યુગ ઉધ્ધારક ભારતરત્ન ડૉ.આંબેડકર Dr Sagar Ajmeri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યુગ ઉધ્ધારક ભારતરત્ન ડૉ.આંબેડકર

યુગ ઉધ્ધારક : ભારત રત્ન ડૉ.આંબેડકર

હજુ એર ઇન્ડિયાની ફ્લાઇટ મુંબઇ એરપોર્ટ પર આવવા ઘણી વાર છે. ગઈ કાલે 14:45 કલાકે ન્યૂયોર્કના ન્યૂવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટથી એર ઇન્ડિયા ફ્લાઇટ AI-144માં કોલંબિયા યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરતો ક્રિશ શાહ આજે વીસેક વર્ષ પછી ફરી ઇન્ડિયા ફરવા આવી રહ્યો હતો. બાય બર્થ યુ.એસ. સીટીઝન, પિતા માણેકદાસ અને માતા ગૌરીબેન છેલ્લા ત્રીસેક વર્ષથી યુ.એસ. સેટલ્ડ થયા હતા. ફ્લાઇટના બીઝનેસ ક્લાસની સીટ K12 પર બેઠેલ ક્રિશ ફ્લાઇટ એટેન્ડન્ટને બોલાવી એક ગ્લાસ કોરોના એક્સ્ટ્રા બ્રાંડ બીયર મંગાવે છે. ફ્લાઇટમાં મોટાભાગના પેસેન્જર્સ ગાઢ ઊંઘમાં છે, તો કોઇ કોઇ હજુ નાનકડી ટી.વી. સ્ક્રીન પર અલગ અલગ ચેનલ્સ સેટ કરી સમય પસાર કરી રહ્યા છે.

ખરેખર તો ક્રિશને ઇન્ડિયા વિશે જાણવા ઘણો રસ હતો જ, સાથે સાથે યુનિવર્સિટીમાં ડિગ્રી માટેની ડિઝર્ટેશન માટે ડૉ.ભીમરાવ આંબેડકર વિશે વધુ જાણવા તેમજ તેમના જન્મસ્થળે રૂબરૂ મુલાકાત કરવા અને ભારતીય સમાજની વાસ્તવિકતાનો ફર્સ્ટ હેંડ એક્સપીરીયન્સ મેળવવા ક્રિશ ઇન્ડિયા આવી રહ્યો છે. તેના હાથમાં કોલંબિયા યુનિવર્સિટીમાં ટેક્સ્ટ બુક તરીકે પસંદ થયેલી ડૉ.ભીમરાવ આંબેડકરની નાનકડી ઓટોબાયોગ્રાફીકલ બુક Waiting for a Visa દેખાઇ રહી છે. પોતાના ડિઝર્ટેશન માટે ક્રિશે ડૉ.ભીમરાવ આંબેડકર વિશે ઘણું રીસર્ચ કર્યુ અને તેમના વિશે ઘણી બુક્સ સ્ટડી પણ કરી. માત્ર 20 પેજની Waiting for a Visa ના દરેક શબ્દમાં રજૂ થયેલ યાતના ક્રિશના હૈયે કોરાયા કરતા હતા. “શું તે સમયે રીયલી આ હદની સિચ્યુસેશન હશે..?” ક્રિશ આ કલ્પના માત્રથી ધ્રુજી ગયો.! પોતાના ડિઝર્ટેશન વિશે વિચારતા ક્રિશની આંખ ઊંઘે ભરાઈ અને બીયરનો ગ્લાસ ખાલી કરી ફ્લાઇટ એટેન્ડેન્ટને આપી તે ક્યારે ઊંઘી ગયો તેનો તેને ખ્યાલ જ ના રહ્યો.!

ક્રિશ સમયના વહેણથી ક્યાંય પાછળ ચાલ્યો ગયો તેમ લાગ્યું. કદાચ તે ડૉ.ભીમરાવ આંબેડકર વિશેના પુસ્તકોના વાંચનના શબ્દોની ગલીઓમાંથી થઈ મધ્યપ્રદેશના મહુ ગામની લશ્કરી છાવણીમાં પહોંચી ગયો. જ્યારે 14 એપ્રિલ 1891ના રોજ રામજી શકપાલ અને ભીમાબાઇના 14માં સંતાન તરીકે ભીમરાવનો જન્મ થયો, ત્યારે કોઇએ સ્વપ્નમાં પણ વિચાર્યું ના હતું કે આ બાળક વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રના બંધારણના ઘડતરનું મહત્ત્વપૂર્ણ કાર્ય કરશે.! મિલીટરીમાં સુબેદારના હોદ્દા પર રહેલા ભીમરાવના પિતા લશ્કરની શાળામાં હેડ માસ્ટર તરીકે ફરજ બજાવતા હતા. બાળપણથી જ ભીમરાવમાં માતાપિતાના ઉચ્ચ સંસ્કાર વારસામાં આવ્યા હતા. ભીમરાવને બાળપણથી જ ઘણા દુ:ખ સહન કરવાના આવ્યા હતા. માત્ર 6 વર્ષની ઉંમરમાં જ તેમના માતા ભીમાબાઇનું અવસાન થયું હતું. બાળપણથી જ દુ:ખ સહન કરતા ભીમરાવની પ્રાથમિક કેળવણી શરૂ થઈ. ભીમરાવના પિતાની અટક સકપાલ હતી, પણ તેઓ મૂળ મહાસાષ્ટ્રના રત્નાગિરી જીલ્લાના આંબાવાડે ગામના વતની હોવાથી શાળામાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવી, પણ શાળામાં ભીમરાવને પસંદ કરતા મહાદેવ આંબેડકર નામના એક શિક્ષકે ભીમરાવની અટક આંબાવડેકરથી બદલી આંબેડકર રાખી..!

ક્રિશ આ દરેક ઘટના જાણે પોતાની નજર સમક્ષ જોઇ રહ્યો હતો. તે સમયના લોકજીવનને ક્રિશ ખૂબ આશ્ચર્ય સાથે નીહાળી રહ્યો..! પ્રાથમિક શિક્ષણથી જ ભીમરાવને તે સમયના સમાજમાં વ્યાપ્ત અસ્પૃશ્યતાને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.

મુંબઈ એલ્ફીન્સ્ટન હાઇસ્કૂલમાંથી 1907માં મેટ્રીક પાસ થયા પછી ભીમરાવના લગ્ન રામી નામની કન્યા સાથે થયા, જેનું નામ ભીમસાવે પાછળથી રમાબાઇ રાખ્યું. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડની સ્કોલરશીપની મદદથી ભીમરાવે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી. સ્નાતક થયા પછી ભીમરાવની કૌટુંબિક પરિસ્થિતી સક્ષમ ના હોવાથી સયાજીરાવ ગાયકવાડની મદદથી ભીમરાવે રાજ્યના લશ્કરમાં લશ્કરી અધિકારી તરીકેની નોકરી સ્વીકારી. તે જ સમયે 2 ફેબ્રુઆરી 1913ના રોજ ભીમરાવના પિતા રામજી સકપાલનું નિધન થયું. વારંવાર આભડછેટના કડવા અનુભવો અને પછી પિતાના અવસાનના દુ:ખથી ભીમરાવ ઘણા તૂટી ગયા.!

1913માં જુલાઇના ત્રીજા અઠવાડિયે ભીમરાવ આંબેડકર મહારાજા સયાજીરાવની સ્કોલરશીપની મદદથી વિદ્યાના ગહન શિખરો સર કરવા કોલંબિયા યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરવા ન્યુયોર્ક પહોંચ્યા. ક્રિશ 105 વર્ષ પહેલાની કોલંબિયા યુનિવર્સિટી આશ્ચર્ય સાથે જોઇ જ રહ્યો..! જાણે આ એક સદીમાં થયેલા પરિવર્તનોનો તે એક્માત્ર જીવીત સાક્ષી બન્યો. ભીમરાવે ‘પ્રાચીન ભારતીય વ્યાપાર’ વિષય પર મહાનિબંધ લખી 1915માં કોલંબિયા યુનિવર્સિટીની એમ.એ.ની ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી. ત્યાર બાદ સતત અભ્યાસ ચાલુ રાખી 1916માં ‘બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ’ વિષય પર શોધનિબંધ લખી પી.એચ.ડી.ની ડિગ્રી મેળવી ડૉ.આંબેડકર નામ પ્રાપ્ત કર્યું..!

પ્રતિકૂળ આર્થિક સંજોગો અને કૌટુંબિક મુશ્કેલીઓને કારણે 1916માં લંડનમાં શરૂ કરેલ અર્થશાસ્ત્ર અને કાયદાનો અભ્યાસ અધવચ્ચે છોડી ડૉ.આંબેડકરે ભારત પરત ફરી વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે નોકરી સ્વીકારી, પણ સતત આભડછેટ અને અપમાનને કારણે ત્રાસી જઈ તેમણે નોકરી અને વડોદરાને કાયમ માટે આખરી સલામ કરી વિદાય લીધી.! 1918માં મુંબઈની સિડનહામ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરીથી પૈસા બચાવી તેમજ કેટલાક મિત્રોની મદદથી ડૉ.આંબેડકર ફરી કાયદા અને અર્થશાસ્ત્રના અભયાસમાટે લંડન ગયા. 1920માં પત્ની રમાબાઇએ બાળકને જન્મ આપ્યો, જેનું નામ યશવંત રાખવામાં આવ્યું. જો કે ત્યાર પછીના તેમના બે બાળકો જીવીત રહી શક્યા નહીં તે દુ:ખ ડૉ.આંબેડકર માટે ઘણું અસહ્ય થઈ રહ્યું. આ બધું નજરે જોતા ક્રિશની આંખો પણ આંસુથી ઉભરાઈ ગઈ..! 1923માં બેરિસ્ટર થયા પછી ડૉ.આંબેડકરને તેમના ‘રૂપિયાનો પ્રશ્ન’ વિષય પરના મહાનિબંધને કારણે લંડન યુનિવર્સિટીએ ‘ડૉક્ટર ઑફ સાયન્સ’ની ઉચ્ચ ડિગ્રી એનાયત કરી..!

જૂન 1928માં ડૉ.આંબેડકર મુંબઈની ગવર્નમેન્ટ લૉ કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા તે સમયે ‘સાયમન કમિશન’ને મદદરૂપ થવા બ્રિટીશ ભારતમાંવિવિધ પ્રાંતિય સમિતીઓ રચવામાં આવી, જેમાં 3 ઑગસ્ટ 1928ના રોજ ડૉ.આંબેડકરને મુંબઇની કમિટીમાં નીમવામાં આવ્યા. હવે મુંબઈ ધારાસભામાં તેમજ જાહેર સભાઓમાં ડૉ.આંબેડકરનો અવાજ ગૂંજવા લાગ્યો. 23 ઑક્ટોબર 1928ના રોજ ડૉ.આંબેડકરે ‘સાયમન કમિશન’ સમક્ષ અછૂતોના પ્રાણપ્રશ્નો અને તેના નિરાકરણ વિશે રજૂઆત કરી એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી અને સાથે મજૂર ચળવળના પ્રણેતા બની તેમના હક્કો અને સગવડો અપાવવા બાબતે ઘણા પ્રયત્નો કર્યા. હવે ડૉ.આંબેડકરનું નામ દેશભરમાં જાણીતું બન્યું. 1930માં સાયમન કમિશનનો રીપોર્ટ બહાર પડ્યા પછી 6 ડિસેમ્બર 1930ના રોજ ભારતના વાઇસરોય તરફથી ગોળમેજી પરિષદમાં હાજર રહેવા ડૉ.આંબેડકરને આમંત્રણ આપવામાં આવ્યું જેમાં ડૉ.આંબેડકરે હાજરી આપી ભારતના અછૂતોના પ્રશ્નોની ઊંડાણપૂર્વક તલસ્પર્શી રજૂઆત કરી અછૂતોના રાજકીય અને સામાજિક હક્કો માટે બ્રિટીશ સરકાર પાસે બાંહેધરી આપી. કડવું પણ સત્ય બોલનાર ડૉ.આંબેડકર એક બાહોશ અને નીડર વક્તા હતા.

ફ્લાઇટ પોતાની ગતિએ જઈ રહી હતી. ક્રિશની આંખો બંધ હતી. તે અત્યારે જાણે કોઇ અલગ જ સમયમાં હતો..! 14 ઑગસ્ટ 1931માં ડૉ.આંબેડકર અને ગાંધીજીની પ્રથમ મુલાકાત થઈ. 7 સપ્ટેમ્બર 1931માં લંડનની બીજી ગોળમેજી પરિષદમાં ડૉ.આંબેડકર અન્ય ભારતીય નેતાઓ સાથે હાજર રહ્યા, જ્યાં તેમણે અછૂતોના ઉધ્ધાર માટે અલગ મતાધિકાર અને અલગ અનામત બેઠકોની માંગણી કરી જે બાબતને લઈ તેમની ગાંધીજી સાથે ઘણી દલીલો થઈ જે અંતે ઉગ્ર મતભેદમાં પરિણમી..! બીજી ગોળમેજી પરિષદ નિષ્ફળ રહી. ગાંધીજીનો વિરોધ કરવાને કારણે અને અલગ મતાધિકારની માંગણીના કારણે ડૉ.આંબેડકર કેટલાકને અપ્રિય પણ લાગ્યા. સમાચારપત્રોએ તેમના ઉપર ઘણી ટીકાઓ કરી તેમ છતાં તે ભારતના અછૂતોના પ્રશ્નોને સાચી રીતે રજૂ કરવામાં સફળ રહ્યા અને અછૂત સમાજને જાગૃત કરવામાં સફળ રહ્યા..!

સમગ્ર વિશ્વમાંઅનેક પ્રકારની હિંસક – અહિંસક ક્રાંતિઓ અને માનવીય હક્કો માટે લડાઇઓ અને સત્યાગ્રહો થયા છે, સત્તા પરિવર્તન, વિચાર પરિવર્તન અને આઝાદી માટેના આંદોલનો અને ક્રાંતિ થયેલ છે, પરંતુ આપણા દેશમાં માણસને પીવાના પાણી માટે ડૉ.આંબેડકરે સત્યાગ્રહ કર્યા..! ડૉ.આંબેડકરે મહારાષ્ટ્રના મહાદ ગામમાં દલિતોને પીવાના પાણીનો અધિકાર અપાવવા પ્રથમ સત્યાગ્રક કર્યો. ડૉ.આંબેડકરની પ્રખર બુધ્ધિ ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ તે બાબતથી મળે છે કે ભારતીય બંધારણની રચના માટે ડૉ.આંબેડકર સિવાય અન્ય કોઇ વિકલ્પ ભારતમાં નહોતો, પરિણામે ડૉ.આંબેડકરને સંવિધાન સભાની પ્રારુપ સમિતિના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા.

1946માં વચગાળાની સરકાર રચવાનો અને બંધારણસભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. 9 ડિસેમ્બર 1946માં પ્રથમવાર દિલ્હીમાં બંધારણસભા મળી, જેમાં ડૉ.આંબેડકરે ભારતના બંધારણીય માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો રજૂ કર્યા. 29 એપ્રિલ 1947માં બંધારણ સભાએ અસ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબૂદ થયેલ જાહેર કરવામાં આવ્યું. તે સમયે ભારતમાં ઘણા નેતાઓ દ્વારા હિંદુ – મુસ્લિમ એકતા સાધવા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા, પણ તે શક્ય ના બનતા ભારતના ભાગલા નિશ્ચિત બન્યા..! પરિણામે ભારત- પાકિસ્તાન અલગ દેશ અસ્તિત્વમાં આવ્યા. પછીથી 3 ઑગસ્ટ 1947માં ભારતની વચગાળાની સરકાર રચાઇ, જેમાં ડૉ.આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. 29 ઑગસ્ટ 1947ના રોજ ડૉ.આંબેડકરની બંધારણીય ડ્રાફ્ટીંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડૉ.આંબેડકર અને બંધારણીય સમિતિએ ફેબ્રુઆરી 1948ના છેલ્લા અઠવાડીયામાં ભારતના બંધારણની કાચી નકલ તૈયાર કરી બંધારણ સભાના પ્રમુખ ડૉ.રાજેન્દ્ર પ્રસાદને સુપરત કરી. ભારતના બંધારણના કાચા મુસદ્દાને દેશના લોકોની જાણ માટે અને તેમના પ્રત્યાઘાતો જાણવા માટે 6 માસ સુધી જાહેરમાં મૂકવામાં આવ્યો. 4 નવેમ્બર 1948ના રોજ ડૉ.આંબેડકરે મુખ્યત્વે 315 કલમો અને 8 પરિશિષ્ટ ધરાવતા બંધારણને બંધારણ સભાની બહાલી માટે રજૂ કર્યું. છેવટે 26 જાન્યુઆરી 1950થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસત્તાક બન્યો..!

બાબાસાહેબ સ્ત્રીને સમાજનું આભૂષણ ગણાવતા હતા. તેમના મતે “કોઇપણ સમાજના ઉત્થાન અને પતનની પારાશીશી તે સમાજના નારીના ઉત્થાનથી નક્કી કરી શકાય છે.” ભારતીય સમાજ વ્યવસ્થામાં સ્ત્રીઓની પશુવત દશા જોઇ દ્રવિત થઈ ડૉ.આંબેડકર સ્ત્રીઓની મુક્તિ માટે આજીવન લડત ચલાવતા રહ્યા. તેમણે બંધારણીય કાયદાઓ દ્વારા પણ સ્ત્રીઓને રક્ષણ આપી સ્ત્રીઓની મુક્તિ માટે સમાનતા અને સ્વતંત્રતા માટે હિન્દુકોડ બિલની રચના કરી. આમ, ભારતમાં મહિલા મુક્તિના મશાલચી મહાત્મા જ્યોતિરાવ ફૂલેના અનુયાયી એવા ડૉ.આંબેડકર પણ નારી મુક્તિના પ્રખર હિમાયતી બની રહ્યા હતાં. તેમણે તૈયાર કરેલ હિન્દુકોડ બીલમાં સ્ત્રીઓને પોતાની સ્વતંત્ર સંપત્તિ રાખવાનો, સ્ત્રીઓને લગ્ન કરવાનો તેમજ સ્વેચ્છાએ લગ્ન વિચ્છેદ કરવાનો, વિધવા પુનર્લગ્નનો, આંતરજ્ઞાતિય લગ્ન કરવાનો તેમજ કોઇપણ જ્ઞાતિના બાળકને દત્તક લેવાનો અધિકાર વગેરે જેવા ક્રાંતિકારી સુધારાનો સમાવેશ કરેલ હતો..! પોતાની તંદુરસ્તીની પરવા કર્યા વિના રાત દિવસ સખત પરિશ્રમ કરી તૈયાર કરેલ હિન્દુકોડ બીલનો કરૂણ રકાસ થતાં હિન્દુ સમાજને એક સંહિતાએ સાંકળવાનું તેમનું સ્વપ્ન ભાંગી પડ્યું. હિન્દુકોડ બીલની પીછેહઠથી ડૉ.આંબેડકર ખૂબ જ વ્યથિત થયા અને નારીમુક્તિના યજ્ઞમાં તેમણે પોતાના પ્રધાનપદની પણ આહુતિ આપી દીધી..!

માર્ચ 1952માં ડૉ.આંબેડકર મુંબઈ ધારાસભાની બેઠક પર રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઇને રાજ્યસભાના સભ્ય બન્યા. 1 જૂન 1952ના રોજ ડૉ.આંબેડકર ન્યૂયોર્ક ગયા, જ્યાં 5 જૂન 1952ના દિવસે કોલમ્બિયા યુનિવર્સિટીએ તેમને સર્વોચ્ચ ‘ડૉક્ટર એટ લૉ’ની પદવી આપી..! 12 જાન્યુઆરી 1953ના રોજ ભારતની ઓસ્માનિયા યુનિવર્સિટીએ તેમને ‘ડૉક્ટર ઑફ લીટરેચર’ની ઉચ્ચ પદવી આપી સન્માનિત કર્યા..!

ડૉ.આંબેડકર વિશે વાંચેલ દરેક બાબતો ક્રિશના માનસપટ પર એક પછી એક દ્રષ્ટિગત થવા લાગી..! ડૉ.આંબેડકરે વિશ્વભરમાં ભારતનું નામ ઘણું ઉજ્જ્વળ કર્યું. ડૉ.આંબેડકર વિદેશમાં અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટ ડિગ્રી ધરાવનાર પ્રથમ ભારતીય બન્યા. આ સાથે સમગ્ર દક્ષિણ એશિયામાં અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટ ડિગ્રી તેમજ ડબલ ડૉક્ટરેટ ડિગ્રી ધરાવનાર સૌપ્રથમ વ્યક્તિ બન્યા..! આ સાથે તેમના સમયગાળામાં સૌથી વધુ ડિગ્રી મેળવનાર ભારતીય તરીકે પણ ખ્યાતિ પામ્યા. ડૉ.આંબેડકર કોલંબિયા યુનિવર્સિટીમાં ત્રણ વર્ષના સમયગાળામાં અર્થશાસ્ત્રમાં ત્રણ, ઇતિહાસમાં અગિયાર, સમાજશાસ્ત્રમાં છ, ફિલોસોફીમાં પાંચ, નૃવંશશાસ્ત્રમાં ચાર, રાજકારણમાં ત્રણ અને ફ્રેંચ અને જર્મનમાં એક કોર્સ એમ ઓગણત્રીસ કોર્સીસ એકસાથે કરનાર મેઘાવી વિદ્યાર્થી બન્યા..!

આપણા દેશની કેન્દ્રસ્થ બેંક રીઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં ડૉ.આંબેડકરનો સિંહફાળો રહ્યો. રીઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની સ્થાપના ડૉ.આંબેડકરે હિલ્ટન યંગ કમિશનને તેમના પુસ્તક The Problem of the Rupee – Its Origin and Its Solution માં આપેલ ગાઇડલાઇન્સ દ્વારા 1935માં કરવામાં આવી..! આ પુસ્તકમાં ડૉ.આંબેડકરે ડિમોનીટાઇઝેશન વિશે પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું, “If any country has to eliminate black money and fake currency, then after every 10 years country’s currency should be demonetized.” ડૉ.આંબેડકરે નવેમ્બર 1942માં નવી દિલ્હીમાં યોજાયેલ ઇન્ડિયન લેબર કોન્ફરન્સમાં કામના કલાકો 12 થી ઘટાડી 8 કલાક કર્યા. આ સાથે ડૉ.આંબેડકરે દરેક કામદાર માટે વિવિધ ભથ્થા, મેડિકલ લીવ, સમાન કામ સમાન વેતન, લઘુતમ વેતનદર, સમયાંતરે પે સ્કેલ સુધાર વગેરે જેવા સુધારા કર્યા..! આ સાથે ડૉ.આંબેડકરે જમ્મુ - કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર આર્ટીકલ 370નો પણ ઘણો વિરોધ કર્યો હતો. ડૉ.આંબેડકર દામોદર વેલી પ્રોજેક્ટ, ભાકરા નાંગલ પ્રોજેક્ટ, સન રીવર વેલી પ્રોજેક્ટ અને હીરાકુડ પ્રોજેક્ટના પ્રેરક રહ્યા..! આપણા દેશના વિકાસમાં સિંહફાળો આપનાર સેન્ટ્રલ ટેકનિકલ પાવર બોર્ડ (CTPB) અને સેન્ટ્રલ ઇલેક્ટ્રીસીટી ઑથોરીટીની સ્થાપના કરવાનો યશ ડૉ.આંબેડકરના ફાળે જાય છે..!

વિશ્વસ્તરે ડૉ.આંબેડકરનું નામ સુવર્ણ અક્ષરે નોંધપાત્ર બનેલ છે. લંડન મ્યુઝીયમમાં કાર્લ માર્ક્સ સાથે એક્માત્ર ભારતીય વ્યક્તિ તરીકે ડૉ.આંબેડકરની પ્રતિમા સ્થાન પામી છે..! ભારતીય રાષ્ટ્રીય ધ્વજમાં અશોકચક્રને સ્થાન અપાવનાર વ્યક્તિ બીજા કોઇ નહીં પણ ડૉ.આંબેડકર જ હતા..! નોબેલ પ્રાઇઝ વિજેતા ભારતીય પ્રો.આમર્ત્યસેન ડૉ.આંબેડકરને અર્થશાસ્ત્રમાં પોતાના પિતાતુલ્ય સમજતા..! કોલંબિયા યુનિવર્સિટી દ્વારા વર્ષ 2004માં બહાર પાડવામાં આવેલ વિશ્વના શ્રેષ્ઠ 100 સ્કોલર્સની યાદીમાં ડૉ.આંબેડકરનું નામ મોખરે રહેલ..! ડૉ.આંબેડકરની પ્રખર બુધ્ધિક્ષમતાનો ખ્યાલ આ બાબતથી જાણવા મળે કે લંડન સ્કૂલ ઑફ ઇકોનોમીક્સમાં ડૉ.આબેડકરે 8 વર્ષમાં કરવાનો કોર્સ પ્રત્યેક દિવસે આશરે 21 કલાક અભ્યાસ કરીને માત્ર 2 વર્ષ અને 3 મહિનામાં જ પૂર્ણ કર્યો..! આ સાથે લંડન સ્કૂલ ઑફ ઇકોનોમીક્સમાંથી ‘ડૉક્ટર ઓલ સાયન્સ’ ની ડિગ્રી મેળવનાર સૌપ્રથમ વ્યક્તિ બન્યા..! ડૉ.આંબેડકરને બુધ્ધ ધર્મ તરફ પ્રેરનાર મહંત વીર ચંદ્રમણિ ડૉ.આંબેડકરને ‘આધુનિક યુગના બુધ્ધ’ ગણાવતા..! સમગ્ર વિશ્વમાં ભગવાન બુધ્ધની બંધ આંખ સાથેની મૂર્તિ અને ચિત્રો જોવા મળે છે, પરંતુ પ્રખર ચિત્રકામ ક્ષમતા ધરાવતા ડૉ.આંબેડકર એક માત્ર વ્યક્તિ રહ્યા જેમણે ખુલી આંખ સાથે ભગવાન બુધ્ધનું સૌપ્રથમ ચિત્ર દોર્યું..! ભગવાન બુધ્ધ, સંત કબીર અને મહાત્મા ફુલેને પોતાના પ્રેરણાસ્ત્રોત માનનાર ડૉ.આંબેડકર તે સમયે કહેવાતા પછાત સમાજમાંથી લૉયર બનનાર પ્રથમ ભારતીય રહ્યા..! તેમનું બુધ્ધ ધર્મ વિશેનું પુસ્તક ‘The Buddha and his Dhamma’ ને ભારતીય બૌધ્ધ સમાજ એક પ્રેરણારૂપ ગ્રંથ માને છે..!

એર ઇન્ડિયા ફ્લાઇટ મુંબઈ એરપોર્ટ પર તેના નિર્ધારીત 14:30 કલાક સમયે લેન્ડ કરવા જઈ રહી હોવાનું એનાઉન્સ થયુ અને એક સામાન્ય જર્કથી ક્રિશ જાગી ગયો. ઘડીભર પોતાને આ સમયમાં પાછો આવેલો જોઇ તે વિસ્મયમાં રહ્યો. એક મહાન વિભૂતિ અને રીયલ ઇન્ડિયન જેમ – રત્ન એવા ડૉ.આંબેડકરને પોતાની નજર સમક્ષ નિહાળવાનો એક અલગ રોમાંચ તેનામાં હતો. મુંબઈ એરપોર્ટે ઉતરી દેશને વધુ નજીકથી જાણવા રેન્ટેડ કારને બદલે સેન્ટ્રલ મુંબઇ રેલવેસ્ટેશનેથી 17:50 કલાકે સહ્યાદ્રી એક્સપ્રેસમાં 12 કલાક 15 મિનિટ મુસાફરી કરી ક્રિશ સાહુ મહારાજ ટર્મીનસ, કોલ્હાપુર પહોંચ્યો..! હોટેલમાં પૂરતો રેસ્ટ કરી ક્રિશ ડૉ.આંબેડકરની હયાતી સમયે 1950માં તૈયાર કરેલ તેમનું પ્રથમ સ્ટેચ્યુ નિહાળવા કોલ્હાપુરના બિંદુ ચૉક પહોંચ્યો. સમગ્ર વિશ્વભરમાં જેમના નામ પર સૌથી વધુ સંખ્યામાં ગીતો અને પુસ્તકો લખાયા તેવા સમતા, સમાનતા અને સ્વતંત્રતા માટે જીવનભર ઝઝૂમનાર ‘બાબાસાહેબ’ના હુલામણા નામથી પ્રસિધ્ધ ભારતીય બંધારણના ઘડવૈયા, અર્થશાસ્ત્ર અને કાયદાના પ્રખર પંડિત, પ્રખર દેશભક્ત, અસ્પૃશ્ય અને મહિલાઓના મુક્તિદાતા, ભારતરત્ન ડૉ.ભીમરાવ આંબેડકરનું માંદગીને કારણે 6 ડિસેમ્બર 1956ની વહેલી સવારે દિલ્લીમાં અવસાન થયું, પરંતુ ડૉ.આંબેડકરને હ્રદયમાં જીવંત રાખી મનથી સેલ્યુટ કરી ક્રિશ તેમના વિશે વધુ સ્ટડી કરવા અને તેમના જન્મસ્થળના દર્શન કરવા મધ્યપ્રદેશના મહુ ગામ જવા નીકળ્યો..!