Hakaratmakta Vitamin-H books and stories free download online pdf in Gujarati

હકારાત્મકતા વિટામિન-એચ

હકારાત્મકતા વિટામિન-એચ

“એક દિવસમાં રોજની 1440 મિનિટ્સ હોય છે, એનો અર્થ કે આપણી પાસે સકારાત્મક કાર્યો અને વિચારો કરવા માટે 1440 દૈનિક તકો છે” - લેસ બ્રોન

જીવનમાં કોઈ પણ બનાવ બને તો હતાશ કે નાસીપાસ થશો નહી.જે મનુષ્ય જિંદગીની પરીક્ષામાં નાસીપાસ કે હતાશ થાય છે તે જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતો નથી. જિંદગીમાં કોઈ પણ તબક્કે કોઈ પણ બનાવ બને તો તે બનાવને હકારાત્મક પાસાથી જ વિચારો. આપણી ગુજરાતી ભાષામાં એક સુવિચાર છે, "આશા અમર છે" આ સુવિચાર ને સાર્થક કરો. કોઈ પણ વસ્તુને અથવા વિચારોને હકારાત્મક અભિગમથી જ જોવાનો પ્રયત્ન કરીએ. દુનિયામાં એવા ઘણા લોકો છે જે માત્ર હકારાત્મક અભિગમ કે હકારાત્મક વિચારોથી જ સફળતા પામ્યા છે. ઉપરના સુવિચારની જેમ બીજી પણ એક પંક્તિ છે, "હમ હોંગે કામયાબ.." આ પંક્તિ આપણે પ્રાથમિક શાળામાં ભણી ગયા છીએ. આ પંક્તિ આપણને ઘણું બધું કહી જાય છે. આવા વિચારોને જ સતત મનમાં મનન કરીને હંમેશા સકારાત્મક વિચારો જ કરીશ એવું વિચારો જેથી તમે જીવનમાં ગમે તેવા બનાવો, ગમે તેવા પડાવોનો અવશ્ય સામનો કરી શકશો અને જીવનમાં બધી જગ્યાએ હકારાત્મક પાસાઓથી લડવાની હિંમત કેળવી શકશો.

જિંદગીમાં દરેક વિષય વસ્તુને હકારાત્મક વિચારોથી લેવામાં આવે તો ક્યારેય નિષ્ફળતા નથી મળતી, પરંતુ આપણે અહીંયા એક અલગ નજરથી જ જોવાની બધાને ટેવ પડી ગઈ છે. નકરાત્મક્તા, નકરાત્મક્તા ને બસ નકારાત્મકતા. એક વાત મને હંમેશા યાદ રહે છે કે પાણીનો એક પ્યાલો જો અડધો ભરેલો હોય તો દુનિયામાં હકારાત્મક વિચારોવાળા વ્યક્તિઓ કહેશે કે અડધો ભરેલો છે અને નકારાત્મક વિચારોવાળા લોકો કહેશે કે અડધો ખાલી છે પરંતુ એ લોકો એ નથી જોતા કે જેટલો ભરેલો છે એટલો પણ ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવી શકે તેમ છે.

એક અંગ્રેજી ભાષાની "બ્લેક ડોટ" નામની એક ટૂંકી વાર્તા છે, આ ટૂંકી વાર્તા ખુબ જ સરસ રીતે હકારાત્મક અને નકારાત્મક વિચારો રજુ કરે છે.

એક દિવસ એક પ્રોફેસરે વર્ગખંડમાં પ્રવેશ કર્યો અને પોતાના વિદ્યાર્થીઓને આશ્ચર્યજનક રીતે એક નાનકડી પરીક્ષા માટે તૈયારી કરવાનું કહ્યું. વિદ્યાર્થીઓ આ આશ્ચર્યજનક પરીક્ષા માટે પોતાની બેન્ચ કાગડોળે રાહ જોઈ રહ્યા હતા.પ્રોફેસરે બધા ને એક એક કાગળ આપ્યો અને લખાણ સાહરુ કરવાનું કહ્યું. બધા વિદ્યાર્થીઓ આશ્ચર્યમાં હતા કેમ કે પ્રોફેસરે આપેલા કાગળમાં કોઈ પણ પ્રકારનો એક પણ પ્રશ્ન હતો નહીં.પરંતુ બરાબર કાગળની વચ્ચે એક કાળા કલરનું ટપકું હતું.

પ્રોફેસર વિદ્યાર્થીઓની બેચેની ઓળખી ગયા અને ફરી કહ્યું કે હું ઈચ્છું છું કે તમને ત્યાં જે દેખાય અને તે જોયા પછી જે પણ મનમાં વિચારો આવે તે લખો. પરેશાન વિદ્યાર્થીઓએ તેમને જે કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે લખવાનું શરુ કર્યું. અંતમાં પ્રોફેસરે બધાનું લખાણ પોતાની પાસે લઇ લીધું અને બધા વિદ્યાર્થીઓનું લખાણ બધાની સમક્ષ જ વાંચવા લાગ્યા. એમાંથી ઘણા વિદ્યાર્થીઓ કાળા ટપકાને વર્ણવે છે તો ઘણા કાગળની વચ્ચેની જગ્યાને અલગ અલગ રીતે વર્ણન કરે છે. બધા ના પેપર વંચાય ગયા બાદ પ્રોફેસરે સમજાવ્યું, "હું આ પરીક્ષામાં કોઈને પણ એક પણ પ્રકારના માર્ક નથી આપવાનો પરંતુ મેં તો ખાલી આ પેપર તમારા વિચારોને જાણવા માટે આપ્યા હતા. બધાએ કાળા ટપકાને ધ્યાનમાં રાખીને લખ્યું છે પરંતુ કોઈએ તેમની ચારે બાજુ રહેલા સફેદ હિસ્સા વિશે કઈ નથી લખ્યું. બધા જ કાળા ટપકા ઉપર કેન્દ્રિત છે અને આવું જ આપણા જીવનમાં પણ થાય છે.આપણી પાસે આનંદ લેવા માટે આટલો મોટો સફેદ પત્ર છે પરંતુ આપણે ત્યાં રહેલું કાળા ટપકાના વિચારમાં વ્યસ્ત છીએ.”

જીવન એક ખાસ ભેટ છે અને હંમેશા ખુશીઓના કારણો હશે જ પરંતુ તે આપણા ઉપર આધાર રાખે છે કે આપણે કઈ વસ્તુને અગ્રતા આપીએ છીએ અથવા કે આપણે ક્યાં વિચારોથી જે તે સમયને વિચારીયે છીએ.આપણે એ જ સમજાવું જરૂરી છે આપણા જીવનમાં કાળા ટપકા ખુબ જ ઓછા છે અને થોડી જગ્યાએ જ છે છતાં પણ આપણે એ જ થોડા એવા કાળા ટપકાને આપણા મગજ તથા વિચારોને ખરાબ કરવાની અનુમતિ આપીએ છીએ. ઉપરની નાનકડી વાર્તા જીવનમાં રહેલી નકરાત્મક્તાને સુંદર રીતે વર્ણવે છે. આપણે જીવનમાંથી આ નકારાત્મકતાને દૂર કરવી જોઈએ. આ માટે આપણી આંખોને કાળા ટપકાથી દૂર લઇ જઈએ અને જીવનના પ્રત્યેક ક્ષણનો હકારાત્મક વિચારોથી આનંદ લઈએ.

જીવનમાં એક વાત મનમાં ઠસાવી દ્યો કે ભલે ગમે તે જગ્યાએ નિષ્ફળતા મળે પરંતુ હું હાર નહીં માનું, હતાશ નહીં થાઉં. હું આજે નહિ તો કાલે જરૂર સફળ થઈશ. એક દ્રષ્ટાંત છે કે એક કીડી દીવાલ ઉપર ચડવાની કોશિશ કરે છે. પવન આવે તો તરત નીચે પડે છે પરંતુ ફરી કોશિશ કરે અને ફરી પડે પરંતુ લાખ કોશિશથી પણ તે હાર નથી માનતી. આવી જ રીતે આપણે પણ જીવનમાં એક બે કોશિશ નિષ્ફળ જાય તો હાર નહિ માની લેવાની પરંતુ તે નિષ્ફળતાને હકારાત્મક વિચારોથી જો વિશ્લેષણ કરીશું તો તેમાંથી જ સફળતાનો રસ્તો મળી રહેશે. પેલા કરોળિયાનું પણ કીડી જેવું જ છે ને, જે પોતાનું જાળું બાંધતી વખતે 100 વાર પડે છે, કોઈ જાળું તોડી નાખે છે પરંતુ અંતે તે જાળું બાંધીને જ ઝંપે છે. કોઈ પણ જગ્યાએ માત્ર એક જ વિકલ્પ નથી હોતા. જીવનમાં જયારે બધી બાજુએથી અંધારું નજરે આવે, ક્યાંય થી મદદ મળી રહે તેમ ના હોય, જિંદગીના તમે દરવાજા બંધ થઇ ગયા હોય ત્યારે બીજા વિકલ્પો વિષે વિચારવાનું ચાલુ કરી દ્યો. જીવનની કોઈ પણ તક અંતિમ નથી હોતી માટે ક્યારેય નકારાત્મક વિચારો સાથે આગળ વધવાનો વિચાર સુદ્ધા ના કરવો.

એક ઋષિ અને તેમના બે શિષ્યો રહેતા હતા તેમાંથી એક શિષ્ય હકારાત્મક વિચારો વાળો હતો અને તે હંમેશા બીજાની ભલાઈ કરવાનું જ વિચારતો અને બીજો ખુબ નકારાત્મક વિચારો વાળો અને ક્રોધી સ્વભાવ વાળો હતો.એક દિવસ ઋષિને પોતાના બંને શિષ્યોની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો અને તે માટે બન્ને ને જંગલમાં લઇ ગયા.

જંગલમાં એક આંબાનું વૃક્ષ હતું, જેના પર ઘણી બધી કેરીઓ લટકતી હતી.ઋષિએ વૃક્ષ તરફ જોયું અને શિષ્યોને કહ્યું કે વૃક્ષ ને ધ્યાનથી જુઓ. શિષ્યોએ ઘણી વાર સુધી જોયે રાખ્યું, પછી ગુરુજીએ પહેલા શિષ્યને પૂછ્યું તમને શું દેખાય રહ્યું છે.? શિષ્યે જવાબ આપ્યો કે વૃક્ષ ખુબ વિનમ્ર છે, લોકો એમને પથ્થર મારે છે છતાં કઈ પણ બોલ્યા વિના હસતા મોઢે ફળ આપ્યા કરે છે. આવી જ રીતે માણસે પણ હોવું જોઈએ, ગમે તેટલી મુશ્કેલીઓ હોય વિનમ્રતા અને ત્યાગની ભાવના છોડવી ના જોઈએ. પછી બીજા શિષ્યને પૂછ્યું તમને શું દેખાઈ રહ્યું છે? બીજા શિષ્યએ ગુસ્સે થઈને જવાબ આપ્યો કે આ વૃક્ષ ખુબ જ મૂર્ખ છે, પથ્થર માર્યા વગર તે ફળ જ નથી આપતું, ફળ માટે પથ્થર મારવો જ પડે છે. આવી જ રીતે માણસે પણ પોતાના મતલબની ચીજ વસ્તુઓ બીજા પાસેથી છીનવી લેવી જોઈએ.

ગુરુજી હસતા મોંએ એક ઉદાહરણ આપ્યું કે ગુલાબના ફૂલને ચારે બાજુએથી ઘેરાયેલા જોઈને નકારાત્મક વિચારોવાળા વ્યક્તિઓ એમ વિચારશે કે આ ફુલની આટલી સુંદરતાનો શું ફાયદો આટલું સુંદર હોવા છતાં પણ તે કાંટાથી ઘેરાયેલું છે. જયારે સકારાત્મક વિચારોવાળા વ્યક્તિઓ એમ વિચારશે કે વાહ, પ્રકૃતિનું કેવું સુંદર કાર્ય છે કે આટલા બધા કાંટાઓની વચ્ચે પણ આટલું સુંદર ફૂલ ખીલાવી દીધું. વાત એક જ છે પરંતુ વિચારોનો ફરક છે. ગુરુજીએ પહેલા શિષ્યને શાબાશી આપી અને બીજા શિષ્યને પહેલા શિષ્ય પાસેથી શીખ મેળવવા કહ્યું.

હકારાત્મક વિચારો આપણા જીવનમાં ખુબ જ અસર કરે છે.અને નકારાત્મક સોચ વાળા વ્યક્તિઓ સારી બાબતોમાં પણ બુરાઈ જ શોધે છે.

“સુંદર વિચારો વાળા વ્યક્તિ બનવા માટે એટલી જ કોશિશ કરો જેટલી સુંદર દેખાવવા માટે કરો છો”

મિત્રો, આપના સૂચન આવકાર્ય છે અને આપના પ્રતિભાવ મને +91-7878571515 પર વ્હોટ્સએપ દ્વારા મોકલી શકો છો. ધન્યવાદ

- અભય પંડ્યા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED