Tervethi tapkelu chomasu books and stories free download online pdf in Gujarati

ટેરવેથી ટપકેલું ચોમાસું

ટેરવે પડેલું ટપકું ચોમાસું થઈ ગયું....!

સમયને ક્યારે સુનામી આવે એ તો બ્રહ્મા પણ નહિ જાણી શકેલા. અણધરી બનતી ઘટનાને પલટો કહેવાય, પછી એનું નામ દુર્ઘટના પડે. સમય પણ ચોમાસાના વાદળ જેવો. વરસવા માટેગમે તેવો આકાર લે. તે પણ વરસ્યો તો વરસ્યો, નહિ તો પછી ચૂંટણીના ભાષણની માફક પરિણામમા અલ્લાયો. રામ તારી માયા...!

ટાઈટલ જોઈને ખંજવાળ તો આવી હશે કે, આ તે સાલો લેખ છે કે, ગુજ્જુ ફિલમની સ્ટોરી..? ના....ભાઈ ના, આ ફિલમનું નામ નથી, સાસુ-આંસુ ને ચોમાસુંની સમઝ એનાઓ સમય આવે ત્યારે જ સમઝાય. આ ત્રણ જો કોઈ જગ્યાએ ભેગા થયાં, તો એ ફિલમ બનાવે નહિ, પણ આપણી ફિલમ પાડે.....!! દેવ દર્શનમાં રીફ્લેક્શન મળે કે નહિ મળે, પણ એકવાર સાસુ-આંસુ અને ચોમાસાના સાક્ષાત દર્શન કરવાના મળે તો, તક જતી નહિ કરવી. જીવતર જીવવાની એ ગાઈડ કહેવાય. આમ તો, આ લોકોના ન્હાવા અને નવડાવવા સિવાય બીજા કોઈ અંગ કસરતના કાર્યક્રમ હોતાં જ નથી. છતાં લાભ લેવા જેવો ખરો..! આ બધાં નશીબના ખેલ છે દાદુ..! સારાં નશીબ હોય તો જ સાસુ પણ મળે, ને સારી મળે, ચોમાસું પણ સારું મળે ને આંસુ પણ હરખના મળે. બાકી આમ તો આ ત્રણે-ત્રણ, ખાટલામાં ભરાયેલા ખટમલ જેવા પણ ખરાં..! દિવસ કરતાં રાતે વધારે ચટકા પાડે.

શિયાળો ટાઢો હોય, ઉનાળામાં બફારો હોય, અને ચોમાસામાં કાદવ-કીચડનો દેકારો હોય. રસ્ત્તો નર જાતિમાંથી લિંગ પરિવર્તન થઇને, ગટર બની જાય. વરસાદનો પ્રેમ એટલો પ્રેમ ઉભરાય કે, રેલ્વે જેવી રેલ્વેની ટ્રેક નદી બની જાય. ઘરના ધાબાઓમા પંક્ચર પડતાં, આપણા ઉપર અભિષેક થવા માંડે. જીવડો ધાબા નીચે છે કે, કાણાવાળી છત્રી નીચે, એ જ નહિ સમઝાય. આખાં વર્ષમાં આપણને બે વખત ભરપેટ ન્હાવાનું મળે. ઉનાળામાં પરસેવાથી ને ચોમાસામાં વરસાદના ઝાપટાંથી. છે આનાથી ખાસ કોઈબીજી મઝા...?

એક ભાઈને ડોકટરે સલાહ આપી કે, તમારે ઉનાળામાં બે વખત ન્હાવું. આ ભાઈ વચનનો પાક્કો. એટલે એના કપાળમાં કાંદો ફોડું, ઉનાળો બેઠો ત્યારે ન્હાયો, ને ઉનાળો ઉતર્યો ત્યારે ન્હાયો. જય રામજી કી...! પણ જ્યારથી ચોમાસું બેસી પડ્યું છે, ત્યારથી રોજ મરઘાની જેમ પિલ્લાય છે....!! નથી ચોમાસું ઉઠવાનું નામ લેતું, અને નથી એ પીલ્લાવાનું બંધ કરતો. બિચારો કરે પણ શું...? રેશનકાર્ડમા બાર માણસ, ને છત્રી એક. તે પણ અનેક જગ્યાએથી ફેકચરવાળી..! નહિ તો નવી લાવી શકાય કે, નહિ તો, જૂનીને છૂટા છેડા આપી શકાય. ચોમાસામાં ડોક્ટર સિવાય બધાં જ માંદા પડે, એનું મૂળ કારણ પણ એ જ. એમાં મેક-અપ કરતાં હોય કે કરતી હોય, એની તો બોસ... વાટ લાગી જાય. કેમ કે, જેમ ડામરના રોડને પાણી સાથે મેળ ના પડે, એમ મેક-અપને ચોમાસા સાથે નહિ ઝામે. મેક-અપ કરીને બહાર નીકળ્યા અને વરસાદના ઝાપટાની ઝપટમાં આવ્યા તો, આખા ફેઈસની સરફેઈસ સાફ થઇ જાય. ઓરીજીનલ માલ કેવો છે એ જગજાહેર થઈ જાય..!

વરસાદની ઝાપટ છે બોસ..! ઘરનો ચૂનો જેવો ચૂનો ધોવાય જાય તો મેક-અપ કેટળો ટકે...? માની લઇએ કે, પશુ-પંખી ભલે ભણેલા નહિ, પણ એ લોકો આ વાત જાણે, એટલે મેકઅપ કરતાં નથી..! આ તો પથારીમાંથી ‘વેક-અપ’ થયા એટલે મેક-અપ ચાલુ. ચોમાસામા સ્વયં ધરતી લીલીછમ્મ થતી હોય, આકાશમાં મેઘધનુષ ખેંચાતું હોય, મોરલા ટેહૂક..ટેહૂક કરતાં હોય, ને આપણાવાળી સાવ મેક-અપ વગર લટાર મારવા નીકળે તો, સારું થોડુ લાગે...? ઓઢવાની ગોદડી ગમે એટલી જૂની હોય, પણ કવર ચઢાવો એટલે નવી. બાકી મેકઅપ વગર તો એવું લાગે, કે જાણે ગુલાબના છોડ ઉપર ધંતુરાં નહિ ઉગ્યા હોય...? આપણું ‘ મેચિંગ ‘ સાલું ચોમાસું પડે ને જ ખોરવાય જાય. ચોમાસામાં તમારી ત્વચાની જાળવણી કેમ કરશો..? આવી જાહેરાત તો બહુ આવે. પણ ચોરીના ચાર ફેરામાં જ જેનાં લમણે કાળા ધાબળા જેવી ત્વચા ઝીંકાયેલી હોય એ શું કરે..! બિચારી માંડ મેક-અપ ચોંટાડીને બહાર નીકળે, ને ઉપરથી વાદળ જ હુમલો કરે તો શું વલે થાય..! ધોવાઈ જાય. હોય એના કરતાં પણ ભૂંડી લાગે..! આખું વર્ષ મઝેનું કાઢે, પણ ચોમાસાના ચાર મહિના ચૌદસ જેવા લાગે. ચાર મહિના તો આપણે કહીએ, પણ પડેલા વરસાદની સરાસરી કાઢીએ તો ખબર પડે કે, આપણે ચાર મહિના કાઢયા કે બાર..?

વેપારી જુનો સ્ટોક કાઢવા માટે સેલ કાઢે, એમ ક્યારેક તો વરસાદ પણ સેલ કાઢ્યું હોય એમ વરસે. જાણે બે ચાર વરસ સુધી પધારવાનો નહી હોય, એમ ઈન્સ્ટન્ટ કવોટા પૂરો પાડે. વખાણેલો પોપટ હવે ટોંચ મારવા બેઠો છે. માણસને તો ભાગવત સંભળાવીને પણ સીધો રાખી શકાય. પણ વરસાદ વાંકો થાય ત્યારે, કેમનો રોકવો..? ભલે ઘરની બહાર બોર્ડ માર્યું હોય, કે “ રજા સિવાય કોઈએ દાખલ થવું નહિ “ છતાં વરસાદ એવો બેશરમ કે, લોકોના ઘરમાં પણ ધૂસી જાય, બારણા જો ચપોચપ વાસી દીધાં તો, બારણાને પણ એવા ફુલાવી દે કે, તેને ઉઘાડવાં માટે બે-ચાર મજુર કરવા પડે.....!!

ગરીબોની વસ્તી ગણતરી કરવાની ઈચ્છા થાય તો, ચોમાસું એના માટે ઉતમ મુહરત. કારણ ગરીબોની હાલત ચોમાસામાં ઉઘાડી પડી જતી હોય. એનું ઘર, એનું આંગણું, એના રસ્તા, એનું રસોડું બધું જ બગડેલા મતપત્રો જેવું થઇ જાય. હા, એક વાત છે. કેટલીક જગ્યાઓ તો રમણીય પણ થઇ જાય. જાણે કાદવ કીચડવાળું કાશ્મીર જ આપણા આંગણામાં પધાર્યું ના હોય..? પેલાં ગીતના ભણકારા તો હજી કાનમાં ખંજવાળ ખંજવાળ કરે....

આવ રે વરસાદ ઢેબરીયો વરસાદ

ઉની ઉની રોટલી ને કારેલાનું શાક

વરસાદની જોરદાર બેટિંગમાં શાકવાળી જ નહિ આવે તો, ભીંડા ઝાપટવા પડે યાર..! આજકાલ વરસાદ પણ એનો મલાજો લીલામ કરવા બેઠો. ક્યાં કોઈને ગાંઠે છે ? સરકાર હોય તો એના ઊપર અવિશ્વાસની દરખાસ્ત પણ લવાય, આના તો શું શીંગડા કાપી લઈએ..? સરકારને તો કંઈ કહેવાય જ નહિ. કહેવા જઈએ તો એમ કહે. “ વિરોધ પક્ષનો હાથ હોય, એમાં અમે શું કરીએ..? “ એના કપાળમાં..!

“ સાસુ-આંસુ અને ચોમાસું “ એટલે “બ્રહ્મા-વિષ્ણુ અને મહેશ..! “ વરસે તો ય દુખ, ના વરસે તો ય દુખ. ક્યારે ટપકે ને ક્યાં સુધી ટકે, એના કોઈ મિટર જ નહિ...!! આ ત્રણ જણને ક્યારેય જશ મળ્યો નથી. ત્રણેયની ખાસિયત પણ અલગ. એની ઈચ્છા થાય ત્યારે જ ટપકે, ને ઈચ્છા થાય ત્યારે જ વિદાય પણ લે. ચમનિયાની સાસુ, વર્ષમાં એક જ વખત આવે, પણ છ-છ મહિના રોકાય જાય..! આંસુની વાત કરીએ તો, એ ક્યારેય વાસી નથી થતાં. ઘટના આજે ઘટે, ને આપણે વાયદો આપીએ કે, આજે આંસુનો મેળ પડે એમ નથી, તો કાલે પેશ કરીશ તો ના ચાલે..! છૂટ એટલી કે, અમુકતો ધારે ત્યારે આંસુનો ફુવારો છોડી દે. જ્યારે કેટલાક તો એવાં કંજૂસ કે આંખ જવાની હોય તો ભલે જાય, પણ આંસુ ના છોડે....!!! ઘણાએ તો આંસુ માટે ‘ ફ્રેસ ટીયર ‘ ના ટીપાં લેવા પડે.

રહી વાત ચોમાસાની. સેલ કાઢ્યું હોય, એમ ભગવાને પણ ઢગલા તહેવાર આ ચોમાસામાં આપ્યા. જેમ જેમ વરસાદ વરસતો જાય, તેમ તેમ તહેવારો પણ પ્રગટ થતાં જાય. વફાદારી જો શીખવી હોય તો વરસાદ પાસે. એનામાં એવી ગાંઠ નહિ આવે કે, ફલાણાએ મને ગાળો દીધી, એટલે એના ખેતરમાં હું એક ટીપું પણ નહિ વરસું..! એટલો દિલેર..! એટલે તો ટેરવે પડેલું ટપકું પણ ચોમાસું થઈ શકે છે મામૂ....!

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED