Ghar Chhutyani Veda - 13 books and stories free download online pdf in Gujarati

ઘર છૂટ્યાની વેળા - 13

ભાગ - ૧૩

રોહન સાથેની મુલાકાતે અવંતિકાને તેના પ્રત્યેના આકર્ષણમાં વધારો કર્યો, તેના જીવન વિષે સાંભળી, તેની તકલીફોને જાણી રોહન તરફની એક નવી લાગણીનો જન્મ થવા લાગ્યો. રાત્રે પોતાના રૂમમાં સુતા સુતા તે રોહન વિષે વિચારવા લાગી. કદાચ આ લાગણી... આ ચિંતા... આ આકર્ષણ… અવંતિકામાં રોહન પ્રત્યેના પ્રેમના બીજનું રોપણ કરી રહ્યા હતાં, અત્યાર સુધી અવંતિકાને કોઈ વ્યક્તિનો પ્રેમ સ્પર્શ્યો નહોતો, પણ રોહનને મળ્યા બાદ અવંતિકા તેના વિષે વિચારતી થઇ ગઈ, રોહન તેને ગમવા લાગ્યો હતો. પહેલીવાર જયારે રોહનને જોયો હતો ત્યારે તેને એમ વિચાર્યું નહોતું કે આ વ્યક્તિ સાથે મિત્રતા કરીશ, પણ રોહન સાથે વાત થયા બાદ, તેને મળ્યા બાદ, તેના જીવન વિષે જાણ્યા બાદ વધુ આકર્ષણ થયું અને એજ આકર્ષણ હવે પ્રેમ માં પરિવર્તિત થવા જઈ રહ્યું હતું.

રોજ ક્લાસમાં પ્રવેશતા અવંતિકા અને રોહનની આંખો ટકરાતી હતી, બંને ના હોઠ એકબીજાનો ચેહરો જોઈ મલકાતા હતા, પણ વાત કરવાનો અવસર મળતો નહોતો, પણ હવે અવંતિકાની આંખોમાં રોહન માટે ચોખ્ખો પ્રેમ છલકાતો જોવા મળી રહ્યો હતો, કોલેજમાં પણ ઘણા છોકરા છોકરીઓ એ બંનેની મુલાકાત બાદ વાતો તો કરવાની શરુ કરી જ દીધી હતી, પણ હજુ એનો અણસાર અવંતિકા કે રોહનના કાને આવ્યો નહોતો.

વન ડે ટૂરનો દિવસ આવી ગયો, વરુણની જીદ સામે રોહનને ઝૂકવું જ પડ્યું, અવંતિકા પણ રોહન આવવાનો છે એ જાણીને જવા માટે તૈયાર થઇ હતી. વહેલી સવારે કોલેજના મેદાનમાં બસ આવી પહોચી, અવંતિકાએ વાદળી ટી શર્ટ અને બ્લેક જીન્સ પહેરા હતા, સવારના વાતાવરણમાં એનો ચહેરો ગુલાબ સમાન નીખરી રહ્યો હતો, રોહન વરુણના આવવાની રાહ જોઈ રહ્યો હતો. અવંતિકા રોહન પાસેથી પસાર થતાં એક હળવી સ્માઈલ આપી, રોહને પણ જવાબમાં સ્મિત કર્યું. રોહનની સ્માઈલ મળતાં અવંતિકાના ચહેરા ઉપર અલગ પ્રકારની ચમક આવી ગઈ. વરુણ પોતાની કાર લઇ અને કોલેજ આવી ગયો, રોહન તેની પાસે જઈ અને કહેવા લાગ્યો, : "યાર, તું બહુ મોડું કરે છે ! હું ક્યારનો તારી રાહ જોઇને ઉભો હતો."

વરુણ : "સોરી યાર, મમ્મીના કારણે મોડું થયું, એને મને કેટલી વસ્તુ ભરી આપી, નાસ્તો પણ કેટલો બધો લેવડાવ્યો, તારા માટે પણ વધારાના ડબ્બા પેક કરી આપ્યા."

રોહન : "સારું ચલ હવે બસમાં જઈ આપણી જગ્યા લઈએ, નહિ તો છેલ્લે બેસવાનો વારો આવશે."

વરુણ : "ચાલ યાર, આજે છેલ્લે જ બેસીએ, મઝા આવશે."

રોહન : "ના ભાઈ ના, કોને ખબર રસ્તો કેવો હોય, પેટમાં દુખાવો થઇ જશે, અને પાછુ ત્યાં પહોચીને પાવાગઢ પણ ચઢવાનો છે."

વરુણ : "કઈ નહિ થાય યાર, મઝા આવશે. અને પાવાગઢમાં તો રોપ વે પણ છે, આપણે નહિ ચઢાય તો રોપ વે માં ચાલ્યા જઈશું."

રોહન : "ઓકે, ચલ છેલ્લી સીટે બેસવા માટે હું તૈયાર પણ, પાવાગઢ તારે મારી સાથે ચાલીને જ ચઢવું પડશે ! મંજુર ?

વરુણ : "ડન. રોપ વે માં નહિ જઈએ."

વરુણ અને રોહન છોકરાઓની બસમાં બેઠા અને અવંતિકા સરસ્વતી સાથે છોકરી માટે મુકેલી અલગ બસમાં. અવંતિકાનું મન રોહન સાથે બેસવામાં હતું પણ કોલેજના કેટલાક નિયમોને અનુસરવા પડે એમ હતું. પણ પાવાગઢ જઈ ને રોહન સાથે વાત થઇ શકશે. કોલેજ લાઈફ છે, પ્રોફેસર પણ જુવાન હૈયાઓને સમજી શકતા હોય છે, પણ એ સાથે એક જવાબદારી પણ તેમના માથે હોય છે, ક્યાંક કોઈ આડું અવળું પગલું ભરી લે તો કોલેજની બદનામી થઇ શકે છે, માટે કેટલાક નિયમો પણ બસમાં જ આપવામાં આવ્યા.

સવારના બરાબર ૪.૩૦ વાગે બસ પાવાગઢ તરફ રવાના થઇ, પાવાગઢની સાથે સાથે આજવા નીમેટા, વડોદરા કમાટી બાગ અને આણંદ અમુલ ડેરીની મુલાકાત હતી. વરુણ બારી પાસેની સીટમાં બેઠો હતો, અને રોહન તેની બાજુમાં, સવારમાં અંધારું હોવાના કારણે બારી બહારનો નજારો સ્પષ્ટ દેખાઈ રહ્યો નહોતો, અને ઠંડીનું વતાવરણ પણ હતું. રોહન નોવેલ ખોલી અને વાંચવા લાગ્યો, વરુણે તેના હાથમાંથી નોવેલ લઇ લીધી અને કહેવા લાગ્યો :

વરુણ : "યાર, બસ આ નોવેલ પાછળ તું ગાંડો થઇ જઈશ, આપણે પીકનીક માટે જઈએ છીએ, કોઈ પરીક્ષાના ટેસ્ટ માટે કે કોઈ સેમીનાર માટે નહિ, એક દિવસ નોવેલ નહિ વાંચે તો કઈ બગડી નહિ જાય."

રોહન : "સારું ચાલ, નથી વાંચતો નોવેલ, લાવ બેગમાં મૂકી દઉં."

રોહને બેગમાં નોવેલ પાછી મૂકી અને વરુણ સાથે વાત કરવા લાગ્યો.

વરુણ : "રોહન તને એક પ્રશ્ન પૂછું ?"

રોહન : "હા પૂછ ને !"

વરુણ : "તારી લાઈફમાં આ નોવેલ સિવાય બીજું કોઈ નથી આવ્યું ?"

રોહન : "એટલે સમજ્યો નહિ હું !"

વરુણ : "અરે યાર...તે ક્યારેય કોઈ સાથે પ્રેમ કર્યો છે ?"

રોહન : "ના દોસ્ત... પ્રેમ તો શું આજ સુધી મેં કોઈ છોકરી ને મારી ફ્રેન્ડ પણ નથી બનાવી."

વરુણ : "જુઠ્ઠું ના બોલ.. તે દિવસે તો તું અવંતિકા સાથે વાત તો કરતો હતો ? અને મેં તો એવું સાંભળ્યું છે કે તે દિવસે કોલેજ વહેલા છૂટ્યા બાદ તું અને અવંતિકા કોલેજના મેદાનમાં બેઠા હતા."

રોહન : "અરે અવંતિકા સાથે તો હમણાં જ ફ્રેન્ડશીપ થઇ છે, અને તે દિવસે હું વાંચી રહ્યો હતો અને એ ત્યાંથી પસાર થઇ તો મારી સાથે થોડીવાર બેસી ને વાત કરી, એને પણ મારી જેમ વાંચવાનો શોખ છે. એટલે વાત થોડી વધારે લાંબી ચાલી, પણ આ વાતની તને ક્યાંથી ખબર ?"

વરુણ : "અરે જવા દે એ વાત, હું કઈ બીજું જ સમજતો હતો, પણ તું કહે છે તો સાચું જ હશે, મને તારા ઉપર વિશ્વાસ છે."

રોહને વરુણના ચહેરા ઉપર વાત છુપાવવાનો ભાવ જોયો અને પૂછવા લાગ્યો..

રોહન : "વાત શું છે એ મને કહે ને, પ્લીઝ !"

વરુણ : "કોલેજમાં મેં કેટલાક છોકરાઓને વાત કરતાં સાંભળ્યા હતા, કે અવંતિકા અને તારા વચ્ચે કંઇક ચાલી રહ્યું છે. હું તને ઘણા દિવસથી પૂછવાનો હતો, પણ ચાન્સ ના મળ્યો."

રોહન : "ના યાર, પ્રેમ મને ના થાય અને એ પણ અવંતિકા જેવી છોકરી સાથે, ઈમ્પોસીબલ. ક્યાં હું અને ક્યાં એ. હું એક ગરીબ ઘરનો છોકરો અને એ ધનવાન. ક્યાંથી મેળ થવાનો ? અને કોલેજની બહાર બેઠેલા છોકરાઓને બીજા કામ પણ શું હોય ? આવું નામ જોડવા સિવાય. બોલ્યા કરે એ લોકો તો."

વરુણ : "દોસ્ત તારી એ વાત સાથે હું સહમત નથી કે પ્રેમ અમીરી ગરીબી જોવે છે. પ્રેમ વ્યક્તિત્વ જોવે છે ના કે પૈસા."

રોહન : "ઓહો. તું તો પ્રેમ વિષે ઘણું જાણે છે. તે તો ચોક્કસ કર્યો હશે પ્રેમ."

વરુણ : "તારાથી નહિ છુપાવું દોસ્ત, હું પણ એક છોકરીને ખુબ જ પ્રેમ કરું છું."

રોહન : "કોણ છે એ ?"

વરુણ : "અત્યારે એ અમેરિકા છે, એનું ફેમેલી ત્યાં શિફ્ટ થઇ ગયું બે વર્ષ પહેલા, હવે કોઈ દિવસ ફોન અને મેસેજ થી વાતો થાય છે, ક્યારેક વિડીઓ કોલમાં."

રોહન : "ઓહ.. ક્યાં મળ્યા હતા તમે ?"

વરુણ : "હું જ્યાં રહું છું એની સામે જ એ રહેતી હતી, એના પપ્પા અને મારા પપ્પા પણ મિત્રો હતા, અને વારંવાર મળવાનું થતું, એના ઘરે કોઈ પાર્ટી કે પ્રસંગ હોય કે અમારા ઘરે હોય એમાં અમે મળતા અને અમારી ઓળખાણ ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઇ ગઈ અમને ખબર જ ના રહી. પણ બે વર્ષ પહેલા તેનું ફેમેલી અમેરિકા શિફ્ટ થયું ત્યારબાદ અમે ક્યારેય મળ્યા નથી, એને અમેરિકામાં સ્ટડી સ્ટાર્ટ કર્યું છે."

રોહન : "તો ઘરે વાત કરી અને બંને લગ્ન કરી શકશો ને ભવિષ્યમાં ?"

વરુણ : "ઈચ્છા તો એવી જ છે, પણ એ હજુ ભણવા માગે છે, અને હું પહેલા સેટ થવા માંગુ છું, લગ્ન કરી અને એવા કોઈ બંધનમાં બંધાઈ જવા નથી માંગતો."

રોહન : "તારી લવ સ્ટોરી પણ અજીબ છે, હું જયારે લેખક બનીશ ત્યારે તારી પ્રેમ કહાની ઉપર નોવેલ લખીશ, ચેતન ભગતની જેમ."

વરુણ અને રોહન બંને હસવા લાગ્યા..

વરુણ : "પણ તને કોઈવાર કોઈ સાથે પ્રેમ કેમ થયો જ નથી ?"

રોહન : "મને યાર કોઈ એવી વ્યક્તિ મળી જ નહિ, જેની સાથે પ્રેમ થઇ શકે, અને મારી ગરીબી જોઈ અને મેં પણ ક્યારેય પ્રેમ કરવાનું વિચાર્યું જ નથી, એમ પણ ભણવામાં અને વાંચવામાં હું કોલેજ લાઈફમાં પ્રવેશી ગયો અને પ્રેમ માટે કોઈ જગ્યા જ રહી નહિ."

વરુણ : "તું ઘણો સારો છોકરો છે, તારી સાથે કોઈને પણ પ્રેમ થઇ શકે છે, અવંતિકા જો તને સારી લાગતી હોય તો એના વિષે વિચારી શકે છે, મને પણ એમ લાગે છે કે એને પણ તું ગમતો હોઈશ."

રોહન : "ના યાર, એ તો ફક્ત ફ્રેન્ડ છે, મેં એને જોઇને એના વિષે એવું વિચાર્યું નથી."

વરુણ : "દોસ્ત, પ્રેમને આપણે શોધી શકતા નથી, પ્રેમ જ આપણને શોધી લે છે, અને કોણ ક્યારે અને ક્યાં સમયે જીવનમાં આવી જાય એ નક્કી ના કહેવાય."

રોહન : "એ વાત જવા દે દોસ્ત, જયારે જે થશે એ જોયું જશે. આજે એન્જોય કરીએ."

સૂર્ય પોતાનું અજવાળું ધીમે ધીમે રેલાવી રહ્યો હતો, બારી બહારનું વાતાવરણ ખુબ જ આહલાદ્ક બની રહ્યું હતું, લિલ્લા છ્છ્મ ખેતરો, પક્ષીઓના ટોળા ખુલ્લા આકાશમાં ઉડી રહ્યાં હતા, ખેડૂતો પોતાના બળદ લઇ અને ખેતર તરફ જઈ રહ્યા હતાં, કેટલીક મહિલાઓ પાણી ભરવા માટે માથે માટલા મૂકી અને જઈ રહી હતી, વરુણને આ દૃશ્ય ખુબ જ ગમવા લાગ્યું, એક નવી દુનિયામાં જાણે તે આવી ગયો હોય એમ લાગવા લાગ્યું, રોહન તેને ગામડાં વિષે અને ત્યાંની રહેણી કરણી વિષે જણાવી રહ્યો હતો. પાવાગઢ નજીક આવતા સૌનો ઉત્સાહ વધવા લાગ્યો, હાલોલ પસાર કરી અને બસ પાવાગઢ પહોંચી.

વધુ આવતા અંકે....

નીરવ પટેલ "શ્યામ"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED