Ghar Chhutyani Veda - 3 books and stories free download online pdf in Gujarati

ઘર છૂટ્યાની વેળા - 3

ભાગ – ૩

અવંતિકાએ પોતાની મમ્મીનો નંબર ડાયલ કર્યો.....

એક રડમસ અવાજે સામા છેડાથી અવાજ આવ્યો :

“હેલ્લો”

અવંતિકાને જાણે કંઇક અજુકતું બન્યું હોય એવો આભાસ એની મમ્મીના અવાજમાં સંભળાઈ રહ્યો હતો,

“હેલ્લો મમ્મી, હું અવંતિકા બોલું છું,” અવંતિકા એક અપરાધ ભાવ સાથે બોલવા લાગી.

અવંતિકાની વાતને વચ્ચે જ કાપી નાખતાં એની મમ્મીએ થોડા ગુસ્સો બતાવી બોલવા લાગી :

“ક્યાં છે તું ? અમને જાણ કર્યા વગર જ તે ઘર છોડી દીધું ? આ બધું જે થઇ રહ્યું છે તેની પાછળ તું જ જવાબદાર છે. આજે તારા પપ્પા.....!!!!” આટલું બોલતા જ અટકી જઈ સુમિત્રા ચોધાર આંસુએ ફોન ઉપર જ રડવા લાગી.

“મમ્મી, પપ્પાને શું થયું છે ? તું કેમ રડી રહી છે ? બધું બરાબર તો છે ને ??” અવંતિકા એક ગભરામણ સાથે એની મમ્મી ને પૂછવા લાગી, સામા છેડે સુમિત્રાનો માત્ર ડુસકા ભરવાનો અવાજ અવંતિકાના કાને પડી રહ્યો હતો.

“મમ્મી, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, એટલે જ મેં પાછો આવવાનો નિર્ણય લઇ લીધો છે, હું સાંજ સુધીમાં ઘરે આવી જઈશ.” અવંતિકા પોતાની મમ્મીને દિલાસો આપતા વાક્યો કહેવા લાગી.

“બેટા, તું જલ્દી આવીજા, તારા પપ્પાને સી. આઈ. એમ. એસ. હોસ્પીટલમાં દાખલ કર્યા છે, તું જલ્દી આવીજા.” આટલું બોલી અને સુમિત્રાએ ફોન કટ કરી નાખ્યો.

અવંતિકા રડતા રડતા જમીન ઉપર જ બેસી ગઈ. રોહન અવંતિકાની સામે બેસી પૂછવા લાગ્યો :

“શું થયું અવંતિકા ? બધું બરાબર તો છે ને ?”

અવંતિકાએ રોહનના હાથ પકડી રડતાં રડતાં બોલવા લાગી...

“ રોહન, આપણે બહુ ખોટું પગલું ભરી લીધું છે, મારા કારણે આજે પપ્પા હોસ્પીટલમાં છે, એમને કઈ થઇ જશે તો હું મારી જાતને ક્યારેય માફ નહિ કરી શકું !”

રોહને અવંતિકાને ઊભી કરી, અવંતિકા રોહનની છાતીએ વળગી રડવા લાગી. રોહને અવંતિકાના ખભા પકડી એની આંખોના આંસુ લૂછતાં દિલાસો આપવા લાગ્યો. :

“અવંતિકા, તું ચિંતાના કર, આપણે પાછા જઈએ છીએ, એમને કઈ નહિ થાય, તને એકવાર એ જોઈ લેશે પછી, એ પહેલા જેવા સાજા થઇ જશે.”

જગ્ગીએ પણ અવંતિકાને હિમ્મત આપતા કહ્યું : “બહેન, તમે ચિંતાના કરો, વાહે ગુરુ બધું બરાબર કરી દેશે. ચાલો આપણે નીકળીએ, એક વાગી ગયો છે, બે કલાક પછી તમારી ફ્લાઈટ છે, સિક્યોરીટી ચેકીંગમાં પણ સમય લાગશે અને હજુ તો તમે કઈ જમ્યા પણ નથી તો ચાલો પહેલા આપણે કોઈ હોટેલમાં જમી લઈએ અને પછી હું તમને એરપોર્ટ મૂકી જાઉં.”

અવંતિકા થોડી સ્વસ્થ થઇ અને જગ્ગીને કહેવા લાગી, :

“જગ્ગીભાઈ તમારો ખુબ ખુબ આભાર, પણ મારી જમવાની ઈચ્છા નથી, અને હું પપ્પાનું મોઢું જોયા વગર પાણી પણ નહિ પીવ. રોહનને તમે બંને જમી લો.”

“ના મારી પણ ઈચ્છા નથી, આપણે સીધા એરપોર્ટ પર જ ચાલ્યા જવું જોઈએ.” રોહને અવંતિકાનો હાથ પકડતા જગ્ગીને કહ્યું.

જગ્ગીએ વરુણને ફોન કરી તમામ હકીકત જણાવી, વરુણે રોહન અને અવંતિકા સાથે વાત કરી બંનેની હિંમતમાં વધારો કર્યો. અને બંનેને એરપોર્ટ ઉપર પોતાની કાર લઇ લેવા આવવા માટે અને અવંતિકાને હોસ્પિટલ સુધી મૂકી જવા માટે પણ કહ્યું.

જગ્ગીની કાર સેક્ટર ૨૩ થી મોહાલીમાં સ્થિત એરપોર્ટનું ૨૪ કિલોમીટર અંતર કાપી પહોચી. એરપોર્ટ ઉપર રોહન સાથે ગળે મળી અને અવંતિકાને દિલાસો આપી જગ્ગી રવાના થયો, સિક્યોરીટી ચેકિંગ પૂર્ણ કરી, બોર્ડીંગ પાસ મેળવી અવંતિકા અને રોહન ફ્લાઈટની રાહ જોવા લાગ્યા, બરાબર ૩ વાગે મોહાલી એરપોર્ટ ઉપર સ્પાઇસ જેટની ફ્લાઈટ નંબર એસ.જી. ૨૫૩ એનાઉન્સ થઇ. રોહન અને અવંતિકા એરહોસ્ટેસના કાલ્પનિક સ્મિતનો જવાબ આપી પોતાની સીટ ઉપર ગોઠવાયા.

અવંતિકાને બારી પાસેની સીટ મળી હતી, રોહન એની બાજુની સીટમાં જ હતો, એક કલાકને દસ મીનીટના સફરમાં અવંતિકા સતત બારી બહારના આકાશમાં જાણે કઈ શોધતી હોય એમ નિહાળી રહી, અવંતિકાની આંખો સામે બારી બહાર જાણે એનું બાળપણ તરવરવા લાગ્યું, પોતાના પપ્પા અનીલ બાળપણની અવંતિકાને હાથમાં લઇ ઉછાળતા હોય અને એને લાડ લડાવતા હોય એવું દ્રશ્ય રચાવવા લાગ્યું. અવંતિકાની આંખોમાંથી એક આંસુનું ટીપું બહાર વહેવા આવ્યું. પોતાના બાળપણમાં પિતા સાથે વિતાવેલી પળો, પિતાનો પ્રેમ એ બધું જ અવંતિકાના વિચારોમાં જીવંત થવા લાગ્યું, “હું નાની હતી ત્યારે પપ્પા માથે હાથ ફેરવી અને સુવાડતાં. એકવાર રસ્તામાં એક ટેડી બીઅર પસંદ આવી ગયું હતું, પણ પપ્પાને મેં જણાવ્યું નહિ, હું રસ્તામાં ચાલતાં ચાલતાં એ ટેડી બીઅરને જ પાછું વળી વળી જોઈ રહી હતી. પણ પપ્પા જાણે મારા મનની વાત સમજી ગયા હોય તેમ રાત્રે ઓફિસથી પાછા ફર્યા ત્યારે સાથે લઈને આવ્યા હતા, અને મને સરપ્રાઈઝ આપવા માટે જયારે હું સુઈ ગઈ અને સવારે પાછી ઉઠી એ પહેલા મારી બાજુમાં મૂકી અને સંતાઈ ગયા, હું જ્યારે ઉઠી ત્યારે એ ટેડી બીઅરને જોઈ કેટલી ખુશ થઇ હતી, અને મારી ખુશી જોઇને પપ્પા પણ કેટલા ખુશ થયા હતાં, હું પપ્પાને ગળે વળગી એમના ગાલ ઉપર ઘણા બધા ચુંબન પણ આપી દીધા હતા.” પ્લેનમાં થયેલા એનાઉન્સમેન્ટે અવંતિકાને વિચારોમાંથી બહાર કાઢી. દિલ્હી આવવાની તૈયારીમાં હતું, દિલ્હીથી અહેમદાબાદની ફ્લાઈટ ૬.૨૦ વાગે હતી. સાડા ચાર સુધીમાં રોહન અને અવંતિકા દિલ્હી ઇન્દિરા ગાંધી એરપોર્ટ ઉપર પહોચી ગયા, દિલ્હીથી એર ઇન્ડિયાની એરબસ એ- ૩૨૦ એમને અહેદાબાદ લઇ જવાની હતી. બરાબર ૬ વાગે ફલાઈટનું એનાઉન્સમેન્ટ થયું. પ્લેનમાં પ્રવેશતા પહેલાની એજ ઔપચારિકતાઓ માંથી પસાર થઇ રોહન અને અવંતિકા પોતાના સ્થાને ગોઠવાયા.

સુર્યાસ્ત થવાની તૈયારીમાં હતો, આ વખતે બારી પાસેની સીટ મળી નહોતી, બારી પાસે કોઈ ફોરેનર પુરુષ બેઠો હતો, એની બાજુમાં રોહને સ્થાન લીધું, અને બાજુની સીટમાં અવંતિકા બેઠી. રોહન ફ્લાઈટ ટેક ઓફ થતા, રોહને અવંતિકાનો હાથ પકડી લીધો. અને કહેવા લાગ્યો.. :

“અવંતિકા, તું ચિંતા નાં કર, બધું જ સારું થઇ જશે, તારા પપ્પા પહેલા જેવા સાજા સમા થઇ જશે, અને જોજે એ તને તરત માફ પણ કરી દેશે, હું પણ તારી સાથે હોસ્પિટલ આવી શકતો, પણ આ સમય યોગ્ય નથી, કદાચ એ મને જોઈ એમનો ગુસ્સો વધી જાય તો વધારે તકલીફમાં મુકાઈ શકે છે, હું તને ખુબ જ પ્રેમ કરું છું, અને હું તારી રાહ જોઇશ, પહેલા તારા પપ્પા સ્વસ્થ થઇ જાય પછી હું આવી એમની માફી માંગી લઈશ, અને આપણા લગ્નની વાત કરીશ. આપણે હમણાં મળીયે પણ નહિ, તું તારો બધો જ સમય તારા મમ્મી પપ્પા માટે પસાર કરજે. બસ મને સમાચાર આપતી રહેજે.”

જવાબમાં અવંતિકા કઈ બોલી શકી નહિ માત્ર રોહનના હાથને વધુ ભાર પૂર્વક દબાવી એના ખભા ઉપર માથું ઢાળી દીધું. રોહન પણ અવંતિકાના માથા ઉપર હાથ ફેરવી એને દિલાસો આપતો રહ્યો.

બરાબર ૭ વાગે અને ૫૦ મીનીટે અહેમદાબાદના સરદાર વલ્લભભાઈ એરપોર્ટ ઉપર પ્લેન લેન્ડ થયું. બેગ કન્વેયર બેલ્ટ ઉપરથી પોતાનો સમાન મેળવી ૮.૧૫ વાગ્યા સુધીમાં એરપોર્ટની બહાર નીકળ્યા, સામે વરુણ પણ એ લોકોની પ્રતિક્ષા કરતો ઊભો જ હતો.

વરુણની કાર સોલા સ્થિત સી.આઈ.એમ.એસ. હોસ્પિટલ તરફ દોડવા લાગી. વરુણ પરિસ્થિતિ જાણતો હોવાથી કારમાં કઈ વધુ વાત ના કરી, પહેલા અવંતિકાને જેમ બને તેમ જલ્દી હોસ્પિટલ પહોચાડવી જરૂરી હતી. હોસ્પીટલના મુખ્ય ગેટ પાસે પહોચી અવંતિકાએ રોહનને કહ્યું :

“રોહન, મારી બેગ તારી પાસે રાખજે, હું જયારે ઘરે જઈશ ત્યારે હું તને કહું ત્યારે મને આપી જજે. અને તારું ધ્યાન રાખજે. બાય.” કહી અવંતિકા ઝડપભેર હોસ્પીટલમાં પ્રવેશી, રીસેપ્શન ઉપર પૂછી સીધી આઈ.સી.યુ. તરફ દોડવા લાગી, સુમિત્રા આઈ.સી.યુ.ની બહાર બેંચ ઉપર પોતાના આંસુ લુછતી બેઠી હતી, સાથે કોઈ નહોતું. અવંતિકાને સામેથી આવતી જોઈ બંને માં દીકરી ભેટી બરાબર રડવા લાગ્યા. અવંતિકા એ રડમસ આવજે પૂછ્યું :

“પપ્પા કેમ છે ? શું થયું હતું એમને ?”

“એમને માઈનોર હાર્ટ એટેક આવ્યો હતો, જલ્દી હોસ્પિટલ આવી ગયા તેથી અત્યારે સારું છે, ડોકટરે કહ્યું છે કે ચિંતા કરવા જેવું કઈ નથી, પણ હવે ધ્યાન રાખજો તેમને તકલીફ થાય એવું ના કરતાં, નહિ તો બીજીવારના એટેકમાં કઈ નક્કી નહી.” નિરાશા અને એક વિનંતી સાથે સાથે સુમિત્રાએ અવંતિકાને કહ્યું.

“મમ્મી, હું પપ્પાને મળવા અંદર જાઉં ? તે એમને કહ્યું હું આવું છું એમ ?” અધીરી બની અવંતિકા બોલી ઉઠી.

“હા, હજુ થોડીવાર પહેલા જ એ થોડા સ્વસ્થ થયા છે અને મેં એમને તારો ફોન આવ્યો હતો એમ જણાવી તારા આવવાના સમાચાર આપ્યા, પણ કઈ બોલ્યા નહિ, બસ એટલું જ કહ્યું કે એ આવે તો મારી પાસે પહેલા મોકલજે.” સુમિત્રા એ નજર ફેરવતા કહ્યું.

અવંતિકા આઈ.સી.યુ.નો દરવાજો ખોલી અંદર પ્રવેશી, તેના પપ્પાના બેડ પાસે પહોચી, અનિલની આંખો બંધ હતી. બેડ પાસે ઉભા રહીને પપ્પાની હાલત જોઈ અવંતિકાની આંખો આંસુઓથી ઉભરાવવા લાગી, એની આંખોનું એક આંસુ અનિલના હાથ ઉપર જઈ પડ્યું અને અનિલની આંખો આંસુ સારનાર વ્યક્તિને જોવા માટે ખુલી.

(વધુ આવતા અંકે.....)

લે. નીરવ પટેલ “શ્યામ”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED