Asatyana Prayogo - 12 books and stories free download online pdf in Gujarati

અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા ) 12

ઇતિ સિધ્ધમ :: “રોંગ નંબર”

આટલા ઉધામા પછી જે ‘સત્ય” મને સમજાયું છે, એ આ એક પાનાનું જ છે આમ તો.

મોબાઈલ ટેકનોલોજી અને આપણા જીવનની કુદરતની ટેકનોલોજીના વિજ્ઞાનમાં મને બહુ સામ્ય લાગે છે.

માણસનું શરીર એ મોબાઈલ ઇન્સટ્રુમેન્ટ છે એમ માની લઈએ. મોબાઈલ ઇન્સટ્રુમેન્ટની બેટરીની જેમ આપણે પણ દરરોજ રાત્રે ઊંઘમાં ચાર્જ થવું પડે છે.

શરીર નામના આ મોબાઈલ ઇન્સટ્રુમેન્ટમાં સીમકાર્ડ નામનો આત્મા ઇન્સર્ટ થાય તો જ એ એક્ટીવેટ થાય, જીવંત થાય. સીમકાર્ડ વગર મોબાઈલ એ આત્મા વગરનું ડેડબોડી છે. મોબાઈલ ગમે એટલો મોંઘો હોય, ગમે તે કંપનીનો હોય, પણ સીમકાર્ડ તો બધાના સરખા જ છે. શરીર, દેખાવ, નાત, જાત, ગમે તે હોય ‘આત્મા” તો બધાનો એક સરખો જ છે. અને કામ પણ શરીરને ચેતન ઉર્જા આપવાનું, એક સરખુંજ કરે છે. મહત્વ સીમકાર્ડનું છે, મોબાઈલનું નહી. મોબાઈલતો સીમકાર્ડ એક્ટીવેટ કરવા માટેનું એક સાધન માત્ર છે.

જેમ મોબાઈલ સીમની તમને એક ફ્રિકવન્સી, એક ચોક્કસ નંબર ફાળવવામાં આવે છે. એમ તમારા પૂર્વજન્મના કર્મોના હિસાબ પ્રમાણે તમને એક નામ-પરિવાર-ઓળખ મળે છે. હવે આ ઓળખ પર ...જેમ ઇનકમિંગ કોલ પર કોઈ ચાર્જ નથી. પણ એને જવાબ આપો રીસીવ કરો તો ચાર્જ લાગે. પણ આઉટ ગોઇંગ પર તો લાગે જ. એમ કર્મ કે ભાગ્ય બળે આવતા ઇનકમિંગ સંજોગો પર તમારું કોઈ નિયંત્રણ નથી. પણ એનો પ્રતિભાવ કેવો અને કેટલો આપવો – ઇન કમિંગ કોલ રીસીવ કરો - એના પર અને તમે કોને આઉટ ગોઇંગ કેટલા અને કેવા કરો છો એના પર – એટલે કે આઉટ ગોઇંગ કર્મો પર તો તમારું નિયંત્રણ છે જ. અને એ મુજબ પ્લસ માઈનસ થઈને તમારા સીમકાર્ડના વપરાશનું બીલ આવે એમ જ તમારાં કર્મોના લેખાં જોખાં પણ બને છે. એસએમએસ, એસટીડી, ઈંટરનેશનલ, નેટસર્ફિંગ, ડાઉનલોડ ...એમ જુદાજુદાં કર્મોનો એના ભાવ / રેટ કાર્ડ પ્રમાણે તમારા સીમકાર્ડનું બીલ કુદરતના કોમ્પ્યુટર પર સતત બનતું જ રહે છે. જેને આપણે કર્મ બંધન કહીએ છીએ.

જેમ મોબાઈલ ઇન્સટ્રુમેન્ટ બદલાય પણ સીમકાર્ડ પરનો નંબર અને બિલનું એકાઉન્ટ એ જ રહે છે. એમ એક શરીરના મૃત્યુ બાદ શરીર ભલે બીજું બદલાય, પણ કર્મોના હિસાબનું બીલ તો એ સીમકાર્ડ નાખતાંની સાથે જ એક્ટીવેટ થાય, એમ શરીરમાં જીવ/આત્મા આવતાંજ પૂર્વ કર્મનો હિસાબ પણ એક્ટીવેટ થાય છે. અને એ જ જન્મની ઓળખ / કુંડળી બને છે. માણસ /ઇન્સટ્રુમેન્ટ અવસાન પામે પણ સીમકાર્ડ / આત્મા તો એ જ રહે અને એની સાથેનો હિસાબ પણ એ જ રહે.

સીમકાર્ડ ત્યારેજ ડીએક્ટીવેટ થાય જયારે એનો હિસાબ ઝીરો થાય. એમ આત્માને ત્યારેજ મુક્તિ મળે, જયારે કર્મબંધનથી મુક્ત થવાય. હિસાબ ઝીરો થાય.

સહેલાઈથી સમજાય એવું છે ને ? .. હવે તમારા મોબાઈલમાં “ટ્રુ કોલર” નામની સમજણની એપ્લીકેશન હોય, તો તમને તરત ‘સ્પામ” કોલની જાણ થાય અથવા અજાણ્યો નંબર કોનો અને ક્યાંથી છે, એની ખબર પડે, એમ આ પ્રકૃતિના સંકેતની સમજણ પણ “ટ્રુ કોલર” એપ જેવી છે. જે તમને આ ફોન રીસીવ કરવો કે નહી, એની માહિતી આપે છે.

જેમ દરેક કોલ પછી કેટલા મિનીટ વાત કરી એનો રેકોર્ડ હોય, એમ દરેક કર્મ પાછળ એનો રેકોર્ડ નોંધાઈ જ જાય, કે કેવા ભાવ સાથે કર્મ કર્યું ? પ્રેમથી રાજી થઈને કર્યું કે રાગ-દ્વેષથી કર્યું કે ધિક્કાર કે ક્રોધ સાથે કર્યું વગેરે.

જેમ સીમકાર્ડ અને ફોનની મેમરી હોય છે, એમ આપણા ચિત્તમાં પણ સ્મૃતિઓનું ફોલ્ડર હોય છે. જેટલું ફોલ્ડર વધારે ભરેલું, એટલી ફોનની કાર્યક્ષમતા ઓછી. એમ સમયાન્તરે મગજમાંથી સ્મૃતિઓના ફોલ્ડરને ખાલી કરતાં રહેવાથી જીવનના સંઘર્ષ ઓછા રહે છે.

જરૂર હોય છે, આઉટગોઇંગમાં આધ્યાત્મ, ધ્યાન, ભક્તિ, ક્ષમા, કરુણા, નિષ્ઠા, પ્રમાણિકતા, સત્ય, અહિંસાના સાચા નંબરો ડાયલ કરવાની. સંસારના અને ગેરસમજના રોંગનંબર વિના કારણ બિલ વધારે છે.

સમજણ સાથેના ઉપયોગથી મોબાઈલનું બીલ ઓછું આવે એમ જીવનમાં પણ ‘સત્ય-અસત્ય’ની સમજણ સાથે જીવન વપરાય, તો હિસાબ કપાતો જાય છે.

પિક્ચર અભી બાકી હૈ

આમતો, જીવનમાં અત્યાર સુધી ઈશ્વર બે ડગલાં આગળ રહીને બધું ગોઠવતો જ ગયો છે જાણે...

ડીપ્લોમાં એન્જીન્યરીંગમાં માઈમનું વર્કશોપ એટેન્ડ કરવું, વડોદરા નોકરી મળવી અને બે વર્ષે એ જ વર્કશોપના ગુરુ નું પરફોર્મિંગ આર્ટ ફેકલ્ટીમાં એડમીશન માટે કામ આવવું.

એ માઈમ વર્કશોપમાં થયેલી ઓળખાણ ને આધારે થોડાંક વર્ષો પછી દૂરદર્શનની નોકરી મળવી. વગેરે .... જાણે પૂર્વ આયોજિત હોય એમ અગાઉથી સંપર્કો થઈને ગોઠવાયે જાય છે.

હવે ૫૪ વર્ષે, તકદીર મુંબઈ લઇ આવી છે. મુંબઈ સેટલ થવું હોય એટલે ડીપોઝીટ, ભાડું, સામાન ટ્રાન્સફર વગેરે ઘણું ખર્ચ થાય. પણ, કુદરતી જ દીપ્તીએ મિત્ર વર્તુળમાં તહેક્લ નાખી, એના મિત્રોની મદદ મળતી ગઈ, અને મુંબઈ આવી ગયા છીએ. જીવનની નવી ઈનીંગની શરૂઆત હવે થઇ રહી છે. નવા નવા અનુભવો, સંપર્કો, અનુભવો ની આતુરતા છે.

શક્ય છે, અંક બીજો – મુંબઈ ભવિષ્યમાં લખું. પણ અત્યારે તો અહી જ વિરમું છું.

અને છેલ્લે

શું તમને આ વાંચવા માટે આપેલો સમય યોગ્ય વપરાયો એમ લાગે છે ? શું તમને તમારાં જીવનના કોઈ પ્રસંગોના મારા જેવાં કે અન્ય અનુભવ થયા છે ? કે હવે એવું સમજાય છે ?

મને ખબર નથી તમે આ વાંચીને શું વિચારતા હશો ?

પણ ... ‘અસત્યના પ્રયોગો’ વિષે તો વિચારજોજ. નિર્ભય થવાશે.

મર્યાદિત અને શરતોને આધીન સત્ય ... ખરેખર તો મિથ્યા છે. અમર્યાદ સત્ય જ સત્ય છે.

સત્યની નજીક જવાથી જ પ્રકૃતિનો સાદ અને સંકેત સાંભળી અને સમજી શકાશે, એવું મારું તો ચોક્કસ માનવું છે.

જો વધુ માં વધુ લોકો આ સમજણ કેળવે તો શક્ય છે કે, પ્રકૃતિમાં પોઝીટીવીટી વધે.

આપણું જીવન અન્યને પણ અસર કરે છે. પરિવાર, બાળકો અને આસપાસના કે મિત્રો અને સહકર્મીઓ પર અસર કરે છે. અને એ રીતે સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં પણ પ્રત્યક્ષ કે પરોક્ષ અસર કરે જ છે. એ ધ્યાનમાં રાખીને, એ વિષે જાગૃત રહીને કેવું જીવવું એ આપણે પોતે નક્કી કરવાનું છે.

અને છેલ્લે ... મારી કેટલીક સ્વરચિત રચનાઓના “કવિ પ્રયોગો” માથે મારતો જાઉં છું. આ પ્રયોગ “સત્ય છે કે અસત્ય” એ અભિપ્રાય માટે અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો હક્કતો આપણા બંધારણમાં છે જ.

તમારા પ્રતિભાવો મોબાઈલ નંબર 9913900300

પર મોકશો, તો ગમશે જ.

અસ્તુ ...

***

દીપક અંતાણી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED