Asatyana Prayogo - 11 books and stories free download online pdf in Gujarati

અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા ) 11

સ્પષ્ટ ફિલ્મી સંકેતો હોઈ શકે ?

૨૦૧૫ – મેં ભાગીદારીમાં ફર્મ શરુ કરી. બધી ઓફિસની જેમ એક નાનકડાં મંદિરમાં ભગવાનના ફોટા અને દરરોજ ઓફીસ ખોલીને દીવો કરવાનો નિત્યક્રમ હતો. સામાન્ય રીતે ભાગીદાર જ દીવો કરતા. પણ હું નજીક રહેતો હોવાથી, વહેલો પહોંચું ત્યારે મેં દીવો કરવાની શરૂઆત કરી. પણ હું દીવો કરવા જાઉ તો દીવો પડી જ જાય. આવું એક-બે વાર નહી લગભગ સતત દસ દિવસ દરેક વખતે ગમે એટલું ધ્યાન રાખું તો પણ થતું. થોડા જ મહિનાઓમાં ઘણા તણાવ, ઉગ્ર ચર્ચાઓને અંતે છેવટે નુકશાની સાથે આ ભાગીદારી પૂરી થઈ. બોલો ..પ્રકૃતિનો સંકેત માનો કે ના માનો ?

આજ ફર્મમાં એક ફિલ્મના રીલીઝ રાઈટ્સ ખરીદવાનું નક્કી થયું. એડવાન્સ પણ ચૂકવાઈ ગયા અને બીજી રકમ ચુકવતી વખતે સ્ટેમ્પ પેપર પર એગ્રીમેન્ટમાં સહી કરવા માટે પેન ખોલી ત્યાં પાવર ફેઈલ થયો. લાઈટો ગઈ ..! હવે મને આ સંકેતો વિષે સમજાવા લાગ્યું હતું, એટલે મને પુરેપુરો ખ્યાલ આવ્યો કે કુદરત આ સહી કરવાની ના પડી રહી છે... પણ,... અડધી દાઢી થઈ ગઈ હતી ...એટલે પાછું વળવું અઘરું હતું. થોડીવારે લાઈટ આવી એટલે સહી કરી. ....

એ પછી બધી વાત લંબાણે પડી. ધાર્યા મુજબનું થયું નહી. ફાયનાન્સીયલ પાર્ટનરે કહ્યું પણ ખરું ..” પચ્ચી આપી ડીએ, નુકશાન હું ભોગવી લઈશ.” તો ય આ સ્પષ્ટ સંકેત ના સમજાયો.

આ લખાય છે ત્યાંસુધી, હજી ...આ કરારની ખાસ્સી એવી રકમ અટવાયેલી છે. અટકેલી છે....અને વિવાદમાં છે.

છે ને આસાનીથી ઓળખી શકાય એવા પ્યોર ફિલ્મી સંકેત ? આ અનુભવ પછી નક્કી કર્યું કે, કોઇપણ મેજર નિર્ણય વખતે એકવાર પ્રકૃતિના સંકેત ચેક કરી લેવા...સહેજપણ શંકા લાગે તો નિર્ણય મુલતવી રાખવો.

પણ માનવું જ પડે એવું થાય ત્યારે ?

૨૦૧૬-૧૭ મેં અગાઉ કહ્યું એમ મને કોણ જાણે કેમ પણ ધાર્મિક-આધ્યાત્મિક વિષયના કામો વધારે મળતાં. એમ શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર અને ગાંધીજી વિષેના નાટક “યુગપુરુષ” નો પ્રોજેક્ટ મળ્યો. એ પણ ધર્મેશ મહેતા સાથેના જૂના સંબંધોનું પરિણામ. કોણ ક્યારે કેવીરીતે કામ આવે છે, એ સમજવું અઘરું છે. ગમે એવી તકલીફો અને પ્રતિકુળતા સામે પણ રસ્તો કાઢીને નાટક સરસ ભજવાતું. લગભગ ૮૦ શો સુધી બધું જ કોઈ વિશેષ તકલીફ વગર સરસ ચાલ્યું. પણ ૮૦મો શો ગંગાસતી પાનબાઈના સ્થાનકે હતો અને પહેલા અંક પછી લાઈટો ગઈ. જનરેટર હતું પણ કામ ન આવ્યું. દર્શકો જવા લાગ્યા. પોણા કલાકે લાઈટ આવી અને બાકી રહેલા દર્શકો સમક્ષ નાટક પૂરું તો કર્યું. પણ .... મારાં મનમાં ચાલતા વિચારને મેં રાત્રે મારા રૂમ પાર્ટનર્સ સમક્ષ મુક્યો.

આવું કેમ થયું ? સામાન્ય રીતે આવા પવિત્ર પ્રોજેક્ટમાં અત્યાર સુધી બધું સરળ ચાલ્યું છે, એમ જ થવું જ જોઈએ. છેક ૮૦માં શો એ આવું થયું, એનો અર્થ કોઈકની નિષ્ઠામાં ખોટ હશે. હવે જરા ધ્યાન રાખીને કુદરતના સંકેતને સમજવા પડશે. બાકી આવા પવિત્ર સ્થળે કોઈ મજબુત કારણ વગર આવું થાય નહી.”

બહુ વિચાર કર્યો પણ કોઈ કડી મળી નહી. પાર્ટનર્સને તો બહુ કાંઈ સમજાયું જ નહી, હું શું અને કેમ આમ કહું છું.

– કટટુ –

થોડા દિવસો બધું બરોબર ચાલ્યા પછી એક શો માં બીજા અંકમાં શ્રીમદજીનાં સમાધિસ્થળના દ્રશ્યમાં શ્રીમદજીની પાંચ ફૂટની છબી પાછળ લાઈટ થાય અને ત્યાં અમારું પાત્ર ઘોસ્ટકર્ટેનમાં દેખાય અને શ્રીમદજીના સંવાદો બોલે એવું મહત્વનું દ્રશ્ય હતું. અને બરોબર એજ વખતે એ લાઈટ થઈ નહી. ટેકનીકલ સમસ્યા હશે, એમ માની નાટક રોક્યું. ફરી પ્રયત્ન કર્યો, તો એલાઈટમાં સ્પાર્ક થઈ વાયરીંગ બળી ગયું.

શ્રીમદજીનું પાત્ર કરનારજ બોલે છે. “આગળથી આ છબી હટાવી લઈએ, હું એમ ને એમ બોલીશ.”

અને એ રીતે એ દ્રશ્ય તો પૂરું થયું. પણ, મને પાછો વિચાર આવ્યો કે, આવું કેમ થયું ? ફલેશબેકમાં યાદ કર્યું તો બે કડી મળી. એક શ્રીમદજીના દ્રશ્યમાં જ આવું થયું અને બીજું શ્રીમદનું પાત્ર કરનાર જ બોલ્યો કે “છબી હટાવી લઈએ.” .... મને સમજાઈ ગયું. મેં મારા પાર્ટનર્સને રાત્રે કહ્યું.

“જોયું ? ગઈકાલે શો માં રજા હતી અને આયોજકને બદલે જાતે જમવાનું હતું. જૈન ખાઈને કંટાળેલા અમુક લોકોએ નોનવેજ ખાધું હતું. એમાં આ પાત્ર કરનારે પણ ફીશ / માછલી ખાધેલી. અને નક્કી આ જ કારણ હોઈ શકે. તો જ એના જ દ્રશ્યમાં આમ થયું અને એ જ છબી હટાવવાનું બોલ્યો.”

પણ ..એમને થયું ..”એવું થોડું હોય ?! કલાકાર તો કલાકાર છે. એ તો ગમે તે ખાય પીએ. એ તો ત્રણ કલાક પુરતું જ એ પાત્ર ભજવે છે.”

મેં કહ્યું ..”સારું, બીજી કોઈવાર આવું થાય ત્યારે જોજો.”

- કટટુ –

થોડા જ દિવસો પછી માંગરોળ શો હતો. દરીયા કિનારો એટલે ફીશ (માછલી) મળે જ. કોઈ ખારવા મિત્રને ત્યાં ફરી એમણે ફીશ ખાધી અને રાત્રે શો હતો.

અમે નિયમ મુજબ રંગદેવતાની પૂજા કરીને શ્રીફળ વધેર્યું. હંમેશ મુજબ હું પ્રસાદનું પાણી લેવા ગયો ત્યાં ગ્લાસ ઢોળાઈ ગયો. મને તરત અંદેશો આવી ગયો, કે આજે કૈક સમસ્યા થશે. મેં પાર્ટનર્સને કહ્યું “આજે ફીશ ખાધી છે ને, જોજો ..મને આવો સંકેત પાણી ઢોળાઈને આવ્યો છે.”

છતાં બધું જ બરોબર ચેક કર્યું. અને જે અંદેશો હતો એમજ થયું. પ્રથમ અંકમાં બરોબર શ્રીમદજીનું શતાવધાન પ્રયોગનું મહત્વનું દ્રશ્ય આવ્યું ત્યાંજ કોર્ડલેસ માઈકમાં કોઈ એફ એમ ચેનલના ગીતોને એવું બધું પકડાવા લાગ્યું. બીજી કોઈ ફ્રિકવન્સી પકડાવા લાગી. ટેકનીશીયને બહુ પ્રયત્ન કર્યાં પણ કઈ વળ્યું નહી. નાટક રોકી, સાદા માઈક મૂકી અંક પૂરો કર્યો.

મધ્યાંતરમાં મેં એ પાત્ર કરનાર અભિનેતાને કહ્યું “બે મિનીટ આંખો બંધ કરીને ..મારાથી જાણે અજાણે ભૂલ થઈ હોય તો માફ કરી દેજો. એમ માફી માંગી લે. પછી માઈક ફરીથી ચેક કરીએ.” એણે એમ કર્યું કે નહી, મને ખબર નથી, પણ મધ્યાંતરમાં ફરી માઈક ચેક કર્યા, બધું ઓકે થી ગયું. કોઈ ફ્રિકવન્સી ના પકડાઈ અને નાટક રાબેતા મુજબ પૂરું કર્યું.

હવે, મારા પાર્ટનર્સ પણ માની ગયા કે ‘ના ..સાલી વાત તો સાચી છે.’

પણ, એના પરથી બીજો પણ એક તાળો મળ્યો કે, અમારે લગભગ દરરોજ શો હતા. પણ એક અઠવાડિયું આ મુખ્ય અભિનેતા જ કોઈ અગાઉથી પ્લાન કરેલ ટુરમાં જવાનો હોઈ, અમે આ દરમ્યાન શો માં ગેપ માંગેલો. જે અગાઉથી આ અભિનેતાએ પણ શરત કરેલી જ હતી કે એક અઠવાડિયું હું નથી.

પણ .. શો ની માંગ બહુ જ હતી. અને મહત્વના સ્થળોએ, મહાનુભાવોની ઉપસ્થિતિમાં એ દરમ્યાન શો ગોઠવાય એમ હતું, એટલે આશ્રમના આયોજકોએ વિનંતી કરી કે, “કેન્સલ થતું હોય તો ટુર કેન્સલ કરો ને આવા શો ફરી નહી મળે.” પણ એ અભિનેતા ન જ માન્યા.

એ ટુર પર જવાના બીજા દિવસે આ અભિનેતાનો ફોન આવ્યો “દીપકભાઈ, હું અમદાવાદમાં જ છું હો...”

“કેમ?! તમારી તો ટ્રેઈનની ટીકીટ પણ બુક હતી ને ?! “

“હા, હું નીકળ્યો પણ હતો, પણ અચાનક એક સામાજિક ઈમરજન્સી ઉભી થતાં, મારે પાલનપુરથી પાછા આવવું પડ્યું. આ તો કોઈ મને અમદાવાદમાં જુએ અને તમને એમ ના લાગે કે મેં ટુરનું ખોટું બહાનું કર્યું એટલે તમને જણાવવા ફોન કર્યો.”

હવે આ આખી વાતમાં શું સમજવું એ તમારા પર છે.

બીજો એક સાવ સામાન્ય પ્રસંગ. આવો જ એક શો. નિયમ મુજબ રંગદેવતાનું શ્રીફળ વધેરાયું ત્યારે પાણીના છાંટા મારા માથા પર પડ્યા. મને થયું “ચાલો આજે સરસ શો થશે.’

આમ તો હું સામાન્ય રીતે નાટક શરુ થાય એટલે મોબાઈલ મારી બેગમાં મૂકી દઉં. શો પતે પછી જ જોઉં. પણ એ દિવસે વળી, કોણ જાણે કેમ આટલા શો માં પહેલીજ વાર મે મધ્યાંતરમાં મોબાઈલ ચેક કર્યો. તો મેસેજ હતો. “અભિનંદન ! આજે બધી જ ટીમના બધા શો કરતાં રેકોર્ડ બ્રેક સાડા પાંચહજારના દર્શકગણ સમક્ષ તમે શો કરી રહ્યા છો.”

મેં પણ બધાને આ સારા સમાચાર આપ્યા અને અંતમાં કર્ટેનકોલમાં પણ આ જાહેરાત કરી.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED