ઘર છૂટ્યાની વેળા - 12 Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘર છૂટ્યાની વેળા - 12

ભાગ – ૧૨

વરુણ કોલેજમાં પ્રવેશ્યો ત્યારે રોહન પોતાના નિત્યક્રમ મુજબ વાંચી રહ્યો હતો, પાસે જઈ અને વરુણે કહ્યું :

વરુણ : “હેલ્લો, મારા વાચક દોસ્ત... શું ચાલી રહ્યું છે ?”

રોહન : “બસ કઈ ખાસ નહિ, ખુબ જ મઝાનું પુસ્તક છે, આજે કોઇપણ રીતે એને પૂર્ણ કરવું છે.”

વરુણ : “નાઈસ, મને તો આ બધું બોરિંગ લાગે છે યાર, તું કેમ કરી વાંચી શકે ? મારે તો દસ પેજ વાંચવામાં દિવસ નીકળી જાય, તું તો આખે આખી નોવેલ પૂરી કરી શકે છે... ગ્રેટ યાર....”

રોહન : “દોસ્ત, આ વસ્તુ શોખ સાથે જોડાયેલી છે, મને વાંચવાનો શોખ છે એટલે મને વાંચવું જ ગમે છે, તને જે શોખ હોય એ તને કરવું ગમે.”

વરુણ : “રાઈટ યારા... મને પણ એકલા લોંગ ડ્રાઈવ પર જાવું, ક્યાંક એકલાજ કલાકો બેસી રહેવું ખુબ જ ગમે છે. હું કોઈ એવી જગ્યા એ જાઉં તો મને સમયની પણ ખબર નથી પડતી, હું તો મારો ફોન પણ સ્વીટ્ચ ઓફ કરી દઉં છું.”

રોહન : “બસ તો એ તારો શોખ છે, અને પુસ્તકો વાંચવા મારો શોખ છે.”

વરુણ : “અરે રોહન, આ વર્ષે કોલેજમાં વન ડે ટુરનું આયોજન કર્યું છે, પાવાગઢ. તારે આવવાનું છે હો... કોઈપણ બહાનું જોઈએ નહિ.”

રોહન : “ના યાર, મારે જોબ છે અને ..” (રોહનને વચ્ચે અટકાવતા જ વરુણ બોલ્યો..)

વરુણ : “હું કઈ સંભળાવાનો નથી, તારી આ ટ્રીપ મારા તરફથી, ખુબ જ મઝા આવશે, અને તારે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બધી જ જવાબદારી મારી.”

રોહનનું મન ના હોવા છતાં તેને હા કહેવી પડી, ક્લાસ ચાલુ થયા, પ્રોફેસરે ક્લાસમાં આવી કોલેજની સ્ટાફ મીટીંગ હોવાના કારણે છેલ્લા બે લેકચર ફ્રી હોવાની જાહેરાત કરી. આજે સરસ્વતી પણ આવી નહોતી, અવંતિકા તેની બેંચ ઉપર એકલા જ બેઠી હતી, રોહન સાથે હજુ વધુ વાતો કરવાની તેની જીજ્ઞાસા સમી નહોતી, એ કોઈ એવા સમયની રાહ જોઈ રહી હતી જ્યારે રોહન સાથે વાત થઇ શકે, પણ રોહન દરેક ખાલી સમયનો ભરપુર ઉપયોગ કરતો હતો. તેના કારણે અવંતિકાએ રોહન સાથે વાત કરવાનો અવસર ક્યારેય મળ્યો નહોતો, ક્લાસના અને કોલેજના મોટા ભાગના છોકરાઓની નજર અવંતિકા ઉપર મંડાયેલી હતી, પણ અવંતિકાને એમાંથી કોઈનામાં રસ નહોતો, રોહન એક એવી વ્યક્તિ હતો, જેનાથી તે ઈમ્પ્રેસ્સ થઇ હતી, હજુ લાગણીનો ઉમળકો વધ્યો નહોતો પણ દિલના અંદરથી વારંવાર અવાજ આવી રહ્યો હતો, અવંતિકાનું હૃદય રોહન સાથે વાત કરવા માટે તડપી રહ્યું હતું. ગમે તેમ કરી રોહનનો ફોન નંબર મેળવી અને મેસેજ કે કોલમાં વાત કરવાનું વિચારી રહી હતી.

છેલ્લા બે લેક્ચરમાં શું કરવું તેના વિષે પણ રોહને અગાઉથી જ પ્લાનિંગ કરી રાખ્યું હતું, વરુણ આજે જલ્દી ઘરે ચાલ્યો જવાનો હતો, લાઈબ્રેરી બંધ હશે પણ પોતે કોલેજના મેદાનમાં બેસી અને શાંતિથી વાંચશે એવું આયોજન રોહનના મગજમાં ચાલી રહ્યું હતું, કોલેજ જેવી પૂરી થઇ રોહન અને વરુણ સાથે બહાર નીકળ્યા, વરુણે તેને પોતાની સાથે ઘરે આવવા માટે આમંત્રણ આપ્યું પણ રોહને કહ્યું કે “હજુ ગઈકાલે તો તારા ઘરે આવીને ગયો, ફરી કોઈવાર મુલાકાત લઈશ.” વરુણ સાથે કાર પાર્કિંગમાં રોહન સાથે જ ગયો, વરુણના નીકળ્યા બાદ, રોહન મેદાનમાં કોઈ શાંત જગ્યા શોધી રહ્યો હતો, અને એક ઝાડ નીચે તેને એવી જગ્યા મળી પણ ગઈ. રોહન ત્યાં બેસી અને વાંચવા લાગ્યો.

અવંતિકા બહાર નીકળી અને રોહનને શોધી રહી હતી, લાઈબ્રેરી તો બંધ હતી, અને રોહન કેન્ટીનમાં નહિ હોય એમ માની અને તે મેદાનમાં રોહનને શોધવા લાગી, આમ તેમ બધે નજર દોડાવી પણ ક્યાય રોહન દેખાયો નહિ, અવંતિકાની નજર રોહનને શોધી રહી હતી, જયારે કોલેજના મેદાનમાં બેઠેલા બીજા ઘણાં છોકરાઓની નજર અવંતિકાને જોઈ રહી હતી. ક્લાસમાં બનેલી કેટલીક નવી ફ્રેન્ડે અવંતિકાને એમના ગ્રુપમાં જોઈન થવા માટે આમંત્રણ આપ્યું પણ એ છોકરીઓની રાહ જોઇને ઉભેલા એમના ફ્રેન્ડને જોઇને અવંતિકાએ ના કહી દીધી. બધે જ જોઈ લીધા બાદ અવંતિકા નિરાશ થઇ અને ઘરે જવા માટે પાર્કિંગમાં એકટીવા લેવા માટે ગઈ, ત્યાં થોડે જ દૂર તેને એક ઝાડની બાજુમાં કેટલાક પુસ્તકો દેખાયા, અને તેને લાગ્યું કે એ ઝાડની પાછળ રોહન જ હોવો જોઈએ, પોતાના એકટીવામાં લગાવેલી ચાવી પાછી કાઢી અને એ ઝાડની દિશામાં ચાલવા લાગી, ચાલતા ચાલતા વિચારી રહી હતી, કે : “આમ રોહન પાસે જવું યોગ્ય ગણાશે ? કદાચ એ મારા કારણે ડીસ્ટર્બ થશે અને એને નહિ ગમે તો ? પણ જો આજે એની સાથે વાત નહિ થાય તો ફરી ક્યારે સમય મળશે એ નક્કી નથી, એટલે આજે કઈ પણ થાય હું એની સાથે વાત કરીશ, અને જો મને એમ લાગશે કે એને મારું આવવું ખલેલ પહોચાડે છે તો હું થોડી જ વારમાં નીકળી જઈશ.” આમ વિચારી તે રોહન પાસે પહોચી.

રોહન પુસ્તક વાંચવામાં મશગુલ હતો, પાસે ઉભેલી અવંતિકા ઉપર તેની નજર પડી નહિ, અવંતિકા એક ક્ષણ માટે તો રોહનને જોઈ રહી, પછી બોલી ઉઠી :

અવંતિકા : “કેમ છો મિસ્ટર રીડર ??”

એક જાણીતો અવાજ સાંભળતા રોહને પુસ્તકમાંથી પોતાની આંખો ઊંચી કરતા, સામે ઉભેલી અવંતિકાને જોઈ આશ્ચર્યથી કહ્યું,

રોહન : “ઓહ, તમે અહિયા ??”

અવંતિકા : “હા, આજે વહેલા છૂટી ગયા તો થયું કોલેજનું મેદાન જોઈ લઉં, અને તમને જોયા તો ઉભી રહી ગઈ, હું કોઈને ખાસ ઓળખતી નથી એટલે કંટાળો આવતો હતો, મેં તમને ડીસ્ટર્બ તો નથી કર્યા ને ???”

રોહન : “ના, ના પરિક્ષા થોડી આપવાની છે કે હું ડીસ્ટર્બ થાઉં. આ તો વહેલા છૂટી ગયા તો થયું કે નોવેલ વાંચી લઉં.”

અવંતિકા : “વેરી ગુડ, હું તમારી સાથે બેસી શકું ?”

રોહન : “હા, કેમ નહિ.. બેસો ને....”

અવંતિકા : “થેન્ક્સ...”

અવંતિકા રોહન સામે જ બેઠી, રોહન જે પુસ્તક વાંચી રહ્યો હતો તેને બાજુમાં મુક્યું, અને અવંતિકાના બોલવાની રાહ જોઈ રહ્યો હતો, અવંતિકાના મનમાં પણ એજ પ્રશ્નો ઉદ્ભવતા હતા, કે “વાત ક્યાંથી શરુ કરું, હિમ્મત કરી અને રોહન સુધી તો પહોચી ગઈ પણ હવે બોલવા માટે હિમ્મત ક્યાંથી લાવવી...!! એજ સમજાઈ રહ્યું નહોતું, પણ વાત નહિ કરું તો રોહનનો પણ સમય બરબાદ થશે અને એ કદાચ મને ખોટી પણ સમજી લે.” માટે વાત કરવાની શરુ કરી...

અવંતિકા : “મમ્મી તમારી દુકાનની સાડીના ખુબ વખાણ કરતા હતા. આ વખતે દિવાળીમાં તમારી જ દુકાને શોપિંગ કરવાનું નક્કી કર્યું છે.”

રોહન : “થેન્ક્સ, પણ એ દુકાન મારી નથી હું તો ત્યાં નોકરી કરું છું.”

અવંતિકા : “નોકરી....??? મને તો એમ કે એ દુકાન તમારી હશે..”

રોહન : “ના... હું છેલ્લા થોડા સમયથી ત્યાં નોકરી કરું છું, સવારે કોલેજ અને કોલેજથી સીધો નોકરી.”

અવંતિકા : “બહુ મહેનત કરો છો તમે... તમારા પપ્પા શું કરે છે ?”

રોહન : “આ દુનિયામાં મારું કોઈ નથી, મમ્મી પપ્પા બાળપણમાં જ મને છોડીને ભગવાનના ઘરે ચાલ્યા ગયા છે.”

અવંતિકા : “ઓહ… સોરી... “

રોહન : “એમાં સોરી ના હોય, તમે જાણતા નથી એટલે સ્વાભાવિક છે તમે પૂછી લીધું.”

અવંતિકા : “તો જમવાનું અને બધું કઈ રીતે તમે સાચવો છો ?”

રોહન : “જાતે જ બનાવી લેવાનું ને બીજું કોણ કરી આપે ? બહાર જમવાનું પોસાય નહિ.”

અવંતિકા પાસે રોહનની વાત સાંભળી બોલવા માટે કઈ શબ્દો ના રહ્યાં... રોહનની વાત સાંભળી તેના વિષેનું માન અને આકર્ષણ વધવા લાગ્યું, પોતે એક સ્ત્રી હોવાના કારણે ઘરના કામ અને રસોઈ બનાવવાની મહેનતથી તે પરિચિત હતી. એક પુરુષ માટે આ કરવું ખુબ જ મુશ્કેલ હતું છતાં પણ રોહન પોતાની જાતે જ બધું કરતો અભ્યાસની સાથે સાથે નોકરી પણ કરતો આ સાંભળી અવંતિકાને મનોમન રોહન પ્રત્યે એક અલગ ભાવ જન્મવા લાગ્યો.

અવંતિકાને વિચારોમાં ખોવાયેલી જોઈ રોહન બોલ્યો : “શું વિચારમાં પડી ગયા.”

અવંતિકા : “એજ કે તમે કેટલી તકલીફોનો સામનો કરતા હશો.”

રોહન : “મને તો હવે આદત પડી ગઈ છે, મને તો આવો ફ્રી સમય મળે તો હવે ચિંતા થાય છે કે હું શું કરીશ ? બાકી કામમાં આખો દિવસ ક્યાં જતો રહે મને ખબર જ નથી રહેતી.”

અવંતિકા : “હા, એ પણ છે, જે આદત થઇ જાય પછી જો નવરાશ મળે તો કંટાળો આવે બરાબર ને...”

રોહન : “હા, એવું જ થાય છે. બધું મારા વિષે જ જાણી લેશો કે તમારા વિષે કઈ કહેશો ??”

અવંતિકા : “છોકરીઓને પૂછવાની જ આદત હોય.. અને જો પોતાના વખાણ કરવા બેસે તો તમને બોલવાનો મોકો જ ના મળે..”

બને હસવા લાગ્યા....

રોહન : “તો તમે પણ એવા જ છો કે શું ?”

અવંતિકા : (હસતાં હસતાં) “ના હો, મને તો કોઈને સાંભળવાનું ગમે, બીજી છોકરીઓને જેમ બકબક કરવાની ના ગમે... મારી લાઈફ તમારા જેવી સ્ટ્રગલ વાડી નથી, મારા પપ્પા બીઝનેસ કરે છે, મમ્મી હાઉસ વાઈફ છે, અને હું એમની એકની એક દીકરી છું એટલે મને ખુબ જ લાડ પ્રેમથી ઉછેરી છે, પણ ક્યારેય એમના પ્રેમ નો દુરુપયોગ નથી કર્યો, કોઈ ખાસ મિત્રો પણ નથી બનાવ્યા, તમારી જેમ મને પણ વાંચવાનું ગમે પણ હું ઘરે જ આખો દિવસ ફ્રી હોવ એટલે વાંચ્યા કરું.”

રોહન : “ઓહો તો તમે પણ મારી જેમ વાંચવાના શોખીન છો. એમ જ ને...”

અવંતિકા : “હા, પુસ્તકો જ આપણા સાચા મિત્રો છે, એમાંથી જ કંઇક જાણવા મળે છે, એટલે વાંચવું જ જોઈએ.”

રોહન : “સરસ લો, મને પણ એક વાંચકને મળી આનંદ થયો.”

અવંતિકા : “તો ગમશે ને મારી ફ્રેન્ડશીપ ??”

રોહન : “હા, કેમ નહિ.”

અવંતિકા : “તમે વન ડે ટૂરમાં આવવાના છો ?”

રોહન : “મારી ઈચ્છા તો નથી આવવાની પણ મારો મિત્ર વરુણ જબરદસ્તી મને લઇ જશે.”

અવંતિકા : “મારી પણ ઈચ્છા નથી, પણ હવે જોઈએ શું થાય છે ?.. ચાલો ઘણો સમય થઇ ગયો હું નીકળું હવે... તમે વાંચો શાંતિથી”

રોહન : “ના હું પણ હવે નોકરી ઉપર જઈશ...”

અવંતિકા અને રોહન બંને મેદાનમાં સાથે ચાલી ને આવતા હતા, કોલેજમાં બેઠેલા તમામની નજર એ બંને પર મંડાયેલી હતી, ત્યાં બેઠેલા કેટલાય ગ્રુપમાં કેટલીય ચર્ચાઓ થવા લાગી, બાઈક પર બેઠેલા મસ્તીખોર કોલેજીયનો તો એમ પણ કહેવા લાગ્યા કે “યાર આ બબુચક કરતા તો આપણે કેટલા હેન્ડસમ છીએ, તોય એનામાં એ શું જોઈ ગઈ ?” અને બધા હસવા લાગ્યા, અવંતિકા અને રોહન એ બધાની નજર ને અવગણી આગળ ચાલતા થયા, અવંતિકા પોતાનું એકટીવા લઇ રોહનને બાય કહી ઘર તરફ નીકળી, રોહન પણ કોલેજ બહાર નીકળી બી.આર.ટી.એસ.ના બસ સ્ટોપ પર પહોચી બસનો વેઇટ કરવા લાગ્યો.

વધુ આવતા અંકે.....

નીરવ પટેલ “શ્યામ”