ભુલાયેલા એક યોદ્ધાની વાર્તા Harsh Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભુલાયેલા એક યોદ્ધાની વાર્તા

ભુલાયેલા એક યોદ્ધાની વાર્તા

હર્ષ મહેતા

2 એપ્રિલ, 2011 નો એ દિવસ છે.આજના દિવસે કંઈક અવિસ્મરણીય બનવાનું છે, કેટલાય લોકો ઘણા દિવસોથી આ આશા સેવી રહયા છે! ધીમે ધીમે એ અતુલ્ય સમયના સાક્ષી બનવા માટે 'માયાવી નગરી-મુંબઈ'માં જનમેદની ઉભરાતી જાય છે. લોકો દૂર-દૂરથી અલગ અલગ માધ્યમો દ્વારા અહીં પહોંચવા માટે ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે. જે લોકો અહીં કોઈ હિસાબે નહીં પહોંચી શકે એવી ખાતરી કરી ચૂકેલ છે એ થોડા-ઘણા નિરાશ થઈ ગયા છે. શહેરમાં ક્શું અઘટિત ન બને એ માટે સુરક્ષા-દળો આગળના દિવસની સાંજથી જ કામગીરી કરી રહયા છે. રાત સુધી તો આખું મુંબઈ જાણે કોઈ દિવ્ય લોક સમું બની ગયું હોય એમ ઝગમગાટ લાઈટોથી સજાવી દેવાયું છે. ઠેર ઠેર પોસ્ટરોમાં આપણા એ 16 વીર યોદ્ધાઓના ચહેરા નજરે પડે છે.

ધીમે ધીમે એ આહલાદક ઘડી નજીક આવતી જાય છે. બસ, 7/8 કલાકના યુદ્ધ પછી એ ખબર પડી જવાની છે કે આખો દેશ એ રાતે નાચશે, ગાશે કે પછી નિસાસો નાખીને સુઈ જશે ! કંઈ કેટલાય મહિનાઓની મહેનત, કંઈ કેટલાય લોકોના પરિશ્રમના આજે પારખાં થવાના છે. એ 16 યોદ્ધાઓના ઘરોમાં તો કેટલીય માનતાઓ, પૂજા-અર્ચના, યજ્ઞો ચાલુ થઈ ગયા છે. એ યોદ્ધાઓ પોતાનું જોર બતાવી એક અતુલ્ય ઈનામ દેશને અપાવશે કે નહિં એની ચિંતામાં લગભગ આખો દેશ ડૂબેલો છે. વિવિધ જાણકારોના મંતવ્યો લેવા કેટલીય ન્યૂઝ-ચેનલોએ આમંત્રણ આપી દીધેલ છે. પોતાને સર્વજ્ઞાતા સમજતા લોકોતો એકાદ અઠવાડિયાથી ભવિષ્યવાણી / ફેંકાફેંક કરી રહ્યા છે, જોકે આજે તેમની ભવિષ્યવાણી સાચી પડે એ માટે તેઓએ પણ વિચારીને જવાબ આપવાનું નક્કી કર્યું છે. દુનિયાભરના સટ્ટોડિયાઓ હિસાબ લગાવી રહ્યા છે કે બીજી વાર આ શિખર સજ કરવાના આપણા કેટલા ચાન્સ છે !

જો સેટેલાઇટ દ્વારા નજર કરવામાં આવે તો સહેજે જોઈ શકાય કે વિનોદ માંકડ રોડ પર મુંબઈની મોટાભાગની વસ્તીનો ધસારો થઈ રહ્યો છે, એટલે ચર્ચગેટ વિસ્તારમાં સવારથીજ ચક્કાજામ થઈ ગયું છે. લોકો એ દિવસે ખાસ રજા રાખીને આ યુદ્ધ નિહાળશે એવું મનોમન નક્કી કરી ચુક્યા છે. હવે રાત સુદ્ધિ ઇન્તેજાર થઈ શકે એમ નથી. છતાંય જેટલો લાંબો ઇન્તેજાર તેટલો વધુ રોમાંચ એ ન્યાયે ગમે એમ એક-એક પળ વીતી રહી છે. કેટલાય મહાનુભાવો, બોલીવુડની હસ્તીઓ, ઉદ્યોગપતિઓ તથા રાજનેતાઓને આમંત્રણ અપાઈ ગયું છે.

હવે, બસ યુદ્ધની ઘોષણા થઈ ગઈ છે. બને દેશો પોતપોતાના રાષ્ટ્રીય ગીતો દ્વારા પોતાના વ્હાલા દેશને સલામી આપી રહ્યા છે. આજે 'ઈસપાર યા ઉસપાર ના જંગ વચ્ચે પણ કોઈ યોદ્ધાના ચહેરા પર ડર કે ભીતિ નથી ; જો હારશું તો બહુ બદનામી થશે,પણ જો જીતી જશું તો ! આ વાત વિચારતા જ બધાના રોમેં-રોમમાં એક અદભૂત વીજળી દોડી ઉઠે છે. જોતજોતામાં હવે એ મહા-યુદ્ધ શરૂ થઈ જાય છે..... (ઉપર્યુક્ત વર્ણન કર્યા પછી,દરેક ખેલ-પ્રેમી સમજી જ ગયા હશે કે અહીં ભારત તથા શ્રીલંકા વચ્ચે રમાયેલ વર્લ્ડકપ 2011ની ફાઈનલ મેચની વાત કરવામાં આવી રહી છે, જે વાતને આજે લગભગ 7 વર્ષથી વધુ સમય થઈ ગયો છે.)

- એ વર્લ્ડકપ પોતાની રીતે બહુ બેમિસાલ / અજોડ હતો. 10 મુખ્ય દેશો તથા 4 એસોશીએટ દેશો સાથે એ મુકાબલો ભારત, શ્રીલંકા તથા બાંગ્લાદેશ એમ ત્રણ દેશોના સહિયારા પ્રયાસોથી એશિયામાં રમાવાનો હતો. જેની ફાઇનલમાં પણ બે એશિયાઈ ટીમો આવી હતી. ભારત પહેલી મેચથી જ એક ચેમ્પિયન તરીકે રમ્યું હતું. સાઉથ આફ્રિકા સિવાય બધાં દેશો સામે ભારતે જીત મેળવી હતી( ઇંગ્લેન્ડને બાદ કરતાં,કેમકે એ મેચ ટાઈમાં પરિણમી હતી.)

- જો ભારતની વાત કરીએ તો ગૌતમ ગંભીર, વીરેન્દ્ર સેહવાગ તથા સચિન તેંડુલકરની તિકડી, સુરેશ રૈના તથા યુવરાજસિંઘ જેવા અનુભવી બેટ્સમેન, 'દૂસરા' પ્રકારની નવી બોલિંગ સ્ટાઇલ ઈજાદ કરનાર હરભજન સિંઘ તથા શ્રીસંથ, ઝહીર ખાન, મુનાફ પટેલ જેવા બોલરો હતા. દુનિયાના સર્વશ્રેષ્ઠ વિકેટ-કીપરો પૈકી એક એવા મહેન્દ્રસિંહ ધોની જેવા આગેવાનની કપ્તાની હેઠળ આ જંગ ખેલાવાનો હતો. બીજી તરફ શ્રીલંકામાં પણ સિતારાઓની કમી ન હતી; સૌથી લોકપ્રિય વિકેટકીપરોમાં જેનું નામ નિઃશંક સૌથી ઉપર જ આવે એવા કુમાર સંગકારા પાસે દિલશાન, સમરવીરા, કપુગેદરા જેવા ધૂંઆદાર બેટ્સમેન, સ્ટાર ખેલાડી મહેલા જયવરદને, તેમજ કુલાસેકરા અને પરેરા જેવા ઓલ-રાઉન્ડર્સ હતા. ગમેં ત્યારે મેચને પલટાવી નાખે એવા મુરલીધરન તથા મલિંગાની તો વાત જ ન થાય ! આમ, ખેલ બરાબરીનો થવાનો હતો. લોકોની ભાવનાઓ એટલી હદે હતી કે ટોસ- સમયે જ્યારે કુમાર સંગાકારાએ હેડ્સનો કોલ આપ્યો ત્યારે રેફરીને લોકોના અવાજ વચ્ચે એ ન સંભળાયો તથા ફરીથી ટોસ ઉછાળવો પડ્યો.

- અહીં,આખી ફાઇનલ મેચનું વર્ણન હું નહીં કરું કેમકે એ દ્રશ્યો તો બધાને યાદ જ હશે. ફેસબૂક,ઈંસ્ટાગ્રામ વગેરેમાં પણ જયારે એ મેચ આવે ત્યારે હાઈલાઈટ્સ જોવાનું આપણે ચૂકતા નથી.

- આપણે જાણીએ છીએકે વર્લ્ડકપ ફાઇનલમાં શું થયું : ગૌતમ ગંભીર તથા મહેન્દ્રસિંહ ધોનીની ધમાકેદાર બેટિંગને કારણે આપણે 10 બોલ બાકી રાખીને 275 નું એ લક્ષ્ય આંબી લીધું. વાનખેડે સ્ટેડિયમમાં એ ઘટનાના સાક્ષી લગભગ 40,00 લોકો બન્યા ! ટી.વી.,રેડિયો પર કેટલાય કરોડો લોકોએ આ ઘટના જોઈ/સાંભળી. કુલાસેકરાના એ લેંથ બોલ પર લોન્ગ ઓન પર ધોનીનો એ વિનિંગ સિક્સ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયો.

- રવિ શાસ્ત્રી ના એ અવાજમાં " ધોની ફિનિશસ ઓફ ઈન સ્ટાઈલ, ઈન્ડિયા લિફ્ટ ધી વર્લ્ડકપ આફ્ટર 28 યર્સ......." આપણે જેટલીય વાર સાંભળ્યું ત્યારે ત્યારે એ દ્રશ્યો તાજા થઈ ગયા . ( અહીં એક સંદર્ભ એ પણ આપું છું કે રવિ શાસ્ત્રીના અવાજમાં આપણે 2007માં પણ આવું જ કંઈક સાંભળ્યું હતું જ્યારે ઈન્ડિયાના જ એક પ્લેયરે ઇન્ટરનેશનલ ટી-20માં એક વર્લ્ડરેકોર્ડ નોંધાવ્યો હતો.)

- ભલે, ધોની એ સિક્સથી દુનિયા આખીમાં છવાઈ ગયો,પણ 'મેન ઓફ ધ સિરીઝ' બનેલા યુવરાજ-સિંઘે દેશ માટે લડી રહેલા કોઈ સૈનિક જેટલીજ નિષ્ઠા દાખવી. યુવરાજ સિંઘના એક ચાહક તરીકે મેં જેટલીય વાર એ મેચ જોઈ ત્યારે મને એ વિચાર આવ્યો કે - જ્યારે ધોનીએ એ સિક્સ ફટકાર્યો ત્યારે બીજે છેડે ઉભેલા એ યુવરાજ સિંઘના મનમાં શું ચાલી રહ્યું હશે ? જ્યારે કોઈ પ્લેયરે આખી ટુર્નામેન્ટમાં બહુ ધમાકેદાર પ્રદર્શન કર્યું હોય, ટુર્નામેન્ટની ફાઈનલમાં જ્યારે પોતાની ટિમ પહોંચી ગઈ હોય, જ્યારે પોતે બેટિંગ પર હોય,જ્યારે ટીમ જીતની નજીક હોય ત્યારે એ ચાહે છે કે એ જ વિનિંગ શોટ ફટકારીને ટીમને જીત અપાવે; પણ આ તો યુવરાજ સિંઘની ખુદારી જ હશે કે જયારે ધોનીએ એ સિક્સ ફટકાર્યો ત્યારે અણગમા કે ગુસ્સાની બદલે ભાવનાઓના રૂપે અશ્રુઓની ધાર હતી ! ધોનીને સામેથી જઈને ગળે મળ્યા પછી એ ખિલાડીનું સ્વપ્ન આજે પૂરું થયું હતું. યુવરાજ સિંઘે આ ટુર્નામેન્ટમાં 362 રન ( 4 અર્ધસદી તથા 1 સદી) તથા 15 વિકેટ લીધી હતી, જે એક 3 ડાઉન કે 4 ડાઉન બેટ્સમેન તેમજ પાર્ટ-ટાઈમ બોલર માટે શ્રેષ્ઠ પ્રદર્શન કહી શકાય. ( જોકે, યુવરાજ સિંઘ જેવા પ્લેયર કે તેના ચાહકો માટે આ આંકડાનું કોઈ મહત્વ નથી, પણ આંકડાપ્રેમી ટીકાકારો માટે અહીં એ જરૂરી બની જાય છે.) ભલે, 2011નો એ વર્લ્ડકપ વીરેન્દ્ર સેહવાગની પાવર હિટિંગથી શરૂ થઈને ધોનીના એ સિક્સ સાથે પૂરો થયો હોય પણ એ વર્લ્ડકપમાં સૌથી ઉચ્ચ સ્તરનું પ્રદર્શન 'યુવરાજ સિંઘ'નું જ હતું એ પ્રદર્શન પરથી કહી શકાય.

- ડ્રેસિંગરૂમમાંથી દોડતા બધા પ્લેયર્સને એક પછી એક વટાવીને જ્યારે ક્રિકેટના ગોડ-સચિન તેંડુલકરનો ચહેરો દેખાયો ત્યારે ફરી એક વખત એ અશ્રુઓની ધાર ચાલી. "ધીસ ઈસ ફોર યુ, સચિન પાજી!!" જેવા મહાન શબ્દો યુવરાજ-સિંઘે સચિનને સમર્પિત કર્યા. સચિન પણ બહુ પ્રેમથી યુવરાજને વળગી પડયા. થોડીજ વારમાં બધા પ્લેયર્સે નક્કી કર્યું કે જે ખિલાડીએ 20-22 વર્ષ સુધી ઈન્ડિયન ક્રિકેટનો ભાર ઉપાડ્યો એ ખિલાડીને બસ થોડી વાર પોતાના ખભે ઉપાડી લઈએ : સચિન તેંડુલકરને ખભે ઉપાડી આખા ગ્રાઉન્ડમાં વિજયયાત્રા કાઢવામાં આવી. એક સચિનના ફેન તરીકે આ દ્રશ્ય સૌ કોઈ માટે સ્વર્ગસમું હશે પણ જો મારો વ્યક્તિગત મત લેવાય તો એ અરસામાં ખરા અર્થે યુવરાજ-સિંઘે આખા વર્લ્ડકપનો ભાર પોતાના ખભે ઉપાડી લીધો હતો, એટલે ખરેખર સચિનની જગ્યાએ યુવરાજસિંઘને એ સ્થાન માટે યોગ્ય ગણી શકાય.

- દેશપ્રેમ દર્શાવતું બીજું ઉદાહરણ વર્લ્ડકપ પછી જોવા મળ્યું.યુવરાજ સિંઘની બાયોગ્રાફી બહાર પડી . આ બાયોગ્રાફીને મારા ને તમારા જેવા કેટલાય ચાહકોએ એકી બેઠકમાં વાંચી, પણ હર્ષા ભોગલેએ એ બૂક વિશે બહુ માર્મિક ટિપ્પણીઓ કરી. (જેમાનું કેટલુંક અહીં રજૂ કરું છું તેમના જ શબ્દોમાં " એવું બહુ ઓછું બને છે કે કોઈ ક્રિકેટર બાયોગ્રાફી લખેને એ વાંચીને સારી લાગે. બાયોગ્રાફી કંટાળાજનક, સંદર્ભ વિનાની તથા ફક્ત આંકડાકીય લાગે, પણ હમણાં હમણાં જ યુવરાજ સિંઘની બાયોગ્રાફી મેં વાંચી છે. ભારત વર્લ્ડકપના ખિતાબથી થોડે જ દૂર હતું ને યુવરાજ સિંઘને એક મેચ દરમિયાન લોહીની ઊલટીઓ થવા માંડી હતી. પાછળથી ખબર પડી કે એક 15 સેમી ×11 સેમી ×13 સેમીની કેન્સરની ગાંઠ એના ફેફસા તથા ધમની વચ્ચે વધી રહી હતી. એ સુઈ શકતો ન હતો, એ શ્વાસ લેવામાં ભારે મૂંઝવણ અનુભવતો હતો, પણ એ 'મેન ઓફ ધી મેચ'ના એવોર્ડ જીતી રહ્યો હતો ! ડૉક્ટરોએ તો એકવાર એમ પણ કહી દીધું હતું કે તું હાર્ટ-એટેકથી મરી શકત અને કોઈને ખબર પણ ન પડત કે તને કેન્સર હતું!

- આ બાયોગ્રાફીને બે રીતે વાંચવી પડે : પહેલી રીતે એક ખેલાડીની દ્રષ્ટિએ કે એ ખિલાડી કેટલી અવઢવમાં હશે કે કદાચ એક ખરાબ ઘટના તેના આખા જીવનને/ એની રમતને છીનવી લેશે.

બીજી રીતમાં એ વ્યક્તિની દ્રષ્ટિએ કે જે સામાન્ય છે, તથા એ એવી વસ્તુ સામે લડી રહ્યો છે, જેને એ જોઈ શકતો નથી. એને ખબર નથી કે આગળ શું થવાનું છે, એ એની રમતને ભરખી જશે કે એના જીવનને ભરખી જશે ?

- જયારે આપણે બીજા વિશે લખીએ છીએ ત્યારે બહુ જલ્દીથી શબ્દો મળી આવે છે, પણ યુવરાજ સિંઘની સ્ટોરીને હું મારી સાથે સાંકળી શકું છું - જો મારી સાથે આવું કંઈ થયું હોત ? મારા કોઈ પરિજન સાથે થયું હોત તો ? હું શું કરી શકત ?

- શું વર્લ્ડકપ મળ્યાની રાતે જ એવા પણ ફોટા જોવા મળત કે 5/6 પ્લેયર વર્લ્ડકપ જીત્યાના આનંદમાં, થાકીને ગ્રાઉન્ડમાં જ સુતેલા યુવરાજ સિંઘની ઉપર પડાપડી કરે છે ને એને હટાવવા માટે યુવરાજ બહુ પ્રયત્ન કરી રહ્યો છે !

- અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ એ મેચ જીત્યા પછીનું રુદન જે યુવરાજ સિંઘે ભાવાવેશમાં કર્યું હતું શું એ હવે કયારેય જોવા નહીં મળે !

  • - કેમ સચિન તેંડુલકર માટે યુવરાજ સિંઘ આટલું મોટું જોખમ ઉપાડી રહ્યો છે !
  • - આ બાયોગ્રાફીની સૌથી મહત્વની વાત એ છે કે અહીં બધું બહુ પ્રામાણિકતાથી લખવામાં આવ્યું છે .બહુ વ્યક્તિગત વાતો જેમકે યુવરાજ સિંઘના માતા-પિતા છુટા પડયાનું ટેન્શન, લાંબા સમયે એમાંથી છુટકારો, એ બધાની એના તથા એના નાના ભાઈ પર અસર વગેરે વાંચતાજ તાદૃશ થઈ જાય છે. અહીં એ ઘટનાનો પણ ઉલ્લેખ છે જેમાં એના પિતા યોગરાજ સિંધે વધુ રન ન બનાવ્યાનો ગુસ્સો ઠાલવતા દૂધથી ભરેલ ગ્લાસ યુવરાજ સિંઘ તરફ ફેંક્યો હતો. વળી, એ ઘટનાનો પણ ઉલ્લેખ છે કે ક્વાર્ટર ફાઈનલ દરમીયાન એના પિતાએ એણે "Play straight, Down the ground " એવી સલાહ આપી હતી.
  • - અહીં એવી દરેક હૃદયદ્રાવક વાતોનો ઉલ્લેખ છે, જે કોઈ કેન્સરના દર્દી પર વીતે છે.એ કરુણ માંદગી સામે યુવરાજ સિંઘે કરેલું યુદ્ધ બહુ બહાદુરી તથા સહજતાથી વર્ણવ્યું છે. અહીં એ ડોકટરની પણ વાત છે જેને બહાદુરીપૂર્વક યુવરાજ તથા એના પરિવારને કેન્સરની વાત કહી દીધી હતી. અહીં એ વ્યક્તિની વાત છે જે કેન્સર સામે એક્યુપંચરથી લડી રહ્યો હતો. અહીં એ માની વાત છે, જેણે બધું છોડીને યુવરાજ સિંઘની સાર-સંભાળ લીધી હતી જેને કારણે એને બીજો જન્મ મળ્યો હતો. જો તમે બહુ કઠોર કે લાગણીહીન હો તો જ એની માતા શબનમ સિંઘની વાતોથી નહીં પીગળો.
  • - આ ઉપરાંત લોકલાડીલા યુવરાજ સિંઘના ચાહકોનું અહીં બહુ જબરદસ્ત યોગદાન હતું એમ કહી શકાય.એવા લોકો કે જેમણે યુવરાજ માટે દુઆઓ માંગી, ફૂલ/ગુલદસ્તા મોકલાવ્યા, સામાન્ય મણસોકે જેમને તેના ખોરાક/પાણીની વ્યવસ્થાઓ કરી, એ બધા લોકોની આ વાત છે.
  • - આ બાયોગ્રાફીના જ માધ્યમે તમને ભારતીય ક્રિકેટની અંદર વધુ ઊંડા ઉતરવાનો મોક્કો મળશે. એ ટ્રેનરો ને પણ કેમ ભૂલી શકાય કે જેઓએ પોતે આરામ ન લીધું તથા યુવરાજ સિંઘને પણ લેવા દીધું નહીં . એ બધા ડોકટરો વિશેની વાત પણ છે કે જેમને 4-4 વાગ્યે ઉઠીને યુવરાજ સિંઘને દવા-ગોળીઓ આપીને વ્યવસ્થિત ઊંઘ લેવા માટે મજબૂર કર્યા. આમ, ભારતીય ક્રિકેટની સપોર્ટ સિસ્ટમ બહુ જબરદસ્ત હોવાની યુવરાજ સિંઘે વાત કરી છે. અહીં યુવરાજ સિંઘ એ પણ વાત સ્વીકારે છે કે - ક્રિકેટની બદલે બીજી કોઈ રમતના ખેલાડીને આ બધી વ્યવસ્થાઓ ન મળી હોત.
  • - ભારતીય ક્રિકેટ તથા તેના ખેલાડીઓના જીવનને હમેશા ઠાઠ-માઠ, ભપકા, વૈભવ તથા ભૌતિકતાની દ્રષ્ટિએ જોવામાં આવ્યું છે, પણ યુવરાજ સિંઘની બાયોગ્રાફી વાંચીને તમારા વિચારો થોડા-ઘણા જરૂર બદલાશે." )
  • - આ બધું તો ઠીક પણ એ પછીના 7 વર્ષોમાં શું થયું ? શું યુવરાજ સિંઘના ચાહકો ઘટ્યા કે પછી બમણો વધારો થયો ?
  • - નિરાશાભર્યા સ્વરે એ કહેવું પડે કે આપણે કયાંક એ સર્વશ્રેષ્ઠ ખેલાડીને મહત્વ આપવાનું ભૂલી ગયા !બહુ વધારે અપેક્ષાઓના ભાર તળે યુવરાજ સિંઘની કારકિર્દીને દબાઈ જવું પડ્યું. કેન્સરથી પરત ફરેલા યુવરાજે ટીમમાં પોતાની જગ્યા બનાવવાની બહુ કોશિશો કરી, પણ એ જગ્યા નિયત ન કરી શકયા . કયારેક ફોર્મ તો કયારેક ટીમની અંદરો-અંદરના ઝઘડાઓને કારણે કેટલીય વાર ટીમની બહાર બેસવું પડ્યું. જોકે, આ સમયમાં પણ યુવરાજે કેટલાક શાનદાર કમબેક સ્કોર કર્યા :
  • 1. કેન્સરમાંથી સાજા થયા પછી તુરતની મેચો :
  • - ફેબ્રુઆરી, 2012 સુધીતો ડોકટરો એમ કહેતા હતા કે હવે ક્રિકેટ રમવું યુવી માટે અશક્ય છે; પણ આ તો યુવરાજનું મહાન મનોબળ જ હશે કે નવેમ્બરમાં ન્યુઝીલેન્ડ સામે સિરીઝમાં એમને સ્થાન મળ્યું.
  • - આ મેચમાં ધમાકેદાર 34 રન બનાવીને તેઓ ટીમને જીતની બહુ નજીક લઈ ગયા.
  • - યુવરાજ સિંઘ ક્રિકેટમાં જોરદાર વાપસી કરશે એવું એના ચાહોકોને આ મેચ પછી લાગવા માંડ્યું.
  • 2. યુવરાજની એમના પ્રિય પ્રતિસ્પર્ધી ટીમ સામેની સિરીઝમાં કરેલ આતશબાજી
  • - કેન્સરમાંથી પરત ફર્યા પછી વર્લ્ડ T-20, 2014 સુધી તેઓ ટીમમાં આવ-જા કરતા રહ્યા. 2016માં રમાયેલી ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં તેમને સ્થાન મળ્યું . પહેલી બે મેચોમાં એમને રમવાનો મોક્કો ન મળ્યો પણ ત્રીજી વનડેમાં પોતાના ચમત્કારો દેખાડવાની તક મળી. ત્રીજી વનડેમાં એક ઓવરમાં 17 રનની જરૂર હતી.
  • - આજથી 10 વર્ષ પહેલાની વાત હોત તો એ રન આસાનીથી બનાવી શકાત પણ ઉંમર તથા કેન્સરની અસર પણ વર્તાતી હતી. જોકે, ચેમ્પિયન ખેલાડીને પરત ફોર્મમાં આવવા એક જ મેચની જરૂર પડે એમ યુવરાજ નામના સિંહે ફરી ત્રાડ પાડી.
  • - એન્ડ્રુ ટાઈની એ ઓવરના પહેલા જ બે બોલમાં એક સિક્સ તથા એક ચોકકા વડે મેચને પલટી નાખી. બાકીનું કામ સુરેશ રૈનાએ પૂરું કર્યું.
  • 3. ઈંગ્લેન્ડ સામે બનાવેલ યાદગાર શતક
  • - 2017, ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં ફરીથી યુવરાજે કમબેક કર્યું. પહેલી વનડેમાં જોકે,15 રનના મામૂલી સ્કોર પર આઉટ થયા પણ એ ઇનિંગ્સમાં મારેલ એક સિકસે ફરીથી જુના યુવરાજની યાદ અપાવી દીધી.
  • - સિલેક્ટર્સ તથા બધા ટીકાકારોને બેટથી જવાબ આપવાનું નક્કી કરતા યુવીએ 150 રન દ્વારા પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપ્યું.

  • આમ, ઘણીવાર એ સિતારાએ કહી દીધું કે એનું સ્થાન જમીન પર વિખરી જવામાં નહીં, પણ ઊંચે આકાશમાં જ છે.
  • જયારે હું આ લખી રહ્યો છું ત્યારે ભારત ઈંગ્લેન્ડના પ્રવાસે છે, હાલના સમયમાં યુવરાજ સિંઘનું સ્થાન ટીમમાં ક્યાંય બોલાતું નથી એ દુઃખદ છે. 2019 ના વર્લ્ડકપને શરૂ થવામાં બસ થોડા જ મહિનાઓ છે તો જોવું એ રહ્યું કે શું એ યોદ્ધા ફરીથી યુદ્ધ જીતાડી શકશે કે નહીં ? જોકે, અહીં ખરો પ્રશ્ન એ છે કે એ યોદ્ધાને યુદ્ધમાં જવાનો મોક્કો મળશે કે નહીં ?
  • જો મારા જેવા બધા ચાહકોની લાગણીઓને ધ્યાનમાં લેવામાં આવે તો અમને 100% ખાતરી છે કે યુવરાજ સિંઘ વગરનો વર્લ્ડકપ ફટાકડા વગરની દિવાળી જેવો થઈ જશે !
  • જોકે, ટીમ ઈન્ડિયા યુવરાજ વગર પણ સારું પ્રદર્શન કરી રહી જ છે ને આમેય કોઈના વગર કોઈનું અટકતું નથી ; પણ મને, તમને ને બધાને એ પોઈન્ટ પર ફિલ્ડિંગ કરતા તથા ગુસ્સામાં જ એક ઓવરમાં 6 છક્કા મારતા યુવરાજને જોવાની ઈચ્છા તો મનોમન છે જ.
  • ***