અભ્યસ્ત- 2 Pravin Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અભ્યસ્ત- 2

અભ્યસ્ત- 2

ગઝલ સંગ્રહ

પ્રવીણ શાહ

અર્પણ...

મારા પરિવાર જનોને...

આપ સૌ ભાવકમિત્રોને મારો આ પ્રયાસ ગમશે,

તો મને ખૂબ આનંદ થશે.

-પ્રવીણ શાહ

***

મૃત્યુ પછી

શ્વાસ પણ ના ચાલશે મૃત્યુ પછી,આ હવા યે ત્યાગશે મૃત્યુ પછી.

જીવવું તો છે શરમ બે આંખની,જગ તને વિસારશે મૃત્યુ પછી.

જોઇ લે તું સ્વપ્ન જોવા એટલાં,આશ કંઇ ના જાગશે મૃત્યુ પછી.

રોજ તારે તો અહીં રડવું પડે,ઢોલ-ત્રાંસા વાગશે મૃત્યુ પછી.

રક્ત થઇ તારી નસોમાં જે વહે,હાથ તારો થામશે મૃત્યુ પછી.

આ ધરા, અંબર અને આકાશ પણ,

મોસમો અપનાવશે મૃત્યુ પછી.

***

ભૂલી ગયો

એમ તો રહે યાદ પણ ભૂલી ગયો,પાછલા સંવાદ પણ ભૂલી ગયો.

મિત્રભાવે સૌ તરફ જોતો રહ્યો,એમ હું વિખવાદ પણ ભૂલી ગયો.

નીતિ-નિયમ જો કે બહુ અઘરા પડ્યા,રાખવો અપવાદ પણ ભૂલી ગયો.

વ્યર્થ ગઇ મહેનત- કરી ગુણ પામવા,દોષ કરવા બાદ પણ ભૂલી ગયો.

એમની પ્રેમાળ દૃષ્ટિ જ્યાં પડી,સેંકડો ફરિયાદ પણ ભૂલી ગયો.

શબ્દ, એવું કામ તેં સોંપ્યું મને,કે બધો ઉન્માદ પણ ભૂલી ગયો.

***

રહેવા દે

એક તારો વિચાર રહેવા દે,ભાવ તારો અપાર રહેવા દે.

ક્યાં તને શોધવો અમારે કહે,આ ગગનનો પ્રસાર રહેવા દે.

વાર તારા અચૂક જોયા છે,ત્રિ-નયનના પ્રહાર રહેવા દે.

મોહ-માયાના આવરણ રાખી,અમને અચરજની પાર રહેવા દે.

આવજે વિશ્વરૂપ લઇ ક્યારેક,રૂપ તારા હજાર રહેવા દે.

વ્હાલી લાગે હજાર સંધ્યાઓ,

એક મીઠી સવાર રહેવા દે.

***

દેખાય છે

હોય સામે એજ તો દેખાય છે,ને મનોમન બાકીનું સમજાય છે.

જે મળે પરિણામ એ સ્વીકાર્ય છે,ભૂલ કંઇ જો ભૂલથી થઇ જાય છે.

આંખ બે ભીની સતત રહેશે પછી,દર્દ આજે રાગ એવા ગાય છે.

ઘર રહ્યું કે ના દીવાલોયે રહી,બોલ કોના, આંગણે પડઘાય છે.

આ સમય, પળ સ્થિર થઇ જોયા કરે,માનવી તો હર પળે બદલાય છે.

જિન્દગીનો સાર છે બસ એટલો,ખુદ જડે ક્યારેક ખુદ ખોવાય છે.

***

સ્થળ એવું શોધે

અજવાળું સ્થળ એવું શોધે,ક્યાં ક્યાં છે અંધારું શોધે.

ટીપે ટીપે પલળાશે નહીં,રોમ રોમ ચોમાસું શોધે.

જે જોયું તે સારું જોયું,તોયે મન અદકેરું શોધે.

આજુબાજુ ઊષરભૂમિ,ક્યાં જઈ બી, ફણગાવું શોધે.

થોડો શાણો, થોડો ભોળો,માણસ તું વ્યવહારું શોધે.

દિલ છે ને પાછું પ્યાર ભર્યું,

કાયમ દર્દ પરાયું શોધે.

***

ચાલ્યા કરો

કે મનોમન આશ લઇ ચાલ્યા કરો,દુન્યવી કંપાસ લઇ ચાલ્યા કરો.

આ ધરા અમિરસ થકી તરબોળ છે,ભીની ભીની પ્યાસ લઇ ચાલ્યા કરો.

રોજ ભીતર ઊજળું થાતું રહે,સ્વપ્નનો અજવાસ લઇ ચાલ્યા કરો.

મન તણી વાચાળતા પજવ્યા કરે,શબ્દનો સહવાસ લઇ ચાલ્યા કરો.

રંગ મહેંદીનો પીમળશે એ પછી,હું ને તું નો પ્રાસ લઇ ચાલ્યા કરો.

કોઇ કારણ હોય કે ના હોય પણ,અહીં અવિરત શ્વાસ લઇ ચાલ્યા કરો.

***

ઘટનાઓમાં

મનગમતી કંઇ ઘટનાઓમાં,મન વિચરે છે મિસરાઓમાં.

સાચી વાતો સાચવવી છે,મન લાગે નહીં અફવાઓમાં.

તારા સ્મરણો રગરગમાં છે,મનથી પ્રોવી મણકાઓમાં.

તન થાકીને બેસે છાંયે,મન દોડે છે તડકાઓમાં.

વાત ફકીરી શું કરવાની ?

મન રાજી છે સપનાંઓમાં.

સાંજ ઝરૂખે આવી બેસે,

મન, મિલનની રમણાઓમાં.

***

દેખાય નહીં

કંઇક આડે હોય તો દેખાય નહીં,સૂર્ય, બાકી કોઇથી ઢંકાય નહીં.

રુખ હવાની જોઇ ચાલે મ્હેક પણ,થઇ જમાનાથી અલગ, જીવાય નહીં.

એક નિયમ પ્રકૃતિનો પાળજો,અબ ઘડી ફૂટી કળી, ચૂંટાય નહીં.

એક નાના બાળને પણ છે ખબર,’મા’ની પકડી આંગળી, છોડાય નહીં .

હો ભલેને દર્દ પારાવાર પણ,જિન્દગીથી એમ કંઇ છૂટાય નહીં.

કુદરત સાથે મેળ રાખીને જીવો,

આમ પોતે એકલા રહેવાય નહીં.

***

ડાહ્યો શોધે

ગાંડો શોધે, ડાહ્યો શોધે,મીઠા જળનો દરિયો શોધે.

છોડ હજી કાલે વાવ્યો છે,આજે એનો છાંયો શોધે.

ઉદ્યાનો મહેકી ઊઠ્યા છે,ત્યારે માળી ફાયો શોધે.

ક્યાંક પ્રવાસી ભૂલો પડતા,રસ્તો ક્યાં ફંટાયો શોધે.

સાથ મળ્યો પણ નબળો એનો,કોણ સમયથી બળિયો ? શોધે.

દિવસે મન બેકાબૂ છોડી,સાંજે થઇ રઘવાયો, શોધે.

***

દિલાસો છે

એટલો મનને દિલાસો છે,જીવ કેવળ પ્રેમ-પ્યાસો છે.

થાય મન તો મન મૂકી વરસે,મેઘ પર ક્યાં કોઇ જાસો છે.

ડાઘ એના પર હશે બે-ચાર,ચાંદ રૂપાળોય ખાસો છે.

હોઠ ફફડી ચૂપ થઇ બેઠા,શબ્દના ખોળે નિસાસો છે.

હૂંફ તારી જોઇએ અમને,તું કહે ત્યાં રાતવાસો છે.

કેટલી ઈચ્છા હજુ મનમાં,

ને રહ્યાં બે-ચાર શ્વાસો છે.

***

જાય છે રસ્તો

મંજિલ સુધી લંબાય છે રસ્તો,આવે વળાંક, અટવાય છે રસ્તો.

ચઢતા ચઢી જાશે પહાડો પણ,ઝરણાં સમેત વહી જાય છે રસ્તો.

રણ આવ્યું કે અટકી પડ્યો સમજો,જંગલમાં બહુ મુંઝાય છે રસ્તો.

મેદાનમાં દોડે ત્વરાથી એ,પ્રતિબંધથી દુભાય છે રસ્તો.

ભોળો છે- ગાળો ખાય છે, તો પણબે જણ વચે પુછાય છે રસ્તો.

પહેલી નજરની શું કરામત છે !દિલ-આંખ વચ્ચે થાય છે રસ્તો.

***

સવાલો નડે છે

કદી ધારણાના સવાલો નડે છે,ઘણીયે પ્રથાના સવાલો નડે છે.

ફરી રાત વહેલી પૂરી આજ થઇ ગઇ,અધૂરી કથાના સવાલો નડે છે.

અહીં કોણ આવ્યું અમરપટ લખાવી,જતા-આવતાના સવાલો નડે છે.

અમારે હૃદય એક નાનું હતું રણ,હજી ઝાંઝવાના સવાલો નડે છે.

પૂરો મહેલ છે તાસનો, પણ મઝાનો,જરા શી હવાના સવાલો નડે છે.

***

...લઇને નીકળ્યો

એક મીઠી પ્યાસ લઇને નીકળ્યો,એમ તો વનવાસ લઇને નીકળ્યો.

સાંજને ખુશી ખુશી આપી વિદાય,ચંદ્રનો અજવાસ લઇને નીકળ્યો.

છે સફર લાંબી કે ટૂંકી- શું ખબર!અવધિ મહિનો-માસ લઇને નીકળ્યો.

જે જુએ વિસ્મયભરી નજરે જુએ,સ્મિત મુખ પર ખાસ લઇને નીકળ્યો.

હર કદમ પર શ્વાસ સાથે ચાલશે,એટલો વિશ્વાસ લઇને નીકળ્યો.

***

સારો હતો...

ક્યાં ગણતરીમાં કદી આવ્યો હતો,એક માણસ આમ તો સારો હતો.

ક્યાં વળી એણે સૂરજ જોયો હતો,એ બિચારો એક પડછાયો હતો.

અર્થ એનો કોઈ સમજી ના શક્યું,મૌન સાથે શબ્દને નાતો હતો.

ગર્વ પર્વત જેવડો એને હતો,એક તણખો એટલે દાગ્યો હતો.

વારતા મેં સાંભળી ના સાંભળી,પણ સ્વયંને કંઇક અણસારો હતો.

***

પ્રવાસમાં...

કોઇ જાગે કોઇ વાંચે,

કોઇ બારી બ્હાર તાગે.

કોઇ ઝૂલ્યા કરતું ઝોકે,

કોઇ ચાની મોજ માણે.

કોઇ ચ્હેરો મનમાં મલકે,

કોઇ છાનાં આંસું સારે.

કોઇ નવલી વાત કરતા,

કોઇ આંખો પટપટાવે.

કોઇ એકલ રહે બબડતું,

કોઇ નિજ ઇતિહાસ માંડે.

કોઇ ઊતરે ગાડી રોકી,

કોઇ પ્હોંચે નિજ મુકામે.

***

લ્હાવ દેજે…

કંઇક નોખો લ્હાવ દેજે,દિલ મને દરિયાવ દેજે.

નાવ મેં તરતી મૂકી છે,વ્હેણને બદલાવ દેજે.

હારવું ઉત્સવ બને, બસએક એવો દાવ દેજે.

બે સમાંતર રાહ નિરસ,ક્યાંક તો ટકરાવ દેજે.

કાળ એ ભરશે નિરાંતે,

નિત્ય નૂતન ઘાવ દેજે.

***

મારી આ રચનાઓ જો આપને ગમી હોય તો આપનો અભિપ્રાય જરૂર આપશો. જે મારા માટે પ્રોત્સાહક બનશે.

આભારસહ... પ્રવીણ શાહ

આ પછી મારો

નવો ગઝલ સંગ્રહ- અભ્યંતર

પ્રગટ થશે.