કેદી નં ૪૨૦ - 15 jadav hetal dahyalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કેદી નં ૪૨૦ - 15

બીજા દિવસ ની સવાર થઇ. કલ્પના ઉઠી. ગઇ કાલ રાતે સાનિયા એ જે પણ કહ્યું હતું એ બધું યાદ આવતાં જ આંખમાં ઝળઝળિયા આવી ગયા. પણ મન ને મક્કમ કરી લીધું અને કહ્યું,” બસ, હવે એક વધારે આંસુ નહિ એ આદિત્ય માટે. જેણે તારો આ રીતે ઉપયોગ કરીને તારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. તારે બસ જ્યાં સુધી ઇન્ટરવ્યુ ચાલે છે ત્યાં સુધી અને સાનિયા અને એ બે ફરીથી એક ના થઇ જાય ત્યાં સુધી જ એની સાથે ફ્રેન્ડ્શીપ રાખવાની છે. એ પછી એક પળ માટે ય એની સાથે દોસ્તી નહિ રાખવાની” એમ નક્કી કરીને એ તૈયાર થઈ ને આદિત્ય ના આવવાની રાહ જોયા વગર જ ઓફિસ જવા નીકળી ગઇ. થોડી વાર પછી આદિત્ય બાઇક લઇને ઘરે આવ્યો પણ જ્યારે એને ખબર પડીકે કલ્પના ઓફિસ જતી રહી છે એટલે એ ય ઓફિસ ના રસ્તે નીકળી ગયો. એ કલ્પના ને વઢવાના મુડમાં હતો.

જ્યારે ઓફિસે પહોંચ્યો તો કલ્પના કમ્પ્યુટર પર કામ કરતી હતી. એ કલ્પના ની પાસે આવીને બોલ્યો,” ઓહ તો મેડમ ઓફિસ ય આવી ગયા. હું ત્યાં તારા માટે ઘરે તને છેક લેવા ગયો અને તું તો પહેલા જ નીકળી ગઇ. થોડી વાર મારી રાહ નહોતી જોઇ શકાતી તારાથી?”પણ કલ્પના તો સાંભળ્યું ન સાંભળ્યુ કરીને કામ કરતી રહી એટલે આદિત્ય નો ગુસ્સો વધી ગયો એણે કલ્પના ને હાથ પકડીને ઉભી કરી અને એના ખભા પકડીને જોરથી હલાવતા કહ્યું ,”હું તારી સાથે વાત કરું છું તને ખબર પડે છે ?”

કલ્પના એ પણ ગુસ્સામાં આદિત્ય ના હાથ ને ઝટકો મારીને હટાવી દીધા. અને કહ્યું ,”ખબર પડે છે પણ તને ખબર પડે છે કે તું મને છેક તારા ઘરથી લેવા આવે એમાં કેટલું મોડું થઈ જાય છે? અને મને ઓફિસ લેટ પહોંચવું નથી ગમતું. તું અજયસર નો ફેવરિટ છે એટલે તને એ કંઈ જ ના કહે પણ મારા માટે તો પ્રોબ્લેમ થઈ જાય ને? એમ વિચારીને પછી તારી રાહ જોયા વગર નીકળી ગઇ. અને આમેય તને જ શોખ છે મને લેવા આવવાનો બાકી હું તો મારી રીતે જ આવી જઇ શકું છુ. ”

“ઓહ ,તો એમ વાત છે. સારુ હવે તું તારી રીતે જ આવ જા કરજે. હું નહિ આવું તને લેવા કે મુકવા. બસ ખુશ. ” એમ કહીને કલ્પના ના ટેબલ થી દુર પોતાના ટેબલ પર જઇને કામ કરવા લાગ્યો. કલ્પના એ પહેલી વાર આદિત્ય ને પોતાના લીધે ગુસ્સો કરતા જોયો. એને થયું કે જઇને માફી માગી લઉં પણ પછી થયું કે જે થયું એ બરાબર જ છે મારા પર થી ધ્યાન હટશે તો એ સાનિયા પર ધ્યાન આપશે જ અને એ રીતે બંન્ને એક થશે. એમ વિચારીને પોતાનું કામ કરવા લાગી.

અજયસરે કલ્પના અને આદિત્ય ને કેબિન માં બોલાવ્યા અને કહ્યું ,”તમારે ઇન્ટરવ્યુ બે અથવા મિનિમમ ત્રણ સિટિંગમાં જ પુરુ કરવું પડશે. બની શકે તો આ બે દિવસ માં જ પુરુ કરો. કેમ કે હવે તેમને બીજા રાજ્ય ની જેલમાં શિફ્ટ કરાશે તો તમારી પાસે હવે સમય નથી. એ માટે મે ઉપરથી મંજુરી લઇ લીધી છે. તો બની શકે તો આજે જ આ કામ પુરુ કરી દો. એટલે કાલ થી એડિટિંગ કરીને પ્રચાર પ્રસાર ચાલુ કરી દઇએ. ઓકે. જાઓ હવે તમારી પાસે સમય બહુ જ ઓછો છે. ”

આદિત્ય અને કલ્પના બંન્ને સાબરમતી સેન્ટ્રલ જેલ માં પહોંચી ગયા અને ઇન્સપેક્ટર કામત સાથે બધી વાતચીત કરી લીધી. ને એણે કહ્યું ,”તમે કોન્ફરન્સ રુમ માં બેસો. હું હમણાં જ મ્રૃણાલમા ને ત્યાં મોકલું છું. ”એટલે એ બંન્ને રુમ માં જઇને બેઠા. આદિત્ય એ કલ્પના સામે જોઇને કહ્યું ,”મે સવારે જે રીતે તારી સાથે વાત કરી એ બદલ I Am Sorry. ” મારે તારી સાથે આ રીતે વાત નહોતી કરવી જોઇતી.. કલ્પના જવાબ આપે એ પહેલા એક હવાલદાર રુમ માં આવ્યો. અને મ્રૃણાલમા પણ આવી ગયા. એટલે બંન્ને ની વાતચીત અધુરી રહી ગઇ. હવાલદાર બહાર ચોકી કરવા ઉભો રહ્યો..

મ્રૃણાલ માએ બંન્ને નું અભિવાદન કર્યું. અને ઔપચારિક વાતો પછી આદિત્ય એ વિડિયો કેમેરા ઓન કરી ને શુટિંગ ચાલુ કર્યું. મ્રૃણાલ માએ વાત આગળ વધારતા કહ્યું ,”મે કમલેશ પાસે થી જાદુગરી ની જે મુખ્ય વિદ્યા શીખી લીધી. એ પછી એણે મને બીજી રીતો શીખવાડી. જેમાં મોટાભાગે તો હાથની કરતબ જ હતી. અને એ તો મે માત્ર એક સપ્તાહમાં જ શીખી લીધી. હવે એની પાસે જ્યારે મને શીખવવા માટે કંઈ જ બચ્યું નહોતુ. એટલે મને ખબર પડી ગઇ કે એ હવે મારા કંઇ જ કામનો નથી. એટલે હવે દિવસરાત એનો કાંટો કાઢી નાખવાની યોજના બનાવતી પણ બધી જ મને નકામી લાગતી કેમકે દરેક યોજનામાં મારી તરફ શંકા ની સોય તકાતી. ય હવે શું કરવું એની ગડમથલમાં જ પડી હતી કે મને ખબર પડી કે હવે ના દિવસોમાં કમલેશ લોકો ને આકર્ષિત કરવા એક નવી જ કરતબ બતાવવાનો છે. કેમ કે હવે એના શો માંથી લોકો ને હવે રસ ઓછો થઈ રહ્યો હતો અને લોકો એક ના એક જાદુ ના ખેલ થી કંટાળી રહ્યાં હતા. મને ખબર પડીકે આ નવી કરતબ માં જો એ તકેદારી ના રાખે તો એનો જીવ પણ જઇ શકે તેમ હતો. આ જાદુમાંબધાની વચ્ચે કમલેશ પોતાના હાથઅને પગ ને સાંકળો બંધાવીઅને પોતાની જાતને મજબુત પટારામાંબંધ કરી દેવાનો હતો. પછીએ ધાતુના પટારા ને લોકો ની નજર સમક્ષપાણીથી ભરાલા સ્વિમિંગપુલમાં ડુબાડી દેવાનો હતો. કમલેશનો દાવો હતો કે એ પટારામાં થી ગાયબ થઇને લોકો વચ્ચે થી જ પ્રગટ થશે. અને આવી જાહેરાત થી પ્રેક્ષકો માં જબરી ઉત્સુકતા જાગી હતી. એનો શો હાઉસફુલ થઇ ગયો હતો. પણ આ વખતે શો નું સ્થળ કોઇ સ્ટેજ નહિ પણ એક ઘર હતું કે કેમાં વિશાળ સ્વિમિંગ પુલ હતું. શો નાઅમુક દિવસ પહેલા કમલેશ તૈયારી ઓમાં વ્યસ્ત રહેતો. શો ના બે દિવસ પહેલા જ એણે મને કહ્યું ,”મને આ જાદુ કેવી રીતે કરવો એની ખબર છે. અને હું પુરી કાળજી લઇશ. પણ કદાચ જો મને કંઇ થઈ જાય તો મારી તમામ સંપત્તિ ની વારસદાર તું જ હોઈશ. જેથી કરીને તું તારી જિંદગી આરામ થી જીવી શકે. ”

“કોઇ જરુર નથી તમારે જીવ જોખમ માં નાખવાની. મારે મન તમારા થી વધુ મહત્વ નું કંઇ જ નથી. હું તમને આ શો નહિ કરવા દઉં. એવું હું રડતા રડતાં બોલી. એટલે એણે મને શાંત કરાવતા કહ્યું ,”તારે ચિંતા કરવાની જરુર નથી. મને કંઇ જ નહિ થાય. ”

“કેવી રીતે કંઈ નહિ થાય?લોખંડના મજબુત પટારામાં કેદ સાંકળોથી બંધાયેલા તમે પંદર મિનિટ તમે કેવી રીતે જીવી શકશો ?અને તમે દાવો કરો છો કે તમે પટારા માંથી ગાયબ થઇ ને બતાવશો. શું તમને આ જાત ની પણ કોઇ વિદ્યા જાણો છો?”

“ના. મને એવી કોઇ વિદ્યા નથી આવડતી. આ એક તરકીબ જ છે. જો હું તને કહું પણ તારે આ વાત ને રહસ્ય જ રાખવાની છે કે હું કેવી રીતે ગાયબ થવાનો છું”. એ પછી એણે મને બધું સમજાવ્યું એટલે હું નિશ્ચિત થઇ. સાથે મને હવે એ પણ ખબર હતી કે મારે હવે શું કરવાનું છે? “

શો ના દિવસે એ ઘરના મેઇન ગેટ પર કડક સુરક્ષા રાખવામાં આવી હતી. લોકો ને ટિકિટ ચેકર એક પછી એક અંદર બધી તપાસ કરીને મોકલતો. હું પણ મારી તૈયારીઓ સાથે જ આવી હતી. લાલ રંગ ની સોનેરી કોર વાળી સાડી ગુજરાતી ઢબે મે પહેરી હતી જેમાં ભરતકામ કરેલું હતું. ગજરો નાખીને બાંધેલો ચોટલો ,ચુડી ભરેલા હાથ. હું સ્વયં એક અપ્સરા લાગી રહી હતી. જ્યારે હું મારી ગાડીમાંથી ઉતરી ત્યારે બધાની આંખો પહોળી થઇ ગઇ. બધા ની નજરો મારી પર જ અટકી ગઇ. અને હું શાન થી પ્રવેશ કર્યો. મારે કમલેશ ને મળવું જરુરી હતુ. એટલે હું એની પાસે ગઇ. મે કહ્યું ,”મારે તમારી સાથે એકાંતમાં વાત કરવી છે.. શું આપણે કોઇ એવી જગ્યાએ જઇ શકીએ જ્યાં કોઇ હોય નહિ?”

“અત્યારે જો હું જઉં તો બધાને મારી પર શંકા જાય?આપણે એવું ના કરી શકીએ. ”

“બસ બે જ મિનિટ થશે. વધુ સમય નહિ લઉં. ”

“સારુ”કહીને અમે લોકો ના ટોળા થી થોડીજ દુર ગયા. હું કમલેશ ને ભેટી. પછી મે મારી બેગમાંથી એક ડબ્બો કાઢ્યો. અને કહ્યું ,”સારું અને મહત્વ નું કામ કરતા પહેલા ગળ્યું દહીં ખાઇએ તો કામ માં સફળતા મળે છે. તમે તમારા કામ માં સફળ થાઓ એવી હું પ્રાર્થના કરીશ. એમ કહીને એના મોં માં દહિં નાખ્યું. અને એને થોડું દહિં ખવડાવ્યુ. ”

થોડી વાર પછી શો શરુ થયો. કમલેશનું સૌપ્રથમ ચારપાંચ અલગ અલગ માણસોએ તપાસ કરી. જોયો. એ પછી એના હાથ અને પગ ને સાંકળોથી બાંધી દેવામાં આવ્યા. એ પછી ધાતુ ના મજબુત પટારા માં એને બંધ કરી દેવામાં આવ્યો અને ધાતુની પેટીને સ્વિમિંગ પુલ ના પાણીમાં ડુબાડી દેવામાં આવી. એક મિનિટ ,બે મિનિટ પાંચ મિનિટ થઈ. બધા આતુરતા પુર્વક સમય જાય એમ રાહ જોઇ રહ્યાં હતા. પંદર મિનિટ પછી પેટીને બહાર કાઢવા માં આવી. બહાર જે કમલેશનો સહાયક હતો એને દાવા કર્યા કે એ પેટીમાં કમલેશ નહિ હોય અને એ માટે લોકો ને શરત લગાડવા કહ્યું. કેટલાય લોકો એ એના કમલેશના જીવન અને મ્રુત્યુ પર રુપિયા ને દાવ પર લગાડ્યા. અને એ પછી પેટીને ખોલવામાં આવી. બધા ધડકતા હ્રદય આ દ્રશ્ય જોવા આતુર હતા કે કમલેશ પેટીમાં હશે કે નહિ અને જો હશે તો જીવતો હશે કે મરેલો.

બધાને એમ હતુ કે કમલેશ પેટીમાં નહિ હોય પણ બધા ના આશ્ચર્ય વચ્ચે જ્યારે પટારો ખુલ્યો ત્યારે કમલેશ અંદર જ હતો. બધા ને અને ખાસ કરીને મને ખુબ આઘાત લાગ્યો. ત્યાં ડોક્ટર આવ્યા અને કમલેશને મ્રુત ઘોષિત કર્યો. હું જોર જોર થી કલ્પાંત કરવા લાગી. લોકો નિરાશ વદને પોતાના પૈસા પાણીમાં ગયા એમ બબડતા બબડતા ઘરે ગયા. કેમ કે એ જાદુ નો શો કરતા મ્રુત્યુ પામ્યો હતો એટલે એની બોડીનું પોસ્ટમાર્ટમ પણ મે ના થવા દીધું.

કમલેશ ના મ્રુત્યુ પછી લોકો શોક વ્યક્ત કરવા આવતા રહ્યા કેમ કે લોકો માં એ લોકપ્રિય હતો. એટલે હું ઘરમાં જ રહેતી. એક મહિના પછી રાતે મારા ઘરમાં જ્યારે બધા સુઇ ગયા ત્યારે ચોર પગલે મે ઘરમાં કોઇને આવતા જોઇ. હું પ્રથમ તો ડરી ગઇ. એ વ્યક્તિ ધીમેધીમે મારા રુમ માં આવ્યો ને એણે મારું મોઢું દબાવ્યુ. પછી મોઢા પરથી હાથ હટાવ્યો. એટલે મે કાતિલ સ્મિત કર્યું અને એને ભેટી પડી. એ અશોક હતો. દિવસના ભાગમાં મોટા ભાગે લોકો ની અવરજવર હોવાથી મે જ એને રાત્રે બોલાવ્યો હતો. મે કહ્યું ,” કેટલા દિવસથી આ ક્ષણ માટે હું તડપતી હતી. છેક આજે આ તક મળી. તારા વગર આટલા દિવસ જીવી કેમ ગઇ એ જ નથી સમજાતુ. તને શું ખબર હું કમલેશ સાથે જુઠા પ્રેમ નું નાટક કરી કરીને ત્રાસી ગઇ હતી. અને એના મર્યા પછી લોકો ની સામે એની વિધવા બનીને થાકી ગઇ છું. ”

“પણ તે કમલેશ સાથે એવું શું કર્યું કે એણે પટારા માં જ દમ તોડી દીધો જ્યારે કે એ દિવસ માટે પુરી તૈયારી કરી હતી?મને કહે તો ખરી. ”

“શો શરુ થયા ના આગલા દિવસે મે રડતા રડતા ચિંતા વ્યક્ત કરી અને એને શો કરવાની ના પાડી એટલે એણે મારી ચિંતા ઓછી કરવા મને એના બચવાની તરકીબ કહી દીધી. અને મે જ તરકીબ નો ઉપયોગ એને મારવા માટે કર્યો. એ રાતે એણે મને જણાવ્યું કે ધાતુ નો મજબુત પટારા માં એક નાનો દરવાજો હતો જે નીચેની બાજુથી ખુલતો હતો. એ સ્વિમિંગ પુલ ના તળિયા માં પણ ગુપ્ત દરવાજો હતો જે સુરંગ માં થઇને બીજી તરફ ખુલતો હતો. એક વાર પટારો એ દરવાજા પર બેસી જાય પછી લોકો ને એ એનું પટારા માંથી બહાર નીકળવાનું દેખાય નહિ એ રીત ની વ્યવસ્થા હતી. ”

“પણ એના હાથપગ તો સાંકળોથી બંધાયેલા હતા ને તો કેવી રીતે બહાર જઇ શકત?”

“એ સાંકળોને છેડે તાળા થી બંધ કરી હતી એની ચાવી કમલેશે જે કોટ પહેરેલો એના ચોરખિસ્સામાં હતી. એ ચોર ખિસ્સામાં રાખેલી વસ્તુ એમ ઝટ હાથમાં એવી નહોતી. એટલે કોઇનેય એ ચાવી પકડાઇ નહિ. કમલેશ ને તો માત્ર બંધાયેલી હાલત માં એ ચાવી બહાર કાઢી તાળુ ખોલવાની પ્રેક્ટિસ કરવાની હતી. જે એ એણે કેટલીય વાર સફળતાપૂર્વક કરી હતી. પરંતુ મે એ ચોરખીસ્સામાં રહેલી ચાવીને બીજી ચાવીથી બદલી દીધી હતી. એ પછી ય કદાચ એ બચી ના જાય એટલે શો શરુ થયા પહેલા મે એને દહીમાં બેહોશી ની થોડી દવા મિલાવીને એને ખવડાવ્યું હતુ. એટલે એના બચવાની થોડી ઘણી શક્યતા ને ય મે નિર્મુળ કરી દીધી. ”

“વાહ માલુ વાહ. તે તો શકુનિ અને કૈકેયી નેય પાછળ રાખી દીધા. ભલભલાના દિમાગ જોયા પણ તારી તોલે કોઇ ના આવે. પણ બસ હવે તારા વિના નથી રહેવાતુ ચાલ અત્યારે જ ભાગી જઇએ. ”

“એમ ભાગી જઇએ તો મારા પર બધાને શંકા જશે. અને એકવાર જો પોલીસ ને સહેજ પણ શંકા ગઇ તો આપણે ભાગીને ગમે ત્યાં જઇશું તો પાતાળમાંથી ય પકડી પાડશે. ગમે તેમ તો ય લોકપ્રિય હું જાદુગર કમલેશની વિધવા છું. લોકોની નજર માં મારું એક સ્થાન છે જે હું નથી ઇચ્છતી કે નીચું ઉતરે. આપણે કંઇક એવું કરવું પડશે જેથી સાપ પણ મરી જાય લાઠીને આંચ પણ ના આવે. ”

“ પણ એવું કઇ રીતે થશે? “

“એ માટે માલતી ને મરવું પડશે. તને ખબર નથી અને એ વાત કમલેશ પણ નહતો જાણતો કે. મારું નામ માલતી છે જ નહિ. ”

“સાચે ?તો પછી તું છે કોણ ?અને તારું સાચું નામ શું છે?અને એવું તો શું થયું હતું કે તારે તારું નામ બદલવું પડ્યું?”

“જો હું તને બધું શરુઆત થી કહું છુ. ”એમ કહીને મે મારા બાળપણ થી લઇને મારા પુત્ર જન્મ સુધી ની બધી વાત વિગતવાર સમજાવી. અને એ પછી અમારે માલતીને બધાની નજરમાં કેવી રીતે મારવી એની યોજના બનાવી.. અને અમારી રાત ને રંગીન બનાવી સવાર થાય એ પહેલા અશોક મારા ઘરમાંથી રફુ ચક્કર થઈ ગયો.

ક્રમશઃ