૧૨ વર્ષ : ભગવાન કે ઘર દેર હૈ, અંધેર નહી હૈ ...
૧૯૯૭ ... હું દૂરદર્શનની નોકરી સાથે સાથે પ્રાયવેટ કામ પણ નામ વગર કરતો, એની પગાર ઉપરાંતની કમાણી હતી. દીપ્તીની કમાણી પણ ખરી જ સ્તો. એટલે થોડીક બચત થતાં પોતાનો ફ્લેટ લેવાનું નક્કી કર્યું. થોડી સાસુની મદદ. બાકીની લોન. એમ તાળો મળી ગયો અને નાનકડો બે બેડરૂમનો ફ્લેટ તો થયો. પણ, વાસ્તુ, વહેવાર, દસ્તાવેજ, રાચરચીલું ....એમ કરતાં ધાર્યા કરતાં થોડો વધુ ખર્ચ થયો. જીવનમાં પહેલીવાર થોડી રકમ વ્યાજે લીધી હશે કદાચ.
એને જલ્દી પાછી આપવના પ્રયત્નમાં એક મિત્રની સહાયથી એની જેમ જમીન-મકાનની દલાલીમાં ઝંપલાવ્યું. પણ ખુબ મહેનતને અંતે કોળિયા મોઢામાં આવતાં પહેલાંજ છેલ્લી ઘડીએ કોથળા માંથી બિલાડા નીકળે એમ મહેનત નિષ્ફળ જ જતી. ફરી નક્કી થયું કે, જાત મહેનત સિવાયની કમાણી મારી કિસ્મતમાં નહી હોય.
એવામાં અનાયાસ એક જૂના મિત્રનો સંપર્ક થતાં એ સમયે નવો કહેવાય એવાં “ફિલ્મ સ્ટાર નાઈટ” લાઈવ ઇવેન્ટનો પ્રોજેક્ટ કરવાનું નક્કી કર્યું. જેની સાથે દલાલીનું કામ જોતા એ નાણા રોકવા તૈયાર થયા. બે-ત્રણ મહિના મેં અને મારી પત્નીએ ખુબ મહેનત કરી, પણ હંમેશ મુજબ છેલ્લી ઘડીએ ઇન્વેસ્ટરને ત્યાં કોઈનું અવસાન થઈ જતાં, કલાકારોને આપવાની છેલ્લી એડવાન્સ રકમ પહોંચાડી શક્યા નહી અને આવડી મોટી લાખો રૂપિયાની ઇવેન્ટ એક દિવસ પહેલાં કેન્સલ કરવી પડી. હવે ? ટીકીટ લીધેલી પબ્લીક સ્થળ પર ઉમટી પડે, તોફાને ચઢે અને મારશે તો ? શું કરવું ? કેવીરીતે કરવું ?
સૌથી પહેલાં તો છાપું છપાઈ જાય એ પહેલાં છેલ્લી ઘડીએ ‘ગુજરાત સમાચાર’ પર પહોંચી, વિનંતી કરી જાહેરાત આપી દીધી કે “અનિવાર્ય સંજોગોને કારણે ઇવેન્ટ કેન્સલ છે.” પબ્લીક તો આવી પણ પોલીસે મામલો સંભાળી લીધો. પત્યું. પણ હવે ? સેટ, લાઈટ, પબ્લીસીટી બધીજ એજન્સી પુરા પૈસા માંગતી આવવા લાગી. શું કરવું ? ઇન્વેસ્ટરે તો ઓલરેડી જે રોકાણ કરેલું હતું, એ તો ડૂબી જ ગયા હતા. એ હવે શું કામ મદદ કરે ?
ઉધાર ચુકવવા કરેલા આયોજનમાં ઉપરથી લાખ્ખો રૂપિયા ચૂકવવાના આવ્યા. દુકાળમાં અધિક માસ. અમુક તાત્કલિક ઉધાર –વ્યાજે લઈને ચુકવવા પડ્યા. અમુક માટે સમય લીધો. પણ પૈસા લાવવા ક્યાંથી ? એમ થયું કે, આ નવું ઘર અપશુકનિયાળ છે. અહી આવતાંજ નુકશાન શરુ થયાં. એટલે તાત્કાલિક એને વેચીને પૈસા ચૂકવી દઈએ.
પણ એમાંય “વિનાશ કાળે વિપરીત બુદ્ધિ’ની જેમ અજાણતાં અને ઉતાવળમાં એવાં માથાભરે કોમના અસામાજિક તત્વને વેચાયું કે એણે થોડીક રકમ આપી કબજો લીધા પછી બેંક લોન ભરી જ નહી. વર્ષો સુધી અમારે જાતજાતની માથાકુટો ચાલી. બેન્કની ઉઘરાણી અને નોટીસો. ઉધાર અને વ્યાજના ચક્કર. લોનના ચક્કર ... રકમ વધતી ગઈ...એમ કહોકે જીવનનો સૌથી ખરાબ તબક્કો શરુ થયો. આશરે ૧૨ વર્ષ : ૧૯૯૭-૯૮ થી ૨૦૦૯ – આ બધું ચાલ્યું ...એમાં બાળકો ક્યાં મોટાં થઈ ગયાં એ ખબર જ ના રહી. અમે પતિ-પત્ની એકબીજા પર અને બાળકો પર અમારાં ફર્સ્ટરેશન કાઢ્યા હશે ..વગેરે. પણ..એ બધા વિષે અહી લખવાનું કોઈ પ્રયોજન નથી બનતું.
વાત એ છે કે, થાકી હારીને અંતે મારી પત્ની દીપ્તીએ મુખ્યમંત્રી કાર્યાલયમાં અમારી હેરાનગતિ વિષે ઈ-મેલ કર્યો. અને માં.શ્રીનરેન્દ્રમોદીની સરકારનું તંત્ર જાગૃત થયું. તાત્કલિક પોલીસ મદદે આવી. તો પણ, પેલા અસામાજિક તત્વએ રાજકીય દબાણ લાવી મચક નહી જ આપવાના પૂરતા પ્રયત્નો કર્યાં. મારે પણ મારા અને દીપ્તિની ઓળખાણના સંબંધો થકી રાજકીય દબાણની સહાય લેવી પડી જેમનો નામોલ્લેખ કર્યાં વગર આભાર માનવો જ રહ્યો. અને છેવટે ... ૧૨ વર્ષના અંતે સમાધાન થયું. એણે બેંકલોનની ચડત રકમ અને અમુક પૈસા આપવા પડ્યા. પણ ... આ ૧૨ વર્ષ દરમ્યાન અમે ઘણું ગુમાવ્યું પણ અને ઘણું શીખવા પણ મળ્યું. ઘણા ઓળખાઈ પણ ગયાં અને ઘણાની ઓળખાણ પણ થઈ.
આ સંઘર્ષના સમય દરમ્યાન એક મિત્રએ આપેલ વાસ્તુ માટેની એક શુકનની મૂર્તિ તૂટી. અને મને જાણે સંકેત મળેલો. જીવનમાં એક સૌથી મોટા, ગંભીર અને ન માની શકાય એવા વજ્રઘાત સમાં વિશ્વાસઘાતનો. શું કરવું ? ફરી એકવાર ના કહેવાય .. ના સહેવાય ની પરિસ્થતિમાં ખુબજ માનસિક વલોપાત અને મનોમંથનના વિચારોમાં સમજણ એવી વધી અને કેટલાંક સત્ય એ સમજાયાં કે,
આપણી સાથે જે કાંઈ થાય છે, એના જવાબદાર સંપૂર્ણ પણે આપણે જ છીએ. એટલે અન્યને દોષ આપવાનો કોઈ અર્થ જ નથી.
કોઈ દિશા ન સુઝતી હોય ત્યારે નાછૂટકે મજબૂરીમાં અને સકારાત્મક ઉદ્દેશ સાથે જાણીને આચરાયેલ અસત્ય એ ગુન્હો નથી. ભગવાન શ્રીકૃષ્ણએ પણ મહાભારતમાં ધર્મના પક્ષે અસત્યનો આશરો લીધો જ હતો ને ? અન્યના હિત માટે સભાન પણે અસત્યનું આચરણ એ ગુન્હો કે પાપ નથી.
ગુન્હો સજાને પાત્ર છે. પણ ભૂલ અવશ્ય માફીને પાત્ર છે જ.
પ્રેમ એટલે અન્યના હિત સારું પોતાનું સર્વસ્વ દાવ પર મુકવા સુધીની શરણાગતિ.
ટૂંકમાં ... માનસિક યાતનાઓનું સમાધાન તો થયું. પણ આર્થિકતો ચાલુ જ હતી. હા, હળવી ચોક્કસ થઇ.
આવું કેમ થયું ? એનો જવાબ મને હજી નથી મળ્યો ..સિવાય કે “વિનાશકાળે વિપરીત બુદ્ધિ”
પણ, ‘સ્ટારનાઈટ”નો એક ખોટો નિર્ણય ... મને આર્થિક રીતે બે-ત્રણ દાયકા પાછો પાડી દીધો. તો માનસિક રીતે બે-ત્રણ દાયકા મોટો કરી દીધો.
***