ઘર છૂટ્યાની વેળા - 21 Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘર છૂટ્યાની વેળા - 21

ભાગ - ૨૧

વરુણના ગયા બાદ રોહનને એરપોર્ટ ઉપરથી ઘરે જવાનું મન નહોતું થતું, તેના મનમાં થઈ રહ્યું હતું કે હમણાં વરુણ પાછો આવે અને તેને લઈને જ ઘરે જાય પણ એ શક્ય નહોતું, બહારની તરફ તેને ડ્રાઈવરને રાહ જોતા જોયો, રોહનનું જવાનું મન નહોતું પણ એના કારણે ડ્રાઈવરને પણ રાહ જોવી પડતી હતી એટલે એ એરપોર્ટ બહાર નીકળ્યો, કાર તેને ઘર સુધી મૂકી આવી, વરુણની ચિંતામાં તે મોબાઈલ પણ જોવાનું ભૂલી ગયો હતો, ઘરે આવી તેને મોબાઈલ ખિસ્સામાંથી બહાર કાઢ્યો જોયું તો અવંતિકાના મેસેજ હતાં, રોહનના ફિક્કા જવાબને અવંતિકા સમજી ગઈ અને તેને સીધો ફોન લગાવ્યો, અવંતિકા જાણતી હતી કે રોહન વરુણના જવાથી ઉદાસ છે. એક મહિના સુધી રોહનને વરુણ વગર રહેવાનું હતું માટે તેને સાથ આપવાની જવાબદારી હવે અવંતિકાની હતી.

અવંતિકા : "હેલ્લો... રોહન ઠીક તો છે ને તું ?"

રોહન : "હા, પણ વરુણ જ્યારથી ગયો છે ત્યારથી મને કંઈક ખૂટતું હોય એમ લાગે છે."

અવંતિકા : "એક જ મહિનાની તો વાત છે, એ પાછો આવી જ જવાનો છે ને તું શું કામ ચિંતા કરે છે ?"

રોહન : "હા, હું જાણું છું કે એ એક મહિના પછી પાછો આવશે પણ આ એક મહિનો હું એના વગર કેમ વિતાવીશ એજ વિચારું છું, કોલેજમાં પણ અમે બન્ને સાથે હોઈએ, પણ એ નથી તો મારું કોલેજમાં પણ મન નહિ લાગે."

અવંતિકા : "હું છું ને તારી સાથે, અને સરસ્વતી પણ છે, આપણે ત્રણ ભેગા મળીને રોજ વરુણને યાદ કરીશું અને એક મહિનો પૂરો થઈ જશે તેની ખબર પણ નહીં પડે."

રોહન : "હા અવંતિકા, તું છું એટલે મને ગમશે, પણ વરુણની ચિંતા થાય છે, એ અમેરિકામાં રાધિકાને મળશે અને રાધિકાએ ખરેખર તેને ભુલાવવાનું નક્કી કરી લીધું હશે, અથવા તેના જીવનમાં બીજું કોઈ આવી ગયું હશે તો વરુણ ઉપર શું વીતશે એ વિચાર મને કોરી ખાય છે."

અવંતિકા : "જો એવું કંઈ બનશે તો એના માટે પણ વરુણ તૈયાર જ હશે, એને એ બાબતે પણ કંઈક તો નક્કી કર્યું જ હશે ને ! અને તું એની સાથે વાતો કરતો રહીશ અને એને સમજાવીશ તો એ રાધિકા વગરની પોતાની નવી લાઈફ જીવવા માટે તૈયાર થઈને આવશે."

રોહન : "હા, જો એવું બનશે તો હું એને રાધિકાને ભુલાવવામાં મદદ કરીશ."

અવંતિકા : "સારું ચાલ હવે સુઈ જા, બહુ લેટ થઈ ગયું છે અને તને આખા દિવસનો થાક પણ લાગ્યો હશે."

રોહન : "ઊંઘ તો મારી વરુણ એની સાથે લઈ ગયો, પણ પ્રયત્ન કરીશ કે આવી જાય તું પણ સુઈ જા, કાલે કોલેજમાં મળીશું."

અવંતિકા : "ઓકે. ગુડ નાઈટ લવ યુ"

રોહન : "લવ યુ ટુ . ગુડ નાઈટ."

રાત્રે પણ મોડા સુધી રોહન વરુણ માટે વિચારતો રહ્યો, અને અંતે વિચારોમાંથી થોડા હળવા થવા માટે તેને નોવેલ વાંચવાની શરૂઆત કરી. વાંચતા વાંચતા ક્યારે આંખ લાગી ગઈ ખબર નાં રહી, સવારે રોજની જેમ પોતાનું કામ પૂર્ણ કરી રોહન કોલેજ માટે રવાના થયો. કોલેજમાં ઘણાબધા લોકોની વચ્ચે રોહન પોતાની જાતને એકલી અનુભવી રહ્યો હતો. અવંતિકા પણ વારેવારે રોહન સામે જોઈ અને એની એકલતાને અનુભવી રહી હતી, પહેલા લેકચર બાદ અવંતિકાએ રોહન પાસે આવી કહ્યું કે "મન નાં લાગતું હોય તો આપણે બહાર જઈ અને બેસીએ." રોહન પણ અવંતિકાની વાત સાથે રાજી થઈ બહાર બેસવા તૈયાર થયો.

સરસ્વતી એ અવંતિકાને એ ક્લાસમાં જ રહે છે એમ કહી અવંતિકાને બહાર જવા માટે કહ્યું. રોહન અને અવંતિકા કેન્ટીનમાં થોડીવાર બેઠા. રોહન અવંતિકા સાથે બધાની અવર જવર હોવાના કારણે ખુલીને વાત ના કરી શકવાના કારણે મેદાનમાં બેસવા જવા માટે કહ્યું.

મેદાનમાં બેસતાની સાથે જ અવંતિકાએ રોહનના બંને હાથને પકડી લીધા. અને કહેવા લાગી.

"રોહન, હું છું તારી સાથે, વરુણ બહુ જ જલ્દી આવી જશે, અને જોજે બધું સારું જ થવાનું છે, તું ચિંતા ના કર."

રોહન : "હા, પણ છતાં મને વરુણની ખોટ વર્તાઈ રહી છે, એના વગર કઈ ગમતું નથી."

અવંતિકા : "હું સમજુ છું, વરુણ સાથે તને ખુબ જ લગાવ છે, પણ એક દિવસ તો તમારે બંનેને અલગ તો થવાનું જ છે, એ એના ધંધા અર્થે અથવા તો તું તને મળતી કોઈ સારી જોબ માટે એનાથી ક્યારેક તો દૂર થઈશ જ ને !"

રોહન : "હા, તારી વાત સાચી છે, પણ એ સમય અલગ થવાનું નક્કી જ હશે, આ તો અચાનક વરુણ આમ ચાલ્યો ગયો તો થોડી તકલીફ થાય છે."

અવંતિકા : "ભલે વરુણ અચાનક ચાલ્યો ગયો, પણ એ પાછો આવવાનો જ છે ને. ક્યાં કાયમ માટે ગયો છે."

રોહન : "હા, સારું જવા દે એ વાત, હવે કોઈ બીજી વાત કરીએ."

અવંતિકાને રોહનની વાત સાંભળી ચહેરાપર થોડું સ્મિત આવ્યું, તેને પણ લાગ્યું કે હવે રોહન થોડો સ્વસ્થ થયો છે.

અવંતિકા : "તો ભગત, તે મારા માટે શું વિચાર્યું છે ?"

રોહન : "તારા માટે શું વિચારું ? તું પણ મારાથી દૂર જવાનું વિચારે છે ?"

અવંતિકા : "અરે ના પાગલ.. તારાથી દૂર જવાનું તો સપનામાં પણ નથી વિચારતી."

રોહન :"તો પછી બીજું શું વિચારું ?"

અવંતિકા : "રોહન, આપણી કોલેજ બાદ કદાચ આપણે અલગ થવાનું થયું તો ? મારા મમ્મી પપ્પા મારી મરજી નહિ હોય ત્યાં સુધી તો મારા લગ્નની વાત નહિ કરે પણ ક્યારેક તો એ દિવસ આવશે જયારે એ લોકો મને લગ્ન વિષે પૂછશે. ત્યારે હું એમને કેવી રીતે સમજાવીશ ?"

રોહન : "જો અવંતિકા, ખોટું ના લાગવીશ પણ હજુ આપણી પાસે ઘણો સમય છે આ બધું વિચારવા માટે. અને હા, હું હુજુ લગ્ન કરી શકું એટલો સક્ષમ પણ નથી. મારે હજુ તો મારી લાઈફ સેટ કરવાની છે," અવંતિકાના હાથને થોડો વધુ મજબૂતીથી પકડતા રોહન બોલતો રહ્યો. "અવંતિકા, તું મને પ્રેમ કરે છે, પણ તારા માતા પિતા તને મારા કરતાં પણ વધુ પ્રેમ કરતાં હશે, અને હું તો એમ જ ઈચ્છીશ કે તું એમને દુઃખ થાય એવું કામ ક્યારે પણ ના કરીશ."

અવંતિકા : "પણ, રોહન હું તારી સાથે જ લગ્ન થાય એ માટે ના તમામ પ્રયત્નો કરીશ."

રોહન : "લગ્ન થવા ના થવા એ કિસ્મતની વાત છે, એ આપણા હાથમાં ક્યાં છે, કહેવાય છે ને કે જોડીઓ ઉપરવાળો બનાવીને જ મોકલે છે."

બંને એ રીતે પોતાના ભવિષ્યની વાતો અત્યારે કરી રહ્યા હતા, કોલેજ છૂટ્યાબાદ સરસ્વતી પણ જ્યાં રોહન અને અવંતિકા બેઠા હતા ત્યાં આવી અને સાથે બેઠી.

સરસ્વતી : "વરુણના કઈ સમાચાર"

રોહન : "ના, હજુ તો ફ્લાઈટમાં જ હશે, ૧૯-૨૦ કલાક નો રસ્તો છે, અને મેં કહ્યું હતું એને પહોચી અને મેસેજ કરી દેજે. ત્યાં એના ટ્રાવેલ એજેન્ટે બધી વ્યવસ્થા કરી રાખી છે."

સરસ્વતી : "ઓકે... વરુણ વગર ખરેખર મઝા નથી આવતી."

રોહન : "હા, હું તો તેના વગર સાવ એકલો થઇ ગયો હોય એમ જ લાગે છે અને એટલે જ ક્લાસમાં પણ ના બેસી શક્યો."

અવંતિકાની આંખો સરસ્વતીને જોઈ રહી હતી, તેના ચહેરા ઉપર વરુણ માટેની ચિતા, લાગણી ચોખ્ખી દેખાઈ રહ્યા હતા, તે તરત રાધિકા અને સરસ્વતીની તુલના કરવા લાગી. અને સરસ્વતીનું વરુણ તરફનું પલડું તેને ભારે લાગવા લાગ્યું.

થોડીવાર હળવી વાતો કરી અને બધા છુટા પડ્યા, રોહન પોતાના કામની જગ્યાએ ગયો અને સરસ્વતી અને અવંતિકા પોત પોતાના ઘરે.

રોહન દુકાન પહોચી કામમાં મન લાગવી દીધું, નવા આવેલા સાડીના સ્ટોકને જાતે જ ગોઠવવા લાગી ગયો, તેના શેઠે તેને શાંતિથી બેસવા કહ્યું પણ તે કામમાં વ્યસ્ત રહેવા માંગતો હતો. તે જલ્દી સાંજ થાય અને વરુણ સાથે વાત થાય એની રાહ જોઈ રહ્યો હતો.

રાત્રે ઘરે જઈ અને જમવાનું પતાવી રોહન વરુણના મેસેજની રાહ જોવા લાગ્યો, અવંતિકા સાથે પણ વાતો ચાલી જ રહી હતી, રાત્રે બાર વાગ્યા પછી વરુણનો મેસેજ આવ્યો.

વરુણ : "સોરી ભાઈ લેઇટ મેસેજ કર્યો, ખુબ જ થાકી ગયો હતો ટ્રાવેલિંગમાં. હમણાં હોટેલમાં આવી વાઈ ફાઈ કનેક્ટ કરી તને પહેલો મેસેજ કર્યો, મને ખબર છે કે તું જાગતો હોઈશ મારી રાહ જોવામાં."

રોહન : "બસ ભાઈ તારી જ ચિંતા થતી હતી, ફ્રેશ થઇ જા પહેલા, અને હા, મમ્મી પપ્પા સાથે પણ વાત કરીલે."

વરુણ : "હા, હવે એમને જ કોલે કરીશ, પણ હું જાણું છું કે તું મારી ચિંતા વધુ કરતો હોઈશ એટલે પહેલા તને મેસેજ કર્યો, આરામ પણ કરવો છે, એટલે તું પણ સુઈ જજે. હું પણ આરામ કરીશ હવે."

રોહન : "ઓકે, બીજી વાતો પછી કરીશું, તું આરામ કરી અને ફ્રેશ થઇ જા. હું પણ સુઈ જાવ છું."

વરુણ બાય કહી અને ફ્રેશ થવા માટે ગયો, રોહને પણ વરુણ સાથે થયેલી વાતો શેર કરી અને સુઈ ગયો.

વરુણની આંખોમાં લાંબા ટ્રાવેલિંગનો થાક હતો, પણ રાધિકા વિષેની જાણવાની તેની ઉત્સુકતા તેને આરામ કરવા દેતી નહોતી, તેને ના રાધિકાને જાણ કરી હતી ના રાધિકાના મમ્મી પપ્પાને અને પોતાના મમ્મી પપ્પાને પણ એ લોકોને જણાવવાની ના જ કહ્યું હતું. તે પોતાની આંખે જોવા માંગતો હતો કે રાધિકા શું કરી રહી છે. તેને બહાર નીકળી અને રાધિકાને શોધવી હતી પણ પગ કામ નહોતા કરી રહ્યા માટે હોટેલ ઉપર જ આરામ કરવાનું વિચાર્યું, તબિયત પણ થોડી નરમ હતી. એટલે થોડીવાર રેસ્ટ કરવા બેડ ઉપર લંબાવ્યું, થાકે એની આંખોમાં ઊંઘ ક્યારે ભરી દીધી ખબર જ ના રહી.

થોડીવાર આરામ કરવાનું વિચારી અને સુઈ ગયેલો વરુણ પાંચ કલાકના લાંબા આરામ બાદ ઉઠ્યો. અમેરિકામાં સાંજના ચાર વાગ્યા હતા. થોડો ફ્રેશ થઈ તે હોટેલની બહાર નીકળ્યો. વિદેશી ધરતી ઉપર વરુણને એકલતા લાગી રહી હતી, પણ જે કાર્ય માટે તે હજારો કિલોમીટર દૂર આવ્યો હતો તે કરીને જ પાછુ જવાના દૃઢ નિર્ણય સાથે તે વોશિંગટનની રસ્તા ઉપર ચાલવા લાગ્યો. થોડે સુધી ચાલી અને પોતાની હોટેલ ટ્વીનસ્ટાર તરફ પાછો ફર્યો, સામે મળેલા ઘણા ચહેરામાં તે રાધિકાનો ચહેરો શોધી રહ્યો હતો પણ વિદેશી ચહેરામાં તેને ક્યાય ભારતીય રાધિકા જોવા ના મળી. શું કરવું તેને ખબર પડતી નહોતી, હોટેલની ગેલેરીમાં તે આવી અને બેઠો.

આમ અચાનક બનાવેલા પ્રવાસે વરુણ કોઈ આયોજન કરી શક્યો હતો, તેના માટે રાધિકા સુધી પહોચવાનું જ એક લક્ષ્ય હતું, તે કઈ કોલેજમાં છે એ પણ તેને ખબર નહોતી ક્યારેય તેને પૂછ્યું પણ નહોતું. કારણ કે આજસુધી એ જાણવાની એને જરૂર પણ નહોતી પડી. પણ અત્યારે તેને જરૂર હતી, તે કઈ કોલેજમાં છે ? રાધિકાને પોતાની આંખે જોવા માંગતો હતો. એકવાર તો થયું કે રાધિકાને મેસેજ કરી અને કોલેજનું નામ પૂછી લઉં પણ પછી વિચાર્યું કે જો અચાનક આવું પૂછીશ તો એના મનમાં એમ જ થશે કે અચાનક કેમ પૂછ્યું, એ કારણ પૂછશે અને હું એ કારણ આપી શકીશ નહિ. વરુણ રાધિકાના ઘરે પણ જવા માંગતો નહોતો. જો તેના ઘરે જાણ થાય કે વરુણ અમેરિકામાં છે તો રાધિકાના પપ્પા ના વરુણના પપ્પા સાથેના સારા સંબંધોના કારણે તેને હોટેલમાં રહેવા ના દે. અને વરુણ જે કામ માટે આવ્યો છે એ પણ થઇ શકે નહિ અને તેના કારણે જ વરુણે એના મમ્મી પપ્પા ને કોઈને જાણ કરવાની ના કહી હતી. વરુણ એટલું જાણતો હતો કે રાધિકાનો પરિવાર વોશિંગટનમાં રહે છે.

વરુણને મનમાં થયું કે જો આ સમયે રોહન તેની સાથે હોત તો તેને એકલું ના લાગતું, પણ રોહન પાસે પાસપોર્ટ નહોતો, અને વરુણે એટલું જલ્દી આયોજન કર્યું હતું કે એટલો જલ્દી એનો પાસપોર્ટ બની શકે તેમ પણ નહોતો, અને એમ્બેસીની પ્રક્રિયા પણ કઠીન હોવાના કારણે રોહનને સાથે લાવી શકાય તેમ નહોતું. માટે જે કરવાનું છે તે પોતા એ જ કરાવનું છે એમ માની વરુણ રૂમ તરફ પાછો વળ્યો, વોશિંગટનની સાંજ ભારતીય સાંજ કરતાં ઘણી જુદી દેખાઈ રહી હતી. થોડીવાર રૂમમાં ટી.વી. માં કેટલીક લોકલ ચેનલ જોઈ, અને તેમાં પણ ક્યાંક રાધિકા દેખાઈ જાય એ વિચારે ઘણીવાર સુધી એક જ ચેનલને જોતો રહ્યો. પછી પોતાનો મોબાઈલ લઇ અને વોશિંગટનની કેટલીક કૉલેજ સર્ચ કરી. ઘણીબધી કોલેજોના નામ જોઈ અને વરુણનું મગજ કામ કરતુ બંધ થઇ ગયું, આ બધી કૉલેજમાં રાધિકાને શોધવા જતાં એક વર્ષપણ ઓછું પડે તેમ હતું. ફોનની સ્ક્રીન ઓફ કરી બેડમાં બાજુ ઉપર મૂકી માથે હાથ દઈ બેસી ગયો, તેની પાસે માત્ર એક જ મહિનો હતો અને તેમાં પણ તેને ઘણાબધા કામ હતા, તેને થયું રોહન સાથે વાત કરું તેને રોહનના મોબાઈલમાં મેસેજ કર્યો, થોડીવાર રાહ જોઈ પણ રોહનનો જવાબના આવતા ડીનર લેવા માટે એજ હોટેલમાં ગયો.

જમી અને બહાર ગેલેરીમાં આવી બેઠો. મોબાઈલ જોયો તો રોહનનો મેસેજ હતો.

"કેમ છે મારા ભાઈ ?"

રોહન સાથે વરુણ પોતાની મૂંઝવણ શેર કરવા માંગતો હતો. એટલે આરામથી બેસી તેને જવાબ આપ્યા...

વધુ આવતા અંકે....

નીરવ પટેલ "શ્યામ"