લઘુકથા_સ્વાનુભવ
ગોલ્ડન ટચ
જ્યારે હું ચોથા ધોરણમાં ભણતો ત્યારે મારી સૌથી મોટી બહેન બારમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી. એ સમયે અમારૂં ગામ પ્યોર ગામડું હતું. હવે તો સુરત સીટી સાથે લિંક્ડ થઈ ગયું છે. વેરા વધારા સાથેની મહાનગરપાલિકાને લગતી બધી સુવિધાઓ પણ મોડી વહેલી મળે છે. એ સમયે ગામમાં એકથી દસ ધોરણ સુધીની જ સુવિધા હતી. અગિયાર-બાર આર્ટ્સ કે કોમર્સ માટે અમરોલી જવું પડતું અને સાયન્સ માટે સીટીમાં. મોટી બહેને સાયન્સ લીધું હતું. સુરત જવા માટે અમરોલી ફરીને ટી.એન્ડ ટી.વી. સ્કૂલ જવામાં ઘણું લાંબુ પડે. એ કારણે પપ્પાએ સુરતમાં એક ફ્લેટ ભાડાપેટે રાખ્યો. બહેન સાથે મમ્મી ત્યાં રહેવા લાગ્યાં. શનિ-રવિની રજામાં બંને ઘરે આવતાં.
નાનો હતો ત્યારે હું મમ્મીનો બહુ લાડકો હતો. અત્યારે એ જગ્યા મારા ભત્રીજાએ લઈ લીધી છે. કેટલાક સગાવહાલા મને માવડિયો પણ કહેતા. મમ્મીની જુદાઈથી હું હિજરાઈ રહ્યો હતો. પપ્પા બધું સમજતા હતા પણ અમારા અભ્યાસ અને પોતાનાં કામને કારણે કંઈ પણ કરી શકવા અસમર્થ હતા. બહેનની અગિયારમાંની એક્ઝામ ચાલું હતી અને મને ટાઈફોઈડ થયો. સળંગ બાર-તેર દિવસ સુધી તાવ ચઢ-ઉતર થયા કરતો. આખું ઘર હેરાન થઈ ગયું. મમ્મી સાથે લેન્ડલાઈનથી વાત થતી પરંતુ એક્ઝામને કારણે તેઓ આવી શકે એમ ન હતાં. ઘરમાંથી કોઈકે કહ્યું, "એ માવડિયાને એની મા પાસે મોકલી દો, થોડીવારમાં સારૂં થઈ જશે."
કંટાળીને પપ્પા મને મમ્મી પાસે મૂકી આવ્યા. એ વખતે પણ તાવ હતો. ત્યાં પહોંચીને અડધા કલાકમાં તાવ ઉતર્યો તે મમ્મીની બીકથી પાછો આવ્યો જ નહીં! ત્યાં પડોશમાં રહેતી બહેનની એક સખીનાં મોઢેથી નીકળેલા એ શબ્દો મને આજે પણ યાદ છે," આન્ટી, ફોનથી તાવ ઉતરે જ નહીં, આને તમારો" ગોલ્ડન ટચ" જોઈતો હતો. હવે તાવ નહીં ચડે.. જો જો.. "
હજી પણ હું એ ગોલ્ડન ટચનો હેવાયો છું. એ માટે મને કે મારી મમ્મીને કોઈ સ્પેશિયલ ડે ની જરૂર પડી નથી. હા.. કોઈ ભૂલને કારણે છત્રીસ વર્ષનાં આ બાળક માટે ક્યારેક સિલ્વર ટચમાં પણ એનું રૂપાંતર થાય છે, એ અલગ વાત છે!
***
લોકો
"ભાઈ, હજુ પાંચ દિવસ થયા છે બચ્ચાનાં મૃત્યુને. તું આ રીતે બધાને લઈ ફરવા નીકળી જાય તે સારૂં લાગે છે તને? કંઈ શરમ જેવું છે કે નહીં? લોકો શું કહેશે? પડોશીઓ મોઢે તો કંઈ નહીં કહે.. પણ તારી પીઠ પાછળ કહેશે, કે આ બધાને ફરવાનો કેટલો ચસકો છે?
"અરે મારી બેન.. કોઈનાં પણ મૃત્યુનો શોક ત્રણ દિવસથી વધુ મનાવવું યોગ્ય નથી. અને એ બચ્ચું બિચારૂં ફક્ત દસ મિનિટ જ આ દુનિયામાં શ્વાસ લઈ શક્યું હતું. કુદરતની મરજી સામે કોઈનું કશું ક્યાં ચાલ્યું છે? ખેર.. મને પણ એટલો જ ગમ છે, જેટલો તને અને ભાઈને છે. પરંતુ એ માટે આપણે બીજા દસ બાળકોને તો નારાજ ન કરી શકીએ ને! આ બચ્ચાઓનું વેકેશન છે, આ ફરવાનાં દિવસોમાં નહીં ફરશે તો ક્યારે ફરશે?"
"હા પણ.. લોકનાં મોઢે કોણ તાળા મારશે?"
"લોકોની વાત છોડ, આપણે સાચું કરીશું કે ખોટું.. લોક તો બોલવાનાં જ છે. 'લોક શું કહેશે?' એ શરમને કારણે મોટાભાગે માણસ સાચું પગલું ભરતા અચકાય છે અને ખોટા ઉપજાવી કાઢેલ રિવાજોનાં ભાર તળે જ અડધો ગૂંગળાઈ મરે છે. ઉનાળામાં સૂરજને, શિયાળામાં ઠંડીને, ચોમાસામાં વરસાદને આ જ "લોકો" ગાળો આપે છે, જ્યારે કે એ બધું એનાં નિયત સમય પર જ થાય છે.. છતાં પણ! કુદરતે આપણને લોકો અને કુરિવાજો માટે આ અણમોલ જિંદગી વેડફી નાખવા માટે નથી આપી. પરિવાર સાથે આનંદથી જીવવા માટે આપી છે, મારી વ્હાલી બેન." નાદાન ભાઈનાં મોઢેથી વ્યવહારૂ અને અર્થ પૂર્ણ વાતો સાંભળી બેનની આંખ પલકારો મારવાનું ભૂલી ગઈ, પરંતુ એ સંમત ન થઈ. કારણ હતું "લોકો"!!
***
પડોશીધર્મ
“બેટા, તું હજી આઠ વર્ષની છો. રોઝો નહીં રાખે તો ચાલશે. તારી ઈફ્તારી માટે કંઈક સારૂં બનાવવાની મારી ત્રેવડ નથી.” આઠ વર્ષની ઝારાને સમજાવતાં ઝરીનાબેનથી ડૂસકું મૂકાઈ ગયું. ઝારા રોઝો રાખવા માટે જીદ પર ચઢી હતી, પરંતુ દિકરી પ્રથમ રોઝો તદ્દન સાદા ખાણાથી ઈફ્તાર કરે એ ઝરીનાબેનને ગમતું નો’તું. એમની અને આસિફભાઈની રમઝાન તો વર્ષોથી એવા સાદા ખાણાથી જ પસાર થતી હતી!
રાતનાં છેલ્લાં પહોરમાં એમનો ઝીણો અવાજ સન્નાટાને ચીરતો પડોશમાં હાઈ-ફાઈ સેહરી કરી રહેલા અમીના શેઠાણીનું કાળજું કંપાવી ગયો. એ જ અવાજ એમનાં લખ-પતિ મેહમૂદશેઠને કાને પણ પડ્યો હતો, પરંતુ તેઓ ફાલુદો પીવામાં તલ્લીન હતાં. પતિનાં અક્કડ સ્વભાવથી પરિચિત એમનાંથી સંતાડીને બપોરે ઝારા માટે ઈફ્તારી મોકલવાનું અમીના શેઠાણીએ મનોમન નક્કી કર્યું.
બપોરે નમાઝ પછી મસ્જિદમાં એક કલાક “ઝકાતનાં ફાયદા અને એનાં દાવેદાર” વિષય પરનું બયાન સાંભળીને પહોળા પગ કરીને બેસેલા મેહમૂદશેઠ છૂપા ગર્વથી બે મિત્રોને કહી રહ્યાં હતાં, “આપણી પચાસ હજાર જેટલી ઝકાત નીકળે છે, ત્રીસેક હજાર જેટલી તો દર વખતે માંગવા આવતા લોકોમાં વહેંચાઈ પણ ગઈ.. બીજા હવે આમ-તેમ વહેંચી નાખીશ. આપણે ત્યાં ઝકાત લઈ શકે એવા ગરીબ જ ક્યાં છે? આ પેલા… આસિફને જૂના કપડાનું મોટું પોટલું આપીએ એટલે મારો બેટો ખુશ! આપણે પડોશીધર્મ સાચવવામાં ક્યારેય પાછા ન પડીએ..!!”
***
સાચું એડ્રેસ
"પરમ દિવસની તત્કાલની બે ટિકિટ.." સાહિરે બાળપણનાં ગોઠીયા દોસ્ત અમીનને કહી જવાબ સાંભળ્યા વિના ફોન કટ કરી એક ઊંડો નિશ્વાસ નાખ્યો. આઠ વર્ષથી સંતાન પ્રાપ્તિની આશામાં દર-બ-દર ભટકતાં એક વર્ષ પૂર્વે આ દંપતીને કોઈએ અજમેરનો માર્ગ ચીંધ્યો હતો. હિન્દુસ્તાનનાં સૌથી મોટા સૂફી સંત તરીકે ખ્યાતનામ મર્હુમ ખ્વાજા સાહેબનાં દરબારમાં સતત બે વારની હાજરી આપી હોવા છતાં ખુદા એમની પર મહેરબાન નહોતો થયો! અતિ શ્રધ્ધા અને સંતાન માટેની વાંછના ફરી એક વાર એમને ત્યાં ખેંચી રહી હતી.
"ભાભી.. ઠંડુ પાણી પીવડાવો.." બે કલાક પછી અમીને હાથમાં ટિકિટ સાથે સાહિરનાં એક બેડરૂમ + હોલ + કિચન ધરાવતા સાંકડા ફ્લેટમાં પ્રવેશ કરી સોફા પર બેસતા બૂમ પાડી.
"અરે, આ તો બોમ્બેની.." સાહિરની આંખો આશ્ચર્યથી પહોળી થઈ.. વચ્ચેથી એને અટકાવતા અમીને પોતાનાં ફોનનું લોક ખોલ્યું, " સાહિર મારા ભાઈ..અજમેર તું અને ભાભી પછી જજો. એ પહેલા આ એક 'જીવતા' માણસને મળી આવ. અમેરિકાથી છ મહિનામાં એક વાર બોમ્બે આવે છે. સોમાંથી નવ્વાણુ કેસ આ ડોક્ટરનાં સક્સેસ ગયા છે. એક કેસ તો મારા સગામાં જ છે, બિચારા દસ વર્ષથી તરસતા હતાં. આજે એમનાં ઘરે બે-બે ફૂલ રમી રહ્યા છે. આ નંબર મારા ભાઈનાં દોસ્તનો છે. એનાં ઘરે તમારી રહેવાની સગવડ થઈ ગઈ છે. તૈયારી તો થઈ જ ગઈ હશે તમારી.. તો બિસ્મીલ્લાહ બોલી ઉપડો.."
ત્રણ મહિના પછી અમીનને ભેટી સાહિર કહી રહ્યો હતો, "થેંકયુ દોસ્ત, તેં મને 'સાચું એડ્રેસ' આપ્યું. એ જીવતા માણસે ખરૂં નિદાન કર્યું, અને ઉપરવાળાએ પણ અમારી સામે જોયું. ડોક્ટરે સોનોગ્રાફી કરી કહ્યું કે ટ્વિન્સ છે." સાહિરની આંખમાં હરખનાં આંસુ જોઈ અમીનની આંખ પણ ભીની થઈ ગઈ.
***