લઘુકથા
અમીર
"ચલ એય દૂર હઠ, સાલા ભિખારીઓ.. ગમે ત્યાં હેરાન કરવા આવી જાવ છો!" ઓલરેડી મને મોડું થઈ ચૂક્યું છે, ટ્રેન ઉપડવાનો સમય એકદમ કટોકટ છે, અને આ સાલા ભિખારીઓ..હું ત્યાંથી નજર હટાવીને પાસે આવીને ઉભેલા કુલી તરફ ફર્યો, " ઓગસ્ટ ક્રાંતિ, એ-સિક્સ, કેટલાં લેશે બોલ?"
"ત્રણહો થાહે.. શેઠ."
"જા રે હવે, એક સીડી તો ચઢવાની છે! લૂંટવા બેઠો છે, એક તો આ ભિખારીઓનો ત્રાસ ને ઉપરથી તારા જેવા લુચ્ચા કુલીઓ! બહો આપીશ, લેવું હોય તો ચાલ!" એની તળપદી ભાષા સાથે થોડો તાલ મેળવી મેં ફરીથી પેલાં બે ભિખારીઓ તરફ જોયું. છોકરીનાં બંને પગ અને છોકરાનો એક હાથ નહોતાં!
"શેઠજી, હજુ બોણી નથી થઈ. ઘરવાલી બિમાર છે, પોયરાની ઈસ્કૂલની ફી ભરવાની છે. અઢીહો આપી દેજો બસ." મારી હોશિયારી પર પોરસાતો ફટાફટ સામાન ઉંચકવાનું કહી હું વટથી મારી દીકરીનો હાથ પકડી આગળ ચાલ્યો.
કુલીએ લગેજ એક જગ્યાએ મૂક્યો, અને ટ્રેન અડધો કલાક લેટ હોવાની મને માહિતી આપી. મને પહેલાથી ખબર હોત તો હજી વધુ એની સાથે માથાઝીંક કરત, કદાચ સો રૂપિયામાં પણ માની જાત! કદાચ એકલે જ એણે મને નીચે ન કહ્યું હશે! સાલો લુચ્ચો, કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે.
"શેઠ, વીહ રૂપિયા દવ, બાકીનાં પછી દેજો."
"બધા સામટા જ મળશે, અડધો કલાક જ તો છે, તું પાછો ન આવ્યો તો?"
"શેઠ, ભરોહો રાખો. પેલા બેઉ ભિખારી બચ્ચાઓએ હવારથી કંઈ ખાધેલું નથી, ઉં રોજ એ લોકોને નાસ્તો કરાવ છું, વીહ રૂપિયાનો નાસ્તો દઈને અબીહાલ પાછો આવ્યો."
મારો હાથ ખિસ્સામાં યંત્રવત ચાલ્યો ગયો, સો-સો ની પાંચ નોટ એનાં હાથમાં મૂકી. એણે આશ્ચર્યથી મને જોઈ બે નોટ પાછી આપી, એ બે નોટ હું ફરીથી ન એને આપી શક્યો, ન ખીસામાં મૂકી શક્યો! મારી એકટક નજર એનાં હાથ પર હતી, કુલીનો એ કરચલીવાળો હાથ મને મારા આખા શરીરથી વધુ "અમીર" લાગ્યો.
***
હજ
"આ કિતાબનો પૂરતો અભ્યાસ કરી લેશો, ત્યાં કામ લાગશે." રૂબીનાએ નાનાભાઈ આસિફ અને ભાભી આશિયાંને હજ વિષયક પુસ્તક આપતાં કહ્યું! બંનેએ હકારમાં ગરદન હલાવી.
બશીરભાઈનાં ચાર જણનાં સુખી કુટુંબમાં રૂબીનાની વિદાય અને આશિયાંની પધરામણી પછી તિરાડ પડી ગઈ હતી, ઓછું ભણેલાં સાસુની નાની એવી ટકોર પર આશિયાં આસિફ સાથે અલગ ફ્લેટમાં રહેવા જતી રહી! બશીરભાઈ અને મુંબઈ પરણેલી રૂબીનાએ સમાધાનનાં પૂરતાં પ્રયાસો કર્યા પરંતુ બંનેને આ જોડાએ કડવા વેણ કહી અપમાનિત કર્યાં! પાંચ મહિના પછી હજયાત્રાની તૈયારી રૂપે બંને મહેમાનની જેમ મળવા આવ્યાં!
રાત્રે પુસ્તકનાં ચોથા પેજનાં એક વાક્ય પર આસિફની નજર ચોંટી ગઈ, "જે સંતાન પોતાનાં માં-બાપને એક પ્યારભરી નજરથી જોશે, તેને એક મકબૂલ(માન્યતા પ્રાપ્ત) હજનો સવાબ(પુણ્ય) મળશે." એણે જલ્દીથી પેજ પલટાવી નાંખ્યું! કારણ કે સમય બહુ ઓછો હતો, અને હજી આખું પુસ્તક વાંચવાનું બાકી હતું!!
***
ટોળું
"આઠ વર્ષની માસૂમ બાળકીને ક્રુરતા પૂર્વક પીંખી નાખનાર નરાધમોને બચાવવા માટે "લોકો" રસ્તા પર.." પારસભાઈ વોટસએપ પર આવેલ લિંક ઓપન કરી ન્યૂઝ વાંચી રહ્યા હતાં. ખિન્ન હ્દયે એમણે મોબાઈલનું પાવર બટન દબાવ્યું અને સોફા પરથી ઉભા થઈ બહાર ઓટલા પર આવ્યા. સામેની દિવાલનાં છાંયડામાં સૂતેલી એક કૂતરીને જોઈ એમને ગઈકાલ સાંજની એક ઘટના યાદ આવી ગઈ.
પત્ની પ્રવિણાબેનને કૂતરાઓનાં ટોળાને રોટલી પધરાવતા જોઈ એમને ચીડ ચઢી, મનોમન બબડ્યા પણ ખરા, 'વગર કામનાં માથે ચઢાવે છે!' હજી ઓટલા પર પગ મૂક્યો ત્યાં તો એ ટોળું અંદરોઅંદર લડવા લાગ્યું. ત્યાં જ પૂરપાટ વેગે એક કાર નીકળી અને એક ઉછળતું કૂદતું ગલુડિયું કોઈ દિશા સમજે તે પહેલાં એને નિશ્ચેતન કરી ગઈ.
થોડીવાર પહેલાં રોટલીના ટૂકડાની ખેંચતાણમાં એકબીજા સામે ઘૂરકીયાં કરનાર આખું ટોળું સંગઠિત બની એક જ દિશા તરફ દોડ્યું. અત્યારે તેમનો એકમાત્ર ધ્યેય રોટલીના ટૂકડા કરતાં અન્યાયનો ભોગ બનનાર ગલુડિયાંને ન્યાય અપાવવાનો હતો. પરંતુ ટેક્નોલોજીની ગતિ સાથે તેઓ તાલ ન મેળવી શક્યા!
આમ તો આ ઘટના કંઈ બહુ મોટી ન હતી, પરંતુ થોડી વાર પહેલાં ન્યૂઝમાં જોયેલ ટોળાની સરખામણીએ ગઈકાલનું કૂતરાનું ટોળું એમને વધુ સમજદાર, નિસ્વાર્થ અને સંગઠિત લાગ્યું! તેઓ કિચનમાં ગયા, હોટપોટમાંથી રોટલીઓ લઈ ફરી ઓટલા પર આવ્યા. રોટલીઓની સોડમથી થોડીવારમાં "ટોળું" જમા થઈ ગયું. કદીયે રોટલીનો કટકો ન આપનાર પારસભાઈને આજે ત્રણ રોટલી કૂતરાઓને આપતા જોઈ પ્રવિણાબેન આશ્ચર્યથી બોલ્યા, "છેવટે તમને પણ આ ટોળું ગમ્યું ખરૂં"!
" ગમે તો ખરા જ ને! હવે તો આ પ્રાણીઓ જ એક સંગઠનમાં રહ્યા છે, જ્યારે માણસ તો.....!!!"
***
ઠંડક
"મોમ, આ સનાડીને કંઈક કહો તો.. હંમેશા કાળી બિલાડી બનીને જ આવે છે, સ્કૂલમાં તો ઠીક છે, પણ ઘરે તો ચોખ્ખી થઈને આવે!" શૈલજાએ ચીડ અને ટીખળ મિશ્રિત અવાજમાં કહ્યું.
"શૈલુ..!" ભાવનાએ બાળપણની સખી શમાને એની દીકરી સના સાથે આવકાર આપતા શૈલજા સામે બનાવટી ગુસ્સો કર્યો. શૈલજા હસતી હસતી સનાને લઈ પોતાનાં રૂમમાં ચાલી ગઈ. કિશોરાવસ્થામાં પહોંચેલી લાડકીઓને રૂમમાં જતી જોઈ બંને સખીઓ અરસપરસ સ્મિતની આપ-લે કરી ભૂતકાળમાં ડૂબી ગઈ.
"શમા પ્લીઝ, શૈલુડીની વાતનું ખોટું ન લગાડતી હોં! હજી પંદર વર્ષની તો છે, મારા જેવો એક અનુભવ થશે ત્યારે સના બેટીની મજાક ઉડાવવાનું ભૂલી જશે.
"અરે ભાવુ, આપણા બે માં ખોટું લગાડવાની વાત ક્યાંથી આવી? અને તું એવું કેમ બોલી કે એને પણ તારા જેવો અનુભવ થાય? પેલા મવાલીથી બચવા માટે મારો પર્સમાં રહેલો એક્સ્ટ્રા નકાબ મોઢે બાંધી તું એની ખરાબ નજરથી બચી ગઈ હતી, પરંતુ હવે જમાનો બહુ ખરાબ છે! એવી વાત સોચવી પણ ન જોઈએ."
"એ જ તો, એ ઘટના પૂર્વે હું પણ કેવી તારી ફિરકી ઉતારતી હતી. ઈવન કે હું તો એમ સોચતી હતી કે તું આ કાળા કપડામાં ગૂંગળાઈ જતી હશે! પરંતુ એ સમયે એ કાળા કપડામાં મેં કંઈક અજબ જ ઠંડક અનુભવી હતી. એ પછી પાંચમે દિવસે એ મવાલી કોઈક વૃદ્ધા પર બળજબરી કરવાનાં આરોપસર પકડાયો હતો. હા.. કદાચ એનાં પંજાથી બચી નીકળવાની જ "ઠંડક" હતી એ!"
***
સ્થાન
"અરે કામવાળી નથી આવી તો શું થયું? તું એક દિવસ પણ કામ નથી કરી શક્તી? તારા બાપનાં ઘરે જ રાજકુમારી બનીને રહેવું હતું ને? અહીં મહારાણી બનીને મને વગર પગારનાં સિપાહી જેવો બનાવી દીધો છે!"
"પોતાનું એક કામ તો કરી શક્તા નથી અને મહારાણી મને કહો છો! આ ઘરમાં મારૂં સ્થાન તો કામવાળી જેવું જ છે! મળ્યું શું છે મને આ દસ વર્ષમાં?"
ચંપાની અણધારી ગેરહાજરીનાં કારણે મીનલ સવારે જલ્દી ઉઠી ન શકી અને પ્રદીપની એક મિટિંગ મિસ થઈ ગઈ. નાની એવી વાત ઉગ્ર ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી. અને સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલ ઝગડો ગાળાગાળી અને અપશબ્દો સુધી પહોંચી ગયો. બંને પોતાનું સ્થાન નીચું પાડવાનો એકબીજા પર આક્ષેપ કરી રહ્યા હતાં.. એ વાતથી તદ્દન બેખબર કે બંનેનો એકનો એક દિકરો આઠ વર્ષનો રાહુલ એક ખૂણામાં ઉભો રહી બંનેનાં જીવનમાં પોતાનું સ્થાન શોધવા મથી રહ્યો હતો!
સોલી_ફિટર