતિ કરતાં પુત્રને સમજાવવાનું સરળ હશે.
"મા, તમે ગમે તે કહો પણ હું અર્પિતા સિવાય કોઇ સાથે લગ્ન કરવાનો નથી. આ મારો છેલ્લો નિર્ણય છે. બાપા જે સજા સંભળાવે એ હું માથે ચઢાવી લઇશ."
કંચનબેન વિનયનો દ્રઢ નિર્ણય સાંભળી ચોંકી ગયા. તે પિતા-પુત્ર વચ્ચે થનારા ટકરાવની- સંઘર્ષની કલ્પનાથી ધ્રૂજી ગયા. તેમને સમજાતું ન હતું કે વિનયને કે લાભુભાઇને કેવી રીતે સમજાવવા. બંને પોતાની જીદ પર આવી જશે.
વિનય માને પોતાનો નિર્ણય સંભળાવી બહાર નીકળ્યો અને હરેશભાઇના ઘરે ગયો. આજે તેણે ખેતરને ખેડવા તૈયારી કરી હોવાનું હરેશભાઇને કહેવા તેમના ઘર પાસે પહોંચ્યો ત્યાં લાલુ મજૂર બહાર જ મળ્યો. તેણે તેના તરફ ધ્યાનથી અને શંકાથી જોયું. એટલે લાલુ સહેજ હતપ્રભ થઇ ગયો. અને "હું તમને જ બોલાવવા આવતો હતો...." કહી ઝટપટ બોલી જતો રહ્યો.
વિનય ઘરમાં ગયો ત્યારે હરેશભાઇ આડા પડ્યા હતા. તેમણે વિનયને આવકાર્યો. વિનયે તેમને આજે બનેલી બધી વાત કહી દીધી.
એ સાંભળી હરેશભાઇ એકદમ બેઠા થઇ ગયા અને આવેશમાં બોલ્યા:"મને લાગતું જ હતું કે આગ લગાવનાર હેમંત જ હશે. તેનો ડોળો ઘણા સમયથી અમારા પરિવાર પર છે. સારું થયું કે એને ખેતર આપ્યું નહીં. હવે હું આખા ગામમાં એના કૃત્યો જાહેર કરીશ. હું એને સારી રીતે ઓળખી ગયો હતો. આ વર્ષાભાભી સમજતી ન હતી. એની આંખ પર એણે પટ્ટી બાંધી દીધી છે. હવે એને પણ કહીશ કે જાણી લે એ શેતાનને...."
અચાનક દરવાજે કોઇના પગલાં સંભળાયા. હરેશભાઇ કરતાં વિનય વધારે સતર્ક થઇ ગયો. લાલુ મજૂર વિનય માટે પાણી લઇને આવ્યો હતો. વિનય ફરી તેના તરફ શંકાથી જોઇ રહ્યો. તેને લાલુને કેટલાક સવાલ પૂછવાનું મન થઇ આવ્યું પણ તેણે હરેશભાઇ સામે એ ટાળ્યું.
હરેશભાઇ કહે,"વિનય, આજે વર્ષાને ત્યાંથી જમવાનું આવવાનું નથી. આ લાલુએ સારું યાદ અપાવ્યું કે લાભુભાઇને ત્યાં આજે કહી દઇએ...."
"ચોક્કસ કાકા, હું હમણાં જ જઇને માને કહું છું. હું તમને કલાકમાં જમવાનું આપી જઇશ."
"તમે શું કામ તસ્દી લેવાના શેઠ? હું આવીને લઇ જઇશ..." લાલુ વચ્ચે જ બોલી પડ્યો.
"હા, વિનય તું ધક્કો ના ખાતો. લાલુ આવી જશે....આમ પણ નવરો બેઠો હોય છે." કહી હરેશભાઇએ તેની સાથે ખેતીના કામ માટે થોડી ચર્ચા કરી. અને વિનયને હેમંતભાઇ પર નજર રાખવા કહ્યું.
એક કલાક પછી જમવાની થાળી લઇને લાલુ હરેશભાઇના ઘરે આવ્યો. હરેશભાઇને જમવાનું આપ્યું અને કહ્યું:"શેઠ, વિનયભાઇએ આ કાગળ પણ આપ્યો છે...."
હરેશભાઇએ નવાઇથી જોયું. વિનય સાથે આવી કોઇ વાત થઇ ન હતી. એટલે જોયું તો તેમાં ખેતર ખેડવાની સંમતિ આપવાનું લખાણ હાથથી લખેલુ હતું. હરેશભાઇએ ભૂખ લાગી હતી એટલે ત્રણ કાગળ હતા એ બધા વાંચવાની તસ્દી લીધી નહીં. અને સહી કરી જમવાનું શરૂ કરી દીધું. લાલુએ એ કાગળો પોતાના ખિસ્સામાં મૂકી દીધા.
થોડીવાર પછી લાલુની બૂમાબૂમ સાંભળી આસપાસમાંથી લોકો દોડી આવ્યા. વર્ષાબેન પણ ગભરાઇને પહેરેલા કપડે જ દોડ્યાં. જોયું તો હરેશભાઇ ખાટલાની નીચે અચેતન પડ્યા હતા. તેમની આંખો ખુલ્લી રહી ગઇ હતી. મોંમાંથી થોડું ફીણ નીકળી રહ્યું હતું. તે સમજી ગયા કે હરેશભાઇ આ દુનિયા છોડી ગયા હતા. વર્ષાબેનને સમજાતું ન હતું કે આમ અચાનક કેમ થઇ ગયું. આજે બપોરે તો સ્વસ્થ હતા. એ તો જમવાનું તૈયાર કરીને એમને આપવા આવતા જ હતા. તેમની નજર થોડે દૂર પડેલી જમવાની થાળી પર પડી અને તેમને નવાઇ લાગી. એંઠી થાળી પડી હતી. તેણે લાલુને શંકાથી પૂછ્યું:"આ જમવાની થાળી કોણ આપી ગયું? અને એમણે ક્યારે ખાધું હતું?"
લાલુ કહે:"લાભુભાઇને ત્યાંથી. વિનય આવ્યો એને કીધું હતું...."
વર્ષાબેનને કંઇ સમજાયું નહીં. પણ હરેશભાઇ ના રહ્યા એનો આઘાત મોટો હતો. એ ઠૂઠવો મૂકી રડી પડ્યા. બધી બહેનો તેમને સાંત્વના આપવા લાગી. કોઇએ ડોક્ટરને ફોન કરી દીધો. હરેશભાઇને ડોક્ટર ઓળખતા હતા એટલે થોડીવારમાં આવી ગયા અને નાડી તપાસી કહી દીધું કે મૃત્યુ પામ્યા છે. તેમને હરેશભાઇના શરીરના પોસ્ટમોર્ટમ માટે કોઇએ પૂછ્યું એટલે કહી દીધું કે ગામમાં સુવિધા નથી એટલે શહેરમાં લઇ જવા પડે. પોલીસને જાણ કરવી પડે. કાર્યવાહી લાંબી થાય. ત્યાં પણ તરત પીએમ કરી આપતા નથી. આ કુદરતી મોત લાગે છે. કોઇ ચોક્કસ કારણ તો આપી શકાય એમ નથી પણ શરીરમાં કોઇ તકલીફ થવાથી હ્રદય બંધ પડી ગયું હશે.
અચાનક વર્ષાબેને લાલુ મજૂરને પૂછ્યું:"લાલુ, એમણે જમી લીધું એ પછી કંઇ થયું હતું?"
"ના, જમીને મને થાળી મૂકવા આપી અને ખાટલામાંથી બેઠા થવા જતા હતા ત્યારે ચક્કર આવ્યા કે શું થયું એની ખબર નથી પણ દિલ પર હાથ મૂકી ગબડી પડ્યા..."
"નક્કી હ્રદયરોગનો હુમલો જ આવ્યો હશે...." લાલુની વાત સાંભળી ડોકટરે અભિપ્રાય આપ્યો.
વર્ષાબેન આંસુ લૂછતા બોલ્યા:"ચાલો, પ્રભુને ગમ્યું એ ખરું. એમની અંતિમવિધિની વ્યવસ્થા કરીએ...."
વર્ષાબેને ફરી એક વખત જમવાની થાળી પર નજર નાખી. એમના મનમાં એક વિચાર ઝબકી ગયો.
*
રચનાએ બસ ડેપો નજીકના ગાર્ડનમાં અર્પિતાને લઇ જઇ કોઇ ખાનગી વાત કરવા માગતી હોવાનું કહ્યું ત્યારે મનમાં અનેક વિચાર આવી ગયા. રચનાના મોં પર ગંભીરતા છવાયેલી જોઇ તેના દિલમાં ગભરાટ છવાયો. રચનાએ જ્યારે તેને વચન આપવાનું કહ્યું ત્યારે તેનું દિલ ડરથી ધડકવા લાગ્યું. પોતે રાજીબહેન વિરુધ્ધ કામ કરી રહી છે એની રચનાને ખબર પડી ગઇ હશે? કે તેના પરિવારની કોઇ વાત હશે?
અર્પિતા વધારે વિચાર કરે એ પહેલાં રચનાએ તેનો હાથ દબાવી ફરી કહ્યું:"અલી! વચન તો આપ."
"હા રચના, બોલ મારા પર વિશ્વાસ રાખજે..."
"અર્પિતા, હવે હું આ ધંધો કરવા માગતી નથી. રાજીબહેનની કેદમાંથી છૂટવા માગું છું. તું મને મદદ કરીશને? મારી આ લાગણી તને જ કહી છે.."
"હા, પણ અચાનક ?"
"હું ગામ ગઇ ત્યારે પિતાની તબિયત ઘણી લથડી હતી. માએ કીધું ત્યારે ખબર પડી કે પૈસાના અભાવે તે સારી દવા કરાવતા ન હતા. હું તરત જ એમને મોટા દવાખાને લઇ ગઇ. ડોક્ટરે તપાસ કરી દવાઓ આપી પણ મને ખાનગીમાં કહી દીધું કે તે લાંબો સમય કાઢે એમ નથી. મા કહેતી હતી કે આખો દિવસ એ મારી ચિંતા કરે છે. મારા લગ્ન કરાવવા માગે છે. કદાચ એમને અંદાજ આવી ગયો છે. એમણે બે-ત્રણ છોકરા જોઇ રાખ્યા હતા. મેં કીધું કે કોલેજ ચાલુ છે એટલે બે દિવસમાં જતા રહેવું પડશે. એટલે તેમણે છોકરાવાળાને બોલાવ્યા. મને પહેલી જ નજરે કમલેશ ગમી ગયો અને મેં હા પાડી દીધી. હવે ત્રણ માસમાં લગન લેવાના છે. આ વાત રાજીબહેનને કહેવાની નથી." રચના એક શ્વાસે બોલી ગઇ.
"વાહ! તું તો દુલ્હો પણ પસંદ કરીને આવી ગઇ ને!" કહી અર્પિતાએ તેના ગાલ પર ચૂંટણી ખણી. રચના શરમથી લાલ થઇ ગઇ.
"હા પણ રાજીબહેનની ચુંગાલમાંથી બહાર નીકળવાની કોઇ તરકીબ શોધવી પડશે..." રચનાના દિલની ધડકન તેજ થઇ રહી હતી.
"પણ હું શું કરી શકું?" અર્પિતાએ નવાઇથી પૂછ્યું.
"તું કોઇ રસ્તો શોધને. તારે નથી છૂટવું રેડલાઇટ બંગલામાંથી?"
રચનાનો સવાલ સાંભળી તેને વિનય અને પોતાનો પરિવાર યાદ આવી ગયો. "રચના, મારે તો છૂટવું છે પણ રાજીબહેનની ચુંગાલમાંથી ભાગવાનું સહેલું નથી એ તું જાણે છે. અને એમાં જીવનો ખતરો છે."
"બસ તું કોઇ તરકીબ શોધી કાઢ. મારો પૂરો સાથ હશે."
"ઠીક છે. હવે મોડું થાય છે..." કહી અર્પિતાએ રાજીબહેનની કાર માટે ફોન કર્યો અને નાસ્તો કર્યો.
પંદર જ મિનિટમાં કાર આવી ગઇ. બંને રેડલાઇટ બંગલા પર ઊતરી ત્યારે રાજીબહેનના બંગલાને તાળું હતું. વીણાએ બંનેને રૂમની ચાવી આપી અને જમવાનું લઇને થોડીવારમાં આવી જશે એમ કહ્યું.
બંને રૂમ પર પહોંચી. અર્પિતાએ રૂમનું તાળું ખોલી કબાટ પાસે બેગ મૂકી અને બેડ પર બેઠી. તેણે મોં હલાવ્યા વગર રૂમમાં ચારે તરફ નજર નાખી. ઘરમાં કોઇ જ ફેરફાર ન હતો. પણ તેની ચકોર નજરમાં બધી વાત આવી ગઇ. રાજીબહેને તેમને બે દિવસ ફરવા જવાનું કેમ કહ્યું હતું તે અર્પિતાને સમજાઇ રહ્યું હતું.
***
હરેશભાઇનું મોત ખરેખર કુદરતી રીતે થયું હશે? વર્ષાબેનને જમવાની થાળી પર કેમ શંકા ગઇ? અર્પિતાને બે દિવસ બહાર મોકલવા પાછળ રાજીબહેનનો ઇરાદો શું હતો એનો ખ્યાલ આવી ગયો? આ બધું જ જાણવા હવે પછીના રસપ્રચૂર પ્રકરણો વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.