દેડકો આપણો પાડોશી છે Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દેડકો આપણો પાડોશી છે

દેડકો પણ આપણો સહવાસી છે...!

આ તો એક અનુમાન, બાકી માણસને જ માન સન્માન આપવાની વાતમાં લોકોના મોઢાં વંકાતા હોય, એ દેડકાઓને શું માન આપવાના..? ફણગો જ નહિ ફૂટે ને..? કોણ વિચારે કે, દેડકા પણ આપણા સહવાસી છે. એ આપણા માટે પરગ્રહ વાસી નથી..! રાતે આપણો પાડોશી ઘસઘસાટ ઊંઘમાં ઘરરાટી બોલાવતો હોય, ત્યારે સંગીતની તાન છેડીને દેડકા જ વસ્તીનો અણસાર આપતાં હોય. પણ કીમત કોને છે..? દેડકો એટલે, પુરાતન કાળથી ચાલી આવતો આપણો પાક્કો સહવાસી. આપણા રેશન કાર્ડમા એનું નામ નહિ એટલું જ, બાકી આપણી વચ્ચે જ એ આસપાસમાં ખાડામા દટાયેલો હોય..! પણ આપણે રહ્યાં પાક્કાં પથ્થરબાજ. દેડકાને દેખો ત્યાંથી ઠાર કરો એવી વૃતિવાળા. એટલે સ્વાભાવિક છે કે, દેડકાઓ આપણું મોઢું જોવા રાજી નહી હોય. બિચારો પાંચ ફૂટના ખાડા પડી દટાયેલો રહે..!

દેડકો ને ચાતક પક્ષીને આમ તો સ્નાનસુતકનો સંબંધ નહિ. છતાં બંને વરસાદના અભિલાષી. જેવી ચોમાસાની મૌસમ બેસે, એટલે ‘ ચાતક’ ની જાન જાણે, દેડકાના ઘરે આવવાની હોય, એમ, દેડકાઓ ધમધમાટી બોલાવવા જ માંડે. દેડકાઓ સંગીતની એવી સુરાવલીઓ કાઢે કે, એમના બેક ગ્રાઉન્ડ મ્યુઝીક સાથે આખો માંડવો ભરી દે. ને આપણી જીવનચર્યા પણ જોમ મળે. રાત પડવી જ જોઈએ, દેડકાઓ અંધારે એવાં ખીલે કે, એમના અવાજથી વાતાવરણ ભયભીત થઈ જાય. એમના અવાજમા એ જાદુ છે. એમનો અવાજ જ નોખો, ને અનોખો પણ..!

પણ, દુનિયાના એક પણ ફિલ્મ મ્યુઝીક કમ્પોઝીટરે, દેડકાના નાદમા કોઈપણ ગીતનું મ્યુઝીક કમ્પોઝ નથી કર્યું, ને પેલી કોયલને એવી પંપાળી કે, ક્યાંક ક્યાંક તો કાગડીઓ પણ કોયલ કંઠીની ઓળખ આપતી થઈ ગઈ. પણ દેડકાઓના સંગીત માટે કોઈનો એક ઇંચ પણ હાથ વ્હાલથી ફર્યો નથી..! ‘ લૂંગી ડાન્સ ‘ ના ગીતની માફક, દેડકાના નાદમાં એકાદ ‘ ધોતિયાં ડાન્સ ‘ જેવું ગીત કંપોઝ થાય તો એને પણ રાજીપો થાય કે નહિ..? કાળી મઝીયારી રાતમાં કેકારાવને બદલે, કોલાહલ કરતાં દેડકાઓને તાણીને ગાતાં સાંભળીએ, ત્યારે તો એવું જ લાગે કે, દુનિયાભર ના પ્લેબક સિંગરો જાણે એક જગ્યાએ ભેગા મળીને, એક સાથે ગાવાની મહેફિલ જમાવીને નહિ બેઠાં હોય..?

વરસાદ સાથે દેડકાઓનું સાલું શું સેટિંગ હોય છે..? અદભૂત..! વરસાદનું એક ઝાપટું શું પડે, ને દેડકાઓની ફોજ ઉતરી શું પડે..? ભવનાથના મેળામાં સાધુઓ જેમ ક્યાંથી ઉમટી પડે એની ખબર પડતી નથી, એમ આ દેડકાઓ પણ ક્યાંથી ઉમટી પડે એ સમઝાયુ નથી. કોઈ જગ્યાએ છમકલું થાય તો પોલીસ પણ આટલી જલ્દી નહિ આવે, પણ વરસાદના એક જ ઝાપટાંમા, દેડકાઓની આખી ફોજ હાજરાહજૂર થઈ જાય. પછી થાય એવું કે, પિયર ભાગેલી વહુ, વરસ પછી સાસરે પરત આવતાં જેવો રાજીપો થાય, એવો રાજીપો દેડકાઓના આગમન થી નાળા, તળાવ ને ખાબોચિયાને થઈ આવે. જાણે સૂકા લાકડાંઓને પણ કુંપણ ફૂટવા માંડે...!

વાતાવરણના મંડાણ તો એવાં થાય કે, ચોમાસા પછી, પાંચ ફૂટના ખાડામાં ઊતરી ગયેલા દેડકાઓ જાણે પાતાળમાં ભક્તિ કરીને પૃથ્વી ઉપર પ્રગટ થયાં હોય, એમ પાછાં વાજતે ને ગાજતે આવે. એની તાનમાં આપણું શરીર પણ ‘ શકીરા ‘ બનીને ઠેકડા મારવા માંડે, મેઘની ગડગડાટી સાથે, ગાલ ફુલાવીને આપણને પણ મલ્હારી ગાવાની ચેષ્ટા થઇ આવે. દેડકાના અવાજની રીધમમા, આપણને પણ લલકારવાનું જોમ આવી જાય, ચૂંટણી ટાણે જ જેમ નેતાઓ દેખાય, તેમ ચોમાસું આવતાં દેડકાઓનો પણ હટવાડો ભરાવા માંડે. માણસ ભલે દેડકાની ભાષા નહિ જાણે, ને દેડકો માણસની..! પણ દેડકો માણસની ચેષ્ટાને તો સમઝે. કે પથ્થરયુગ માંથી આવેલા માણસને પથ્થર ઉપાડતા વાર નહિ લાગે. એટલે તો કહેવાતોએ એવું નથી કહ્યું કે, માણસ રસ્તે રઝળતા દેડકા જેવો છે, એને કુવામાંના દેડકાની ઉપમા આપી છે. કુવામાંના દેડકાઓ એટલે પરમ શાંતિના અનુયાયી. કુવામાંના દેડકાં ક્યારેય કુવા બહારની ચિંતા કરતાં જ નથી. ત્યારે બહાર રહેલો માણસ, મહોલ્લાના ખાડા પૂરવાને બદલે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચાઈનાના લફરાંમાંથી જ ઉંચો નહિ આવે. આતંકવાદીઓ ક્યારેય કુવામાં પડતા નથી, કુવમાંના દેડકા કહ્યા હોય, તો શાંતિ જ શાંતિ....!

એવી ફેંક તો ક્યારેય મારવી જ નહિ, કે મેં આખ્ખી દુનિયા જોઈ નાંખી. ‘આઈ નોઝ એવરીથીંગ...! અરીસા વગર આપણું નાક પણ આપણે પૂરું જોઈ શકતા નથી, તો દુનિયા શું ધૂળ જોવાના..? એને કહેવાય કુવામાંના દેડકા...! ‘ એનીમલ ડીસ્કવરી ‘ ને જોઈએ તો ખબર પડે કે, માણસની જાત કરતાં પણ પ્રાણીની જાત ઓછી નથી. અમૂક વાંદરા તો આબેહુબ ‘ હાફફ્રાય આમલેટ ‘ જેવાં જ દેખાય. નહિ તો પ્રાણીમાં આવે કે નહિ માણસમાં.....! એકબાજુ એનો ચહેરો મુકીએ, ને બીજીબાજુ આપણો ચહેરો અરીસામાં જોઈએ તો, ‘ સેઈમ ટુ સેઈમ ‘ લાગે. અલબત, આપણે મેક-અપ વગરના હોવા જોઈએ. કારણ વાંદરાઓ મેક-અપ કરતાં નથી....! બીજી એક વાત કે, બધાં પ્રાણીઓને ભેગાં મળીને ‘ મોર્નિંગ વોક ‘ લેવાની આદત નથી. બાકી આપણી સાથે એ પણ મહાત્મા ગાંધી રોડ ઉપર ‘ મોર્નિંગ વોક ‘ લેવા નીકળે તો, વગર ખાધે આપણને ‘ લુઝ મોશન ‘ થઇ જાય.....!’

એક અંદાજ મુજબ ને બાયોલોજિસ્ટ સ્પેશિયાલિસ્ટના કહેવા મુજબ, દેડકાની કુલ જુદી જુદી જાતો પૈકી, ભૂરા કલર (સામાન્ય) દેડકા ઉપરાંત ( બુલફ્રોગ, કોમોન ફોગ, સ્ક્રીમર ફ્રોગ, ફ્રીકીટ ફ્રોગ, પેઈન્ટેડ કલુલા ફ્રોગ, મારબલ ફલુન ફ્રોગ,નેહોવ હેડેડ ફ્રોગ, બ્લુવિંગ ફ્રોગ જેવી અનેક જાતોના વસવાટ. છતાં કોઈ ભેદભાવ નહિ, કે આભડછેટ નહિ. ને ધરમ-ફરમની તો માથાકૂટ જ નહિ. સૌ સાથે હળી-મળીને સંપીને રહેવાનું, ને ચોમાસું આવે એટલે શક્તિ પ્રદર્શન કરવાનું. ગીતામાંથી જેને શીખવાનું નહિ ફાવતું હોય એમણે, આ દેડકામાંથી શીખવા જેવું ખરું..?

કુવાના દેડકાઓને કેટલી પરમ શાંતિ...! કુવો જ એની દુનિયા. કોઈ પનીહારીની ડોલમાં ટીંગાયને જો બહાર આવ્યો તો, એને એટલો આંનંદ થાય કે, જાણે મંગળના ગ્રહ ઉપર આવ્યો. નહિ વિઝા જોઈએ કે, નહી પાસપોર્ટ..! ને આપણને કેટલી ઉપાધિ..? કુવામાં નહિ કોઈ વાયરસ આવે કે, નહિ આતંકવાદી. કુવામાં બિંદાસ સંતોષના ઓડકાર જ ખાવાના ને..? મોરના થનગનાટ માટે તો ઘણાએ લખ્યું. સૂર હોય કે નહિ હોય, લોકોએ બેભાન બનીને ગાયું પણ ખુબ. પણ કોઈ કવિને દેડકો નહિ દેખાયો. ગાજ-વીજ ને વરસાદના વાઈબ્રેશનમાં થનગનાટ તો દેડકો પણ કરે. માત્ર મોરના જ ગુણગાન ગાવાના..? દેડકાની ગાથા ગાવામાં છેવાડાના માનવી જેવું વલણ રાખવાનું..? કોઈએ પણ એને મલ્હાર રાગમાં બિરદાવ્યા છે ખરાં..? પણ ફૂલણશી સ્વભાવવાળાની આ જ દશા હોય. માણસ પણ ફૂલણશી ને દેડકા પણ ફૂલણશી....! એટલે તો ફૂલણશી દેડકાની વાર્તાથી આપણે ક્યાં આગળ વધ્યાં છે...? એના કપાળમાં કાંદા ફોડું...!!

***