Featured Books
શ્રેણી
શેયર કરો

અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા ) 5

રામ રાખે એને કોણ ચાખે ?

એ દિવસે હું નિત્યક્રમ મુજબ દૂરદર્શનની નોકરીએ જવા ઘરની નીચે ઉતરું છું. સ્કૂટરની ચાવી લગાડતાં અમસ્તો જ વિચાર આવે છે કે, “નથી જવું ઓફીસ. ચાલો, આજે પરિવારને સરપ્રાઈઝ આપું. બહુ દિવસથી ફિલ્મ જોવા નથી ગયા. પિક્ચરની ટીકીટ બુક કરાવું તો કેવું ?” અને મેં. સ્કુટર સ્ટાર્ટ કર્યું. આપોઆપ સ્કુટર ઓફિસને બદલે થીયેટર તરફ વળે છે. અને હું એ વિચારનો અમલ પણ કરું છું.

પરિવાર સાથે ફિલ્મ જોઈને રાત્રે પાછો ફરું છું. ઘરે ઓફીસના એક મિત્રનો ફોન આવે છે. “તું આજે બચી ગયો.” મેં પૂછ્યું “કેમ ? શુંથયું ? શેમાં બચી ગયો ? માંડીને વાત કર.”

અને મને એ સમાચાર આપે છે કે, “આજે તારા સાહેબને સીબીઆઇએ રેડ હેન્ડેડ દસહજારની લાંચ લેતા પકડ્યા છે અને એમના ઘરે પણ રેડ પડી છે. તારે કોઈ લોચો નથી ને ? કઈ હોય તો સગે વગે કરી દેજે. સાચવજે.”

મારે કાંઈ સગેવગે કરવા જેવું હતું જ નહી. પણ..જે રીતે મને બધું વર્ણન સાંભળવા મળ્યું, એ પ્રમાણે જો હું કદાચ ઓફીસ ગયો હોત, તો ત્યાં સાહેબની બાજુમાં બેઠો હોત અને જે લાંચના પૈસા હતા, એ વચ્ચેથી મારા હાથે પણ કદાચ અજાણે પસાર થયા હોત, કે “આ જરા આપો તો.” .... અને આવું થાત તો ? આ વિચારે હું હલી ગયો. શું થાત ? મેં તો કદાચ આત્મહત્યા જ કરી હોત.

હવે આ ફિલ્મ જોવા જવાનો વિચાર આપીને આમાંથી બચાવનાર કોણ ? ... આવું થાય ત્યારે શ્રધ્ધા બેસે કે, આપણા કર્મોના ફળ રૂપે દૈવી શક્તિ કે જે ખો એ, પણ આપણને સહાય મળે જ છે.

ટુ બી ઓર નોટ ટુ બી ?

વાત આટલેથી અટકતી નથી. મારા સાહેબ પર સીબીઆઇ તપાસ આગળ ચાલે છે. મારી પણ પ્રશ્નોત્તરી થાય છે. ગાંધીનગર સીબીઆઈ કચેરીના ધક્કા, સીબીઆઈની ‘તમે ગુન્હામાં સંડોવાયેલા જ છો, અને બધું જ જાણો છો.’ એવાં અભિગમ સાથેની ગુનેગારની જેમ પ્રશ્નોત્તરી, સગાંસંબધીના પણ શંકાસ્પદ ટોણા.. વગેરે માનસિક યાતનાઓ તો જેને ભોગવવાની આવે એને જ ખબર પડે. ખેર, પણ.. એ બધી વાત કરીને મૂળ વિષયથી ફંટાવું નથી.

પણ, આ મામલામાં મારાથી રમતરમતમાં અજાણતાં જ કોઈ ગંભીરતા સમજ્યા વગર થયેલી એક ભૂલ મને ઝંપવા નથી દેતી. મારું મન કહે છે કે, જો હું સત્યના આચરણમાં અને પ્રમાણિકતામાં માનતો હોઉં, તો મારે ગભરાયા વગર બધું સાચે સાચું કહી દેવું જોઈએ. પણ, એમ કરતાં જો કોઈ સજા થાય તો ? નોકરી જાય તો ? બદનામી કેવી થાય ? પરિવાર નું શું ? ...હું મારા કૃત્ય પર પારાવાર પસ્તાવો કરું છું, કે મને મુરખને કેમ એ વખતે એવો ખ્યાલ ના આવ્યો કે “હું આ શું કરી રહ્યો છું.? હું આવું ખોટું કેવીરીતે કરી શકું?”

હવે ... શું કરવું ? ...કહેવું પણ કોને ? ‘ન કહેવાય, ન કહેવાય’ જેવી

આવી ‘ટુ બી ઓર નોટ ટુ બી’ જેવી સ્થિતિમાં મને મારી પત્ની દીપ્તીનો ખુબજ સધિયારો રહ્યો એવો ઉલ્લેખ હું અહિયાં ન કરું તો નગુણો કહેવાઉં.

આ પરિસ્થિતિમાં હું અવારનવાર આંખો બંધ કરીને બેસી જાઉં છું અને આધ્યાત્મિક માર્ગદર્શન મેળવવા પ્રયત્ન કરું છું. મારી માનસિક વ્યથા સમજતી મારી પત્ની મને સલાહ આપે છે કે, “એવું હોય તો એકવાર સારંગપુર હનુમાન જઈ આવીએ ?” ...એ વખતે હું અવારનવાર સારંગપુર જતો...અને એમાં માનતો ...એટલે આ વિચાર ગમ્યો. સારંગપુર દર્શન કરી, ત્યાં બેસતાં મને એમ મક્કમ થયું કે, “મારે સત્ય કહી દેવું જોઈએ. તો જ મનમાં શાંતિ થશે. કૈક માર્ગદર્શન મળશે.” દીપ્તી પણ એ જ મતની હતી.

અને સારંગપુરથી આવતાં સુધીમાં તો નિર્ણય થઈ ગયો કે, સત્ય કહી દેવું. ભૂલ સ્વીકારી લેવી.

છેવટે, દીપ્તીને સાથે લઇજઈને બહાર બેસાડી, અજાણતાં થઈ ગયેલી ભૂલનો હું સીબીઆઈ સમક્ષ એકરાર કરું છું. તપાસ અધિકારી ફોડપાડે છે કે, ‘અમે તમારી જ નહી, દૂરદર્શનના તમામ સ્ટાફ વિષે સંપૂર્ણ માહિતી ધરાવીએ છીએ. અમારું ટાર્ગેટ તમે નથી. તમે નિશ્ચિંત થઇ જાવ.’ અને અમને બન્નેને હા...શ થયું.

પરંતુ, સીબીઆઈ મને તાજના સાક્ષી બનવા આગ્રહ કરે છે. હું પણ સત્યના પક્ષે રહેવા સંમત થાઉં છું. પણ, મારા હોદ્દાની રુએ, હું દૂરદર્શનની જે તે પ્રોસીજરમાં અધિકૃત સહી કરવાની સત્તા નહી ધરાવતો હોવાથી જજ મારી જુબાનીને “નલ એન્ડ વોઈડ” ગણે છે. સીબીઆઈ તપાસ અધિકારીની ગેરહાજરીમાં લેવાતી આ જુબાની નક્કામી થઇ જતાં. એમને એમ લાગ્યું કે, મેં છટકવા માટે જજને ગેરમાર્ગે દોર્યા છે. એટલે છેવટે મને ‘એક્યુઝડ’ ... ગુનેગાર તરીકેતો એફ.આઈ.આર. માં નાખ્યો જ કે “આ બધી ગેરરીતીની તમને જાણ હતી, તો પણ તમે કચેરીનું ધ્યાન દોર્યું નહી.”

૨૦૦૦ની સાલથી આ લખાય છે ત્યારે, આજે સત્તર વર્ષ થયાં, કેટલાક રીટાયર થઇ ગયા છે, કેટલાક મરણ પથારીએ છે, પણ .. હજી આ કેસનો કોઈ નિવેડો નથી આવ્યો. “જસ્ટીસ ડીલેય્ડ ઈઝ જસ્ટીસ ડીનાઇડ” એમ માનું છું. પણ કોર્ટના ધક્કા, વકીલની ફી વગેરેતો કારણ વગરની સજા ભોગવું જ છું. અને દેશની આ જ્યુડીશીયરી – ન્યાયતંત્રની હાલત અને દાનત જોઈને ફ્રસ્ટ્રેટ થયા કરું છું. નિરાશા થાય છે. સાવ કારણ વગરની સમય, સાધન અને સરકારીતંત્રની બરબાદી. પણ આ બધુંએ જોઇને ..આ રીતે ..મને લાગેછે કે, કુદરતની અદાલતમાં તો મને મારી ભૂલ કે ગુન્હાની સજા મળી જ રહી છે. કર્મનું ફળ તો ભોગવે જ છૂટકો.

***