No return - 2 part - 16 books and stories free download online pdf in Gujarati

નો રીટર્ન-૨ ભાગ-16

નો-રીટર્ન-૨

ભાગ-૧૬

( આગળનાં પ્રકરણમાં વાંચ્યુઃ- પવનને તેનાં પિતાજીનાં ફોનથી સુખદ આશ્વર્ય ઉદ્દભવે છે... તેઓ પવનને મળવા માંગતા હોય છે પરંતુ પવન તેમને ઇન્દ્રગઢ આવી જવા કહે છે.... એ દરમ્યાન અનેરી હોટલ છોડીને અચાનક ક્યાંક ચાલી જાય છે.... પવન હેરાની અનુભવતો પેલી ફોટો શોપ પર જાય છે.... અને વિનીત અનેરીનો ઇંતજાર ગીતામંદિર બસ સ્ટોપ પર કરી રહયો હોય છે.... હવે આગળ વાંચો...)

વિનીત કે અનેરી, બંનેમાંથી કોઇનો પત્તો નહોતો અને મારું મગજ ફાટ- ફાટ થતું હતું. અચાનક અનેરી જ મારા જીવનમાં સર્વસ્વ હોય એવું મને લાગવા માંડયું હતું. તેનું આમ ચાલી જવું મને વ્યાકુળ બનાવી રહયું હતું. શું કરવું જોઇએ...? એ મને સમજાતું નહોતું. હોટલની રૂમમાં આમથી તેમ આંટા મારતો હું એ વિશે જ વિચારી રહયો હતો... કે સાવ અચાનક યાદ આવ્યું કે અનેરીનો ફોન નંબર તો ઓલરેડી મારી પાસે છે જ. મને પોતાને આશ્વર્ય થયું કે આ વાત કેમ કરતા હું ભુલી ગયો. ફટાફટ ફોન કાઢી મેં અનેરીનો નંબર ડાયલ કર્યો. સામા છેડે રીંગ વાગી અને બે જ સેકન્ડમાં ફોન ઉંચકયો.

“ હેલ્લો...! ” એ જ ભારે અવાજ મારા કાને અથડાયો જેને હજ્જારો લોકોની ભીડમાં પણ હું વગર પ્રયત્ને ઓળખી શકું.

“ હેલ્લો, અનેરી પાલીવાલ....? ” મેં ઔપચારિક રીતે જ પુંછયું.

“ જી... આપ કોણ...? ”

“ હેલ્લો મેડમ...! હું હોટેલ ગેલેક્ષીથી બોલું છું. તમે એક લગેજ અહીં જ ભુલી ગયા છો. મહેરબાની કરીને એ કલેકટ કરી લેશો, અથવા તમે કયાં છો એ કહો તો હોટેલનાં કોઇ કર્મચારી દ્વારા આપના સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાવી દઉં....” મેં સાવ બ્લફ જ માર્યું, પરંતુ એ સિવાય મને અન્ય કંઇ સુઝયું નહોતું. સામા છેડે ખામોશી છવાઇ. કદાચ તે વિચારમાં પડી હશે.

“ તમે એક કામ કરી શકો...? ”

“ જી ચોક્કસ...! બોલો...”

“ જુઓ, હું અત્યારે ગીતામંદિર બસસ્ટેશને પહોંચવા આવી છું. તમે એ લગેજ અહી મોકલી શકો...? ” તે બોલી.

“ ચોક્કસ મેમ....! તમે ત્યાં કેટલો સમય છો...? ” અત્યંત સાવધાનીથી હું વાત કરતો હતો. સામે છેડે ફરીવાર ખામોશી છવાઇ.

“ લગભગ અડધો કલાક...! ત્યાં સુધીમાં તમારો કોઇ માણસ આવી શકશે....? ” તેણે પુછયું.

“ અહીંથી હમણાં જ એક માણસને રવાના કરું છું. તમારો ફોન નંબર તેને આપી રાખુ છું, જેથી તમને શોધવામાં સરળતા રહે....” હું ખરેખર બહું જ સરળતાથી ખોટું બોલી રહયો હતો. જેનું અપાર આશ્વર્ર મને થતું હતું.

“ ઓહ....! થેંક્યું. ખરેખર આપની હોટલની સર્વિસ ખુબ જ ઉમદા છે....” તે બોલી.

“ એ તો અમારી ફરજ છે મેમ...! થોડીવારમાં આપનું લગેજ ત્યાં પહોંચી જશે. હેવ અ ગુડ ડે...! ” કહીને તુરંત મેં ફોન મુકી દીધો. વધું વાત લંબાવવામાં જોખમ હતું એ મને ખબર હતી, અને જે હું જાણવા માંગતો હતો એ મને જાણવા મળી ગયુ હતું એટલે હવે મારી મંઝીલ ગીતામંદિર તરફની હતી. ઉપરાંત મારે હવે ગેલેક્ષીમાં રોકાવું પણ નકામું હતું. હું અહીં ફક્ત અને ફક્ત અનેરી માટે જ રોકાયો હતો. જો તે અહી ન હોય તો મારા રોકાવાનો પણ કોઇ અર્થ સરતો નહોતો. એટલે ગેલેક્ષી માંથી ઝડપથી ચેક આઉટ કરીને હું ગીતામંદિરની દિશામાં રવાના થયો.

***

“ એ કોઇ વિદેશી યુવતી હતી....” રાજન હમણાં જ ભાનમાં આવ્યો હતો અને તેણે ઇન્સ. ઇકબાલ ખાનને બયાન આપવાનું શરૂ કર્યું હતું. હોસ્પિટલનાં આ કમરામાં અત્યારે તે, રાજન અને રાજનનાં પિતા દિવાન કનૈયાલાલ, માત્ર ત્રણ વ્યક્તિ જ હાજર હતાં. બાકીનાં તમામને બહાર મોકલી દેવામાં આવ્યા હતાં.

“ હું બાથરૂમ ગયો હતો, ત્યાંથી આવ્યો ત્યારે મેં જોયું કે લાઇબ્રરીનાં સ્ટોરરૂમનો દરવાજો ખૂલ્લો છે. મને કુતુહલ થયું. સ્ટોરરૂમનો દરવાજો ભાગ્યે જ કયારેક ખૂલતો હશે કારણકે તેમાં મોટેભાગે લાઇબ્રેરીનો વધારાનો સામાન અને પુસ્તકો જ પડયા રહેતાં હતાં. સ્ટોરરૂમમાં હું દાખલ થયો ત્યારે જોયું કે એક યુવતી પાછળની દિવાલે મુકેલાં એક કબાટમાં કશુંક ફેંદી રહી હતી. કબાટમાંથી પુસ્તકો કાઢીને તેણે ફર્શ ઉપર ઢગલો કર્યા હતાં અને તે એ કબાટની ઉપર હાથ લંબાવીને તેની ઉપર મુકેલા ખાખી બોક્ષને નીચે ઉતારવાની કોશિષ કરી રહી હતી. તેની પીઠ મારી તરફ હતી એટલે તે કોણ હતી એ એક નજરમાં મને ખ્યાલ ન આવ્યો. મને જબરું આશ્વર્ય થયું કે કોઇ યુવતી અચાનક કેમ સ્ટોરરૂમમાં આવી ચડી, અને બધું વેરણ- વિખેર કરીને તે શું શોધી રહી હશે....? “ હેલ્લો મેડમ....! તમે કોણ છો., અને અહી શું કરો છો...? ” મેં સહસા તેને પુંછયું હતું. અચાનક તે અટકી ગઇ. મને લાગ્યું કે એ યુવતી મારો અવાજ સાંભળતા જ ડરી ગઇ હતી. તેનાં હાથ એકાએક થંભી ગયા હતાં અને બધું પડતું મુકીને એક ઝટકા સાથે મારી સામું ફરી હતી....” રાજન બોલતા અટકયો. ઇન્સ. ઇકબાલ તેની કથની ધ્યાનપૂર્વક સાંભળી રહયો હતો.

“ કોણ હતી એ યુવતી...? ” અચાનક વાતનો તંતૂ ટૂટવાથી તેની ઉત્તેજના વધી ગઇ.

“ એ કોઇ વિદેશી યુવતી હતી. ખૂબ જ રૂપાળી અને ગોરી-ગોરી...! એકદમ ફિલ્મોમાં આવતી હિરોઇન જેવી. આ પહેલાં મેં કયારેય તેને અહી ઇન્દ્રગઢમાં જોઇ નહોતી....” રાજન ફરી અટકયો. તેણે નજર ફેરવીને દિવાન સાહેબ તરફ જોયું. કદાચ તેને પોતાનાં પિતા અહીં બેઠાં હતાં એટલે એ યુવતીનું વર્ણન કરવામાં જરાક સંકોચ ઉદ્દભવતો હતો. ઇકબાલખાનને એ સમજાતું હતું પરંતુ તે ઇન્દ્રગઢનાં દિવાનને બહાર જવાનું કહી શકે એમ નહોતો.

“ અચ્છા, તું એ યુવતીનું વર્ણન કરી શકે...? મતલબ, જો હું કોઇ સ્કેચ આર્ટીસ્ટને તારી પાસે મોકલું તો તું એનું આબેહુબ વર્ણન કરી શકે...? ” ઇકબાલે ધીરજ રાખતા પુંછયું.

“ જી ખાન સાહેબ...! ”

“ ઓ.કે હું એ વ્યવસ્થા કરાવી શકીશ. પછી શું થયું...? ”

“ મેં તેને પુંછયું હતું કે કોણ છો તમે અને અહીં સ્ટોરરૂમમાં શું કરો છો...? પણ તે કંઇ બોલી નહીં. હું એની તરફ આગળ વધ્યો અને તેની એકદમ નજીક જઇને ઉભો રહયો. તેનાં ગોરા ચહેરા ઉપર પરસેવો તરી આવ્યો હતો. મેં તેની આંખોમાં તાક્યું. તેની આંખોની કીકીઓ સમુદ્રનાં પાણી જેવી, એકદમ નીલી- નીલી હતી. મને થયું કે આ આંખો આ પહેલાં પણ મેં કયાંક જોઇ છે. પરંતુ હું હજું વિચારમાં હતો ત્યાં જ પાછળથી મારા માથામાં કંઇક ભારેખમ વસ્તુ ટકરાઇ અને હું નીચે પડી ગયો. બસ... મને એટલું યાદ છે. મારી આંખો મિંચાઇ ત્યારે બે ચહેરા મારી ઉપર ઝંળૂબી રહ્યાં હતાં. એક પેલી નીલી આંખોવાળી યુવતી અને બીજું જેણે મારી ઉપર પાછળથી વાર કર્યો હતો એ....”

“ એ વ્યક્તિ કોણ હતી...? તે એનો ચહેરો જોયો હતો...? તું ઓળખી શકે તેને..? ” ઇકબાલે ઘણાબધાં સવાલો એકસાથે પુંછી નાંખ્યા. તેની ઉત્તેજના ચરમસીમાએ હતી.

“ નહિ....! મારા માથામાં સણકા ઉઠતા હતા અને આંખો ઘેરાતી હતી. ધુંધળી થતી જતી દ્રષ્ટિમાં હું એ હુમલાખોરનો ચહેરો સ્પષ્ટ રીતે જોઇ શકયો નહતો. હાં, એટલું ચોક્કસ કહી શકું કે એ કોઇ પુરુષ આકૃતી હતી. ” રાજન ઇકબાલની ઉત્તેજના ઉપર જાણે પાણી ફેરવતો હોય એમ ખામોશ થયો. ઇકબાલને ઘોર નિરાશા ઘેરી વળી. તેને લાગ્યું કે રાજન આથી વધું કંઇ જણાવી શકશે નહી એટલે તે ઉભો થયો અને બહાર હોસ્પિટલની લોબીમાં આવ્યો. કનૈયાલાલ બિશ્નોઇ પણ તેની પાછળ બહાર નીકળ્યા.

“ શું લાગે છે ઇન્સપેક્ટર...? એ કોણ હોઇ શકે...? ” આંખો ઝીણી કરી તેમણે ઇકબાલનાં ચહેરા સામું જોતા પ્રશ્ન કર્યો. કનૈયાલાલ બિશ્નોઇએ ધોતિયું, સફેદ પહેરણ અને તેની ઉપર કાળું બંડીયું પહેર્યું હતું. તેઓ અસલ દેહાતી વેશમાં હતાં. આ તેમનો કાયમી પહેરવેશ હતો. જ્યારે ઇન્સ. ઇકબાલખાન અત્યારે સાદા કપડામાં... પેન્ટ, શર્ટમાં હતો. દિવાન સાહેબનો પ્રશ્ન સાંભળીને તેનાં ભવાં સંકોચાયાં હતાં, કારણકે આ પ્રશ્નનો ઉત્તર તો તેની પાસે પણ નહોતો.

“ રાજનનાં કથન અનુસાર એ કોઇ રૂપાળી યંગ વિદેશી યુવતિ હતી. બરાબર....? ”

“ બરાબર....! ”

“ આપણા ઇન્દ્રગઢમાં હાલમાં કોઇ વિદેશી મહેમાન આવ્યું હોય એવું યાદ તમને છે...? ” તેણે પ્રશ્ન પુછયો. દિવાન સાહેબ વિચારમાં પડયાં.

“ અરે હાં....! પેલા ત્રણ પ્રોફેસરો છેલ્લા પંદરેક દિવસથી આપણાં મહેલમાં મહેમાન છે. એમને કદાચ આ યુવતિ વિશે ખ્યાલ હોવો જોઇએ... ” એકાએક કનૈયાલાલને મહેલમાં રહેતાં પેલાં પ્રોફેસરો યાદ આવ્યાં હતાં.

“ તો ચાલો આપણે તેમને પુછીએ..! એ પ્રોફેસરો આપની ઓળખાણમાં હશે જ...! ”

“ નહિં...! હું તેમને બિલકુલ ઓળખતો નથી..”

“ ઓળખતાં નથી એટલે..? વગર ઓળખાણે જ તમે તેમને આશરો આપી દીધો..? “ ઇકબાલને હેરાની ઉદભવી.

“ કોઇ આપણે આંગણે મહેમાન બનીને આવે તો આપણાથી જાકારો થોડો અપાય, હેં...! અને એ પણ પ્રોફેસર કક્ષાની બુઝૂર્ગ ઉંમરની વ્યક્તિઓને....! છેક અમેરિકાથી તેઓ કંઇક સંશોધન કરવા અહીં સુધી આવ્યાં છે. એક દિવસ તેઓ મહેલની ઓફિસમાં આવ્યા અને મારી પાસે અહીં ઉતારાની વ્યવસ્થા હોય તો પરમીશન માંગી. હવે તમે જ કહો ઇન્સપેક્ટર, કે આવડો મોટો વિશાળ મહેલ ખાલી પડયો હોય ત્યારે તેમનાં માટે બે કમરા ફાળવવા શું મોટી વાત હોઇ શકે...! એટલે મહેમાન નિવાસમાં મેં તેમનો ઉતારો ગોઠવી આપ્યો.”

“ ઓહ...ઓ.કે. ” ઇકબાલખાન બોલ્યો, પરંતુ આ વાત તેને બીલકુલ રુચી નહોતી. કોઇને પણ વગર ઓળખાણે આશરો આપવો તેનાં પોલીસ દિમાગને સહેજે પસંદ ન આવ્યું. “ ચાલો તેમની મુલાકાત લઇએ... ” તે બોલ્યો.

“ તને લાગે છે કે એ લોકો પેલી યુવતી વિશે કંઇ જાણતાં હશે....? ” કનૈયાલાલે પ્રશ્ન કર્યો.

“ કહી ન શકાય, એ તો તેમને મળ્યા પછી જ કંઇ જાણવા મળે. પહેલાં તેમની મુલાકાત તો કરીએ... ” ઇકબાલે કહ્યું. તે કનૈયાલાલથી ઘણો નાનો હતો એટલે કનૈયાલાલ તેને તુંકારે બોલાવતાં હતાં. જોકે ઇકબાલે એ વાતને મન ઉપર લીધી પણ નહોતી. હોસ્પિટલનાં કોરીડોરમાં ચાલતાં તેઓ બહાર આવ્યાં અને ઇકબાલની જીપમાં બેસીને મહેલે પહોંચ્યાં.

પણ... તેઓએ એ મુલાકાત નહોતી કરવા જેવી. એનાથી તો દિવાન સાહેબનાં પુત્ર રાજન ઉપર ખતરો ઔર વધી જવાનો હતો. એ વાત તેમને આજે રાત્રે જ સમજાઇ જવાની હતી.

***

વિનીત એકલો બસસ્ટન્ડમાં એક બાંકડા ઉપર બેઠો હતો. તેની ચારેકોર મુસાફરોનો જબરો કોલાહલ થતો હતો. કયારનો તે અનેરીની રાહ જોઇ રહયો હતો છતાં અનેરીનો હજુ કોઇ પત્તો નહોતો. એક વખત તો વિચાર આવી ગયો કે તે અનેરીને ફોન કરીને પુછે કે તે ક્યારે આવવાની છે, પરંતુ પછી એ વિચાર માંડી વાળ્યો કારણકે ગઇકાલે રાત્રે જ તે અનેરીનાં ઉખડેલાં મુડનો પરચો મળ્યો હતો. ગઇકાલે તે ભારે અપસેટ લાગતી હતી. અચાનક તેને અનેરી સાથે લીધેલાં ડીનરની યાદ આવી...

ગઇકાલે તે ભારે ઉત્સાહમાં હતો. અનેરી સાથે ડીનર લેવાનો ખ્યાલ તેને રોમાંચિત કરી રહયો હતો. એવા જ રોમેંટિક મુડમાં તે ગેલેક્ષીનાં રેસ્ટોરન્ટમાં પહોંચ્યો હતો. પરંતુ ત્યાં પહોચ્યો ત્યારે તેનાં આશ્વર્ય વચ્ચે અનેરીએ તેને જોઇને સહેજ પણ ઉમળકો જતાવ્યો નહોતો. ભારે ઠંડકથી તેણે તેને આવકાર્યો હતો અને બેસવા કહયું હતું. અનેરીનું આવું રુખુ- સુખુ વર્તન જોઇને તેનો ઉત્સાહ સાવ ઠંડો પડી ગયો હતો. તેનાં રોમેંટિક ડીનરનાં ખ્યાલની તો જાણે વાટ લાગી ગઇ હતી અને સાવ એકદમ શુષ્ક વાતાવરણમાં એ ડીનર પત્યું હતું. તેણે અનેરીને પુંછયું પણ હતું કે કેમ તે આવું વર્તન કરે છે ત્યારે એ સવાલ સાંભળીને તે ભડકી ઉઠી હતી. એ સમય દરમ્યાન જ પેલા ફોટાવાળા ભાઇનો ફોન આવ્યો હતો અને ફોટોગ્રાફ્સ આવતીકાલે સવારે કલેક્ટ કરી લેવા કહયું હતું. ત્યારે અનેરીએ તેને સવારે હોટેલ ઉપર આવવા જણાવ્યું હતું ત્યાંથી તે બંને સાથે પેલા ફોટાઓ લેવા જવાનાં હતાં. પરંતુ સવારે જ્યારે તે હોટેલ ગેલેક્ષી પહોંચ્યો ત્યારે વળી એક નવું સરપ્રાઇઝ તેને મળ્યું હતું. અનેરીએ ટેક્ષી મંગાવી હતી અને એ ટેક્ષીમાં તેને બેસાડીને ફોટાઓ લેવા રવાનો કરી દીધો હતો. એથી પણ વધું આશ્વર્યની વાત એ બની હતી કે તેણે તેને ફોટાઓ લઇને ગીતામંદિરનાં બસ સ્ટન્ડે બોલાવ્યો હતો. તે આવું શું કામ કરા રહી હતી એ તેની સમજમાં બીલકુલ આવતું નહોતું. અનેરી ખરેખર ઘણુંજ વિચિત્ર રીતે વર્તી રહી હતી. અત્યારે પણ તે કયારનો અહી એકલો બેઠો- બેઠો તેની જ રાહ જોઇ રહયો હતો.

એકાએક તેને પેલા ફોટાઓ જોવાની ઇચ્છા થઇ. કેનનનાં શો -રૂમેથી એક કવરમાં આ ફોટોગ્રાફ્સ તેનાં હાથમાં આવ્યા હતાં. તેને ઉતાવળ જ એટલી હતી કે કવરની અંદર મુકેલા ફોટાઓ જોવાનો ખ્યાલ તેનાં મનમાં ઉદ્દભવ્યો જ નહોતો. પરંતુ જેવી થોડીક નિરાંત મળી કે એ ખ્યાલ અચાનક તેને આવ્યો. મનમાં વિચાર ઝબકયો કે જોઉં તો ખરો કે અનેરી આ ફોટાઓ મેળવવા કેમ આટલી બધી અધીરી બની છે...! તેણે થેલાની ઝીપ ખોલી પેલું કવર બહાર કાઢયું. કવરમાંથી ફોટાઓ બહાર કાઢીને એક પછી એક જોવા લાગ્યો. કુલ વીસ ફોટઓ હતાં. તે જેમ- જેમ એ ફોટા જોતો ગયો તેમ- તેમ તેનાં ભવાં સંકોચાતાં ગયાં. ફોટાઓ જોઇને તેનાં કપાળે સળ પડયાં. “ આમાં તો કંઇ જ નથી...! ” તે સ્વગત બબડયો. તેને આશ્વર્ય ઉદ્દભવ્યું, શું ખરેખર અનેરી આ જ ફોટાઓ પાછળ હતી...? આમાં એવું તે શું છે જેનાં કારણે તેણે આટલી સાવધાની વર્તવી પડે..? વિનીતને કંઇ સમજાયું નહી. ફરી એક વખત તેણે એ ફોટાઓને બહુ ધ્યાનપૂર્વક નિરાંતે જોવાનું શરૂ કર્યું. અને... આ વખતે તેની આંખો પહોળી થઇ. “ ઓહ માય ગોડ... ” તેનાં મોં માંથી શબ્દો સર્યા...

(ક્રમશઃ)

લેખકઃ- પ્રવિણ પીઠડીયા.

આપને નો-રીટર્ન-૨ કેવી લાગી એ પ્રતીભાવ ચોક્કસ લખજો ઉપરાંત ૯૦૯૯૨૭૮૨૭૮ પર લેખકને વોટ્સએપ કરી શકો છો. અથવા તેમની સાથે ફેસબુક પેજ Praveen Pithadiya સાથે જોડાઇ શકો છો.

ધન્યવાદ.

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..

નસીબ.

અંજામ.

નગર.

આંધી.

નો રીટર્ન.

પણ વાંચજો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED