ત્રિભેટે : પત્ની, પ્રસંગ કે ફરજ ?
તારીખ : ૨૧-૭-૨૦૦૧
એક તરફ ... મારી સગી બહેન જેવી માસીની દીકરીની દીકરીની સગાઈના પ્રસંગના ઇવેન્ટ મેનેજમેન્ટણની સંપૂર્ણ જવાબદારી મારા ઉપર છે.
બીજી તરફ .... હું ઈ-ટીવીમાં પ્રોડ્યુસર. અમારી કંપનીના સાઉથમાં પ્રસિદ્ધ અખબાર “ઈનાડુ” દ્વારા કચ્છ ભૂકંપ માટે એકઠી કરાયેલ અને કંપનીના એમ મળીને પાંચ કરોડ રૂપિયાનું ડોનેશન કોને આપવું એ મારાં માર્ગદર્શન અને સલાહ સાથે નક્કી થયા મુજબ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે નક્કી કરીને તાત્કાલિક જાહેર કરવા માટે અચાનક હેડ ઓફિસથી અધિકારીઓની ટીમ એ જ દિવસે આવી પહોંચે છે. કારણકે જો એમ કરવામાં મોડું થાય તો વિરોધી છાપાંઓ આક્ષેપો કરે એમ હતું.
હું એ ટીમને લઈને પૂ. ભ્રહ્મવિહારી સ્વામિ સાથે મીટીંગ કરાવવા શાહીબાગ સ્વામિનારાયણ મંદિર લઇ જાઉં છું. એમ માનીને કે સાંજ સુધીમાં બધું પતિ જશે એટલે પ્રસંગ તો સચવાઈ જશે..
પણ ... ત્રીજીતરફ .... દીપ્તીને સખત દુ:ખાવો ઉપડે છે. તાત્કાલિક ડોક્ટર પાસે લઇ જ જવી પડે એમ છે.
હવે ? શું કરું ? કેવીરીતે કરવું ? પણ ... સ્વસ્થતા ગુમાવવી એ મારા સ્વભાવમાં નથી. વિચાર્યું કે ત્રણ માંથી ડેલીગેટ કરી શકાય એવી જવાબદારી ઇવેન્ટ મેનેજમેન્ટ વાળી છે, એટલે સૌથી પહેલાંતો પ્રસંગને લગતી એજન્સીઓના નંબર મારા નાનાભાઈ દર્શનને આપીને બહેન અને એજન્સીઓ સાથે વાત કરી બધું ગોઠવી દીધું.
દરમ્યાન ... ‘ઈનાડુ”ની ટીમે પૂ. પ્રમુખસ્વામિના દર્શન કરીને એમના હાથમાં રૂબરૂ મળીને પાંચકરોડનો ચેક આપવાની ઈચ્છા દર્શાવી. પૂ. ભ્રહ્મવિહારીસ્વામિએ બધું ગોઠવ્યું. પૂ. પ્રમુખસ્વામિ વડતાલ હતા. ત્યાં જવાનું નક્કી થયું. એટલે આવવા-જવા સાથે ૪-૫ કલાક પાક્કા. મેં આ જવાબદારી મારા સાથી કર્મચારી પર નાખવાનો પ્રયત્ન કર્યો. પણ સ્વામિનારાયણ સંસ્થાના મેં અગાઉ ફ્રી લાન્સ ઘણા કામ કરેલાં, એટલે એ લોકો મને પોતાનો માનતા હતા એટલે પૂ. બ્રહ્મવિહારીસ્વામિએ કહ્યું કે, “દીપકભાઈ, આ રીતે પૂ. પ્રમુખસ્વામિના દર્શનની તક ગુમાવો નહી. ફરી આવો અવસર નહી આવે.” મેં દીપ્તીની તબિયત ગંભીર છે, એમ મારી મુશ્કેલી જણાવી તો કહે .”શ્રીજી બધું સારું જ કરશે. મારી ઈચ્છા તમે પૂ. પ્રમુખસ્વામિના દર્શન કરો એવી છે. મારું માનો. બધું ભગવાન પર છોડી દો.”
હવે ? મેં દીપ્તીને ફોન કર્યો, એ સોનોગ્રાફી કરાવી રહી હતી. એણે કહ્યું “તું જા. મને કાંઈ નહી થાય. ”મારું, મન ન્હોતું માનતું, પણ વિચાર કરવાનો સમય ન્હોતો અને હેડઓફિસથી આવેલ ટીમને મેં આબધું જણાવેલું નહી. એટલે એમનો આગ્રહ પણ હું જ સાથે રહું એવો હતો, કારણકે, શરૂઆતથી મેં જ બધું સંભાળેલું. છેવટે પૂ. પ્રમુખસ્વામિના દર્શને સાથે જવું, એવું નક્કી થયું.
હું સતત દીપ્તીના સંપર્કમાં હતો. સોનોગ્રાફી રીપોર્ટ પ્રમાણે તાત્કાલિક ઓપરેટ કરવું પડે એમ હતું. પણ ઈશ્વરે સ્ત્રીને ગજબ માનસિક અને શારીરિક તાકાત આપી છે. ખરેખર શક્તિનું સ્વરૂપ છે, એની પ્રતીતિ થઈ. દીપ્તી એકલી જ અમારા ખાસ પરિચિત ડૉ. શરદ ઠાકર પાસે પહોંચી ગઈ. કારણકે, ઘરે પ્રસંગ હતો, એટલે કોઈને આ ઓપરેશન વિષે જણાવીને તણાવ ઉભો કરવાનો અર્થ નહોતો. મેં ડોક્ટર સાથે વાત કરી,
એમણેતો મને ધમકાવી જ નાખ્યો. ‘કેવા પતિ છો તમે ? આ ઓપરેશન સીરીયસ છે. તમારી સંમતિ અને હાજરી જરૂરી છે. અને તમારી વાઈફને આમ સાવ એકલી દવાખાને મોકલી દીધી ?”
પણ, અમે તો ઓલરેડી વડતાલ જવા નીકળી ગયેલાં અને રસ્તામાં હતાં.
મેં કહ્યું, “તમારામાં મને શ્રધ્ધા છે. અને ભગવાનમાં પણ. દીપ્તી તમારે હવાલે છે. જે યોગ્ય લાગે એ બધું જ કરી છૂટજો. મને પૂછવા નહી રહેતા.”
સતત ટેન્શનમાં હતો. એક એક સેકન્ડ માંડ નીકળી રહી હતી. પણ દિપ્તીની હિમતમાં મને વિશ્વાસ હતો. કારણકે, એણે પહેલાં હોસ્પિટલ હેડ તરીકે નોકરી કરેલી હતી અને એની મમ્મી –મારા સાસુ- પણ ડોક્ટર એટલે, મેડીકલી એ ઘણી જાણકાર હતી. દવાખાના અને ઓપરેશનથી ગભરાય એવી નહોતી.
કદાચ, જે ક્ષણે હું પૂ. પ્રમુખસ્વામિને પગે લાગ્યો અને એ મને માથે હાથ મુકીને આશીર્વાદ આપતાં હશે, બરોબર એજ ક્ષણે ત્યાં દીપ્તીનું ઓપરેશન પણ ચાલતું હશે. બે-ત્રણ કલાકમાં એક બાજુ ઓપરેશન સફળતા પૂર્વક પત્યું. બીજીબાજુ પૂ. પ્રમુખસ્વામિના દર્શન અને બધું કામ પણ. અને ત્રીજી બાજુ .. અમારી ગેરહાજરીમાં પ્રસંગ પણ.
ધારોકે, તમારી સાથે આવું થયું હોત તો તમે શું કરત ?
હું દર્શન માટે ના ગયો હોત તો ? શું ફર્ક પડત ? શું મેં જે કર્યું એ યોગ્ય હતું ? સાચું હતું ? .... મેં આવો ખરે સમયે પત્ની સાથે નહી રહેવાનો નિર્ણય કેમ લીધો ? કે કુદરતે લેવડાવ્યો ?
હું... કોનો આભાર માનું ? દીપ્તી, ડૉ.શરદ ઠાકર, પૂ. બ્રહ્મવિહારીસ્વામિ કે પૂ. પ્રમુખસ્વામિ
શું પૂ. પ્રમુખસ્વામિના આશીર્વાદે દીપ્તીને બચાવી ? કે ડૉક્ટરના કૌશલ્યએ ?
આ પ્રશ્નોના ઉત્તર હજી મારી પાસે નથી. અને કયારેય નહી મળે કદાચ. આવી કસોટીઓનું સત્ય અકળ જ રહે છે.
***