No return - 2 part - 17 books and stories free download online pdf in Gujarati

નો રીટર્ન-૨ ભાગ-17

નો-રીટર્ન-૨

ભાગ-૧૭

( આગળ વાંચ્યુઃ- પવન અનેરીનો પત્તો મેળવે છે અને હોટેલમાંથી ચેક- આઉટ કરીને ગીતામંદિર બસસ્ટેશને જવા રવાના થાય છે.....ઇન્દ્રગઢમાં રાજન બિશ્નોઇ તેની ઉપર કેવી રીતે હુમલો થયો હતો તેનું વર્ણન ઇન્સ.ઇકબાલને આપે છે....અને અનેરીએ ડેવલપ કરવા આપેલા ફોટોગ્રાફ્સ જોઇને વિનીત હેરાનીની ગર્તામાં ધકેલાઇ જાય છે....હવે આગળ વાંચો...)

“ આ શેના ફોટાઓ છે....? ” જાણે પોતાને જ પ્રશ્ન પુંછતો હોય એમ એક પછી એક ફોટાઓ ઉથલાવતો વિનીત હેરાનીથી બે- ત્રણ વખત એ ફોટાઓની નાનકડી થપ્પી ઉથલાવી ગયો. તેને આ ફોટોગ્રાફ્સ વિચિત્ર જણાતા હતાં. એનો જે સંદર્ભ તેનાં મનમાં સમજાતો હતો એ તેની છાતી ધડકવતો હતો. જો અનેરી આ ફોટાઓ પાછળ હતી તો તે જરૂર કોઇ ભયાનક મુસીબત વહોરી લેવાની હતી. પણ શું કામ....? અનેરીને આ ફોટાઓથી શું મતલબ હોઇ શકે....? વિનીતને કંઇ સમજાતું નહોતું. તેણે ફરી એક વખત ફોટાઓ ઉથલાવવાનું શરૂ કર્યું.

કુલ વીસ ફોટાઓ હતાં. કોઇ અજ્ઞાત જગ્યાઓનાં, જૂની ઇમારતોના, કોઇ આદિવાસી કબીલાઓનાં, તરેહ- તરેહની વિચીત્ર સંજ્ઞાઓનાં ઢગલાબંધ ફોટાઓ હતાં. ઉપરાંત ઘણા ફોટાઓમાં કાચની પેટીમાં સચવાયેલા પુરાતન દસ્તાવેજો દ્રશ્યમાન થતાં હતાં. વિનીત એ દસ્તાવેજો અને આદિવાસી કબીલાઓનાં ફોટાઓ જોઇને જ ચોંકયો હતો. જો અનેરી કોઇ ભેદ- ભરમવાળી જગ્યા અથવા કોઇ પુરાતન ખજાનાને શોધવા નીકળી હશે તો ચોક્કસ તે કોઇ ભારે મુસીબત વહોરી લેવાની હતી એટલું તે સમજી શકતો હતો, અને એટલે જ તેને કંઇક અકળ લાગણીઓ ઉદ્દભવતી હતી. અનેરીનું વિચિત્ર પ્રકારનું વર્તન અને આ ફોટાઓનો સંદર્ભ તેનાં જીગરમાં ઉથલ- પાથલ મચાવવા લાગ્યાં હતાં. અનેરી આવે એટલે આ બાબતે ચોખવટ કરવા તેનું મન ઉતાવળીયું બન્યું હતું. ફોટાઓને ભેગા કરી તેણે પેલા ખાખી કવરમાં મુકયાં અને કવરને થેલામાં સરકાવ્યું. પછી ડોક ચારેકોર ઘુમાવીને ચો- તરફ જોયું, અનેરી કયાંય નજરે ચડી નહી. તે હજુ સુધી આવી નહોતી. વિનીતે એક ઉંડો શ્વાસ છાતીમાં ભર્યો અને ઉભડક જીવે તે અનેરીની રાહ જોવા લાગ્યો. “ આ છોકરી સાવ વિચિત્ર છે....” તે બબડયો.

***

ઇન્સ.ઇકબાલ ખાન અને દિવાન કનૈયાલાલ જ્યારે ઇન્દ્રગઢનાં રાજવી મહેલે પહોંચ્યા ત્યારે લગભગ- લગભગ બપોરનો સમય થયો હતો. ઇકબાલે મહેલનાં વિશાળ પ્રાંગણમાં તેની જીપ થોભાવી અને ડ્રાઇવીંગ સીટેથી નીચે ઉતર્યો. ઉપર આકાશમાં સુરજ બરાબર મધ્યાહને આવીને ધોમ- ધખાવી રહયો હતો. સુરજનાં તિખાં કિરણો અહીની ભૂખરી રેતાળ જમીન ઉપર પથરાઇને વાતાવરણમાં ગરમ લૂ ફેલાવતાં હતાં. એક તો ગામડાંનું શુષ્ક વાતાવરણ, ઉપરથી સુકી ધરતી અને માથે ધોમ- ધખતો તડકો, ઇકબાલ જેવો કઠણ માણસ પણ પરસેવે રેબઝેબ થઇ ગયો હતો. એવી જ હાલત કનૈયાલાલની પણ હતી. મહેલનાં ચોગાનમાં વાવેલા ઝાડવાઓ પણ આકરી ગરમીમાં ત્રસ્ત બનીને જંપી ગયા હોય એવું બોઝીલ વાતાવરણ ચો-તરફ જામ્યું હતું. આવા સમયે પેલા પ્રોફેસરો મહેલમાં જ હોવા જોઇએ એવું ઇકબાલનું મન કહેતું હતું. ગરદને રેળાતા પરસેવાને રૂમાલથી લૂંછતો તે દિવાન પાસે આવ્યો અને ઉભો રહયો.

“ એ લોકો સાથે વાતચીતની શરૂઆત તમે કરજો...” કંઇક વિચારીને તે બોલ્યો. “ તેઓ આપણાં મહેમાન છે. અચાનક કોઇ પોલીસ અફસર આવીને સવાલ- જવાબ કરે એ કદાચ તેમને ગમશે નહીં... ” ઇકબાલે વિદેશી મહેમાનોની આમાન્યા જળવાય, અને ખાસ તો ઇન્દ્રગઢ વિશે તેઓ કોઇ ગલત ધારણા ન સેવે એ માટે કહયું. દિવાનને પણ એ વાત ઉચીત લાગી, “હંમમ્...” તેમણે હું-કાર ભણ્યો અને પછી બંને અતિથી નિવાસ તરફ ચાલ્યાં.

મહેલનાં જ એક તરફનાં ભાગને થોડો અલાયદો રાખીને અતિથી નિવાસનું રૂપ અપાયું હતું. ખરબચડા કાળા પથ્થરોની પરસાળ ઉપર ચાલતા તેઓ એક કમરાનાં દરવાજે પહોંચીને ઉભા રહયાં. બહાર કરતાં અહીં થોડી ઠંડક વર્તાતી હતી. કનૈયાલાલે આગળ વધીને દરવાજે જડેલાં સીસમનાં જાડા, મજબૂત બારણા ઉપર દસ્તક દીધી. “ ટક… ટક… ટક...” અંદર ઘડીક શાંતી છવાયેલી રહી અને પછી સળવળાટ થયો. કોઇક દરવાજા પાસે આવ્યું હતું. અંદરથી આગળીયો ખોલાતો હોય એવો કીચૂડાટ થયો અને બે ફટકામાં ખૂલતું ભારેખમ બારણું એક ધક્કા સાથે ખુલ્યું. કનૈયાલાલ અને ઇકબાલ, બંનેએ બારણું ખોલવાવાળી બુઢ્ઢી ઔરત સામું જોયું. ઔરતે પણ તેમની સામું જોયું. તેનાં કપાળે સળ પડયા. તે અહીનાં દિવાન કનૈયાલાલને તરત ઓળખી ગઇ હતી તેમ છતાં તે દરવાજેથી ખસી નહીં.

“ યસ...? ” પ્રશ્નસૂચક નજરે તેણે પુંછયું. અચાનક આવી ચડેલા આંગુતૂકોથી કદાચ તેને હેરાની ઉદ્દભવી હતી. આંખોએ ચડાવેલા જાડા કાચનાં ચશ્મામાંથી એ હેરાનગતી સ્પષ્ટ છલકાતી હતી. ઇકબાલે એ નોટીસ કર્યું. એકાએક તેને લાગ્યું કે કશુંક ગરબડ છે. પહેલી નજરે જ તેને આ મહિલા પસંદ આવી નહી. ખાસ તો તેનાં વાળ....જાણે કોઇએ દોથો ભરીને માથામાં ઠાલવી ન દીધા હોય...! સફેદ, ભૂખરા, કાળા વાળનું અજબ સંયોજન તેનાં માથામાં રચાયું હતું, અને વાળનો જથ્થો પણ ખાસ્સો એવો વધારે હતો. આ ઉંમરે કોઇ સ્ત્રીને આટલા બધા વાળ હોવા ખરેખર આશ્વર્યની વાત હતી. અને તેની આંખો....! તીક્ષ્ણ અને તેજ, જાણે શરીરને વીંધીને આર- પાર તાકતી હોય એવી. ઇકબાલ એકાએક સતેજ થયો, તેનાથી થઇ આપોઆપ સતેજ થઇ જવાયું.

“ માફ કરજો...! આપના આરામમાં ખલેલ પહોંચાડી. પરંતુ થોડું કામ હતું. જો આપને તકલીફ ન પડતી હોય તો અંદર આવીએ....?” સમગ્ર ઇન્દ્રગઢનો કારભાર સંભાળતા હોવા છતાં, આ લોકોને મહેલમાં રોકાવાની પોતે જ પરમીશન આપી હોવા છતાં કનૈયાલાલ બિશ્નોઇનાં અવાજમાં શાલીનતા છલકાતી હતી. તેમણે અંગ્રેજીમાં જ પુછયું હતું.

“ પ્લીઝ કમ ઇન...! ” દરવાજેથી ખસીને અંદર તરફ જતાં તે બોલી. કનૈયાલાલ અને ઇકબાલ કમરામાં દાખલ થયાં. કમરો પ્રમાણમાં ઘણો જ વિશાળ હતો. અંદર દિવાલોને નવું રંગો- રોગાન કરવામાં આવ્યું હતું. આ બેઠકરૂમ હતો. તેને એટેચ બેડરૂમ પણ હતો જેનો દરવાજો સામે જમણો હાથ બાજુ નજરે ચડતો હતો. બેઠકરૂમમાં વિકટોરીયન યુગની શાખ પુરતી લાલ જાજમ પાથરેલી હતી. જાજમ ઉપર ત્રણ બેઠકનો સોફો અને સોફાની બંને બાજુ એક- એક ખુરશી હતી. તેની વચ્ચોવચ શીશમનાં કાળા- કથ્થઇ લાકડાની કાચ મઢેલી ભારેખમ ટીપોઇ પડી હતી. એ સીવાય દિવાનખંડની સુઘડતા અને સ્વચ્છતા ઉડીને આંખે વળગે એટલી સરસ હતી.

“ બેસો...! “ બુઢ્ઢી ઔરતે એક ખુરશીમાં બેઠક લેતાં સોફા તરફ હાથ લાંબો કર્યો. દિવાન અને ઇન્સ. સોફામાં ગોઠવાયા.

“ બોલો શું કામ હતું...?”

“ જી...! આપને ખ્યાલ તો હશે જ કે દિવાન સાહેબનાં પુત્ર રાજન ઉપર લાઇબ્રેરીનાં સ્ટોરરૂમમાં કોઇકે હુમલો કર્યો હતો. આજે સવારે રાજને એ હુમલો કરનાર, આઇ મીન....તેની પાછળથી હુમલો થયો હતો એટલે હુમલો કરનાર વ્યક્તિને તો તેણે નથી જોઇ પરંતુ એક ગોરી યુવતીને સ્ટોરરૂમમાં કશુંક ખોળતા જોઇ હતી. મને થયું કે આપ કદાચ એવી કોઇ યંગ, ખૂબસુરત યુવતીને જાણતાં હોય તો અમને મદદ મળી રહે...!” ઇકબાલે બહું જ સાવધાનીપૂર્વક વાત શરૂ કરી.

“ યંગ એન્ડ બ્યૂટીફુલ ગર્લ...? નો, આઇ ડિડન્ટ નો...! ” બુઢ્ઢી ઔરતે તુરંત ખભા ઉલાળ્યા. ઇકબાલને તેની જવાબ આપવાની એ રીત ગમી નહી. પુરેપુરો પ્રશ્ન સમજ્યા વગર તેણે તરત જવાબ આપ્યો હતો. ઇકબાલને લાગ્યું કે આ ઔરત ઘમંડી છે અથવા તો હવે તેની ઉંમર થઇ ગઇ છે. જો દિવાન સાહેબ સાથે ન હોત તો જરૂર તે વરસી પડયો હોત.

“ ઓહ...! કદાચ આપનાં સાથી પ્રોફેસરો તેને જાણતાં હોય, અથવા કશેક તેને જોઇ હોય...!” ઇકબાલે કમરામાં નજર ઘુમાવતા પુછયું. તેને લાગ્યું કે સામે દેખાતા બેડરૂમની અંદર કંઇક હલચલ થઇ. અંદર કોઇકનાં હોવાનો અણસાર અચાનક તેને આવ્યો હતોં. તેણે ત્યાં દિવાલે અલપ- ઝલપ કોઇ વ્યક્તિનો પડછાયો જોયો હોય એવો ભાસ થયો. અંદર કોઇ હતું જે અહી થતી તમામ વાતચીત સાંભળી રહયું હતું છતા બહાર આવવા માંગતું નહોતું. ઇકબાલ સતર્ક થયો હતો.

“ બની શકે કદાચ...! તમે એમને જ શું- કામ પુછી નથી લેતાં...! તેઓ બાજુનાં કમરામાં હશે કદાચ...! ” બુઢ્ઢીએ ફરી વખત તોછડો જવાબ આપ્યો.

“ ઓહ...! ઓ.કે.... મદદ માટે ખૂબ ખૂબ આભાર...” ઇકબાલ એકાએક ઉભો થઇ ગયો. આ ઔરત કંઇક છૂપાવવાની કોશીષ કરતી હતી એ તેને સમજાયું હતું. ચોક્કસ તે પેલી યુવતીને જાણતી હોવી જોઇએ પણ અત્યારે તે તેની વિશે જણાવતી નહોતી. ઇકબાલને જે જાણવું હતું એ જાણી લીધુ હતું એટલે હવે અહી બેસવાનો કોઇ અર્થ નહોતો. આ બુઢ્ઢી ઔરત પર નજર રાખવી જરૂરી હતી. તેઓ બહાર આવ્યા.

“ પ્રોફેસરો આ બાજુનાં કમરામાં હશે...” કનૈયાલાલને વિસ્મય થયું કે ઇકબાલ કેમ એકાએક બહાર નિકળી આવ્યો.

“ એમને આપણે પછી મળીશું. તમે આવો મારી સાથે...” બહાર પરસાળ તરફ ચાલતા ઇકબાલ બોલ્યો. તેણે આ પ્રોફેસરો પાછળ પોતાનો એક માણસ ગોઠવવાનું નક્કી કરી લીધું હતું.

***

ઇન્સ. ઇકબાલ અને દિવાન જેવા બહાર નીકળ્યા કે તુરંત ક્લારા ઝપાટાભેર ઉભી થઇ અને ઝડપથી તેણે કમરાનો દરવાજો બંધ કર્યો. ઇન્સપેક્ટરે અચાનક આવીને તેને ચમકાવી દીધી હતી. તેને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે રાજન ઉપર થયેલા હુમલાનું આટલું ઝડપી રીએક્શન આવશે અને સૌથી પહેલા પોલીસ તેમની જ પુછપરછ કરવા અહીં ટપકી પડશે. તેને તો એમ હતું કે આવડા નાનકડા અમથા ગામમાં વળી થઇ- થઇને શું તપાસ થશે...? અરે તપાસ તો છોડો, કોઇ એ બાબતે તેમની પુછપરછ કરવા આવે એ પણ નવાઇની વાત હતી. પરંતુ એવું થયું હતું, જે તેનાં મિશનમાં ખતરારૂપ બની શકે તેમ હતું. વળી પેલો ઇન્સપેક્ટર ખતરનાક જણાતો હતો. તેનાં ચહેરા ઉપર આવતાં ભાવો અને તેની ચળક- વળક થતી નજરોએ અંદર બેડરૂમમાં કોઇક છે એ કળી લીધુ હતું.

ગુસ્સામાં ધમધમતી તે બેડરૂમનાં દરવાજે પહોંચી અને તાડુકી “ યુ બ્રુટ...! બે મિનીટ પણ સખણો બેસી નથી શકતો. પેલો તારો બાપ હમણાં અંદર આવી જાત...! ”

“ એવું થયું તો નથીને...! ” રોગને એકદમ ઠંડકથી જવાબ આપ્યો. પેલા બંને અંદર આવ્યા ત્યારે ઓલરેડી તે આ કમરામાં જ હતો. ક્લારાએ જ તેને બેડરૂમમાં જતાં રહેવાનું કહયું હતું એટલે તે બેડરૂમમાં આવીને પલંગ ઉપર આડો પડયો હતો. ક્લારા જ્યારે ઇન્સપેકટર સાથે વાતો કરી રહી હતી ત્યારે તેને ઉત્સુકતા જન્મી હતી અને તેમની વાતચીત સાંભળવા તે દરવાજાની બારસાખે આવીને ઉભો રહી ગયો હતો. પરંતુ તરત તેને પોતાની ભૂલ સમજાઇ હતી. પાછલી દિવાલે સળગતી ટયૂબલાઇટનો પ્રકાશ તેની ઉપર પડતો હતો જેથી તેનો પડછાયો સામેની દિવાલે પડયો હતો. તે તરત ત્યાંથી હટયો પરંતુ કદાચ એ સમય દરમ્યાન પેલા ઇન્સપેકટરે એ હલચલ નોંધી લીધી હતી. ક્લારાને એ સમજાયું હતું એટલે જ તે ગુસ્સે ભરાઇ હતી.

“ પરંતુ તે આપણા સુધી પહોંચ્યો કેવી રીતે...? ” રોગને આશ્વર્ય ઉઠાવ્યું.

“ એ સવાલ હવે મહત્વ રાખતો નથી. આપણા ધંધામાં સામેવાળાને સંદેહ જન્મે એટલે સાવધાન થઇ જવું જરૂરી છે. કારણ ગમે તે હોય, સંદેહ મતલબ મોત....”

“ તો હવે શું કરીશું...? ”

“ એ તારે વિચારવાની જરૂર નથી. પ્રોફેસર કયાં છે...? ” તેણે જોસેફ થોમ્પસન વિશે પુછયું.

“ હશે તેમનાં કમરામાં. મને શું ખબર....! ” રોગને ખભા ઉલાળ્યા.

“ અબઘડી ચાલ મારી સાથે. પ્રોફેસરને મળવું જરૂરી છે. ” ક્લારા બેડરૂમમાંથી બહાર નિકળતા બોલી. રોગન ઉભો થઇને તેની પાછળ આવ્યો.

“ અરે પણ...! પેલા લોકો ત્યાં જ ગયા છે.”

“ એ લોકો જો મુરખ હશે તો ચોક્કસ પ્રોફેસરને મળવા જશે, પણ મને નથી લાગતું કે પેલો અફસર મુરખ હોય. તેણે અત્યાર સુધીમાં તો આપણી પાછળ તેનાં માણસો લગાવી પણ દીધા હશે. હવે આપણે સાવધાન રહેવું પડશે. ”

“ તું આવું કેવી રીતે કહી શકે....? હજુ પહેલી વખત તે તને મળ્યો. એટલી વારમાં તેને શું ખ્યાલ આવ્યો હોય....?”

“ રોગન...! જરાક તો અક્કલ ચલાવ. તેને ખ્યાલ આવ્યો જ હતો કે અંદર બેડરૂમમાં કોઇક છે, છતાં એ વિશે તેણે એક હરફ સુધ્ધા ઉચ્ચાર્યો નહી, કે એ બાબતે મને પુછયું પણ નહી. એમ સમજ કે લગભગ અધુરી ચર્ચાએ જ તે ઉભો થઇ ગયો હતો. શું આટલું પુરતું નથી એ સમજવા કે તેને મારી ઉપર શક પડયો છે...” ક્લારાનાં શબ્દોમાં રોગન પ્રત્યે ખીજ ભળી હતી. સાવ બેવકુફી ભરેલી વાતો કોઇ કેવી રીતે કરી શકે એવી ઠપકાભરી નજરે તેણે રોગનને તાકયો. રોગન ખાસીયાણો પડી ગયો.

“ ઓ.ક.… ઓ.કે....! આમ ખીજાવાની જરૂર નથી. પણ હવે શું કરીશું....? આપણું કામ તો થયું નથી અને ઉપરથી આ નવી મુસીબત.” રોગને તેની જાડી ગરદન હલાવતા પુછયું. ક્લારા વિચારમાં પડી. અને.… એકાએક તેની આંખોમાં ચમક ઉભરી. જાણે તેને સમસ્યાનો ઉકેલ જડી ગયો હોય.

“ ઓહ યસ્સ...! પેલા એભલસીંહને ફોન લગાવ. એક દાવ આપણે પણ ખેલી નાંખીએ. હવે ખૂલ્લીને દાવ ખેલી લેવાનો વખત આવી ગયો છે.” ક્લારા ખતરનાક ઇરાદા સાથે બોલી ઉઠી.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED