Ghar Chhutyani Veda - 20 books and stories free download online pdf in Gujarati

ઘર છૂટ્યાની વેળા - 20

ભાગ - ૨૦

અવંતિકાના મનમાં ચાલી રહેલી મથામણ અંતે રોહનને વરુણ વિશે પૂછવાની અવંતિકાએ શરૂઆત કરી.

અવંતિકા : "રોહન.. હું તને કઈ પૂછવા માંગુ છું."

રોહન : "પૂછને પગલી... તારા દરેક સવાલના હું જવાબ આપીશ."

અવંતિકા : "વરુણ સાથે તારી મિત્રતા બહુ ઘાઢ થઈ ગઈ છે, તો તમે એકબીજાને બધી જ વાતો શૅર કરતાં હશો ને !"

રોહન : "હા, એ મારો મિત્ર જ નહીં, હવે તો સગા ભાઈ જેવો છે. પણ તું કેમ આજે આમ પૂછે છે ? વરુણ વિશે તને કઈ ખોટું સાંભળવા મળ્યું છે ?"

અવંતિકા : "ના..ના... જેવું તું વિચારે છે એવું કંઈ નથી, પણ મારે વરુણ વિશે કઈ જણાવું છે, જો તું મને કહે તો ...!!!"

રોહન : "હા, શું જાણવા માંગે છે ?"

અવંતિકા : "પણ પહેલા મને પ્રોમિસ આપ આ વાત તું વરુણ સાથે શૅર નહિ કરે, ભલે કઈ પણ થાય."

રોહનની ઉત્સુકતા હવે વધતી જતી હતી એ જાણવા માંગતો હતો કે અવંતિકા એવી કઈ વાત વરુણ વિશે પૂછવા માંગે છે, જે હું વરુણને પણ ના કહી શકું, તેને અવંતિકાના મેસેજ નો તરત જવાબ આપ્યો...

રોહન : "ઓકે પ્રોમિસ, હું વરુણ સાથે આ વાત શૅર નહિ કરું, તું જલ્દી કહે સીધે સીધું, હવે મારી જાણવાની ઉત્સુકતા વધતી જાય છે."

અવંતિકા : "જેમ આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, તેમ શું વરુણ પણ કોઈને પ્રેમ કરે છે ? એના જીવનમાં કોઈ છે ?"

રોહન : "હા, અવંતિકા.. વરુણ પણ એક છોકરીને પ્રેમ કરે છે, અને લગ્ન પણ એની સાથે જ કરવાનો છે."

અવંતિકા : "પણ મેં તો એને ક્યારેય કોઈ છોકરી સાથે હરતાં ફરતા કે ક્યારેય ફોન ઉપર પણ વાત કરતા નથી જોયો !"

રોહન : "એ છોકરી ઇન્ડિયામાં નથી રહેતી, અમેરિકા રહે છે."

અવંતિકા : "ઓ...હ...તો એમ વાત છે, શું નામ છે એનું ?"

રોહન : " રાધિકા. પણ તું આજે કેમ એના વિશે પૂછી રહી છે ?"

અવંતિકા : "રોહન... તારાથી હું કઈ નહિ છુપાવું, મને તારી ઉપર વિશ્વાસ છે, અને વાત જાણી ને તને પણ સમજાશે કે આ વાત વરુણને કરવા જેવી છે જ નહીં. સરસ્વતીને વરુણ માટે ફિલિંગ છે, એ એક તરફી વરુણને પ્રેમ કરી રહી છે. સરસ્વતી બહુ સારી છોકરી છે, જેમ તને વરુણ માટે લાગણી છે એમ મને સરસ્વતી માટે છે, એટલે મેં તને પહેલા જ પૂછી લીધું, સરસ્વતી ખોટા સપના જોઈને આગળ વધે એ પહેલાં જ એને રોકી લેવી સારી. આજે એ મારી સાથે મોડા સુધી રોકાઈ તો મેં એને પૂછ્યું, એટલે મને જાણવા મળ્યું કે સરસ્વતી વરુણને એક તરફી પ્રેમ કરે છે, એના મનમાં વરુણ માટે લાગણી છે."

રોહન અવંતિકાને વચ્ચે રોકવા માંગતો નહોતો.. એની સ્ક્રીન ઉપર જ્યાં સુધી અવંતિકા ટાઈપિંગ બતાવતું રહ્યું અને મેસેજ પૂરો ના થયો ત્યાં સુધી એના મેસેજની રાહ જોઈ રહ્યો અને પછી પોતાનો જવાબ આપ્યો...

રોહન : "શું વાત કરે છે ? જો વરુણના જીવનમાં રાધિકા ના હોત તો હું ચોક્કસ એ બંનેને એક કરી શકતો.. પણ વરુણ રાધિકાને ખૂબ જ પ્રેમ કરે છે, એ એના વગર કઈ વિચારી નહીં શકે એટલે એને વાત કરવી પણ વ્યર્થ છે."

અવંતિકા : "રોહન.. આ વાત મારી તારી અને સરસ્વતી સુધી જ સીમિત રહેવી જોઈએ, વરુણને જો ખબર પડશે તો આપણા ચારની મિત્રતા પહેલાં જેવી રહેશે નહીં."

રોહન : "હા એ વાત પણ સાચી છે, પણ અવંતિકા મને ક્યારેક વરુણની ચિંતા થાય છે."

અવંતિકા : "કેમ ? કેવી ચિંતા ?"

રોહન : "રાધિકા અમેરિકા રહે છે, વરુણ સાથે એની બહુ વાત પણ નથી થતી, ક્યારેક મેસેજ કે ક્યારેક કોલ કરી દે છે. વરુણ તેને ખૂબ જ પ્રેમ કરે છે, અને તેને પોતાના પ્રેમ ઉપર વિશ્વાસ પણ છે, પણ કોણ જાણે કેમ મને રાધિકા ઉપર વિશ્વાસ નથી આવતો, મનમાં એવું થાય છે કે રાધિકા વરુણને છેતરશે તો ?"

અવંતિકા : "એવું કંઈ નહીં થાય, હજુ આપણે રાધિકાને ઓળખતા નથી, કદાચ એ પણ વરુણને એટલો જ પ્રેમ કરતી હોય અને એને ત્યાં સમય ના મળી શકતો હોય એમ પણ બને ને ?"

રોહન : "હા બની શકે એવું, પણ પોતાના પ્રેમ માટે દિવસમાં થોડો સમય ના મળી શકે હું નથી માની શકતો, વરુણ ક્યારેક મને કહે છે કે હું રાધિકાના મેસેજની રાત્રે કલાકો સુધી રાહ જોઉં છું, અને એનો મેસેજ આવતો નથી કે મારા મોકલેલા મેસેજના જવાબ પણ આવતા નથી. છતાં પણ એ એની રાહ જોયા કરે છે."

અવંતિકા : "ઓ..હ... તો વરુણે રાધિકાને કહેવું જોઈએ."

રોહન : "એજ તો એ નથી કહી શકતો, મેં પણ એને કહ્યું ત્યારે મને એને જવાબ આપ્યો કે 'માંડ એને વાત કરવાનો સમય મળે અને એમાં પણ હું આ બધી વાતો ક્યાં કરું ?' શું કરી શકાય હવે આનું ? અને એટલે જ મને ચિંતા થાય છે."

અવંતિકા : "હા, વાત તો તારી સાચી છે. આ ચિંતાનો જ વિષય છે."

રાત્રીના એક વાગ્યો હતો, રોહન અને અવંતિકા રાધિકા અને વરુણના સંબંધો ઉપર ચર્ચા કરી રહ્યાં હતાં, વાત જો ચાલુ જ રાખી હોત તો સવાર થઈ જાય એટલી ચર્ચાઓ હતી પણ રોહન જાણતો હતો કે આજે ગરબાના તાલે ઝૂમી અને અવંતિકા પણ થાકી છે, એટલે એને અવંતિકાને કહ્યું :

"થાક નથી લાગ્યો તને ?"

અવંતિકા : "તારી સાથે વાતો કરવામાં મારો થાક ક્યાં જતો રહ્યો ખબર જ ના રહી ને ! જ્યાં સુધી તું ઓનલાઈન ના આવ્યો ત્યાં સુધી મને કંટાળો આવતો હતો પણ તારા આવી ગયા પછી સમય ક્યાં ગયો એનું પણ ભાન ના રહ્યું."

રોહન : "સારું, ચાલ હવે ડાહી સુઈ જા. કાલે કોલેજ પણ જવાનું છે."

અવંતિકા : "ઓકે ભગત, જેવી તમારી ઈચ્છા."

રોહન : "સારું પગલી... ચાલ સુઈ જા.. ગુડ નાઈટ"

અવંતિકા : "બસ ગુડ નાઈટ ?"

રોહન : "તો સુતા પહેલા ગુડ નાઈટ જ કહેવાનું હોય ને બીજું શું ?"

અવંતિકા : "ખરેખર તારું નામ ભગત રાખીને મેં ખોટું નથી કર્યું.."

રોહન : "અરે હા, હવે આપણે જસ્ટ ફ્રેન્ડ નથી.. સોરી.. આઈ લવ યુ.. ગુડ નાઈટ"

અવંતિકા : "લવ યુ ટુ.."કહી સાથે સ્માઇલનું ઇમોજી મૂકી ગુડનાઈટ રોહનને કહી અને સુઈ ગઈ, પણ તેના મનમાં સરસ્વતીને કેવી રીતે વાત કરવી તેની મૂંઝવણ હતી, સરસ્વતીને વરુણના જીવનમાં કોઈ છે એવી ખબર પડતાં એના દિલ ઉપર શું અસર થશે એ વિચાર અવંતિકાની ઊંઘ ઉડાવી મુકતો હતો.

બીજા દિવસે કોલેજ આવી અને અવંતિકાએ સરસ્વતીને વરુણ વિશે બધી વાત કરી, સરસ્વતી ને થોડીવાર માટે દુઃખ થયું પણ અવંતિકાએ તેને સાચવી લીધી. સાથની સાથે હિંમત પણ આપી. સરસ્વતીએ માની લીધું કે વરુણ તેના માટે નહોતો સર્જાયો. પણ વરુણની મિત્રતા તે ખોવા નહોતી માંગતી.

અવંતિકા અને રોહન હવે એકબીજા માટે સમય કાઢતાં હતાં, રોજ કોલેજમાં બેસી બંને વાતો કરતાં, વરુણ અને સરસ્વતી પણ તેમને એકલામાં સમય મળે એવું આયોજન કરી આપતાં, ક્યારેક કોઈ સારી રેસ્ટોરન્ટમાં કે કોફી શોપમાં બધા સાથે જઈ હળવાશની પળો પણ માણતા હતાં.

એક દિવસ કોલેજમાં આવી વરુણ થોડો અપસેટ દેખાઈ રહ્યો હતો. રોહન સમજી ગયો નક્કી કોઈ વાત જરૂર છે. તેને વરુણને તરત પૂછી લીધું :

"કેમ ભાઈ આજે ઉદાસ લાગે છે ?"

વરુણ : "ના રે હું ક્યાં ઉદાસ છું ?"

રોહન : "જુઠ્ઠું ના બોલ, તારી આંખોમાં ચોખ્ખું દેખાય છે, રાત્રે તું સુઈ નથી ગયો અને તારા કપાળ ઉપર ચિંતાની લકીરો ખેંચાયેલી છે."

વરુણ : અરે કઈ નહિ યાર, એક ફિલ્મ જોવામાં મશગુલ થઇ ગયો હતો એટલે નીંદ ના આવી શકી. તેના કારણે એવું લાગે છે."

રોહન : "જો વરુણ, હું તને માત્ર એક દોસ્ત જ નહિ મારો ભાઈ પણ માનું છું, ભલે આપણા શરીરમાં એક પિતાનું લોહી નથી દોડી રહ્યું પણ હું તારી ભાવનાને સમજુ છું, તારા ચહેરાને વાંચી શકું છું. માટે મારાથી કઈ ના છૂપાવ અને કહી દે શું થયું ?"

વરુણનનો ચહેરો થોડો ફિક્કો પડી ગયો, રોહનને કેવી રીતે પોતાના દિલમાં રહેલી વાત કરવી તે સમજાઈ રહ્યું નહોતું, પણ તે કોઈકને પોતાના મનની વાત કહી અને હળવો થવા માંગતો હતો.

વરુણ : "કાલે રાત્રે હું રાધિકાના મેસેજ ની રાહ જોઈ રહ્યો હતો, એની જ ચેટીંગ ઉપર મોડા સુધી એક મેસેજ કર્યા વગર પણ એની રાહ જોઈ, અને ત્યારે મેં અને ઘણીવાર સુધી ઓનલાઈન જોઈ, પહેલા જયારે ઓનલાઈન જોઈ ત્યારે મને લાગ્યું કે હું એને મેસેજ કરી અને વાત કરું, પણ મને તારી વાત યાદ આવી, તેજ મને કહ્યું હતું કે 'તું રાધિકાને ખુબ જ પ્રેમ કરે છે, પણ શું એ પણ તને પ્રેમ કરે છે ?' અને આજ વાત જાણવા માટે મેં એને મેસેજ ના કર્યો, થોડીવાર સુધી મેં રાહ જોઈ, પણ એનો કોઈ જવાબ ના આવ્યો, સતત ચાર કલાક સુધી હું એની ચેટ ઉપર ઓનલાઈન રહ્યો અને મેં એને ત્યાં સુધી ઓનલાઈન જોઈ, મને ત્યારે થોડો ગુસ્સો પણ આવ્યો અને કહી દેવાનું મન થયું કે 'તને બીજા માટે સમય મળે છે ? પણ મારા માટે નહિ ?' પરંતુ મેં થોડી ધીરજ રાખી અને મેસેજ ના કર્યો, પણ હું ક્યાં સુધી ધીરજ રાખીને બેસી રહું, અને મેં છેલ્લે એક મેસેજ કરી જ દીધો, પણ એ મેસેજ નોર્મલ હતો, બસ મેં એને જાણી જોઇને 'કેમ છે ?' એમ જ પૂછ્યું અને જેવો મેં મેસેજ કર્યો એ જોયા વગર સીધી ઓફલાઈન થઇ ગઈ, ત્યાર બાદ પણ મેં એક કલાક સુધી એના મેસેજની રાહ જોઈ પણ કોઈ જવાબ આવ્યો નહિ, ના એ ઓનલાઈન આવી. એના વિચારો માં હું સુઈ જ ના શક્યો."

રોહન પણ વરુણની વાત સાંભળી તેને શું જવાબ આપવો તે સમજી ના શક્યો , પણ નિરાશ થયેલા મિત્રને એમ મઝધારે મૂકી દેવા માંગતો નહોતો, એટલે તેને વરુણના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું :

રોહન : "જો વરુણ મને તે દિવસે તારી ચિંતા થતી હતી, હું તારા જીવનમાં આવો કોઈ સમય આવે એવી ઈચ્છા નહોતો રાખતો, હું સમજુ છું કે તારો પ્રેમ સાચો છે, તને રાધિકા માટે લાગણી છે, પણ એના મનમાં પણ તારા માટે શું છે એ જાણવું જરૂરી બને છે, એ તારી સાથે હતી ત્યારે એને તારા સિવાય કંઇજ દેખાતું નહોતું, પણ હવે એ તારાથી ઘણી દૂર છે, વળી તમારા બંનેની હવે વાત પણ ઓછી થાય છે એટલે જ મને તારા માટે ચિંતા હતી."

વરુણ : "હા દોસ્ત, મને હવે સમજાય છે મારી ભૂલો, પણ મને રાધિકા ઉપર વિશ્વાસ હતો કે એ ક્યારેય નહિ બદલાય પણ હદ તો ત્યારે થઇ ગઈ જયારે હું કોલેજ આવવા નીકળતો હતો ત્યારે એનો એક મેસેજ આવ્યો, 'સોરી વરુણ, હું સ્ટડીમાં બીઝી હતી એટલે તને મેસેજ ના કરી શકી, અમેરિકામાં ભણવાનું એટલું હાર્ડ છે કે સમય જ નથી મળતો મોબાઈલ પણ હાથમાં લેવાનો.' હું તેના એ મેસેજ નો ઓકે સિવાય કઈ જવાબ પણ ના આપી શક્યો, મને ચોખ્ખું દેખાઈ રહ્યું હતું કે એ મને છેતરી રહી છે. પણ હું શું કરી શકવાનો હતો ? કારણ કે હું એને પ્રેમ કરું છું !!!!"

એટલું બોલતા વેત વરુણની આંખો ભરાઈ આવી. રોહન પણ તેને સતત હિંમત આપી રહ્યો હતો, પણ વરુણનું મન હજુ માનવા માટે તૈયાર નહોતું કે રાધિકા તેની સાથે આવું કરી શકે છે માટે તે એક બીજા નિર્ણય ઉપર આવ્યો અને રોહનને કહ્યું :

"રોહન, હું અમેરિકા જવા માંગું છું, અને મારી આંખે એને જોવા માંગું છું કે એ કેટલી બદલાઈ ગઈ છે !"

રોહન : "તું પાગલ તો નથી થઇ ગયો ને ? આટલી વાત માટે તું છેક અમેરિકા જવા માંગે છે ?"

વરુણ : "ભલે રોહન તને આ નાની વાત લગતી, પણ મારા માટે તો આ મારા જીવનને લગતી બાબત છે, અને હું જાણવા માગું છું કે સચ્ચાઈ શું છે ? હું જ્યાં સુધી હકીકત જાણી નહિ લઉં મને ચેન નહિ વળે."

રોહનને સમજાઈ ગયું હતું કે વરુણ રાધિકાને કેટલો પ્રેમ કરે છે, અને એના આવા પ્રેમના બદલામાં રાધિકા તેને છેતરી રહી હતી, પણ એ સમજી શકતો ના હોવાના કારણે તે કંઈપણ કરશે. અને એટલા માટે જ તેને વરુણને અમેરિકા જતાં રોકાવાનું વિચાર્યું નહિ.

વરુણે પણ અમેરિકા જવાની જીદ પકડી હતી અને એ કોઈપણ રીતે હકીકત જાણવા માંગતો હતો, પણ અહિયાં રહી અને તેને કઈ ખબર પડવાની નહોતી માટે અમેરિકા જવું જ જરૂરી હતું, તે દિવસે વરુણે કોલેજ માં કોઈ લેકચર ભર્યા નહિ ને ગેટથી જ પાછો જવા રવાના થયો, જતાં જતાં પણ તેના કોઈ ટ્રાવેલ એજન્ટ સાથે અમેરિકા જવા વિષેની ચર્ચા કરી રહ્યો હતો.

રોહન પણ વરુણ માટે હવે ચિંતા કરતો હતો, ભણવામાં તેનું પણ મન લાગ્યું નહિ, એટલે બીજા લેક્ચરમાં તે બહાર નીકળી ગયો, અવંતિકાને પણ રોહનને એકલો જોઇને લાગ્યું કે રોહન કોઈ ચિંતામાં છે, અને આજે વરુણ પણ નથી એટલે તે પણ સરસ્વતીને નોટ્સ બરાબર લખવાનું કહી અને બહાર નીકળી, રોહને અને અવંતિકા મેદાનમાં બેઠા, રોહને વરુણ સાથે થયેલી બધી જ ઘટનાઓની વાત કરી, અવંતિકાને પણ રાધિકા ઉપર ગુસ્સો આવ્યો પણ શું કરી શકવાના હતાં, વરુણ અમેરિકા જાય અને જયારે પાછો આવે ત્યારે જ હવે તો હકીકત ખબર પડવાની હતી. કોલેજથી નીકળી અવંતિકા અને સરસ્વતી અવંતિકાના ઘરે ગયા, અવંતિકા એ સરસ્વતીને પણ વરુણની વાત કહી, તેને પણ વરુણ માટે ચિંતા થવા લાગી, અને સરસ્વતી અવંતિકા સામે તેના રૂમમાં રડવા લાગી. પણ અવંતિકાએ તેને સમજાવી અને વરુણ તરફની એક આશા બતાવી.

વરુણ થોડા દિવસ કોલેજ આવ્યો નહિ, પણ રોહન સતત તેના સંપર્કમાં હતો, ક્યારેક સાંજના સમયે બંને મળી પણ લેતા, વરુણે અમેરિકા જવાનું બધું આયોજન લગભગ પૂરું કરી લીધું હતું, એક મહિનાના ટ્રાવેલ વિઝા લઇ અને એમેરિકા જવાનો હતો, પોતાના પપ્પાના બીઝનેસ અને બેલેન્સના કારણે કોઈ અટકળ વિઝામાં આવી નહોતી. બસ તારીખ આવવાની બાકી હતી. અને એક દિવસ રોહન સાથે કોલમાં વાત કરતાં તારીખ વિષે પણ જાણવા મળી ગયું. એક જ મહિનામાં વરુણ માટે અમેરિકા જવાનું આયોજન થઇ ગયું.

અમેરિકા જવાના અગલા દિવસે રાત્રે જ વરુણ રોહનને તેના ઘરેથી પોતાન ઘરે લઇ આવ્યો હતો. આખી રાત બંને એ વરુણના રૂમમાં બેસી વાતો કરી. બીજા દિવસે રોહન તેને એરપોર્ટ મુકવા માટે પણ ગયો. ત્યાં બંને મિત્રો ભેટી પડ્યા અને રોહને કહ્યું "જલ્દી પાછો આવજે, અને ત્યાં તને લાગે કે રાધિકા ખરેખર બદલાઈ ગઈ છે, તો પળવારનો પણ વિચાર કર્યા વગર એને કહી દેજે કે 'મારે પણ તારી જરૂર હવે

નથી' અને સીધો અહિયાં આવી જજે, હું ઈચ્છીશ કે મારો પહેલા જેવો નિખાલસ દોસ્ત મને પાછો મળી જાય."

વરુણ :"હા દોસ્ત, હું જલ્દી પાછો આવીશ બસ. મારે હવે ફક્ત જાણવું છે કે રાધિકાના મનમાં શું છે, અને જાણ્યા બાદ હું તરત તારી પાસે પાછો આવીશ, હવે મને રાધિકા કરતાં પણ તારી જરૂર વધારે છે."

ફ્લાઈટનું નામ એનાઉન્સ થયું, વરુણ પોતાનો સમાન લઇ અને આગળ વધ્યો. રોહન તેને જતાં જોઈ રહ્યો હતો. વરુણના ગયા બાદ પણ થોડીવાર સુધી રોહન એરપોર્ટ ઉપર જ એ આશાએ ઉભો રહ્યો કે કાશ વરુણ પાછો આવી જાય, પણ વરુણે મનમાં નક્કી કરી જ લીધું હતું જવાનું તો એને કોણ રોકી શકવાનું હતું."

(વધુ આવતા અંકે....)

નીરવ પટેલ "શ્યામ"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED