ઘર છૂટ્યાની વેળા - 11 Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘર છૂટ્યાની વેળા - 11

ભાગ - ૧૧

વરુણ પોતાનું દુઃખ રોહન સામે ઠાલવી રહ્યો હતો, મહેલમાં રહેતો વરુણ આજે રોહન સામે સાવ ગરીબ જેવો હતો, તેની પાસે પૈસો અને જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ હતી, પણ એકલતા તેને કોરી ખાતી હતી. અને તેથી જ તે આજે પોતાનું હૈયું રોહન સામે ખોલી રહ્યો હતો.

રોહન : "તો પણ યાર, આટલી સંપત્તિ છે તારી પાસે, તારા કોઈ વસ્તુ ખરીદવી હોય તો તારે કોઈને પૂછવું નથી પડતું, ગમે ત્યાં ગમે ત્યારે તું જઈ શકે છે પછી કેવું દુઃખ ?"

વરુણ : "દોસ્ત, પૈસાથી જ જો ખુશી ખરીદી શકાતી હોત તો જોવતું જ શું હતું, પણ દરેક ખુશી ક્યાં પૈસાથી મળે છે, તને એમ લાગે છે આ પાર્ટી, આટલી જાહો જલાલી મને ગમતી હશે ? સાચું કહું તો હું આ બધાથી કંટાળી જાઉં છું, અકળામણ થાય છે મને આ બધા થી, એક જુઠ્ઠા હાસ્ય સામે બધાની સામે ઊભા રહેવાનું, હાથ મિલાવવાના, બધાની સામે બનાવટી ચહેરા લઈને ફરવાનું મને નથી ગમતું, હું એક હકીકતમાં જીવવા માંગું છું. જેમ અત્યારે તું જીવી રહ્યો છે."

રોહન : "દોસ્ત, તારી વાત સાચી છે, પણ તું મારા કરતાં પણ કિસ્મતવાળો છે, તારી પાસે મા-બાપ છે મારી પાસે તો એ પણ નથી, માતા-પિતા વિના હું નિરાધાર જિંદગી કેવી રીતે જીવ્યો છું એ મારું જ મન જાણે છે, તને ભૂખ લાગે ત્યારે તું ખાઈ શકે છે, મને જયારે ભૂખ લાગતી ત્યારે મારે હાથ લંબાવવા પડતા, રાહ જોઈ બેસી રહેવું પડતું. જો મારી મા હોત તો મારા એવા દિવસો તો ના હોત, મારા મામા મામીના ઘરે રહી હું મોટો થયો, મામા મને સારી રીતે રાખતા પણ મામી પારકાની દૃષ્ટિએ જ મને જોતા, અને તેના કારણે મારે તેમનું ઘર પણ છોડવું પડ્યું હતું. એટલે દોસ્ત મા - બાપ છે એજ સાચી સંપત્તિ છે, બાકી દોસ્ત જેના મા બાપ નથી એજ જાણે છે એમના ઉપર શું વીતે છે."

વરુણ : "સમજી શકું છું દોસ્ત હું તારી હાલત, માતા પિતા વિના જીવવું સહેલું નથી, પણ તને ખબર જ છે કે તારું કોઈ નથી, એટલે તું તારી મરજીનું કરી શકે છે, તને રોકવા વાળું કોઈ નથી, તારા જીવનના નિર્ણયો તું તારી જાતે જ લઇ શકે છે, મારે તો મારા મમ્મી પપ્પાના નિર્ણય ઉપર ચાલવું પડે છે, જો કે અત્યાર સુધી એમને મારા માટે જે નિર્ણય લીધા છે એ બધા જ યોગ્ય છે, પણ મને ક્યારેક થાય કે હું મારો નિર્ણય ક્યારે લઇ શકીશ ?"

રોહન : "કઈ નહિ દોસ્ત, જેને જે મળે છે એમાં જ સાચો આનંદ માની લેવો જોઈએ, ભગવાને જે આપ્યું છે અને આપણને જે મળ્યું છે તેમાં આનંદ માણી અને જીવી લેવાનું."

વરુણ : "સાચી વાત છે દોસ્ત, ચલ હવે નીચે જઈએ, નહિ તો મમ્મી પપ્પા એવું સમજશે કે આજે જન્મ દિવસના દિવસે પણ મિત્ર મળી ગયો એટલે અમને પણ ભૂલી ગયો."

બંને સાથે નીચે ગયા, સાથે જમ્યા અને જમ્યા બાદ રોહને વરુણ પાસે ઘરે જવાની રજા માંગી, રાત્રે મોડું થઇ ગયું હતું, વરુણે રોહનને થોડીવાર સાથે બેસવા માટે અને પછી એ પોતે તેને પોતાની કાર લઈ મૂકી જશે તેમ જણાવ્યું. રોહન પણ વરુણને ના કહી શક્યો નહિ. મોડા સુધી બંને એ વાતો કરી, પોતાના ભવિષ્યના પ્લાનિંગ કરવા લાગ્યા, કઈ ફિલ્ડમાં જોબ કરવી, આગળ ક્યાં સુધી ભણવું એ બધી ચર્ચાઓમાં રાત્રીના ૧૨ વાગ્યા, રોહને હવે ઘરે નીકળવા માટે કહ્યું, વરુણ તેને પોતાની કારમાં મુકવા માટે આવ્યો.

મજુરગામ તરફના સાંકળા રસ્તા ઉપર રાત્રીનો સમય હોવાના કારણે ટ્રાફિક ઓછો હતો, રોહન રહેતો હતો તે ઘર સુધી ગાડી જઈ શકે એમ નહોતી માટે થોડે દુર કાર ઉભી રાખી, રોહને વરુણનો આભાર માન્યો અને ઘરે આવવા માટે કહ્યું, મોડું ઘણું થઇ ગયું હતું પણ વરુણની ઈચ્છા રોહન કેવી જગ્યામાં રહે છે એ જોવાની હતી, માટે તે પણ રોહનની સાથે ગયો.

સિમેન્ટના પતળાવાળા હારબંધ ઘરો હતા, બધા જ ઘરની બહાર બધું અસ્તવ્યસ્ત પડેલું હતું, ઘરના દરવાજા પણ એકદમ નીચા હતા, એકાદ ઘરમાંથી કોઈ ઘરડી વ્યક્તિના ખાસવાનો અવાજ પણ આવી રહ્યો હતો, ગટરના ખુલ્લા ઢાકણમાંથી બદબૂ રેલાઈ રહી હતી. વરુણે ખિસ્સામાંથી હાથ રૂમાલ કાઢી અને પોતાના નાક ઉપર રાખ્યો, રોહનને આ જોઈ થોડું હસવું પણ આવ્યું. ચાલતા ચાલતા બંને રોહનના ઘર સુધી પહોચ્યા રોહને દરવાજો ખોલ્યો, વરુણ નીચો નમી અને અંદર પ્રવેશ્યો, એક નાની ઓરડી હતી, ઘરમાં વધારે પડતો સમાન નહોતો, રસોડા જેવું કઈ નહોતું, એક પ્રાઈમસ હતો, જે કેરોસીન નાખી ચાલતો હતો, અને તે પણ રૂમમાં નીચે જ મુકેલો હતો, થોડા જરૂરિયાતના વાસણ હતા, કપડા સૂકવવા માટે દીરી પણ રૂમમાં જ લટકતી હતી, જેના પર રોહનના કપડા લહેરાઈ રહ્યા હતા, દીવાલ ઉપર ખીલીથી એક કપડા લટકાવવા માટે હેંગર પણ લગાવ્યું હતું, જેના પર સુકા કપડા હતા, કપડાના થેલામાં થોડો સમાન જમીન ઉપર ભરેલો પડ્યો હતો, એક ખાટલો અને એક ખુરશી હતી, એક નાનના ટેબલ ઉપર પુસ્તકો હતા, અભ્યાસના અને કેટલીક નોવેલો. આંખ ઉંચી કરતાં જ એક નજરમાં સમાઈ જાય એટલા ઘરમાં રોહન રહેતો હતો એ જોઈ વરુણને થોડી નવાઈ લાગવા લાગી, અને મનમાં વિચારવા લાગ્યો કે "શું આટલી જગ્યા પણ ઘર ચાલી શકે ?" રોહનના ઘરથી મોટા તો એના ઘરના બાથરૂમ કે ટોઇલેટ હશે, વળી એના ઘરના નોકરો માટે પણ આવા ૩ રૂમ ભેગા કરે એટલી મોટી જગ્યા છે. વરુણની નજર રૂમમાં જ ફરી રહી હતી, રોહને તેને કહ્યું :

"જો દોસ્ત આ અમારું ગરીબખાનું. તારા મહેલની સરખામણીમાં તો આ કઈ જ નથી."

વરુણ : "હા, દોસ્ત હવે મને સમજાય છે કે જીવનમાં પૈસાનું કેટલું મહત્વ છે, હું પહેલેથી જ એવા વાતાવરણમાં ઉછર્યો છું એટલે મને તો આ જોઇને નવાઈ લાગી, મને તો એમ થાય છે કે તું કેમનો એટલામાં જીવન વિતાવી શકે છે ?"

રોહન : "દોસ્ત હવે ટેવાઈ ગયો છું, અને જીવનમાં કંઇક મેળવવા માટે તો કંઇક વેઠવું જ પડે છે."

રોહને વરુણને બેસવા માટે ખુરશી આપી અને પોતે ખાટલામાં બેઠો, વરુણની નજર તો ઘરમાં જ ફરી રહી હતી, બધી વસ્તુને જોઈ અને વિચારી જ રહ્યો હતો. રાત્રી વીતી રહી હતી, વરુણે કહ્યું : "ચલ દોસ્ત હવે હું રજા લઉં, ઘણું મોડું થયું છે, કાલે કોલેજમાં મળીશું."

રોહન : "હા દોસ્ત, ફરી ક્યારેક નિરાંતે બેસીસું, ચાલ હું તને મૂકી જાઉં તારી કાર સુધી."

બંને ઘરની બહાર નીકળ્યા, રોહને દરવાજો લોક ના કર્યો માત્ર સાંકળ લગાવી ચાલવા લાગ્યા, આ જોઈ વરુણે કહ્યું :

"કેમ દરવાજો લોક નહિ કરવાનો, કોઈ કઈ લઇ જશે તો ?"

રોહન : "અરે દોસ્ત, મારા ઘરમાં છે જ શું તો કોઈ કઈ લઇ શકે ?" અને બંને હસવા લાગ્યા.

વરુણને કાર સુધી મૂકી પાછા ઘરે આવી રોહન સુઈ ગયો, પણ બીજી તરફ વરુણની નીંદ આજે ઉડી ગઈ, રસ્તામાં ડ્રાઈવ કરતાં કરતાં પણ એને રોહણ વિષે ના જ વિચારો આવ્યા કરતાં હતા, ઘરે જઈને પણ તે વિચારવા જ લાગ્યો. તેના મનમાં સતત ચાલતું હતું કે રોહન માટે કંઇક કરે પણ તે એ પણ જાણતો હતો કે રોહન ખુબ જ સ્વાભિમાની માણસ છે, જો તે હું ઈચ્છીશ તો પણ એ મારી મદદ નહિ લઇ શકે, પણ રોહન માટે કંઇક તો કરવું છે, અને શું કરીશ એજ વિચારો વરુણને ચિંતામાં મૂકી રહ્યા હતા, એજ વિચારોમાં આંખ ક્યારે લાગી ગઈ ખબર જ ના રહી.

સવારે ઉઠી વરુણ તેના મમ્મી પપ્પા સાથે ડાઈનીંગ ટેબલ ઉપર નાસ્તો કરવા માટે બેઠો, વરુણ ના પપ્પા તેમના કોઈ મિત્ર સાથે ફોન ઉપર ધંધાકીય વાતો કરી રહ્યા હતા, વરુણના બેસતા જ એક નોકર કોફી અને નાસ્તો આપી ગયો. તેના પપ્પા (અશોકભાઈ) ની પણ વાત પૂરી થઇ, અને વરુણ સામે જોઈ અને કહેવા લાગ્યા : "કાલે મઝા આવીને બેટા, તારા ફ્રેન્ડને ગમ્યુંને આપણી સાથે ?"

વરુણ : "હા, પપ્પા ખુબ વખાણ કરતો હતો એ."

વરુણની મમ્મી (શોભના) : "બેટા, રાત્રે ખુબ મોડો આવ્યો હતો કે શું ?"

વરુણ : "ના મમ્મી, કેમ ? હું રોહનને ઘરે મૂકી તરત પાછો ફર્યો હતો."

શોભના : "તારી આંખો કેટલી લાલ દેખાય છે, જાણે આખી રાતનો ઉજાગરો હોય !"

વરુણ : "સાચું કહું મમ્મી મને રોહનના ઘરેથી આવ્યા પછી ઊંઘ જ નથી આવી. હું આખી રાત એના વિષે વિચારતો રહ્યો."

અશોકભાઈ : "કેમ ? એવું તે શું થયું ત્યાં ? કે તું ઊંઘી જ ના શક્યો ?"

વરુણ : "પપ્પા, રોહનના ઘરે કાલે હું ગયો, ત્યાં મેં એ જે હાલતમાં રહે છે એ જોઈ અને મને ખુબ દુઃખ થયું, આપણી પાસે કેવડું મોટું ઘર છે, પણ એનું ઘર તો આપણા બાથરૂમ જેવડું પણ નથી, અને તે પણ પોતાનું નહિ, એનું આ દુનિયામાં કોઈ નથી એ તો મેં તમને પહેલા જ જણાવ્યું હતું.છતાં પણ એનો ઉત્સાહ અને એની મહેનત જોઇને મને એના ઉપર ગર્વ થાય છે. પણ એક વાતનો અફસોસ થાય છે કે હું એના માટે કઈ કરી નથી શકતો."

શોભના : "દીકરા તારે એને મદદ કરવા માટે અમને પૂછવાની જરૂર નથી, તારા પપ્પા પણ તને ક્યારેય ના નહિ પાડે. એમને તો તારા ઉપર પૂરો વિશ્વાસ છે."

અશોકભાઈ : "હા, વરુણ. તારી પાસે જો પૈસા ના હોય તો તું મારી પાસે માંગી શકે છે."

વરુણ : "મમ્મી, પપ્પા... વાત પૈસાની નથી, રોહન એક સ્વમાની છોકરો છે, એ હું ઈચ્છીશ તો પણ મારી મદદ લેવા માટે તૈયાર નહિ થાય, મારે કઈ બીજો રસ્તો જ કરવો પડશે એને મદદ કરવા માટેનો."

અશોકભાઈ : "જો એને વાંધો નાં હોય તો આપણા મણીનગર વાળા ખાલી પડેલા ફ્લેટમાં એ શિફ્ટ થઇ શકે છે, એમ પણ ખાલી ઇન્વેસ્ટમેન્ટ માટે જ તો એ લીધો હતો, ખાલી જ પડ્યો છે."

વરુણ : "પણ પપ્પા તકલીફ એ છે કે એ આ રીતે માનશે નહિ. છતાં હું એને પૂછી જોઇશ."

નાસ્તો કરી વરુણ કોલેજ માટે નીકળ્યો, તેના મનમાં ગમે તે રીતે રોહનને મનાવવાનો વિચાર હતો, કોઈપણ રીતે તે રોહનની મદદ કરવા માંગતો હતો.

વધુ આવતા અંકે....

નીરવ પટેલ "શ્યામ"