રેડલાઇટ બંગલો ૨૭ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રેડલાઇટ બંગલો ૨૭

રેડલાઇટ બંગલો

રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૭

આજે કોલેજક્વીન સ્પર્ધાનો દિવસ હતો. રચના તૈયાર થતી હતી અને અર્પિતા વિશે વિચારતી હતી. ત્યાં મોટો ધડાકા જેવો અવાજ સંભળાયો. એ અવાજ અર્પિતાના રૂમ તરફથી જ આવ્યો હતો. એ અવાજ બંદૂકની ગોળીનો ન હતો. કોઇ મોટી ઘટનાનો સંકેત આપતો હતો. રચના દોડીને અર્પિતાના રૂમ પાસે પહોંચી અને જરાક હડેસેલો માર્યો એટલે દરવાજો ખૂલી ગયો. તે રૂમમાં પહોંચી ત્યારે અર્પિતા જમીન પર પડેલી હતી. રચનાની પાછળ જ રાજીબહેન આવીને ઊભા રહી ગયા હતા. ઉપર ધડાકો થયો એનો અવાજ સાંભળી રાજીબહેન દોડી આવ્યા હતા. રચનાને તેમના આગમનથી નવાઇ લાગી. પહેલી વખત તે રાજીબહેનને તેમના ઉપરના માળ પર આવેલા જોઇ રહી હતી. ઝડપથી દાદર ચઢવાથી તેમની છાતી હાંફતી હતી. છાતી પર હાથ મૂકી તેમણે ઇશારાથી રચનાને પૂછ્યું શું થયું? રચનાએ તેમને જવાબ આપવાને બદલે અર્પિતા પર નજર કરી. તે હાથનો ટેકો લઇ ધીમેથી બેસવાનો પ્રયત્ન કરી રહી હતી. રચનાએ તેનો હાથ ઝાલી બેઠી કરી. રાજીબહેને પણ સાથ આપ્યો. બંને તેને બાજુના બેડ પર લઇ ગયા. અર્પિતાના ચહેરા પર લોહીના ડાઘ હતા. ગાલ પરથી લોહીના એક-બે ટીપાં પડ્યા. રચનાએ તરત જ એક ટીસ્યુ પેપર લઇ તેના પર દબાવ્યો. પાછળ જ વીણા પણ આવીને ઊભી હતી. રચનાએ તેને પોતાના રૂમ પરથી ફર્સ્ટએઇડ બોક્ષ લેવા મોકલી. રાજીબહેને ડોક્ટરને ફોન કરવા મોબાઇલ હાથમાં લીધો. અર્પિતાએ તેમને અટકાવી કહ્યું:"મેમ, ડોક્ટરને બોલાવવાની જરૂર નથી. સામાન્ય ઇજાઓ છે...." અને બીજી જ પળે જમણો પગ પકડી તે દર્દભર્યા અવાજે બોલી:" ઓ મા… મોચ આવી છે...."

રચનાએ અર્પિતાના પગમાંથી હીલવાળા ચંપલ કાઢ્યા અને વીણાએ લાવેલી કીટમાંથી ટ્યુબ લગાવી માલીશ કરી. રાજીબહેને રૂ લઇ અર્પિતાનો ચહેરો સાફ કર્યો અને લોહી ટપકતું હતું ત્યાં દવા લગાવી. અર્પિતા પાસે લોહીનો વેપાર કરાવતા રાજીબહેન જાણે તેની સાથે લોહીનો સંબંધ હોય એટલી લાગણીથી વર્તી રહ્યા હતા. એ જોઇ રચનાને નવાઇ લાગી રહી હતી.

અર્પિતા થોડી સ્વસ્થ થઇ. રચના અને રાજીબહેને સાથે જ પૂછ્યું:"આ કેવી રીતે થયું...?"

અર્પિતા તૂટેલા અરીસા તરફ જોવા લાગી. બંનેની નજર અર્પિતા જ્યાં પડી હતી ત્યાં ગઇ. કાચના અનેક ટૂકડા પડ્યા હતા. રાજીબહેનને થયું કે તેમનું સપનું આ કાચના ટુકડા જેવું ચકનાચૂર ના થાય તો સારું. આજની અર્પિતાની કોલેજક્વીન સ્પર્ધામાં જીત જરૂરી હતી. તેના પર કોલેજક્વીનનું લેબલ લાગી ગયા પછી તે ગ્રાહકો પાસે વધુ ભાવ લઇ શકવાના હતા.

અર્પિતા ધીમેથી ત્રૂટક અવાજે બોલી:"હું તૈયાર થઇને.... રચનાને બોલાવવા જવાની જ હતી..... ખાલી... લિપ્સ્ટિક જ બાકી હતી. હીલવાળી ચંપલ સાથે લિપ્સ્ટિક લગાવવા મેં કાચમાં જોયું. અને.... જરાક નજીક જવા ગઇ ત્યાં લાકડાનું આ ડ્રોઅર પગમાં અથડાતાં બેલેન્સ ગુમાવ્યું..... પડી જતાં બચવા મેં કાચ પકડ્યો.... પણ કાબૂ ન રહેતા કાચ સાથે જ નીચે પડી. એક ટુકડો જ મોં પર લાગ્યો એટલું સારું છે. પણ આ પગ થોડો મચવાયો છે....ચલાશે નહીં."

અર્પિતા પ્રતિભાવ જાણવા રાજીબહેન અને રચના સામું જોઇ રહી.

બંને "હવે શું થશે?" એવા ભાવ સાથે અર્પિતાને જોઇ રહી.

રાજીબહેન ચિંતાતુર સ્વરે બોલ્યા:" અર્પિતા, આજે કોલેજક્વીન સ્પર્ધામાં ભાગ તો લઇ શકીશ ને?"

"મેમ, વેરી સોરી! કાચ લાગ્યો એમાં ચહેરો બગડી ગયો છે... અને આ એક પગ પર ડાન્સ કરવાનું શક્ય નથી." અર્પિતાએ પગ તરફ આંગળી ચીંધી પોતાની મજબૂરી વર્ણવી.

"તારે ધ્યાન રાખવું જોઇએ ને? તને ખબર છે ને ? આ સ્પર્ધા જીતવી તારા અને મારા માટે કેટલી અગત્યની છે?" રાજીબહેન ગુસ્સે થઇ ગયા.

"મેમ, એ બિચારી પણ શું કરે? આ રીતે આદમકદ અરીસો પડશે એવી કલ્પના પણ ના આવે ને? અને આ હાલતમાં તો એ કેવી રીતે ભાગ લઇ શકશે?" રચના અર્પિતા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા લાગી.

"થોડીવારમાં સારું થઇ જાય તો વાંધો નહીં આવે. આપણે સ્પર્ધાને અડધો કલાક મોડી શરૂ કરાવીશું. બાકીનું હું સંભાળી લઇશ." રાજીબહેનની ઇચ્છા હતી કે અર્પિતા ભાગ લે.

"મેમ, આવા ચહેરા સાથે અને લંગડાતા પગે ડાન્સ કરીશ અને તમે મને વિજેતા બનાવશો તો કોલેજનું જ નામ ખરાબ થશે." અર્પિતાએ સલાહ આપી.

રાજીબહેનને થયું કે હવે સ્પર્ધાનો તેમના માટે કોઇ અર્થ રહ્યો નથી.

"અર્પિતા, તું આરામ કર. અને રચના, તું સ્પર્ધા માટે નીકળ. વીણા, તું અર્પિતાનું ધ્યાન રાખજે." બધાને આદેશ આપી રાજીબહેન આવ્યા હતા એવા જ ઝડપથી પણ ગુસ્સામાં દાદર ઊતરી ચાલી ગયા.

"રચના, હવે વધારે સમય નથી. તું તૈયાર થઇને નીકળ. મારી શુભેચ્છા છે કે તારો પ્રથમ નંબર આવે. બેસ્ટ ઓફ લક!" અર્પિતા એટલું બોલીને પગ પંપાળવા લાગી.

રચના અર્પિતાને ભેટીને નીકળી ગઇ.

વીણા રૂમની સફાઇ કરી રહી હતી. તેણે બધા કાચના ટુકડા ભેગા કરીને બધું વ્યવસ્થિત ગોઠવી દીધું. અર્પિતા બોલી:"વીણા, હવે તું જા, મને કોઇ કામ નથી. હું આરામ કરું છું. જરૂર પડશે તો તને બોલાવીશ..."

વીણાને બીજા કામ હતા. તે જતી રહી.

અર્પિતા બેડ પર આડી પડી. તેના ચહેરા પર દર્દને બદલે ખુશીના ભાવ હતા!

***

વર્ષાબેનના વર્તનથી હરેશભાઇને આશ્ચર્ય સાથે દુ:ખ થઇ રહ્યું હતું. પોતે કેટલો પ્રેમ કરે છે અને વર્ષા પેલા નીચ હેમંતભાઇને સારો માણસ માને છે. હેમંતભાઇનો આશય વર્ષા સાથે લગ્ન કરવાનો જ હશે. અને એ માટે પહેલાં મને પાડી દીધો. ખેતરમાં આગ એણે જ લગાવી હશે. તે ગમે તેમ કરીને અમારા કુટુંબને મુશ્કેલીમાં મૂકવા માગતો હતો. હરેશભાઇને હવે હેમંતભાઇ પર પૂરી શંકા હતી. પણ પુરાવો મળતો ન હતો. હરેશભાઇ હવે થોડું ચાલી શકતા હતા. તે ઊભા થયા અને લાકડીના ટેકે ચાલીને બહાર ઓટલા પર આવ્યા. હવે પગથિયાં ઉતરવાનું મુશ્કેલ હતું. તે પગથિયાં ઊતરવાનો વિચાર કરતા હતા ત્યારે લાલુ મજૂર આવી પહોંચ્યો. "અરે… અરે… તમે ક્યાં બહાર આવી ગયા." લાલુએ તેમને અંદર જવા કહ્યું.

"લાલુ, મારે બહાર જવું છે..."

"ના.. ના... તમે વધારે ચાલી ના શકો. મને કહો શું કામ છે?"

હરેશભાઇને થયું કે તે દૂર સુધી જઇ શકશે નહીં. તે ચાલીને અંદર પોતાના ખાટલા પર જઇ બેસી ગયા. અને શ્વાસ લઇ બોલ્યા:"લાલુ, જા તો પેલા લાભુભાઇના છોકરાને બોલાવી લાવને..."

લાલુ તરત જ નીકળી ગયો.

હરેશભાઇ વિચારવા લાગ્યા. હેમંતભાઇ મારા પરિવાર પર કોઇ મોટી આફત લાવે એ પહેલાં તેને પાઠ તો ભણાવવો પડશે. એ પહેલાં તેના કાળા કામોની માહિતી મેળવવી પડશે. અને આ કામ લાભુનો છોકરો જ કરી શકે એમ છે.

"કેમ છો હરેશભાઇ?" અવાજ સાંભળી હરેશભાઇની તંદ્રા તૂટી. સામે લાભુભાઇનો છોકરો ઊભો હતો.

"આવ આવ ભાઇલા… હવે આમ તો સારું છે. પણ પહેલા જેવા થતાં હજુ સમય લાગશે." હરેશભાઇએ તેને ખાટલા પર બેસવા ઇશારો કર્યો.

લાલુ સમજી ગયો કે તેમને ખાનગી વાત કરવી હશે. તે તરત જ બહાર નીકળી ગયો.

"શું ચાલે છે આજકાલ?"

"બસ ખેતીનું કામ ચાલે છે. આપણે તો બીજું શું કામ હોય. તમારે કોઇ કામ હોય તો બોલો?"

"તું તો જાણે છે કે અમારું ખેતર સળગી ગયું છે. મોટી આફત આવી પડી છે. આ પગ ચાલતા નથી અને ખેતર નધણિયાતું પડ્યું છે..."

"હા, મને પણ નવાઇ લાગી હતી. ગામમાં આ રીતે ખેતર સળગવું ના જોઇએ. હવે પહેલાં જેવો જમાનો નથી. કોઇના પર વિશ્વાસ થાય એમ નથી. હું તો જાતે જ અમારા ખેતરની રખેવાળી કરું છું."

"અમારું તો નાનું ખેતર છે. આખો દિવસ તો આપણે ત્યાં બેસી ના શકીએ ને? તમારી તો ઘણી જમીન છે. સાચવવી જ પડે. તેં લગન કર્યા કે નહીં?"

"ના ભાઇ, હજુ એટલી ઉંમર પણ નથી!"

"એટલે જ રાત-દિવસ ખેતરે રહે તો ચાલે કેમ?"

"હા..લગન પછી કોઇ વ્યવસ્થા કરીશું. તમતમારે મારી ચિંતા કર્યા વગર કામ બોલો..."

"વાત એમ છે કે મારું ખેતર કોઇને સોંપવું છે. તું એને તૈયાર કરીશ?"

"હરેશભાઇ, મારું જ મુશ્કેલીથી સાચવું છું. અને તમારું ખેતર તો હેમંતભાઇ સંભાળે છે ને?"

"સંભાળતા હતા. પણ મારે હવે એમને આપવું નથી. વર્ષાબેન ભલે આપે. તું મારું ખેતર સંભાળીશ?"

"તમે લાભુબાપાના મિત્ર છો... પણ સાચું કહું તો હવે એ ખેતર વેચી દો..."

"ના ભાઇ ના. એ તો મારી માવડી છે. એને વેંચી ના શકું." કહી હરેશભાઇ ચૂપ થઇ ગયા. પછી ધીમેથી બોલ્યા:"અમારી અર્પિતાને જોઇ છે?"

"હેં...."

"અરે એમાં શરમાય છે શું? એના લગન લેવાના છે. સાચું કહું તો એના માટે તારાથી યોગ્ય કોઇ છોકરો મને આ ગામમાં દેખાતો નથી...." હરેશભાઇને થયું કે આ તીર નિશાન પર લાગી જશે. તે જાણતા હતા કે ગામના છોકરાઓ અર્પિતાના રૂપ પર મરે છે. એનો હાથ પકડવા કોઇ પણ છોકરો તૈયાર થઇ જાય એમ હતો. પણ લાભુભાઇના છોકરાની વાત અલગ જ હતી. એ ઠરેલ અને હોંશિયાર હતો. પોતાને મંઝિલ પર આ છોકરો જ લઇ જાય એવો હતો.

"હં....હું શું કહું...?"

"જો મને તો તું મારી અર્પિતા માટે સૌથી યોગ્ય લાગ્યો છે..."

"પણ હજુ લગનને વાર છે. અર્પિતા પણ કોલેજનું ભણી રહી છે ને?"

"તું એ વાતની ચિંતા ના કર. એ અહીં આવશે ત્યારે એને વાત કરીશ."

હરેશભાઇની વાતથી યુવાનના ચહેરા પર ખુશીની લાલી આવી ગઇ. અર્પિતાને પામવા ગામનો દરેક યુવાન પાગલ હતો.

"ઠીક છે. હું તમને કાલે જવાબ આપીશ. બાપા સાથે આજે ચર્ચા કરી લઉં..." કહી તેણે પોતે ખેતર સંભાળવા તૈયાર હોવાનો ઇશારો કરી પિતા પર વાત છોડી અને ઊભો થયો.

"પણ અર્પિતા સાથેના લગ્નની વાત આપણા બે વચ્ચે જ રાખજે...."

એ સાંભળી તેનો ચહેરો ઓર ખીલી ઊઠ્યો. એના પરથી હરેશભાઇને ખ્યાલ આવી ગયો કે આવતીકાલે તેનો જવાબ શું હશે?

"આવજે..." કહી હરેશભાઇ મનમાં મલકાયા. ત્યાં જમવાની થાળી લઇ વર્ષાબેન આવી પહોંચ્યા. અને આવ્યા એવા જ પૂછવા લાગ્યા:"આ હમણાં ગયો એ લાભુભાઇનો છોકરો જ હતો ને? શું નામ એનું?"

"વિનય. અર્પિતા સાથે જ ભણતો હતો ને? મને તો અર્પિતા માટે એ યોગ્ય લાગે છે."

"હા, છોકરો તો સારો અને સંસ્કારી છે. પણ તમે એને લગનની વાત કરવા બોલાવ્યો હતો?"

"ના, પણ આ તો મારા મનની વાત કહી. મારા ખેતરનું કામ એને સોંપવાનું વિચાર્યું છે. ખબર નહીં આ પગ પર ક્યારે ચાલતો અને દોડતો થઇશ."

"પણ હેમંતભાઇ સંભાળે એમાં શું વાંધો છે? તે ભલા માણસ છે. તમે ખોટી શંકા કરો છો."

હરેશભાઇને થયું કે વર્ષાને કેવી રીતે સમજાવે?

"વર્ષા, એ હેમંતભાઇ ગામના ઉતાર જેવો માણસ છે. મારી સલાહ છે કે તું એનાથી દૂર જ રહેજે."

હેમંતભાઇની એકદમ નજીક સરકી ગયેલા વર્ષાબેનને થયું કે હરેશભાઇને તેમની ઇર્ષા થઇ રહી છે. "હમણાં તો હેમંતભાઇને ખેતર સંભાળવા કહ્યું છે. પછી શું કરવું એ હું વિચારીશ."

"જેવી તારી મરજી વર્ષા." હરેશભાઇને ખ્યાલ આવી ગયો કે તેમની કોઇ સમજાવટ કારગત નીવડવાની ન હતી. એટલે વાતનો અંત લાવી દીધો.

હરેશભાઇ હવે વિનયનો ઉપયોગ કરીને હેમંતભાઇને વર્ષાબેનની સામે ઉઘાડો પાડવાનું વિચારવા લાગ્યા. તેમણે વિચાર્યું કે અર્પિતાના વિનય સાથે લગ્ન થાય કે ના થાય પણ વર્ષાના હેમંતભાઇ સાથે કોઇ કાળે લગ્ન થવા દેશે નહી.

***

ઘાયલ થયેલી અર્પિતા કેમ ખુશ હતી? કોલેજક્વીન સ્પર્ધામાં કોણ જીતશે? અર્પિતાની યોજના શું હતી? તે કેટલી સફળ રહેશે? હરેશભાઇ વિનયનો સાથ લઇ શું કરશે? એ બધું જ જાણવા હવે પછીના રસપ્રચૂર પ્રકરણો વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.

રેટ કરો અને રિવ્યુ આપો

Bharat Maghodia

Bharat Maghodia 1 માસ પહેલા

Hims

Hims 6 માસ પહેલા

Hemal nisar

Hemal nisar 2 વર્ષ પહેલા

Bijal Patel

Bijal Patel 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા