મારા જેવો solly fitter દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા જેવો

મારા જેવો

“ ઔર યે બોલ બાઉન્ડ્રી કે બાહર, સચિન પહુંચ ચૂકે હે 78 રન પે, ઔર યે એક ઔર ચૌકા સચિન કે બેટ સે નિકલતા હુઆ “હર્ષા ભોગલે ની કોમેન્ટ્રી ની મજા લેતા હર્ષલ અને વીર, સચિન ની એકેએક બાઉન્ડ્રી પર એકબીજાને તાળી આપી સેન્ચુરી ની અપેક્ષા એ ઉત્સાહિત થઈ રહ્યા હતા,બાપ – બેટા બંને ક્રિકેટ નાં અને ખાસ કરી વીર સચિન નો દીવાનો હતો, બસ આ શાક તૈયાર થાય, એટલે મને પણ સચિન ની સેન્ચુરી નો લહાવો લેવો હતો, જો કે મારો ફેવરિટ પ્લેયર ધોની હતો,પણ વીર ની હા માં હા મેળવવા વગર છૂટકો જ ન થાય..

હું નીમા, મારા સુખી સંસાર બદલ હમેશાં કુદરત નો આભાર માનતી, હર્ષલ નાં રૂપ માં મને પરફેક્ટ જીવનસાથી મળ્યો, હર્ષલ ઈઝ સો લવિંગ એન્ડ કેરીંગ ટુ મી, સાથે સાથે તે એક પ્રેમાળ બાપ પણ હતો, જોતા જ પરાણે વહાલો લાગે એવો, અમારો 9 વર્ષ નો વીર અભ્યાસ અને રમતગમત બંને માં એકટીવ હતો, ઈનશોર્ટ હું બેહદ સુખી હતી અને મારા માટે સુખ નો પર્યાય હર્ષલ અને વીર હતા, હર્ષલ નો ઈમ્પોર્ટ - એક્સપોર્ટ નો બિઝનેસ હતો, બિઝનેસ અને અમને પૂરો ન્યાય આપતો, બિઝનેસ ની કુનેહ સારી હોય અમારી ઈન્કમ સારી હતી, આમ તો હું પણ પ્રાઈવેટ બેંક માં જોબ કરતી હતી, પણ વીર નાં જન્મ પછી છોડી દીધી..

ચાર રસ્તા પર સિગ્નલ લાલ થતા હર્ષલે કાર અટકાવી, ગાડી સાફ કરવા માટે નાં કપડા અને તડકો ન લાગે તેવા કાચ પર લગાવવાના ઈકવીપમેન્ટસ વેચતા ફેરિયા અને મેલાઘેલા બાળકો ગાડીઓ ની આસપાસ ફરી વળ્યા, ફેરિયા ની પ્રોડક્ટ ની જરૂર ન હોવાથી મેં એને વિનમ્રતાથી ના કહી, પણ ચાર માસૂમ આંખો ની લાચારી મને વિહવળ કરી ગઈ, મનીપર્સ માં છૂટા પૈસા કાઢવા હાથ નાંખ્યો, હર્ષલે હાથ પકડી મને અટકાવી અને પેલા બંને ને ભાગી જવા કહ્યુ, એ બંને મારો હાથ પર્સમાં જોઈ ત્યાં થી હટતા નહોતા, વિન્ડો નાં ગ્લાસ પર હાથ મારી બે દિવસ થી ભુખા હોવાનો ઈશારો કર્યો, મને દયા આવી પણ હું હર્ષલ સામે લાચાર હતી, એ બંને ગરીબ નાં ગંદા હાથો થી ગ્લાસ પર પડેલ ડાઘ જોઈ હર્ષલ નો પિત્તો ગયો, વિન્ડો ઓપન કરી એક છોકરા ને તમાચો મારી દીધો...

“ ગ્લાસ ઘરે જઈને ક્લીન થઈ જશે હર્ષલ, ખોટો બિચારા ને શું કામ માર્યુ?” મેં હર્ષલ પર ગુસ્સો કર્યો..

“ આ સાલા ભિખારીઓ ધંધો લઈ ને બેઠા છે, હેરાનગતિ ની હદ હોય છે યાર.. એ તારા કયા સગા છે, તે આટલુ બધુ લાગે છે તને..! આવા છોકરા તો પેદા જ ન થવા જોઈએ, બેકવર્ડ ડર્ટી પીપલ સાલા કામચોર. “ એમ કહેતા બીજા છોકરા ને પણ મારવા હાથ લાંબો કર્યો, પેલો દૂર જતો રહ્યો, પણ મારા દિલ માં એક શૂળ ભોંકાયુ, હર્ષલ નો આ ક્રૂર ચહેરો મેં પહેલીવાર જોયો હતો, નાની અમથી વાત માં બિચારા ગરીબ ને મારી દીધું ’જીવ બળતો હતો પણ હું ચૂપ રહી..

વીર રોજ સાંજે હોમવર્ક પુરૂ કરી સોસાયટીના કમ્પાઉન્ડમાં ક્રિકેટ રમવા જતો,હું. ઉપર થી કયારેક જોતી, એ કાયમ ફિલ્ડીંગ માં જ હોય, મને લાગતુ, મોટા છોકરા ચિટીંગ કરતા હશે.! પણ છોકરા બાબત માં શું મગજમારી કરવી, વીર નું ટેલેન્ટ એને ઉપર લાવશે, એમ માની કંઈ બોલતી નહી,.. એનું લક્ષ્ય મોટા થઈને સચિન બનવું હતું, સચિન ના નામ ની બેટ, એનાં સ્પોર્ટસ ટીશર્ટ, પેન્ટ, ગ્લોવ્સ, પેડ અને શૂઝ સુધ્ધાં એણે વસાવ્યા હતા, ચાર થી પાંચ ટીશર્ટ ની પાછળ સચિન લખાવ્યુ પણ હતું, હું અને હર્ષલ પણ આ બાબતે એને પ્રોત્સાહન આપતા રહેતા, અભ્યાસ અને એક્ટીવીટી માં એને પૂરતી સ્પેસ આપી હતી, કેટલાક બાળકો ક્રિએટિવ માઈન્ડ હોય, અભ્યાસ માં નબળા હોય પણ જે પ્રવૃત્તિ માં એમને રસ હોય એમાં ચાર ચાંદ લગાવી દે, હું આ લોજીક ને સજ્જડ રીતે માનતી એ માટે કદી વીર પર ભણવા બાબતે વધુ પ્રેશર નહોતુ આપ્યુ..

“ મોમ, આઈ હેવ અ ગુડ ન્યુઝ, હું સ્કૂલ ની ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થયો છું, મારે નવા શૂઝ લેવા પડશે,જુના હવે મને ફીટ પડે છે. “ વીર ઉછળતો-કૂદતો આવી ખભે બેગ સાથે મને વળગ્યો...!

“ ઓકે બેટા, સાંજે લઈ આવીશું, પહેલા બેગ તો ખભે થી ઉતાર.” વીરે પ્રથમ સોપાન સર કર્યુ હતુ, હું એની ખુશી માં ખુશ હતી, હર્ષલ આઉટ ઓફ સ્ટેશન હતો, રાત્રે આવતા મોડુ થશે એમ કહેલું, લંચ કરી વીર ને હોમવર્ક પુરૂ કરાવ્યું, અને સાંજે એને મનગમતા એડીડાસ નાં શૂઝ અપાવ્યા, મારા આશ્ચર્ય વચ્ચે વીરે એક સાઈઝ મોટા પસંદ કર્યા, મને કહે, “મોમ, મારા પગ મોટા થતા જાય છે, પેકીંગ મૂકી દઈશ એટલે દોડતા ફાવશે. “ મને સમજ ન પડી છતા હોંકારો આપ્યો, “ એઝ યુ લાઈક, ડીયર. “ સેલ્સમેન પાસે થર્મોકોલ નું પેકીંગ મૂકાવી એણે મને ખાતરી પણ કરાવી.

હવે વીર દરરોજ સાંજે સોસાયટી ના બદલે સ્કૂલ નાં ગ્રાઉન્ડ પર પ્રેકટીસ કરવા જતો થયો, દોઢ કલાકે આવે ત્યારે કપડા ખૂબ જ ખરાબ હોય, મને ચીડ પણ ચડતી છતા એની ઉજ્જવળ કારકિર્દી માટે હું મન મનાવતી, સચિન જેવા ઊંચા લેવલ નાં ક્રિકેટર બનવાનું એનું સપનું અમારે પુરૂ કરવું હતુ.

“ બેટા, હું કલાક પછી સૌમ્યા આન્ટી સાથે શોપિંગ કરવા જવાની છું, તું હોમવર્ક ફિનીશ કરી પ્રેક્ટિસ કરવા જજે, ઓકે? લંચ પુરૂ થતા મેં વીર ને કહ્યુ.

“ યસ મોમ, આમ પણ આજે અમારી સ્કૂલ ની પ્રેકટીસ મેચ છે, મારૂ હોમવર્ક પણ ઓછુ છે, મારે અડધો કલાક માં જ જવાનુ છે. “ અને અડધો કલાક માં તે રેડી થઈ નીકળી પણ ગયો, હું પણ શોપિંગ માટે રેડી થઈ ગઈ હતી અને સૌમ્યા ને કૉલ કર્યો, ત્યાં એ બોલી “ અરે નીમા, હું તને કૉલ જ કરતી હતી, મારે ત્યાં મહેમાન આવ્યા છે ગામડે થી, આપણે શોપિંગ કરવા કાલે જઈશું. “ સૌમ્યા સાથે શોપિંગ કરવા ની ઉતાવળ માં ડિનર પણ તૈયાર કરી નાખ્યુ હતુ, હવે હું તદ્દન ફ્રી હતી, બપોરે સૂવા ની આદત હતી નહિ, સોફા પર બેઠી અને મગજ ચકડોળે ચડ્યુ, હર્ષલે પેલા છોકરાને માર્યુ’તુ, તે ઘટના હજી માનસપટ પરથી ભૂંસાઈ નહોતી, ‘હું વીર ને એવો નહિ બનવા દઉ, મારે વીરને એક ઉમદા વ્યક્તિ બનાવવો છે,.. વીર કેવી પ્રેકટીસ કરતો હશે, ત્યાં પણ સોસાયટીનાં છોકરાઓની જેમ એનાં ભાગે ફિલ્ડિંગ જ ન આવતી હોય ને..! ‘ આ એક વિચાર મન માં ઝબક્યો, માં છું ને, દરેક માં ને સંતાનો ની ચિંતા રહેતી જ હોય.. અને એ વિચારે મને સોફા માંથી ઊભી કરી, એક્ટીવાની ચાવી લીધી, લિફ્ટ માં નીચે આવી અને સ્કૂલે જવા નીકળી પડી ..

ચારે તરફ નજર ફેરવી પણ વીર કશે દેખાતો નહોતો, વોશરૂમ ગયો હશે, એમ ધારી મેં પાસેનાં બાંકડા પર બેઠક જમાવી, મને ક્રિકેટ જોવાની મજા આવતી, છોકરાઓ સારૂ રમી રહ્યા હતા, બોલરે સારી સ્પીડે બોલ નાખ્યો, બેટ્સમેને પણ અફલાતૂન પંચ માર્યો,આ બધા ભવિષ્ય નાં ધોની- સચિન હતા, ડ્રેસકૉડ પ્રમાણે વીરે જે ડ્રેસ પહેર્યો હતો, એ ફિલ્ડીંગ માં હતા,પણ વીર કયાંય દેખાતો નહોતો..! હું પણ મેચ જોવામાં બીઝી થઈ ગઈ, અડધો-પોણો કલાક કયાં નીકળી ગયો ખબરેય ન પડી, સામે સ્કોરબોર્ડ કલીયર દેખાતુ હતુ, છેલ્લી ઓવર બાકી હતી, 13 રન જોઈતા હતા, વીર ની ટીમ તરફથી ફિલ્ડિંગ ટાઈટ થઈ, છેલ્લા બોલે એક ગરીબ જેવા છોકરાએ અનબિલીવેબલ કેચ પકડ્યો, અને બોલ ને ઉછાળતો ગ્રાઉન્ડ નાં એક ખૂણા તરફ દોડયો, બાકી બધા એકબીજાને તાળી આપતા હતા, બંને બેટ્સમેન સ્કોરબોર્ડ ની બાજુ નાં પેવેલિયન જેવા રૂમ તરફ ચાલવા માંડયા,..

કેચ પકડી જીતાડનાર છોકરો એક રોલર પડ્યુ હતુ, ત્યાં અટક્યો, રોલર ની બાજુમાં બેઠેલ છોકરો ઉભો થઈ એને ભેટી પડ્યો, મારૂ ધ્યાન ત્યાં હતુ, પણ ડૂબતા સૂર્ય ની લાલાશ ને કારણે બંનેનાં ચહેરા દેખાઈ નહોતા રહ્યા, કેચ પકડનાર છોકરાએ પોતાના શુઝ કાઢી આભારવશ થઈ પેલો છોકરો જે રોલર પાસે બેઠો હતો તેની સામે ધર્યા, હવે હું એકદમ નજીક હતી, એ બંને નું ધ્યાન મારી તરફ નહોતુ, હવે મેં એને બરાબર ઓળખ્યો, રોલર પાસે ઊભેલો મારો વીર હતો, વીરે તે છોકરા પાસે થી શૂઝ લઈ એક તરફ મૂક્યા અને પાછો પેલા છોકરાને ભેટી પડ્યો,અને બંને સાથે કુદવા લાગ્યા, એકાધ મિનિટ પછી વીર એનાં થી છૂટો પડી થોડે દૂર પાણી ના ખાબોચિયા પાસે ગયો અને એ ગંદા પાણી માં બંને હાથ બોળ્યા અને પોતાના ડ્રેસ પર ફેરવ્યા, હું અચંબિત થઈ ગઈ, તો આ હતુ ખરાબ કપડાનું કારણ ! મને અંદાજો પણ ન હતો કે વીર આવુ બધું કરતો હશે, મારા ધારવા પ્રમાણે તો વીર ફિલ્ડિંગ મા બોલ પકડવા જતા પડી ને કપડા ખરાબ કરતો હતો! પણ આ શું? મને મારી આંખો પર વિશ્વાસ ન થયો..

“ વીર ” મારો અવાજ સાંભળી એણે મારી સામે જોયું, મારી આંખ માં ગુસ્સો અને આશ્ચર્ય નો દરિયો ભર્યો હતો, વીર હતપ્રભ થઈ ગયો, ચોરી પકડાઈ જવાથી એની કોમળ આંખો છલકાઈ પડી, માંડ માંડ ગળામાં થી અવાજ નીકળ્યો, “ સોરી મોમ, હું ટીમમાં સિલેક્ટ નથી થયો, સોરી મોમ, આઈ એમ ટોકિન લાઈડ, બટ મોમ, હું મોટો થઈને ચોક્કસ સચિન બનીશ, રાજુ સારો બોલર છે, પણ એની પાસે શૂઝ લેવા નાં પૈસા નથી, એટલે મારે જુઠ્ઠુ બોલવું પડ્યુ, આઈ એમ રિયલી સોરી મોમ, આઈ પ્રોમિસ, આઈ વિલ નેવર લાઈ અગેઈન, મોમ પ્લીઝ.. “ મેં દોડી ને એને ગળે લગાવી લીધો, મારી આંખ માંથી પણ આંસુ નીકળી પડ્યા, અને આ આંસુ ખુશી નાં હતા….

હર્ષલે જે ઘા એક ગરીબ છોકરાને મારી ને મને આપ્યો હતો, વીર એ ધા માટે દવા બન્યો હતો, મને વિશ્વાસ હતો કે મારે હવે હર્ષલ ને પણ સમજાવવાની કંઈ જરૂર નહોતી, વીર હર્ષલ નાં પત્થર હ્રદય ને, જે ગરીબો ને ધિક્કારતુ હતુ, એમાં એ પ્રેમ અને દયા ભરી દેશે, મને મારા દીકરા પર ગર્વ છે અને રહેશે, હવે હું સંપૂર્ણ આશ્વસ્ત હતી કે વીર હર્ષલ જેવો નિર્દય ન હતો, એ “ મારા જેવો ”હતો, લાગણીશીલ…

સમાપ્ત

સોલી ફીટર