Bandhan vagar no prem - 2 books and stories free download online pdf in Gujarati

બંધન વગર નો પ્રેમ - 2

બંધન વગર નો પ્રેમ

ભાગ-2

ફ્લાઈટમાં એનાઉન્સમેન્ટ થઇ ગયું હોવાથી રવિ નીચે ઉતરવાની તૈયારી કરી ચુક્યો હતો. તે અને ખુશી જ્યારે પહેલી વખત મળ્યા ત્યારની બધી યાદો તાજી થઈ રહી હતી.

નવ દિવસની નવરાત્રી, ખેલૈયાઓથી ભરપૂર બધા મેદાનો, રસ્તાઓ અને બધા પાર્ટીપ્લોટ, સોળે શણગાર સજેલા નવયુવાનો. અમદાવાદની તે નવરાત્રીમાં રવિ તેના ઘરની બાજુમાં આવેલા પાર્ટીપ્લોટમાં નવરાત્રીનું આયોજન જોવા માટે ગયેલો. રવિને ગરબાનો શોખ ખરો પણ અતિશયોક્તિ કહી શકાય એટલો બધો નહીં. પાર્ટીપ્લોટના આયોજકો રવિના મિત્રો હતા એટલે રવિ સ્ટેજ પાસે જઈને બધા આયોજકમિત્રો ને મળ્યો અને પછી ત્યાં નીચે ખુરશી હતી ત્યાં બેસી ગયો. નવરાત્રી ની પહેલી રાત હતી અને ડી. જે ની સાઉન્ડ સિસ્ટમ પણ એટલી જબરદસ્ત હતી કે જે લોકો ફક્ત જોવા આવ્યા હોય એ લોકો પણ ખેલૈયાઓની સાથે રાસ રમતા થઈ જાય. ધીમે ધીમે રાસ ગરબાનો આનંદ વધતો જતો હતો. નાના, મોટા, બાળકો સહિત સૌ ગરબા માટેનો ખાસ અલાયદો રંગ બેરંગી પહેરવેશ ધારણ કરીને સંગીતના તાલમાં ઉત્સાહ અને ઉમંગથી ગરબે રમી રહ્યા હતા.

અચાનક રવિની નજર ખુશી ઉપર પડી. જો કે રવિ ત્યારે ખુશી ને ઓળખતો પણ ના હતો અને નામ પણ ખબર ના હતી ફક્ત એક રૂપસુંદરી જુદા જુદા તાલ સાથે અલગ અલગ સ્ટેપના ગરબા રમતી જોઈને મંત્રમુગ્ધ બની ગયો. રવિ ખુશી ના આ સરસ મજાના ગરબા ક્યારનો નિહાળી રહ્યો હતો. અને રવિનું ધ્યાન બીજી કોઈ પણ જગ્યાએ ના હતું તેનું ધ્યાન ફક્ત ખુશીના ગરબામાં જ હતું. અને રવિને માટે ખુશીના ગરબા જોવા એક લ્હાવો બની ગયો હતો. ખુશી ઉત્સાહ અને ઉમંગનો જાણે મહાસાગર ઉમટતો હોય એવું લાગી રહ્યું હતું. રવિ એક જ નજરથી આ નિહાળી રહ્યો હતો. અને જોત જોતામાં પેહલા દિવસ ની નવરાત્રીની રાત્રી નો સમય પૂરો થઈ ગયો. રવિને ઘરે જઈને ઘણા સમય સુધી ઊંઘ ન આવી. ખુશીના વિચારોમાં ઘણે મોડે સુધી જાગતો રહ્યો. બીજે દિવસે તો બધા ની પહેલા પાર્ટીપ્લોટમાં પોહચી ગયો અને જતા વેંત તેની નજર ખુશી ને શોધતી હતી. ધીમે ધીમે ગરબા ચાલુ થયા અને લોકો પોટ પોતાના ગ્રુપમાં રાસગરબા રમવા લાગ્યા પરંતુ રવિને તો ફક્ત ખુશીની તલાશ હતી. થોડી વારમાં ખુશી પોતાની આગવી શૈલીમાં સ્ટેપ ગરબા રમતી રવિને નજરે ચડી. બસ પછી શું ? રવિ તે રાત્રી નો સમય પૂરો થયો ત્યાં સુધી બસ ખુશીને જ નિહાળતો રહ્યો.

બસ આવીને આવીને રીતે નવરાત્રીના છ દિવસ ચાલ્યા ગયા. હવે રવિને એક દિવસ વિચાર આવ્યો કે ખુશી વિશે જાણવું જરૂરી છે તેની સાથે વાત તો કરવી જ પડશે નહિતર આવી સુંદર રૂપસુંદરી નાસીબમાંથી ચાલી જશે. સાતમા દિવસની નવરાત્રી ની રાત હતી. રવિએ નક્કી કર્યું હતું કે ગમે તેમ કરીને ખુશી સાથે વાત તો કરવી જ છે, ખુશી પ્રત્યેનો પ્રેમ કે ખુશી પ્રત્યેની લાગણી તેની સમક્ષ મુકવી છે. આ દિવસે રવિને પણ પોતાની જાતને ગરબે રમાડવી હતી. તે ખુશીને જોઈ ગયો એટલે એમની બાજુમાં જ રવિએ પણ ગરબા રમવાનું ચાલુ કરી દીધું. રવિએ ગભરાતા અવાજે નામ તો તરત પૂછી લીધું. પછી ધીમે ધીમે થોડા પરિચયની આપ-લે થઈ ને રાતના અંત સુધીમાં તો કોન્ટેક્ટ ની પણ આપ-લે થઈ ગઈ. રવિને ખરેખર ખુશી ગમી ગઈ હતી. તે રાત્રીએ રવિને ખુશી સાથે ગરબા રમવાનો આનંદ ક્યાંય સમાતો ના હતો. જોત જોતામાં છેલ્લા બે દિવસમાં રવિ અને ખુશી ઘણા બધા એક બીજાની નજીક આવી ગયા. અંતે રવિએ છેલ્લે દિવસે પોતાના પ્રેમનો ઇઝહાર કરી જ દીધો. ખુશીને પણ ઇઝહાર સ્વીકાર્ય હતો પરંતુ ખુશી ઇચ્છતી હતી કે જે પણ કંઈ થાય એ બંને પરિવારની સંમતીથી થાય.

ખુશી અમદાવાદ તો ખાસ ગરબા રમવા અને નવરાત્રીનો આનંદ લેવા મુંબઈથી પોતાના માસીના ઘરે આવેલી હતી. ખુશીએ તેમના અને રવિની વચ્ચે થયેલી બધી વાત તેમની માસીની છોકરીને જણાવી અને પછીના દિવસે ખુશી અને તેની માસીની દીકરી બંનેએ રવિને મળવાનું નક્કી કર્યું. ખુશીએ રવિને ફોન કરીને જણાવ્યું કે આપણે મળીએ. ત્રણેય લોકો બીજે દિવસે મળ્યા. ખુશીએ રવિને વાત કરી કે તે બંને પોતાના પરિવારને જણાવે અને બંને પરિવારની સંમતી હશે તો આગળના સમયમાં એકબીજા સાથે જીવન જીવવાની મજા આવશે. આમ બંને એ પોત પોતાના પરિવારને જાણ કરવાનું નક્કી કર્યું અને છુટા પડ્યા. રવિએ અને ખુશીએ બંને એ પોત પોતાના પરિવાર ને જાણ કરી અને બંને ના પરિવારજનો એ મુંબઇ ખુશીના ઘરે મળવાની ગોઠવણી કરી. રવિ અને ખુશી બંને સંતોષ અનુભવી રહ્યા હતા. થોડા જ દિવસોમાં બંને ના પરિવારજનો મળ્યા અને બંને ને પરિવારજનો તરફથી સંમતી મળી ગઈ. રવિ અને ખુશી ની 'ખુશી'નો કોઈ પાર ના રહ્યો. રવિના પપ્પા એ કહ્યું કે, 'બસ હવે કોઈ સારું મુહૂર્ત નક્કી કરીને રવિ અને ખુશીની સગાઈ કરી નાખીએ' ખુશીના ઘરના પણ રવિના પપ્પાની વાત સાથે સહમત હતા.

રવિની અને ખુશીની રોજ વ્હોટ્સએપ ચેટિંગ તથા ફોન કોલ્સ વગેરે માધ્યમ દ્વારા વાત થતી રહેતી. રવિના પપ્પાએ સારું મુહૂર્ત નક્કી કરીને ખુશીના ઘરે જણાવ્યું અને ખુશીના ઘરેથી પણ સ્વીકારવામાં આવ્યું અને બસ થોડા જ દિવસોમાં બંને ની સગાઈ નક્કી થઈ. બંનેના ઘરે તૈયારી ચાલુ થઈ ગઈ હતી. રવિએ તેની અને ખુશી માટે ખરીદી કરી લીધી હતી. એક સુંદર ઘડિયાળ ખુશીને ગિફ્ટ આપવા માટે મસ્ત પેકીંગ પણ કરાવી લીધું હતું. રવિનો એક સોની મિત્ર હતો તેમની પાસેથી સુંદર ડિઝાઇનની સગાઈની વીંટી પણ તૈયાર કરાવી લીધી હતી.

અચાનક આવા સુંદર વિચારોમાંથી ફરી એક વખત એનાઉન્સમેન્ટ થયું કે ફ્લાઇટ મુંબઇ એરપોર્ટ ઉપર લેન્ડ થઈ ચૂકી છે. રવિ ફરી વાસ્તવિક્તામાં આવી પોહચ્યો અને પોતાનો સમાન તથા બેગ લઈને નીચે ઉતર્યો. બહાર નીકળીને જોયું તો ખુશીની નાની બહેન હસ્તી અને તેનો પતિ રવિની રાહ જોઈ રહ્યા હતા. રવિએ હાથ ઊંચો કર્યો અને તે તરફ આગળ વધ્યો.

કેમ છો રવિ ? હસ્તી અને તેમના પતિ બંને એ પૂછ્યું. એકદમ મજામાં, રવિએ હલકા સ્મિત સાથે જવાબ આપ્યો. અને તરત પૂછી લીધું કે ખુશીની તબિયત કેમ છે ?

હસ્તીએ જવાબ આપ્યો કે, કાલ કરતા સારી છે. ફ્લાઈટને મોડું થયું હોય એવું લાગે છે.

હા, વરસાદી વાતાવરણ ને લીધે, રવિએ કીધું.

વાતો કરતા કરતા રવિ, હસ્તી અને તેનો પતિ ત્રણેય ટેક્સીમાં બેઠા અને રવિએ સીધુ હોસ્પિટલ જવા માટે કહ્યું એટલે ટેક્સીથી સીધા હોસ્પિટલ જ જતા રહ્યા. ટેક્સીએ હોસ્પિટલ બહાર ઉતાર્યા.

હોસ્પિટલ ની અંદર બીજા માળે ખુશીને એડમિટ કરેલી હતી. બીજા માળે જવા લિફ્ટ લીધી પરંતુ જેમ જેમ રવિ ખુશીની નજીક પોહચી રહ્યો હતો તેમ તેમ તેનો ડર વધતો જતો હતો. ત્રણેય લોકો બીજા માળે પોહચ્યા. રવિનો સાળો વિમલ મળ્યો, રવિએ પૂછી લીધું કેમ છે ખુશીને ???

'ડોકટરે કીધું છે ખુશી પૂરેપૂરી ખતરામાંથી બહાર તો નથી, તેમના મગજમાં લોહી જામ થઈ ગયું છે અને મોં નું ઓપરેશન કદાચ કાલે કરશે' વિમલે જણાવ્યું.

એટલામાં એક માઇકમાંથી સૂચના સાંભળાણી કે દરરોજ સાંજે 5. 30 થી 6. 30 પેશન્ટ ના પરિવારજનો ને મળવા દેવામાં આવશે. રવિ ધ્રુજી ઉઠ્યો. પાછળ ફરીને જોયું તો તે અવાજ આઈ. સી. યુ. માંથી આવ્યો હતો. રવિ પોતાના જીવનમાં પ્રથમ વખત આઇ. સી. યુ. રૂમ પાસે ઉભો હતો.

વધુ આવતા અંકમાં. . . .

મિત્રો, આપના સૂચન આવકાર્ય છે અને આપના પ્રતિભાવ મને +91-7878571515 પર વ્હોટ્સએપ દ્વારા મોકલી શકો છો. ધન્યવાદ

_અભય પંડ્યા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED