ઘર છૂટ્યાની વેળા - 19 Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘર છૂટ્યાની વેળા - 19

ભાગ - ૧૯

સરસ્વતી અને વરુણ કેક લઇ રોહન અને અવંતિકા પાસે આવ્યા, બંનેના ચહેરા ઉપર પ્રેમની ચમક ચોખખી દેખાતી હતી, વરુણે આવતાની સાથે જ રોહનને ચીડવવાનું શરુ કર્યું :

વરુણ : "ઓય હોય, આજે તો ભાઈના ચહેરા ઉપર અત્યારે તો કંઇક અલગ જ ખુશી દેખાઈ રહી છે..!!"

રોહન કઈ બોલી ના શક્યો અવંતિકા પણ નીચું જોઇને જ શરમાઈ રહી હતી.

સરસ્વતી : "હા, વરુણ આપણે જયારે અહિયાથી ગયા ત્યારે તો આ બંને આટલા ખુશ નહોતા દેખાતા, આ અવંતિકા પણ જોને કેવી શરમાઈને નીચું જોઈ ગઈ છે."

રોહન : "બસ હો હવે, વધુ ના ચીડાવશો ?"

વરુણ : "ઓહો, જોને સરુ, ભાઈ ને તો અત્યારથી ચિંતા થવા લાગી, થોડા દિવસ પછી તો આપણને પૂછે પણ નહિ હો.."

રોહન ઊભો થઇ અને વરુણને ભેટતા બોલ્યો, "દોસ્ત તું મારા માટે મારા સગા ભાઈ કરતાં પણ વધારે છે."

વરુણ પણ થોડો ભાવુક થતા બોલ્યો :"હા ભાઈ હું તો મઝાક કરું છું."

વરુણ : "ચલ હવે આ કેક ઓગળી જશે, આજનો દિવસ એન્જોય કરવાનો છે."

બધા એક કુંડાળા માં બેઠા અને વચ્ચે કેક રાખી. વરુણે કેક કાપવા માટી છરી રોહન અને અવંતિકાના હાથમાં પકડાવી, રોહન અને અવંતિકા એ કેક કાપી, સૌના મોઢા મીઠા કરાવી પોતાના પ્રેમની કબુલાતના દિવસને યાદગાર બનાવ્યો. વરુણ અને સરસ્વતી પણ ખુશ હતા,

અવંતિકાના પપ્પાનો ફોન આવ્યો : "બેટા, કેટલીવાર છે નીકળવાની, કાર્યક્રમ પૂર્ણ થઇ ગયો હોય તો હું તને લેવા આવી જાઉં ?"

અવંતિકાએ રોહન તરફ જોયું, રોહન ખુશ દેખાઈ રહ્યો હતો, અને એ પણ ઈચ્છતી હતી કે થોડો વધુ સમય રોહન સાથે પસાર કરે, એટલે એને એના પપ્પાને કહ્યું : "પપ્પા હજુ થોડો સમય લાગશે, અમને મઝા આવી રહી છે, હું તમને ફોન કરી અને જણાવી દઈશ, ક્યારે લેવા આવવું."

અવંતિકાના પપ્પાને પણ અવંતિકા ઉપર પૂરો વિશ્વાસ હતો એટલે તમને પણ કોઈ વાંધો લીધો નહિ. ત્યારબાદ પણ બધા બીજો દોઢ કલાક જેવું સાથે બેઠા, અને પછી મોડું થતું હોય એમ લાગતા અવંતિકાએ એના પપ્પાને ફોન કરી દીધો, સરસ્વતી અને અવંતિકા થોડે દૂર જઈને ઉભા રહ્યાં રોહન અવંતિકાની સામે જ જોયા કરતો હતો. અવંતિકાના પપ્પાની કાર કેમ્પસમાં પ્રવેશી, બંને અંદર બેઠા, અવંતિકા ચોરી છુપી રોહનને જોઈ રહી હતી, રોહન પણ થોડે દૂરથી અવંતિકા સામે જ જોઈ રહ્યો હતો, જ્યાં સુધી કાર દેખાઈ ત્યાં સુધી રોહન જોતો જ રહ્યો. વરુણે મસ્તી કરતાં કહ્યું :

"બસ ભાઈ, હવે તો ના અવંતિકા દેખાય છે ના એમની કાર, હવે તો મારી તરફ ધ્યાન આપ."

રોહન : "યાર, આ પ્રેમ કેવો અજીબ છે નહિ, જેને આપણે ક્યારેય ઓળખતા ના હોઈએ, જેના વિષે ક્યારેય આપણે સપનામાં પણ ના વિચાર્યું હોય, દૂર દૂર સુધી એ વ્યક્તિ સાથે આપણું કોઈ જ બંધન નાં હોય છતાં, એ જીવનમાં એવી રીતે દાખલ થઇ જાય અને આપણું બધું જ એ બની જાય. એના આવવાથી આખું જીવન બદલાઈ જાય, એના માટે જ લાગણી જન્મે, એની જ ચિંતા થયા કરે, એને જ મળવાનું, એને જ જોવાનું મન સતત થયા કરે."

વરુણ : "ખરેખર યાર, પ્રેમ આવો જ હોય છે, મને પણ રાધિકાની યાદ આવે છે, એની ચિંતા થાય છે, એ અમેરિકા ગઈ પછી હું સાવ એકલો જ પડી ગયો હતો, તું મળ્યો પછી જાણે મને એમ લાગ્યું કે હું મારા દિલની વાત કોઈ સાથે શેર કરી શકું. રાધિકા સાથે પણ છેલ્લા કેટલાય દિવસથી વાત નથી થઇ શકી, એ એના ભણવામાં વ્યસ્ત થઇ ગઈ હશે, બે દિવસ પહેલા એનો લાસ્ટ મેસેજ હતો કે હમણાં થોડા દિવસ વાત નહિ થઇ શકે."

રોહન : "યાર વરુણ.. એકવાત કહું ખોટું ના લાગે તો...?"

વરુણ : "હા, બોલને તારી સાથે ખોટું લગાવીને હું શું કરીશ ?

રોહન : "તમે બન્ને એટલો ટાઈમ વાત નથી કરતા, ના બન્ને મળો છો, તેના અમેરિકા ગયે આટલો ટાઈમ થઈ ગયો છે, તને વિશ્વાસ છે કે એ તારી રાહ જોશે ?"

વરુણ : "મને રાધિકા ઉપર પૂરો વિશ્વાસ છે, એ મને ક્યારેય નહીં છેતરી શકે, ભલે અમે મળતા નથી કે અમારા બંને વચ્ચે આટલી લાંબી વાતો નથી થતી, પણ વિશ્વાસ હજુ અકબંધ છે અને કાયમ રહેશે."

રોહન : "મને ક્યારેક તારી ચિંતા થાય છે, હું રાધિકાને નથી ઓળખતો બરાબર પણ તને ઓળખું છું, ક્યાંક તારું દિલના તૂટે એવો ડર મને સતત સતાવ્યા કરે છે."

વરુણ : "અત્યારે તો મને રાધિકા ઉપર વિશ્વાસ છે, અને હું ક્યારેય એનો વિશ્વાસ તોડવા નથી માંગતો, પછી જે કિસ્મતમાં હશે એ થશે, હું કે તું કોણ નક્કી કરી શકવાના છીએ ? ચાલ હવે મારો અહીંયા જ ઊભા રહેવાનો ઈરાદો નથી, આજે તારે નોકરી પર જવાનું છે કે રજા રાખી છે ?"

રોહન : "ના આજે મેં મારા શેઠ ને કહ્યું હતું પ્રોગ્રામ વિશે તો એમને મને રજા રાખવાનું જ કહ્યું છે."

વરુણ : "ઓહો તો ચાલ આજનો તારો દિવસ મને આપી દે. હું તને આજે કેટલીક જગ્યા એ લઈ જાવ."

રોહન : "પણ ક્યાં જઈશું ?"

વરુણ : "હું જ્યાં લઈ જાવ ત્યાં તારે આવવાનું છે. પણ પહેલા ઘરે જઈશું. કપડાં બદલવા પડશે નહિ તો કોઈ મેરેજ ફંક્શનમાંથી આવ્યા હોય એમ લાગીશું.."

રોહન : "સારું ચાલ આજકી શામ આપકે નામ"

રોહન વરુણ સાથે એની કારમાં ઘરે જવા રવાના થયો.

અવંતિકા પણ સરસ્વતી સાથે પોતાના ઘરે પહોંચી સરસ્વતીને પણ કઈ ખાસ કામ નહોતું એટલે બન્ને અવંતિકાના રૂમમાં જ બેઠા, અવંતીકાની મમ્મી એ બન્ને ને જ્યુસ આપ્યું, અને પોતાના કામ માં લાગી ગયા, અવંતિકાએ રોહનને પહોંચી ગયા નો મેસેજ કર્યો, રોહને પણ જવાબ આપતા કહ્યું : "ઓકે, હું પણ વરુણ સાથે એના ઘરે જાઉં છું, એ મને ક્યાંક આજે લઈ જવાનો છે. ક્યાં એ મને ખબર નથી.અને એ કઈ કહેતો પણ નથી."

અવંતિકાએ હસવાના ઇમોજી મોકલ્યા અને કહ્યું : "ઓકે ફરો તમે, સરસ્વતી પણ હમણાં રોકાવવાની છે, આપણે રાત્રે વાત કરીશું."

રોહનનો ઓકે નો જવાબ આવતા સરસ્વતી સાથે વાતો શરૂ કરી,

સરસ્વતી : "આજે તો તું ખૂબ જ ખુશ દેખાય છે, ખરેખર અવંતિકા, રોહન બધા જ કરતાં અલગ છે, તે એને હા કહી અને કોઈ ભૂલ નથી કરી."

અવંતિકા : "હા, મને પણ આટલા વર્ષોમાં કોઈ માટે ક્યારેય ફિલિંગ નહોતી જન્મી, પણ રોહનને મળતા લાગ્યું કે મને જેવા વ્યક્તિની શોધ હતી એ રોહન જ છે."

સરસ્વતી : "ખરેખર તું કિસ્મતવાળી છે."

અવંતિકા થોડું શર્મિલું હાસ્ય આપી ને કહ્યું : "સરસ્વતી તને ક્યારેય કોઈ છોકરો નથી ગમ્યો ? તે ક્યારેય પ્રેમ કરવા વિશે નથી વિચાર્યું ?"

સરસ્વતી : "હા, ઘણીવાર મને પણ થાય છે કે કોઈ મને પણ પ્રેમ કરે, પણ તારી જેમ હું પણ કોઈ ઉપર વિશ્વાસ નથી કરી શકતી, તને તો રોહન મળી ગયો, હવે મને કોણ મળશે ખબર નથી."

અવંતિકા : "તને કોઈ ગમે છે ખરું ? મતલબ કોઈને તું જસ્ટ લાઈક કરતી હોય એવું કોઈ ?"

સરસ્વતી : "સાચું કહું અવંતિકા, મને વરુણ ગમે છે, એ સારો છે, પણ મેં ક્યારેય એની આંખોમાં મારા માટે પ્રેમ નથી જોયો, એ મને એક ફ્રેન્ડ જ માને છે. આપણે ચેટિંગ ગ્રુપમાં વાત કરીએ એજ. એ ક્યારેય મને પર્સનલ મેસેજ કે ક્યારેય કોલ નથી કરતો."

અવંતિકા : °ઓહો.. તો એમ વાત છે, એમ તો આપણે ચાર સાથે જ બધે હોઈએ છીએ. કોલેજમાં પણ બધા આપણને કપલ જ સમજે છે. તું કહું તો હું રોહનને વાત કરું ?"

સરસ્વતી : "મને ડર લાગે છે, ક્યાંક એના મનમાં કઈ નહીં હોય તો ? આપણી ફ્રેન્ડશીપ પણ જતી રહેશે."

અવંતિકા : "હું રોહનને તારા વિશે કઈ નહીં કહું, તારા મનમાં વરુણ માટે શું ફિલિંગ છે એ પણ નહીં જણાવું, બસ ખાલી વરુણ વિશે જાણી લઈશ."

સરસ્વતી : "હા એમ થઈ શકે, કદાચ એના જીવનમાં પણ કોઈ છે કે નહીં એ પણ તું એને પૂછી લેજે."

અવંતિકા : "હા, આજે રાત્રે જ રોહન સાથે વાત કરી બધું પૂછી લઈશ, હમણાં જ પૂછી લેતી પણ રોહન અને વરુણ અત્યારે સાથે છે એટલે નથી વાત કરવી."

અવંતિકાએ પણ જાણી લીધું કે સરસ્વતીના મનમાં વરુણ છે. હવે અવંતિકા વરુણ વિશે જાણવા માંગતી હતી. બન્ને અવંતિકાના રૂમમાં બેસી વાતો કરી રહ્યા હતા, અવંતિકા સરસ્વતીને પોતાના કપડાં, જવેલરી, કોસ્મેટિક સામાન બતાવી રહી હતી.

વરુણના ઘરે પહોંચી વરુણના રૂમમાં જઈ બંને ફ્રેશ થયા, રોહન જે કપડાં સવારે ઘરેથી પહેરીને આવ્યો હતો એજ કપડાં પાછા પહેરી તૈયાર થયો, વરુણના તૈયાર થતાં સુધી રોહને વરુણના બેડ ઉપર થોડો આરામ કર્યો, વરુણ ફ્રેશ થઈ બહાર આવ્યો, ત્યારે રોહન કહેવા લાગ્યો : "બહુ આરામ દાયક છે ને બેડ તો તારો !!.. તું થોડો મોડો આવ્યો હોત તો હું સુઈ જ જવાનો હતો."

વરુણ : (હસતાં હસતાં) "હા, પણ આવા આલીશાન બેડમાં પણ નીંદ આવવી જરૂરી છે ને ! ફૂટપાથ ઉપર નીચે સુઈ રહેનારા કદાચ શાંતિથી સુઈ શકતાં હશે, પણ આવા આલીશાન બેડમાં સુનારાને શાંતિની નીંદ નથી આવતી. એ હકીકત છે મારા ભાઈ."

રોહન : "હશે, પણ મારા ખાટલા કરતા મને તારા બેડમાં સારી ઊંઘ આવે એવું લાગે છે."

વરુણ : "તો આવી જાને તું પણ મારી સાથે અહીંયા જ રહેવા ?, મેં મારા મમ્મી પપ્પાને પણ તારા વિશે કહ્યું એ પણ ના નહીં કહે. આપણે રોજ સાથે કોલેજ જઈશું અને સાથે આવીશું, તું જોબ નહીં કરે તો પણ ચાલશે."

રોહન : "આભાર તારો ભાઈ.. પણ હું ના આવી શકું, મારે આ બધાની આદત નથી પાડવી, હું મારા પગ ઉપર ઊભો રહી અને બધું મેળવવા માંગુ છું."

વરુણ : "મને ખબર છે કે તું સ્વમાની માણસ છે એટલે જ હું તને આ વાત નહોતો કરતો. પણ રોહન તું મને ભાઈ માને છે, તો પછી કેમ મારી વાત માનતો નથી ?"

રોહન : "તું મારા ભાઈ જેવો જ છે, પણ હમણાં મારાથી બધું થઈ શકે છે, અને હું કરવા માગું છું, મારે મહેનત કરી અને મારો કોળિયો મેળવવો છે, તૈયાર ભાણે જમવા નથી માંગતો."

વરુણ : "તું અને તારા વિચાર, ધન્ય છે." રોહન સામે હાથ જોડી હસતાં હસતાં વરુણ કહેવા લાગ્યો. "ચાલ હવે આજે હું તને એક સુંદર જગ્યાએ લઈ જાઉં.

બંને નીચે ઉતર્યા, વરુણે એની મમ્મી ને સાંજે જમવામાં રાહ ના જોવા માટે કહી અને પોતે બહાર જમી ને આવશે એમ કહી પોતાની કાર તરફ આગળ વધ્યો, રોહને વરુણની મમ્મી ને જય શ્રી કૃષ્ણ કહી જવા માટે રજા લીધી બંને કારમાં બેસી જવા રવાના થયા.

રોહન રસ્તામાં વરુણને ક્યાં જઈ રહ્યા છે એ વિશે પૂછતો રહ્યો પણ વરુણે કોઈ જવાબ આપ્યો નહીં. વરુણે કારને એક વિશાળ બિલ્ડીંગના ભોંયતળિયે આવેલા પર્કિંગ એરિયામાં કાર જવા દીધી. અને કાર પાર્ક કરી. બંને બહાર નીકળ્યા, રોહનથી રહેવાયું નહીં અને પૂછી લીધું : "ભાઈ હવે તો કહી દે કે આપણે ક્યાં આવ્યા છીએ ? "

"થોડીવાર રાહ જો બધું સમજાઈ જશે અને નહીં સમજાય તો હું તને થોડીવાર પછી બધું જ કહીશ ચાલ હવે" વરુણ આટલો જવાબ આપી સામે દેખાતી લિફ્ટ તરફ ચાલવા લાગ્યો, લિફ્ટનું બટન દબાવી નીચે બોલાવી, લિફ્ટ આવતા બન્ને અંદર દાખલ થયા, વરુણે પાંચ નંબરનું બટન દબાવ્યું, લિફ્ટ પાંચમા માળ ઉપર જઈ અટકી અને દરવાજો ખુલ્યો.

વરુણે રોહનને "ચાલ આવ આ તરફ" એમ કહી સાથે ચાલવા કહ્યું.

રોહનને જાણે કોઈ ફિલ્મોમાં હોય એ પ્રકારની વૈભવી હોટેલમાં પ્રવેશ્યો હોય એમ લાગી રહ્યું હતું, ત્યાંનો સ્ટાફ યુનિફોર્મમાં સજ્જ હતો, ત્યાં હરતાં ફરતાં વ્યક્તિઓ પણ ઊંચા પરિવારના દેખાઈ રહ્યા હતાં. સામે એક મોટો સ્વિમિંગ પૂલ દેખાયો, તેમાં થોડા લોકો સ્વિમિંગનો આનંદ માણી રહ્યાં હતાં, વરુણે ત્યાં રહેલા ગેટ પાસે પોતાના વોલેટમાંથી એક કાર્ડ બહાર કાઢી અને સ્કેન કરાવ્યું, અને રોહનને સ્વિમિંગ પુલ પાસે લઈ ગયો, પાંચમા માળની ઊંચાઈએ કુદરતી પવન પણ મઝાનો આવી રહ્યો હતો, રોહનને આ બધું જોતા મોઢામાંથી નીકળી ગયું "વાહ જોરદાર, મેં આવી જગ્યા પહેલા ક્યારેય નથી જોઈ, આટલી ઊંચાઈએ સ્વિમિંગ પુલ, સુંદર વાતાવરણ અહિયાનું, અને સાથે શાંતિ પણ છે."

વરુણ : "મેં તને કહ્યું હતું ને કે હું તને એક સુંદર જગ્યા એ લઈ આવીશ તો આ છે એ જગ્યા, મને પણ અહીંયા બહુ જ ગમેં છે."

રોહન : "ખરેખર ખૂબ જ મઝાની જગ્યા છે, આનંદ આવ્યો અહીંયા આવી ને."

વરુણ : "ચાલ તને જીમ બતાવું."

વરુણ રોહનને જીમ તરફ લઈ ગયો, જીમ જોઈને પણ રોહન ચોકી ઊઠ્યો અને બોલી ઊઠ્યો :"આટલું મોટું જીમ"

વરુણ : "હા, છે ને સરસ ?"

હા યાર ખૂબ જ સરસ છે આ તો, પણ આ કઈ જગ્યા છે એમ તો કહી દે હવે, કોઈ હોટેલ છે આ ? રોહન આજુબાજુ નજર ફેરવતા આશ્ચર્યથી વરુણ ને પૂછ્યું.

વરુણ જીમની બહાર નીકળી એક સોફા ઉપર બેઠો રોહન પણ સાથે બેઠો.

વરુણ : "આ કલબ છે, પપ્પાએ અહીંયાની મેમ્બરશીપ લીધી છે, એટલે અમારા ફેમિલી મેમ્બર અહીંયા ગમે ત્યારે આવી શકીએ."

રોહન : "ઓહ.. તો આ કલબ છે એમ ને, મને આ બધા વિશે ખબર નથી, આવું તો ફિલ્મોમાં જ જોયું છે.

ઘણીવાર સુધી રોહન અને વરુણ ત્યાં બેઠા, ત્યાંથી નીકળી એક હોટેલમાં ડિનર લઈ વરુણ રોહનને એના ઘરે મુકવા આવ્યો, રોહને ઘરે આવવાનું કહ્યું પણ વરુણ થાકેલો હતો એટલે ફરી ક્યારેક એમ કહી રજા લીધી.

આજે જમવાનું પણ નહોતું બનાવવાનું એટલે રોહને ઘરે જઈ સીધો ખાટલામાં આડો પડ્યો, અવંતિકાનો મેસેજ રોહનની રાહ જોઈ રહ્યો હતો, રોહને વહાટ્સએપ ઓપન કર્યું, અવંતિકાના ચાર મેસેજ હતા ....

હેલો ભગત...

ભગત દોસ્તમાંથી ફ્રી થયા હોય તો જરા અમને પણ સમય આપો...

બહુ વેઇટ કરવો છો હો ભગત તમે હવે.....

ઓ ભગત ક્યારે આવશો તમે મારી સાથે વાત કરવા....

રોહન મેસેજ વાંચી હસી રહ્યો હતો.. અને રીપ્લાય આપવા ટાઈપ કર્યું....

"સોરી... રાહ જોવડાવવા માટે.."

અવંતિકા રોહનના મેસેજની જ રાહ જોઈ રહી હતી...

તરત અવંતિકાએ મો મચકોડવાનું ઇમોજી આપ્યું.

રોહન : "સોરી યાર, વરુણ સાથે જમીને આવ્યો એટલે લેટ થઈ ગયું."

અવંતિકાએ ફરી એજ મો મચકોડવા વાળું ઇમોજી આપી રોહનને ચિડાવવા લાગી.

રોહન : "બસ હવે હો..તું જમી"

અવંતિકા : "હા, ક્યારની તને ક્યાં પૂછવાનો ટાઈમ છે, પહેલા જ દિવસથી આમ રાહ જોવડાવે છે."

રોહન : "સોરી તો કહ્યું, બકા.. બસ હવે માની જાને પ્લીઝ."

અવંતિકા : "સારું ચાલો ભગત આજે તમારા ઉપર દયા આવે છે, એટલે જવા દઉં છું."

રોહને હસવાનું ઇમોજી મૂકી.."પગલી" ટાઈપ કર્યું.

થોડીવાર બંને વચ્ચે નોર્મલ વતો થયા કરી, અવંતિકાએ ઘરે આવી શું કર્યું, અને રોહન વરુણ સાથે ક્યાં ફર્યો એની વાતો ચાલ્યા કરી.

અવંતિકાના મનમાં વરુણ વિશે પૂછવાના વિચારો ચાલી રહ્યા હતાં, પણ શરૂઆત ક્યાંથી કરવી એ સમજાઈ રહ્યું નહોતું, "વરુણે રોહનને પોતાના જીવન વિશે વાત કરી હશે કે નહીં ?" પણ પૂછવું તો હતું જ એટલે હિંમત કરી અવંતિકાએ પૂછવાનું શરૂ કર્યું..

વધુ આવતા અંકે...

નીરવ પટેલ "શ્યામ"