ઘર છૂટ્યાની વેળા Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘર છૂટ્યાની વેળા

"ઘર છૂટ્યાની વેળા...."

એક નવી વાર્તા..…

એક નવો વિચાર....

લે..... નીરવ પટેલ "શ્યામ"

રોહન : “હેલ્લો, અવંતિકા”

અવંતિકા : “હા બોલ, પપ્પા બાજુની રૂમમાં જ છે એટલે ધીમે થી વાત કરી રહી છું.”

રોહન : “ઓકે વાંધો નહી, પણ આજે રાત્રે બાર વાગે તું નીચે આવી જજે, થોડે આગળ જ વરુણની કારમાં હું તારો વેઇટ કરીશ, બસ આજનો જ દિવસ પછી હંમેશને માટે આપણે એક થઇ જઈશું. અને હા, તારા બધા જ ડોક્યુમેન્ટ લઈને આવજે, કઈ ઘરે રહી ના જાય.”

અવંતિકા : “ઓકે, બધું જ મેં રેડી કરી લીધું છે, પણ મને ડર લાગે છે, પકડાઈ જઈશું તો ?”

રોહન : “કંઈ નહી થાય, તું ચિંતા ના કર, બસ તું ગમે તેમ કરી ઘરની બહાર નીકળી જા, આગળ હું સાચવી લઈશ, બસ આજની તારી થોડી હિંમત આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવી દેશે. પછી આપણે ક્યાંક દૂર ચાલ્યા જઈશું, જ્યાં કોઈ જ ઓળખીતું નહી હોય, જ્યાં આપણને કોઈનો ડર નહિ હોય, માત્ર હું અને તું.”

અવંતિકા : “રોહન, જે આપણે કરી રહ્યા છે તે યોગ્ય તો છે ને ? મારા મમ્મી પપ્પા મને ખુબ જ પ્રેમ કરે છે, એ મારા વગર કેવી રીતે રહી શકશે ? માન્યું કે તારું ફેમેલી મારા જેટલું સક્ષમ નથી અને આપણી જ્ઞાતિ અલગ છે એટલે લગ્ન થવા શક્ય નથી. પણ તોય મનમાં એક ડર સતત સતાવ્યા કરે છે.”

રોહન : “તું અત્યારે એ બધું ના વિચાર અને આપણે થોડો સમય સાથે રહીશું એટલે એમને પણ તારી ખોટ લાગશે, અને આજે નહિ તો કાલે એ આપણા સંબંધને સ્વીકારી લેશે, દરેક મા-બાપ પહેલા આવું જ કરતા હોય છે પણ સમય જતાં એ સ્વીકારી જ લે છે, અને એમ પણ તું એમની એકની એક દીકરી છું, માટે તને બહુ જલ્દી માફ કરી દેશે. અને તું જોજે એ તને સામેથી લેવા માટે આવશે. તને મારી ઉપર વિશ્વાસ છે ને ?”

અવંતિકા : “હા, મને તારી ઉપર પૂરે પૂરો વિશ્વાસ છે. સારું હવે હું ફોન મુકું છું, થોડો સમય હવે મારા ફેમેલી સાથે વિતાવી લઉં, પછી ખબર નહિ ક્યારે એ સમય પાછો મળશે ?”

રોહન : “ઓકે, હું બરાબર ૧૨ વાગ્યે તારા ઘરથી થોડે જ દૂર તારી રાહ જોઇશ, લવ યુ બાય.”

ફોન મૂકી અવંતિકા પોતાના ફેમેલી સાથે સમય વિતાવવા લાગી, ઘરમાં કોઈને પણ અણસાર ના આવ્યો કે અવંતિકા આ ઘરમાં માત્ર થોડા જ સમયની મહેમાન છે, પોતાનાને છોડી હવે તે કાયમ માટે બીજા કોઈ પારકા વ્યક્તિને પોતાનો કરી એની સાથે જોડાઈ જવાની છે.

રોહન પણ બધી તૈયારી કરી ચુક્યો હતો, તે તો માત્ર રાત્રે ૧૨ ક્યારે વાગે એની રાહ જોઇને જ બેઠો હતો, સમય પણ આજે કીડીવેગે પસાર થઇ રહ્યો હતો, કેટલીક વાર તો એને ઈચ્છા થઇ કે ઘડીયાળના કાંટા પોતાના હાથથી ફેરવી નાખી બાર વગાડી દઉં, પણ સામે અવંતિકાના ઘરમાં પણ બાર નહિ વાગે એ વિચારે એ બેસી રહ્યો, રાત્રે નવ વાગ્યાથી એ વરુણ પાસે જતો રહ્યો, રોહનના ઘણાં મિત્રોમાં વરુણ એનો સૌથી ખાસ મિત્ર હતો, અને એને પોતાની કાર પણ હતી, બધી જ વ્યવસ્થા વરુણે જ ગોઠવી આપી હતી.

રોહન અને વરુણ બેઠા બેઠા પોતાના પ્લાનિંગ ને રીપીટ કરી રહ્યાં હતા. અવંતિકાના ઘરેથી કાર સીધી એમને સ્ટેશન ઉતારી દેશે અને ત્યાંથી ટ્રેનમાં એ સીધા જ ચંદીગઢ જવા રવાના થશે, ત્યાં વરુણના એક મિત્રએ થોડા દિવસ રહેવા માટેની વ્યવસ્થા પણ કરી લીધી હતી, રોહન પાસે પૂરતા પૈસા પણ નહોતા પણ વરુણે શક્ય તેટલી તમામ મદદ કરી હતી. અવંતિકા અને રોહન બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા, કૉલેજના કેટલાક મિત્રોએ પણ થોડીઘણી મદદ કરી હતી, અને સહકાર આપ્યો હતો, પણ રોહન અને અવંતિકા ક્યાં જવાના છે તે તો માત્ર વરુણ જ જાણતો હતો.

રોહન વારે વારે સમય ચેક કરતો હતો, બરાબર અગિયાર વાગ્યા, અવંતિકાને મેસેજ કર્યો, “તું તૈયાર છે ને ?” જવાબ આવ્યો, “હા, ઘરે બધા જ સુવા માટે જતાં રહ્યા છે, હું પણ મારા રૂમની લાઈટ બંધ કરી અને બેડમાં જ છું, બાર વાગે નીકળી જઈશ,”

સાડા અગિયાર વાગે રોહન અને વરુણ કાર લઈને અવંતિકાના ઘર તરફ નીકળ્યા, ઘરથી થોડે દૂર કાર ઉભી કરી અને બંને અંદર જ બેસી રહ્યા, અવંતિકા તેના નિર્ધારિત સમયે પોતાની બેગ લઇ ચોરપગે રૂમની બહાર નીકળી, બેગ સોફા ઉપર મૂકી મમ્મી પપ્પાના રૂમ પાસે ગઈ, બંને મીઠી ઊંઘ માણી રહ્યાં હતાં. ઘરના મંદિરમાં પગે લાગી પોતે કરી રહેલી ભૂલની માફી માંગવા લાગી, અને પછી બેગ લઈ ધીમેથી ઘરની બહાર નીકળી ગઈ, રોહનને મેસેજ કરી દીધો કે હું નીકળી ગઈ છું, વરુણે કાર સ્ટાર્ટ કરી દીધી, અવંતિકાને આવતી જોઈ પાછળની સીટ માં બેઠેલા રોહને દરવાજો ખોલ્યો અને અવંતિકા એક ડર સાથેના હાસ્ય સાથે કારમાં પ્રવેશી.

રોહન સાથે ભેટતા અને અવંતિકા સાથે હાથ મિલાવતા રેલ્વે સ્ટેશન ઉપર વરુણે કહ્યું : “wish you happy journey & happy marriage life.” રાત્રીનો સમય હતો અને સ્ટેશન ઉપર થોડા જ માણસો હતો, એક ખાલી બેંચ ઉપર રોહન અને અવંતિકા બેઠા, અવંતિકાએ માથું રોહનના ખભા ઉપર મૂકી દીધું અને મૌન બની ગઈ. રોહને પૂછ્યું : “શું થયું કેમ કંઈ બોલતી નથી ?” અવંતિકા કંઈ જ બોલી ના શકી, ગાલ ઉપર આવેલું આંસુ લુછી પ્લેટફોર્મની સામે જ જોઈ રહી. રોહને ફરી પ્રશ્ન ના પૂછ્યો, પણ એના જ પ્રશ્નનો જવાબ પોતે જ આપી દીધો. : મને ખબર છે, તારા માટે પરિવારથી દૂર થવું મુશ્કેલી ભર્યું છે પણ તું તારી ખુશીનું તો વિચાર, તારા મમ્મી પપ્પા તને સારા ઘરના કોઈ પૈસાવાળા છોકરા સાથે પરણાવી ને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઇ જાત પણ એ છોકરો તને મારા જેટલો પ્રેમ ના આપી શકત, ભલે મારી પાસે અત્યારે પુરતા પૈસા નથી પણ તને હું ખુશ રાખી શકીશ, પૂરે પૂરો પ્રેમ આપીશ, અને પૈસા કરતાં પ્રેમ આ દુનિયામાં ઘણો મહત્વનો છે. તું ચિંતા ના કર બધું જ સારું થઇ જશે.” ટ્રેન આવી અને બંને પોતાના સ્થાન ઉપર બેસી ચંદીગઢ તરફ રવાના થયા.

સવાર થતાં અવંતિકાના ઘરે ખબર પડી કે અવંતિકા ઘરમાં નથી, એની શોધખોળ શરુ થઇ, તેના નંબર ઉપર ફોન કરવામાં આવ્યો પણ ફોન તેના બેડ પાસે જ પડેલો મળ્યો, અને તેના મમ્મી પપ્પાને ચિંતા વધવા લાગી. તેની મિત્રોને ફોન કરી તપાસ કરવામાં આવી પણ એ લોકો પણ 'નથી ખબર' નો જવાબ આપી દીધો. અવંતિકાના મમ્મીની આંખો ચોધાર આંસુએ રડવા લાગી બાળપણથી લઇ અને વીસ વર્ષ સુધી જે દીકરીને હથેળી ઉપર રાખી હતી એ દીકરીના કોઈ સમાચાર ના હોવાથી અવંતિકાની મમ્મીનું દુઃખી થવું સ્વાભાવિક હતું. એના પપ્પા એ પણ શક્ય એટલા તમામ પ્રયત્નો કર્યા પણ કોઈ ખબર ના મળી, અવંતિકાના મમ્મી ને છેલ્લો રસ્તો ઈશ્વર પાસે દેખાયો અને તે ઘરમાં રહેલા ભગવાનના મંદિર પાસે હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યા, ત્યાં જ એમને એક પત્ર દેખાયો. પત્ર ખોલતા જ અવંતિકાના હસ્તાક્ષર ઓળખી ગયા. અને તરત પોતાના પતિ પાસે આવી એ વાંચવા લાગ્યા.. :

“પ્રિય મમ્મી, અને વહાલા પપ્પા.

જીવનમાં પહેલીવાર એક એવું પગલું ભરી રહી છું જેને કદાચ તમે નહિ સ્વીકારો, આજ સુધી તમે મને મારા જીવનની દરેક ખુશી આપી છે, મને કોઈ વસ્તુ માત્ર ગમી હોય તો પણ તમે તે મારા માટે લઇ આવ્યા છો, મને જીવનમાં ક્યારેય કોઈ દુઃખ થાય એવું તમે નથી કર્યું, પણ આજે મારે જે જોઈતું હતું એ તમે મને આપી શકવાના નથી, માટે મારે આ પગલું ભરવું પડ્યું છે, તેના માટે હું આપની કસુરવાર છું.

હું મારી કૉલેજના એક છોકરાને ખુબ જ પ્રેમ કરું છું, પણ એ છોકરો આપણી જ્ઞાતિ નો નથી, કે આપણા જેટલા પૈસા વાળો પણ નથી, પણ એ મને ખુબ જ પ્રેમ કરે છે, કદાચ હું એને નહિ મળું તો એ જીવી નહિ શકે, માટે હું એની સાથે જઈ રહી છું, મેં ઘણીવાર તમને આ વાત કહેવાનું વિચાર્યું પણ મને ડર લાગતો હતો, જો હું તમને કહીશ અને તમે ના કહી દેશો તો મારે મારો પ્રેમ સદાય માટે ખોઈ દેવો પડશે, તમે મારી કૉલેજ બંધ કરાવી મારા લગ્ન કોઈ અજાણી વ્યક્તિ સાથે કરાવી દેશો, જે હું કરવા નહોતી માંગતી. પપ્પા તમે એવું ના સમજતા કે હું તમને પ્રેમ નથી કરતી !! હું તમને અને મમ્મી ને પણ ખુબ જ પ્રેમ કરું છું, પણ સાથે સાથે હું મારા પ્રેમને પણ ખોવા નથી માંગતી. મેં જે કર્યું છે એના માટે મને માફી તો મળવાની નથી તેમ છતાં હું આપની પાસે માફી ની અપેક્ષા રાખું છું, થઇ શકે તો મને માફ કરી દેજો...

આપની લાડલી દીકરી

અવંતિકા

***