Redlite Bunglow - 33 books and stories free download online pdf in Gujarati

રેડલાઇટ બંગલો ૩૩

રેડલાઇટ બંગલો

-રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૩

અર્પિતાના કહેવાથી વિનય તેના ખેતર પર ગયો હતો. તેણે અર્પિતાના ખેતર પર નજર રાખવાની હતી અને તેના હરેશકાકાના ખેતરને ફરી તૈયાર કરવાનું કામ કરવાનું હતું. તેને થયું કે પ્રેમ શું શું કરાવશે? અર્પિતાને તે દિલ ફાડીને પ્રેમ કરતો હતો. એ તેની સાથે લગ્ન માટે કંઇપણ કરવા તૈયાર હતો. અર્પિતા હતી જ એવી સુંદર અને મારકણી અદાવાળી કે ગામનો કોઇપણ યુવાન તેના માટે જીવ આપી દેવા તૈયાર થઇ જાય. અર્પિતાએ જ્યારથી સામે ચાલીને તેનું યૌવન સોંપી દીધું હતું ત્યારથી તો વિનય તેની પાછળ ગાંડો જેવો થઇ ગયો હતો. તેની ઘણી રાતો વિરહમાં પસાર થઇ હતી. આજે અર્પિતાએ તેને ફરી પોતાની જાત સોંપીને વિનયના પ્રેમમાં ઉદ્દીપકનું કામ કર્યું હતું. અર્પિતાના અંગેઅંગનો નાજુક સ્પર્શ તેના શરીરમાં ઉત્તેજના ભરી ગયો હતો. હજુ પણ તેનું મન અર્પિતાના શરીરમાં રમમાણ હતું. તેણે અર્પિતાના શરીરમાંથી મનને બહાર કાઢી તેના ખેતર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેના ખેતર પર આવ્યો અને મજૂરોની વાત સાંભળી એ પરથી સમજી ગયો હતો કે હેમંતભાઇ ખતરનાક માણસ છે. તે પોતાના સ્વાર્થ માટે ગમે તે હદ સુધી જઇ શકે છે. અર્પિતાના ખેતરમાં તેણે જ આગ લગાવડાવી હતી. અને તે લંપટ માણસ હતો. વિનય આવા માણસોથી દૂર જ રહેતો હતો. પણ ગામમાં થતી વાતો તે સાંભળતો હતો. ગામમાં હેમંતભાઇ માટે જાહેરમાં કોઇ ખરાબ બોલતું ન હતું. ગામલોકોને તે કેવા ધંધા કરે છે તેની ખાસ પડી ન હતી. તેમને તો પોતાનું અનાજ સારી કિંમતે હેમંતભાઇ ખરીદતા હતા એ સાથે મતલબ હતો. ગામમાં વેપારી તરીકે માન મેળવતા હેમંતભાઇની નબળી બાજુઓ તેની પાછળ ઢંકાઇ જતી હતી. સુંદર સ્ત્રીઓ તેમની નબળાઇ હતી. અર્પિતાની મમ્મી વર્ષાબેનના ખેતરનું કામ રાખવા પાછળ હેમંતભાઇનો ઇરાદો તેની સમજમાં આવી રહ્યો હતો. કદાચ અર્પિતાને આ વાતની શંકા હતી એટલે જ તેણે પોતાના ખાસ મિત્ર સમજીને નજર રાખવાનું કામ સોંપ્યું છે. આજે હેમંતભાઇનો ભેટો થઇ જશે એની તેને કલ્પના ન હતી. તે કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર હતો. તે હરેશભાઇના ખેતરથી નીકળ્યો અને સામે હેમંતભાઇ તેમની કારમાંથી ઊતરી તેની તરફ આવતા હતા. તે બરાબર સાવધ થઇ ગયો હતો. આ પરિસ્થિતિની તેને કલ્પના ન હતી.

હેમંતભાઇએ તેની સામે આવી હસીને પૂછ્યું:"કોણ લાભુભાઇનો છોકરો?"

"હા... હેરશભાઇનું ખેતર તૈયાર કરવાનું છે એટલે જોવા આવ્યો હતો." વિનય નિર્ભય થઇને બોલ્યો.

"મેં હરેશને કીધું હતું કે વર્ષાબેનની સાથે તારું ખેતર પણ ખેડાવી આપીશ. તેણે ના પાડી હતી. મને એમ કે એનો પગ ભાંગ્યો છે તો મદદ કરું પણ....ખેર, તું કરવાનો છે તો સારી વાત છે." હેમંતભાઇએ આગળનું વાક્ય અધૂરું મૂક્યું એનો અર્થ એ હતો કે હરેશભાઇને ચરબી હોય તો એના ઘરે રહ્યો. એ સમજતા તેને વાર ના લાગી.

"હમણાં તમારા મજૂરોને પૂછી જોયું પણ તેમની પાસે સમય નથી..."

"મારી પાસે બીજા મજૂરો છે. જો, હરેશની ઇચ્છા નથી એટલે હું એના કામમાં પડવા માગતો નથી. તારે જાતે જ હવે મજૂરોની વ્યવસ્થા કરવી પડશે...તમારી ખેતીવાડી ઘણી છે. આવા નાના કામ માટે સમય કાઢી શકે તો સારું છે. બાપાને મારી યાદ આપજે..." કહી હેમંતભાઇએ વર્ષાબેનના ખેતરમાં કામ કરતા મજૂરોને કંઇક સૂચના આપી અને તરત જ કારમાં બેસી રવાના થઇ ગયા.

ધીમે ધીમે ચાલતા વિનયને હેમંતભાઇની વાતોના અનેક સૂચિતાર્થો દેખાયા.

હરેશભાઇએ તેમનું ખેતરનું કામ મને સોંપ્યું એનો વાંધો નથી. પણ પહેલાં તેમણે આ માટે હરેશભાઇને કહ્યું ત્યારે ના પાડી એની ખીજ હતી. અને પોતાને સમય કેવી રીતે મળશે એવો સવાલ કરવા સાથે લાભુબાપાને યાદ આપવાનું કહી આ બાબતે તેમને વાત કરી શકે એમ હોવાનો ઇશારો કર્યો હતો. વિનયને એ વાતની શાંતિ હતી કે તેણે બાપા સાથે વાત કરીને હરેશભાઇનું કામ લેવા માટે સંમતિ આપી હતી.

વિનય વિચારોમાં ચાલતો ચાલતો જતો હતો. તેણે એક નજર દૂર હેમંતભાઇના બંગલા પર નાખી. ગામથી દૂર બંગલો બાંધવા પાછળ પોતાની કોઇપણ પ્રવૃત્તિને છુપાવનો હેમંતભાઇનો ઇરાદો રહ્યો હતો એ આખું ગામ જાણતું હતું. અચાનક તેની નજરમાં એ બંગલામાંથી નીકળતા એક માણસ પર પડી. તે તરત જ બાજુના શેરડીના ખેતરમાં ખસી ગયો. એ માણસના કપડાં અને ચાલ પરથી વિનયને શંકા ઊભી થઇ હતી. તે એ માણસની પાકી ઓળખ માટે ઊભો રહ્યો હતો. તેણે અડધું મોઢું ઢંકાય એવું કપડું રાખ્યું હતું. તેને થોડે દૂરથી ગામમાં જતાં જોયા પછી વિનય ચોંકી ઊઠ્યો. તેને થયું કે હેમંતભાઇ મોટી ચાલ રમી રહ્યા છે. આ એ જ માણસ છે એની ખાતરી કરવી પડશે. જો તે હેમંતભાઇનો માણસ હશે તો મોટો ખતરો ઊભો થશે. પોતે સાવધ રહેવું પડશે. હેમંતભાઇ પૈસાથી ગમે તેવો ખેલ કરી શકે છે. ગામના અભણ અને ગરીબ માણસોને પૈસા અને ડરથી તેણે ગુલામ જેવા બનાવી દીધા છે. તેણે એ માણસનો પીછો શરૂ કર્યો.

***

અર્પિતાને હવે ખ્યાલ આવ્યો કે મા હરેશકાકા પછી હેમંતભાઇ સાથે પણ શારિરીક સંબંધ બાંધી રહી છે. બીજા પુરુષો પાસે જઇને પણ પોતાની શરીરની ભૂખ સંતોષતી હોઇ શકે. ઘરમાં વસ્તુઓ વધી રહી છે અને માને પૈસાની અછત કે વસ્તુઓનો અભાવ હવે દેખાતો નથી. ત્યારે અર્પિતાને થયું કે આ બાબતે હવે ખુલીને મા સાથે વાત કરવાનો સમય આવી ગયો છે. એકથી વધુ પુરુષો સાથેના સંબંધને કારણે માને ગુપ્ત રોગની શક્યતાઓ વધી ગઇ હશે એમ વિચારી તેણે ડોક્ટર પાસે શરીરનું ચેકઅપ કરાવવાનું ગોઠવ્યું હતું. ગામમાં કોઇ આરોગ્ય કેમ્પ ન હતો. પણ જો માને એમ જ ચેકઅપની વાત કરે તો તે તૈયાર ના થાય. તેણે આરોગ્યનો કેમ્પ હોવાની વાત કર્યા પછી વર્ષાબેન વધારે દલીલ કર્યા વગર તૈયાર થઇ ગયા હતા. તેણે ડોક્ટરને ખાનગીમાં એઇડ્સની તપાસ માટે ખાસ કહ્યું હતું. ડોક્ટરે રીપોર્ટ આપ્યો ત્યારે ઇશારાથી એઇડ્સ હોવાનું કહ્યું એ જાણી અર્પિતા ધ્રૂજી ગઇ હતી. ડોક્ટરે તેને કાલે મળવા કહ્યું હતું. તેની શંકા સાચી પડી હતી. પોતે પણ આ વ્યવસાયમાં હતી. તે બને એટલી તકેદારી રાખતી હતી. નિયમિત દવા લેતી હતી. રાજીબહેન પણ આ બાબતે ખ્યાલ રાખતા હતા. માને તો કોઇ સમજ જ નથી. એ તો આનંદ અને પૈસા ખાતર કોઇપણ પુરુષ સાથે જઇ રહી છે. હવે શું કરવું એ સમજાતું ન હતું. તે માની બિમારીથી ચિંતિત બની વિચારવા લાગી. માને આ રીપોર્ટની વાત કરવી કે નહીં? એ પ્રશ્ન પહેલો થયો. તેણે વિચાર્યું કે પહેલાં ડોક્ટર સાથે ચર્ચા કરી લેવી જોઇએ. એમના સૂચન પછી જ આગળનું વિચારવું જોઇએ.

અર્પિતા ઘરે પહોંચી ત્યારે મા રસોઇ કરતી હતી. બંને ભાઇ-બહેન તેના મોબાઇલમાં ગેમ રમતા હતા. તેણે બંને સાથે થોડી વાત કરી અને જમાડીને સૂવાડી દીધા. કાલે તે નીકળી જવાની હતી. એ પહેલાં માની બિમારીની સારવારની વ્યવસ્થા કરવાની હતી, પહેલાં તો માને જાણ કરવી કે નહીં? તે નક્કી કરવાનું હતું. માના પ્રત્યાઘાત કેવા આવી શકે તેની કલ્પના તે કરી શકતી ન હતી. મા આ વાતને હસીને કાઢી શકે અથવા આઘાતમાં કોઇ પગલું ભરી લેશે એ કળાતું ન હતું.

બાળકો ઊંઘી ગયા એટલે વર્ષાબેન કહે:"છોડી, ડોક્ટર પાસે જઇ આવી ને?"

"હા મા.."

"તો પછી શું આવ્યું એ કેમ કહેતી નથી."

"રીપોર્ટ તો મળી ગયો મા, પણ ડોક્ટર નીકળી ગયા હતા એટલે અંદર શું લખ્યું છે એની ખબર પડતી નથી. કાલે સવારે ડોક્ટરને મળવા જવું પડશે."

"કશુંય નીકળવાનું નથી. તું પૂછવા નહીં જાય તોય ચાલશે. આ ઉંમરે કઇ બિમારી થવાની હતી તું જ કહેને?"

"તારી વાત સાચી છે મા પણ હવે બધા ટેસ્ટ કરાવ્યા જ છે તો જાણકારી મેળવી લઇએ. લોહી ઓછું હોય કે બીજું કંઇ હોય તો આગળ ખબર પડેને.."

"તને બહુ ચિંતા...જઇ આવજે..."

અર્પિતાને થયું કે મા પોતે સ્વસ્થ હોવાના વહેમમાં છે. કઇ બીમારીએ તેનો ભરડો લીધો છે એ વાતથી અજાણ મા કેટલી નચિંત થઇને વાત કરી રહી છે. મારા કુંટુંબમાં સુખ લખાયું જ નથી. માને છોડીને પતિ વિદેશમાં જતો રહ્યો. ત્રણ બાળકોની પણ ચિંતા ના કરી. મા મહેનત કરીને બાળકોને ઊછેરી રહી છે. પોતાને શહેરની કોલેજમાં કેટલા ઉત્સાહથી એડમીશન અપાવ્યું હતું. તેને ખબર ન હતી કે તેની છોકરી સારું ભણવાને બદલે પુરુષોને શારિરીક સુખ આપવાનું કામ કરી રહી છે. હરેશકાકા માને મદદ કરતા હતા. અને તેમનો સહવાસ માને આનંદ આપી રહ્યો હતો ત્યારે તેમને અકસ્માત થયો. આટલું ઓછું હોય એમ ખેતરમાં આગ લાગી ગઇ. અને હવે માને આ ભયાનક રોગ લાગી ગયો. અસલામત જાતીય સંબંધનું જ આ પરિણામ છે એ માને કેવી રીતે સમજાવવું? વિચારતી અર્પિતાને મોડેથી ઊંઘ આવી.

સવારે ઊઠીને ડોક્ટરને મળવા માટે તે દસ વાગવાની રાહ જોવા લાગી.

અર્પિતા જ્યારે દવાખાને પહોંચી ત્યારે ડોક્ટર બહેન આવ્યા ન હતા. થોડીવાર પછી આવ્યા અને તેને પહેલી જ બોલાવી લીધી. પણ તેમણે એમ કહ્યું કે તારી સાથે વિગતથી વાત કરવી છે એટલે થોડા દર્દીઓને જોઇને બોલાવું છું. ડોક્ટરની વાત સાંભળીને અર્પિતાની ચિંતા વધી ગઇ. તેને થયું કે માનો રોગ ગંભીર સ્થિતિમાં હશે. શું થશે માનું? હે ભગવાન અમને બચાવજો.

અર્પિતાને ડોક્ટરે બોલાવી ત્યારે તે તરત જ દોડી ગઇ.

"જો બહેન, તારી માતાને એચઆઇવીનો ચેપ લાગી ગયો છે. એમની સારવાર શરૂ કરી દેવી પડશે. મારી તો સલાહ છે કે એમને શહેરમાં લઇ જા. અહીં આપણે એવી સારવાર આપી શકીશું નહીં. શહેરમાં નિષ્ણાત ડોક્ટર એમને વધારે સમજ અને સારવાર આપી શકશે..."

ડોક્ટરનો આભાર માનીને અર્પિતા ઘરે પાછી ફરતી હતી ત્યારે તે માને શહેરમાં કેવી રીતે લઇ જવી? નાના ભાઇ-બહેનને ક્યાં રાખવા? જેવા પ્રશ્નો સતાવવા લાગ્યા. વિચારતાં વિચારતાં તેને રાજીબહેન યાદ આવી ગયા. તેના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઇ.

***

હેમંતભાઇના બંગલામાથી નીકળેલો માણસ કોણ હશે? તેનો પીછો કરતો વિનય શું કરશે? મા વર્ષાબેનને એઇડસ થયાની જાણકારી પછી અર્પિતા રાજીબહેનને શું વાત કરશે? રચના અને અર્પિતાને બે દિવસ બહાર મોકલવા પાછળ રાજીબહેનનો ઇરાદો શું હતો? એ બધું જ જાણવા હવે પછીના રસપ્રચૂર પ્રકરણો વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED