Ghar ek deshmandir chhe. books and stories free download online pdf in Gujarati

ઘર એક દેશમંદિર છે.

ઘર એકતા ઝિંદાબાદ..!

ચાલો, એક કામ તો પત્યું. ૧૫ મી ઓગષ્ટે ધ્વજ વંદન પણ થઈ ગયું, ને સલામી પણ અપાય ગઈ. ચોકલેટ પેંડા ને વેફર ઝાપટી પણ લીધા, હવે આપણી ફરજ પૂરી. હવે સરકાર જાણે ને એનું કામ જાણે.! સારું છે કે, આજના ધ્વજ વંદનમાં કોઈ મોટાં નેતાનું લફરું નથી આવ્યું. નહિ તો સાલી ૧૫ મી ઓગષ્ટની રજા, એના કારભારમાં જ બરફ થઈ ગઈ હોત..! હવે જયારે ૨૬ જાન્યુઆરી આવે, ત્યારની વાત ત્યારે..! ઝંડા રોડ ઉપરતો મળે, ને તે પણ સાવ સસ્તામાં. ત્યારે નવા લઈશું, ને ફરીથી બોલીશું, “ ભારત માતાકી જય..! “ ત્યાં સુધી નિરાંત. કાઢ યાર. મસાલો કાઢ. સવારનો મોઢામાં મસાલો નથી પડ્યો, મોઢામાં કરફ્યુ જેવો લાગી ગયો. સાલી ક્યારની તડપ લાગેલી છે. એક તો મોઢામાં મસાલો હોય, ને રાષ્ટ્રગીત ગાઈએ તો, આપણી ભારતીયતા લાજે. બાકી સાચું કહું..? મસાલામાં જે મઝા આવે એવી બીજામાં મઝા જ નહિ આવે. ( એના કપાળમાં કાંદા ફોડું..! )

મસાલો મસળતા મસળતા, ને સ્વચ્છ ભારતના સાથીયા ઊપર પિચકારી મારતાં મારતાં ધીરે ધીરે બધાં જ એક પછી એક આઝાદ ચોક છોડીને પાનના ગલ્લે રવાના થઈ ગયાં. રહી ગયો ખાલી આઝાદ ચોક, અડીખમ ધ્વજ સ્તંભ, ને ચોકલેટ વેફરના આમતેમ ફેંકેલા ફરફરિયા..! કદાચ, ધ્વજ સ્તંભમાં કાન મુકીને સાંભળીયે તો એકાદ ગુંજ પણ સંભળાય, ‘ આઝાદ હિંદ ઝીંદાબાદ...! ‘ પેલો ધ્વજ સ્તંભ પણ જાણે હસતા હસતાં કહેતો હતો, ‘ જાવ ભાઈ જાવ, તમારી જવાબદારી પૂરી..! આઝાદ ભારતમાં તમે તમારી મરજી મુજબનો વિકાસ કરો. બાકી મારે તો, “ જીના યહાઁ, મરના યહાઁ, ઉસકે સિવા જાના કહાં..? ‘ અમારો તો આજ વિકાસ ને આ જ પાન મસાલો..! ધ્વજની ચિંતા નહિ કરતાં, એને તો હું સાચવીસ ને ફરકાવેલો પણ રાખીશ...!

વરસના ૩૬૫ દિવસમાં, બે જ દિવસ એવાં આવે કે, ચકલાં પણ ચીં ચીં છોડીને રાષ્ટ્રગાન છેડતાં હોય એવું લાગે. એક ૧૫ મી ઓગષ્ટ ને બીજી ૨૬ મી જાન્યુઆરી. આખું શક્તિશાળી ભારત, રાષ્ટ્ર-ભક્તિમય થઈ જાય. જેમ ઘણાને શિવજી શ્રાવણમાં જ સાંભરે, એમ ૧૫ મી ઓગસ્ટ ને ૨૬ મી જાન્યુઆરી આવે ત્યારે જ, અમુકને તો દેશભક્તિ ખરજવા ની માફક ઉભરે. આ બે રાષ્ટીય પર્વે ઝંડો ફરકાવીને સરકાર બોલતી હોય, ને પ્રજા સાંભળતી હોય. બાકીના દિવસોમાં પ્રજા બોલે, ને સરકાર સાંભળે કે, “ આવાઝ દો હમ એક હૈ..! “

એમાં અમુકના સ્ટાર્ટર તો એટલા નબળા કે, ગામમાં ધ્વજ વંદન ચાલતું હોય ત્યારે, એ ક્યાં તો પથારીમાં ઘોરતો હોય, ક્યાં તો કોઈ નાસ્તાપાણીની લારી ઉપર નાસ્તા ઉલાળતો હોય. જેને જેવી મૌજ, એવી એની ફોજ..! મેરા ભારત મહાન..!

એક ચોખવટ કરી જ લઉં, કોઈની પણ દુખતી નસ દબાવવાની આ બંદાને આદત નથી. પણ એવું થોડું છે કે, પ્રસુતાને જ પેટમાં દુખણા ઉપડે. લોકશાહીને જયારે પેટમાં દુખાવો ઉપડે ત્યારે, આવાં સપરમાં દિવસે જાત જાતના સરઘસો પણ નીકળે. પણ મગજમાં ભડકો તો ત્યારે થાય કે, વર્ષમાં બે દિવસ પણ જેને રાષ્ટ્રધ્વજને સલામી આપવાની ફુરસદ નહિ હોય, એ જ પાછો કહે કે, “ સાલું, આઝાદીને બોતેરમું બેઠું, આઝાદીના મધુર ફળ ચાખવાના આપણને ક્યારે મળશે..? “

એના કપાળમાં કાંદા ફોડું, દેશની વાત તો પછી, તારી વાઈફ આગળ તો તારી સ્વતંત્રતાનો મેળ પાડ..? પછી દેશની વાત ઠોક. આઝાદીની સાલને ભલે ૭૨મું બેઠું હોય, ખાલી વાઈફને જ ખુશ રાખવાની ટ્રાય કરી જો..? ૭૨ કલાકમાં તારી સ્વતંત્રતાનો ભાંગીને ભુક્કો થઈ જાય. ૫૬ ની છાતીવાળાના પાટિયાં પણ એકવાર તો હલી જાય. ખોટું કહેતો હોય તો, ઘરમાં સાફ્સફાઈ ને પોતાં ચાલતાં હોય, ત્યારે એકવાર પગલું પાડી જોવાનું. એવી ત્રાડ આવશે કે, ‘ ક્વિટ ઇન્ડિયા ‘ જેવી હાકલ પડી હોય, એવું ફીઈઈલ થવા માંડે..! ને જેને પરણ્યા પહેલાં ચંદ્રમુખી કહી હોય, એ એવી તો બગડે, કે તે ક્ષણે કાળમુખી લાગવા માંડે. એમાં જો બહુ ટણી કરવા ગયાં તો, ઘર એક મંદિર લાગવાને બદલે, કદાચ ‘ ઘર એક કુરુક્ષેત્ર ‘ પણ થઈ જાય..! આપણા ઘરમાં આઝાદી ને સ્વતંત્રતાને લુણો લાગ્યો હોય, ત્યાં અખિલ ભારતની સ્વતંત્રતાને તો કયા મોંઢે લલકારીએ..?

આપણને પણ એમ થાય કે, આઝાદ ભારતમાં, એકાદ-બે કામ આપણે પણ વીર ભક્ત હનુમાન જેવાં કરવા જોઈએ. પણ સાલું તેવું વાતાવરણ પણ ઝામવું જોઈએ ને ? મલ્લિકા શેરાવત કે રાખી સાવંતને થોડુ કહેવાય કે, “ તને કોઈ ઉપાડી જાય તેવો એકાદ કારસો તું ગોઠવ. જેથી હનુમાનજીની માફક હું તારી શોધખોળ કરવા નીકળું..! ‘ પઅઅઅણ નહિ મઝા આવે. સશક્તિકરણના સમયમાં હવે સ્ત્રીને કોઈ ઉપાડી જાય, એવું બને જ કેમ..? સિવાય કે, અમિતાભ બચ્ચનને કોઈ ઉપાડી જાય, ને જયાબેન ઝૂરતા હોય એવી ઘટના બને, ને આપણે વીર હનુમાનની માફક અમિતાભને શોધવા નીકળી પડીએ તો કોઈ પરાક્રમ કર્યું કહેવાય...! એમાં રેખાજી આપણને માલામાલ કરી નાંખે તે બોનસ..! કંઈક તો કરવું જ પડશે. નહિ તો આપણી જ આવનારી પેઢી કહેશે કે, ‘ મારા દાદાએ કંઈ ઉકાળેલું નહિ. પૃથ્વી ઉપર ખાલી આંટો મારવા જ આવેલા. બાકી પરાક્રમની વાતમાં તો છોલે ભગો દાજી..!

જો કે, અત્યારના જેવાં ઘરવાળા હનુમાનજીને મળ્યા હોત, તો એમને પણ ખબર પડતે કે વાઈફની પરમિશન વગર ઘરની બહાર કેમ નીકળી પડાય..? એની ગદા પણ સંતાડી દીધી હોત, ને ઉપરથી ટોણા પડ્યા હોત તે અલગ, કે “ શ્રી રામને રાવણ સાથે ડખો થયો, એમા તમે શું જોઈને કુદી પડ્યાં..? એ તો એમનો અંગત મામલો છે. રાવણ તમારી ઘરવાળીને ઉપાડી ગયો કે, ગાલ ફુલાવીને પૂંછડું હલાવતા નીકળી પડયાં..? ઘરના જ બૈરી છોકરાં સંભાળો ને...?”

વાત માણસની આઝાદીની હોય કે દેશની..! લોકોમાં પાયાથી પ્રચંડ દેશભક્તિ જાગે, એ માટે અમારાં ચમનિયાનો પ્રસ્તાવ કાઢી નાંખવા જેવો નહિ. મને કહે, ‘ રમેશિયા..! રાષ્ટ્રીય તહેવાર જેવાં તહેવારમાં, ગામની વસ્તીનો અડધો ટકો પણ ધ્વજ વંદન કરવા આવતો નહિ હોય, એ તો સાલી નાલેશી કહેવાય. એને બદલે ઘેરઘેર ધ્વજવંદનના કાર્યક્રમ કરવાનો કાયદો સરકારે લાવવો જોઈએ. એ બહાને ઘરેઘરના આંગણા પણ સ્વચ્છ ને સુશોભિત થાય. ને પરિવારના બધાં જ સભ્યો, એ બહાને ભેગા થાય, ને પોતીકા કૌટુંબિક પ્રશ્નો હોય તે પણ હલ થાય. બીજું કે, દેશના નેતાઓ ધ્વજવંદન સમયે જેવું ભાષણ કરે તેવું જ પારાવારિક ભાષણ, રેશનકાર્ડનો કરે. નેતાઓ દેશની ચિંતા વ્યકત કરે, એમ પરિવારનો મોભી દેશ સાથે ઘરની પણ ચિંતા વ્યક્ત કરે. પરિવારનો આખો સમુદાય પોતપોતાના આંગણામા આ બહાને ઊભરાય, ને ધ્વજ વંદનનો કાર્યક્રમ રાખે તો, દેશ ભક્તિ પણ ખીલી ઉઠે ને દુનિયામાં વાહવાહી થાય તે અલગ..! ચમનિયાનો આઈડિયા ખોટો તો નહિ, પણ એનું સાંભળે કોણ..? એ રહ્યો ચમનીયો, એ કંઈ અમિતભાઈ થોડો છે કે, એનું મોદીસાહેબ સાંભળે..? બાકી એનું ભેજું એટલે તંદુરી બ્રેઈન જેવું..! એને આવાં જ તણખા ઝરે..! દ્રશ્ય તો વિચારો કે, આખા દેશમાં ઘરે-ઘરે ધ્વજ વંદન થાય, તો દેશપ્રેમનું કેવું અદભૂત વાતાવરણ નિર્માણ થાય..? કદાચ આવું થાય, તો ઘરના મોભીએ કેવું ભાષણ કરવું જોઈએ, એનો પણ એક નમુનો ચમનિયાએ બતાવ્યો...!

વ્હાલાં પરિવારજનો...!

ભલું થાજો આ સરકારનું, જેમણે ધ્વજ્વંદના સાથે પરિવારને પણ એક જગ્યાએ ભેગા કરવાની આપણને યોજના આપી. ઘર મજબુત તો મહોલ્લો મજબુત. ને મહોલ્લો મજબુત તો ગામ, તાલુકો, જીલ્લો, રાજ્ય ને આખરે ભારત પણ મજબુત. બોલો ભારત માતા પરિવારની જય...! ( એક થોડાંક તો બોલ્યા પણ ખરાં કે, “ મોદી… મોદી… મોદી...! )

મિત્રો...! આજે આપણે સૌ સંબંધના નાજુક તાંતણાથી બંધાયેલા છીએ. આજે રાષ્ટ્ર પર્વ નિમિતે મારે કહેવું જોઈએ કે, કુટુંબ મહાન તો દેશ મહાન બનશે. આજે આપણે બધાએ સંબંધોને સાચવવા પડે છે. પણ સાચવવા પડે એ સંબંધો ક્યારેય સાચા નથી હોતાં. કારણ સાચા સંબંધોને ક્યારે સાચવવાના હોતાં જે વાત તમે પાકિસ્તાનના દાખલા ઉપરથી પણ સમજી શકશો. પહેલાં ના સમયમાં સંબંધો પીતળના વાસણો જેવાં હતાં. જેમાં ગોબા પડતાં તો પણ તેને માંજીને ઉજળા બનાવી આપણે સાચવી લેતાં. ભલે વાસણ તૂટે તો તૂટે, પણ સંબંધને આંચ નહિ આવતી. પણ ત્યાર પછી સ્ટીલના વાસણોની ફેશન આવી. સહેજ ગોબો પડે એટલે, જેમ વાસણ બદલાય એમ સંબંધો પણ બદલાવા લાગ્યાં. સ્ટીલના વાસણ ગયાં, ને કાચના વાસણો આવ્યાં. કાચના વાસણો ભાંગતા ગયાં એમ સંબંધો પણ ભાંગતા ગયાં. અને હવે તો ‘ યુઝ એન્ડ થ્રો ‘ જેવાં થર્મોકલના વાસણો આવ્યાં. સ્વાર્થ આવે ત્યારે સંબંધને યાદ કરવાનો, ને સ્વાર્થ પત્યો એટલે સંબંધને પણ ‘ યુઝ એન્ડ થ્રો ‘ કરી ફેંકી દેવાનો. મિત્રો આજે આ ધ્વજ નીચે ઉભાં રહીને કસમ ખાઓ કે, અમે અમારાં સંબંધો પવિત્ર ધર્મગ્રંથની જેમ જાળવશું, અને વડીલોની આન માન અને શાન વધારીશું. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. બોલો, કોમી એકતા ઝીંદાબાદ..! ઘર એકતા ઝીંદાબાદ..! સંબંધ એકતા ઝીંદાબાદ..! ગૃહ મંદિર અખંડ રહો...! ભારત માતાકી જય..! ( પછી સમૂહ ગાન ગાવાનું )

દેદી હમે આઝાદી બીના ખડક બીના ઢાલ

બચ્ચોં તુમ્હારે લીએ મેરી પડ ગઈ હૈ ટાલ

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED