Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા ) - 8

દારૂબંધી :: માનો યા ના માનો

મારી પત્ની દીપ્તી ગ્રહ વગેરેમાં બહુ માને. મારા ગ્રહ મુજબ કોઈકે કહ્યું કે, મારે મદિરા સેવન ન કરવું જોઈએ. મદિરાનું એક ટીપું પણ વર્જ્ય છે. ”બસ... દીપ્તી મારી પાછળ પડી ગઈ ...’તારે એક ટીપું પણ લેવાનું નથી.”

“અરે પણ હું એવો દારૂડીયો નથી. પ્રસંગોપાત બે-ચાર મહીને એકાદ વાર અને ખાસ કરીને મુંબઈમાં મિત્રો સાથે કે પછી કોઈ અગત્યની મીટીંગના ભાગ રૂપ અને અમુક જ કંપનીમાં માપસર જ લઉં છું.”

“નહી એટલે નહી.. સહેજ પણ નહી....એક ટીપુંય નહી.”

“એવું તે કોઈ દિવસ હોય ? અમારા ફિલ્ડમાં એ શક્ય જ નથી.” મેં બહુ ગંભીરતાથી આ વાત લીધી નહી

- કટ ટુ -

માતાજીએ સાંભળ્યું હશે ?

૨૦૦૭માં મને બીજી ગુજરાતી ફિલ્મનું દિગ્દર્શન મળ્યું. નિર્માતાનો આગ્રહ અંબાજીનું નામ અને વાત ફિલ્મમાં આવે એવો હતો. મુહુર્ત પહેલાં બધાં અંબાજી દર્શને ગયાં. મેં વળી શું સુઝ્યું કે મનોમન મનમાં જ પ્રાર્થના કરી કે “માતાજીના નામની આ ફિલ્મ પૂરી થઈને રીલીઝ ન થાય, ત્યાં સુધી બને ત્યાંસુધી દારૂ નહી પીવું.” એટલે દીપ્તીને પણ શાંતિ થાય. અને આમેય અમદાવાદમાં જ શુટિંગ હતું, એટલે રાત્રે પેક-અપ પછી ઘરે જ નીકળી જવાનું રહેતું. પણ, બધું શુટિંગ પેક-અપ થયું ત્યારે સ્વાભાવિક ઉજવણીની પાર્ટી હતી. યુનિટ સિવાય પણ ઘણા મહાનુભાવો હતા. બધાની સાથે મારો પણ ગ્લાસ ભરાયો. મેં “ના” પાડી. તો બધાએ બહુ આગ્રહ કર્યો. સમગ્ર પાર્ટીનું ધ્યાન મારા તરફ આવતાં સંકોચ થયો અને “ઓકે . .. સહેજ ..” પણ મારો ગ્લાસ ભરવા બોટલ હાથમાં લેવાય એ પહેલાંજ નિર્માતાના પગની ઠોકરથી વ્હીસ્કીની બોટલ તૂટી અને ઢોળાઈ ગઈ...!! મને થયું “જોયું ? માતાજી રોકે છે.”

પણ... ત્યાં તો સ્પોટ બોયે ફટાફટ બધું સાફ કરી નાખ્યું અને “કઈ વાંધો નહી. બીજી છે .” કરીને બીજી બોટલ આવી. પણ ...બીજી બોટલ પણ લાવનારના હાથમાંથી છટકી અને તૂટી ગઈ.... !!

હવે, આને શું કહેવું ? શું માનવું ? ... મેં ત્યાં ઉપસ્થિત કોઈને કઈ કહ્યું નહી, પણ હું આ બાબતે વિચારે ચોક્કસ ચઢી ગયો. કે માનો યા ના માનો પણ મને રીતસર મારી પ્રાર્થનાનું પાલન કરવા, દારૂ પીતાં રોકવામાં આવી રહ્યો હોય એમ લાગે છે..

– કટ ટુ –

ખરેખર આ જ કારણ હોઈ શકે ? દારૂ પીવાને અને ભાગ્યને કે ગ્રહને કોઈ લેવા દેવા ખરી ?

૨૦૦૮ના મધ્યમાં ઈ-ટીવી ગુજરાતી ચેનલમાં મારા જાણીતા વ્યક્તિ સીનીયર હોદ્દા પર જોડાયા. મેં અભિનંદન સાથે કેટલાક સીરીયલના વિષયોની વન લાઈન્સ મોકલી. એમને “સરદારપટેલ” માં રસ પડ્યો અને વાત આગળ વધી. બે-ત્રણ મહિનામાં લગભગ બધું જ અંતિમ તબક્કા પર પહોંચી ગયું. માત્ર ચેનલ તરફથી લેખિત મંજુરીનો ફાઈનલ પત્ર આવવા પર હતો.

દરમ્યાન હું બીજાં કોઈ કામે મુંબઈ હતો. સાંજ પછી સાવ એકલો જ હતો અને કોઈ ક્રિકેટ મેચ હતી. એટલે રાત્રે જમવા ઉતર્યો ત્યારે મેચ જોતાં જોતાં એકાદ બીયર પીવાની ઈચ્છા થઈ, પણ રોકાયો, “ના પાડી છે અને આમે ય એકલો ક્યારેય ક્યાં પીઉં જ છું ?” ... પછી થયું . “.ચાલો વધુ એક પ્રયોગ કરી જોઈએ. બીયર પીએ. જોઈએ તો ખરા શું થાય છે.”

બીજે જ દિવસે સવારે ઈ-ટીવીથી ફોન આવ્યો કે, “બધું બરોબર છે, પણ આ તો બધી ભાષામાં દબ થશે. ઓલ ચેનલ સબ્જેક્ટ છે એટલે દિગ્દર્શક તો ચેનલ નક્કી કરશે.” વાત આખી આડે પાટે ફંટાઈ ગઈ. બધું સુલટાવવાના અને થોડું ઘણું જતું કરવાના પણ સ્વમાનના ભોગે પણ પ્રયત્નકર્યાં. મેં બાંધછોડ કરવાનું નક્કી કર્યું. પણ, એમાં ને એમાં ઘણો સમય પસાર થતો ગયો અને દરમ્યાન એ અધિકારીએ નોકરી છોડી દીધી અને પછી ક્યારેય એ પ્રોજેક્ટ થયો નહી. મને થયું....”આ પ્રયોગ તો ખરેખર મોંઘો પડ્યો. ઝેર ના પારખાં ના કરાય.”

આવા બીજા પણ થોડા ‘અસત્યના પ્રયોગો” થકી સિદ્ધ થયું અથવા માનવું જ પડ્યું કે, ”દારૂનું એકપણ ટીપું મારે માટે હિતાવહ નથી.”

વળી, ગાંધીજી તરીકે ભૂમિકા અને ઉત્તરોતર ચેનલહેડ, સીઈઓ જેવા સન્માનીય હોદ્દાને પણ આ શોભે નહી, એવાં બધાં કારણોસર પણ સાવ ઓછું તો થઈ જ ગયું હતું, પણ ..મને યાદછે ત્યાં સુધી ૧૫ ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજથી દારૂનો સદંતર ત્યાગ કર્યો. એક ટીપું પણ નહી.

એ પછી કશું સારું થયું કે નહી, એ તો ખબર નથી, કદાચ મિત્રો સાથેનું હળવામળવાનું અને એને કારણે કામ મળવાનું કદાચ ઓછું થઈ ગયું હશે. પણ મને ..

“હું ધારું તો કરી જ શકું.” એવો આત્મવિશ્વાસ બહુ કામ આવી રહ્યો છે. મન પર કાબુ કરવો ખુબ અઘરો છે. અને એ હું કરી શક્યો છું એનો અહમ પણ ખરો જ હો.

***