અવતાર - 1 solly fitter દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અવતાર - 1

 ~ અવતાર

વિનાયક ઠાકોર.. 
ફક્ત નામ સાંભળીને જ સામાન્ય વ્યક્તિનું હ્રદય બેસી જતું. પહાડ સરીખો એ માણસ અત્યારે કોઈ હારેલા યોદ્ધાની જેમ માથા પર હાથ મૂકીને બેઠો હતો. લોકો આવ્યે જતા અને  જગ્યા મળે ત્યાં સ્થાન ગ્રહણ કરી ચૂપચાપ બેસી જતા હતાં. ગણી ગાંઠી વ્યક્તિઓ જ એવી હશે, જેમણે વિનાયકને આશ્વાસન આપ્યું હશે. પડોશી વર્ગમાંથી પણ એકાદ બે વ્યક્તિ જ એના ખભે હાથ મૂકવાની હિંમત કરી શકી હતી! આમ તો એ ગરીબોનો મસીહા ગણાતો હતો. કેટલાય ગરીબોના ચૂલા વિનાયકની મદદથી સળગતા હતા. પરંતુ આ મસીહાથી તેઓ ડરતા પણ હતા.. એના ગુસ્સાથી.. અને આજે તો જાણે કયામત આવી ગઈ હતી. હા.. વિનાયક નામના ડોને દિકરો ખોયો હતો. કિશોર મટી યુવાનીના ઉંબરે ડગ માંડતો દિકરો ગુમાવ્યો હતો. જે દિકરાને એ પોતાની પ્રતિકૃતિ બનાવવાનું સ્વપ્ન સેવતો હતો, એ વિવેક આજે એનાથી જોજનો દૂર ચાલ્યો ગયો હતો. વિધિની વક્રતા એ હતી કે વિવેકના મોતનું નિમિત્ત પણ એ પોતે જ બન્યો હતો. 
        ઓરડાના એક ખૂણે ખુરશી પર વિનાયક શૂન્યમનસ્ક થઈ બેઠો હતો. આંખો ફર્શની લાદી પર ચોંટેલી હતી. એની ભીતરનો જ્વાળામુખી ક્યારે ફાટી નીકળે, કંઈ નક્કી નહોતું! લોકોની ધારણા મુજબ આજ વિનાયક ગુસ્સાથી ગાંડો થઈ જવો જોઈતો હતો પરંતુ આશ્ચર્ય.. સતત બે કલાકથી નીચું મોઢું રાખી લાદીને તાક્યા કરતો વિનાયક લોકોની સમજથી બહાર હતો. વિવેકની લાશ પોસ્ટમાર્ટમની વિધિમાંથી પસાર કરી ઘરે આવી ત્યારે ભરપૂર દેકારો મચ્યો હતો. શ્વેતા – વિનાયકની પત્ની ભયાનક આક્રંદ કરી અર્ધ પાગલ જેવી થઈ ગઈ હતી. ચોતરફ આંસુઓનું ઘોડાપૂર આવ્યું હતું. વિવેકના જીગરજાન મિત્રોની હાલત પણ કંઈ સારી નહોતી. એકમાત્ર ચૂપ હતો વિનાયક! સામૂહિક આક્રંદ કરતા ટોળાથી સાવ અલિપ્ત ખૂણામાં એક ખુરશી પર બેઠો એ કોઈ બીજા જ વિશ્વમાં વિચરી રહ્યો હતો. વિવેકની લાશ, શ્વેતાનું ચોધાર રૂદન, કુટુંબીજનોની રાડારોળ, અંતિમવિધિની તૈયારી માટે થતો શોરબકોર.. આ બધામાંથી એક પણ અવાજ એને સ્પર્શી ન શક્યો. એના કાન અવાજ અને આંખ દ્રષ્ટિની હદ વટાવી ચૂક્યા હોય એવો ભાસ થતો હતો. હાજરજનોને મન એનું આ મૌન, જ્વાળામુખી ફાટવાની પૂર્વ તૈયારી હતી. અંતે જ્વાળામુખી તો ફાટ્યો જ, પરંતુ શ્વેતાનાં પક્ષેથી.. 
         સતત રૂદનથી બહાવરી થઈ ગયેલી શ્વેતા અચાનક ઉભી થઈ પાંચ ડગલા ચાલી વિનાયક પાસે આવી અટકી. જેની સામે આંખમાં આંખ મેળવતા લોકો કાંપી ઉઠતા, અરે.. શ્વેતા ખુદ વિનાયકની હાજરી માત્રથી થથરી જતી હતી. આજે એ શ્વેતાએ વિનાયકને ખભેથી પકડી હલાવી નાખ્યો. કદી અપશબ્દ ન બોલનારી શ્વેતાનાં મુખથી ગાળોની વણઝાર વહેતી થઈ. લોકો અવાક થઈ ગયા,  પરંતુ વિનાયક એ જ સ્થિતિમાં યથાવત બેસી રહ્યો. કેટલાકને મન એ માનસિક સંતુલન ગુમાવી ચૂક્યો હતો. અંદરોઅંદર એ બાબતે ચણભણ પણ શરૂ થઈ ગઈ. અંતે શ્વેતા એક-બે વાક્ય સાથે વિનાયકના પગ પાસે ઢગલો થઈ ગઈ, “તું મરી ગયો હોત તો મને એટલું દુઃખ ન થયું હોત! તારા જેવો નિષ્ઠુર બાપ ભગવાન કોઈ દિકરાને ન આપે.” સ્થૂળ બેસી રહેલા વિનાયકના હાથમાં ઉર્જાનો સંચાર થયો. ઢગલો થયેલી શ્વેતાના માથા પર એ ભારેખમ હાથ મૂકાયો. બે કલાક પછી એના મોઢેથી પ્રથમ ઉદગાર નીકળ્યો, “વિવેક મર્યો નથી, એ ફરીથી આવશે.” સમગ્ર માનવ ગણ એ સંવાદ અને એની ભાવવિહીન આંખોથી સમૂચો ધ્રૂજી ઉઠ્યો. 

       વીતેલા બે કલાકમાં વિનાયકના મગજે વિવેકની અઢાર વર્ષની જીવનયાત્રાનો સફર ખેડી નાંખ્યો હતો. 
                                                               ~~~~~~~~

     પા-પા પગલી માંડતો, બાઈક રાઈડીંગ કરતો, ફોટોગ્રાફી કરતો, દારુની બોટલ મોઢે લગાવતો વિવેક! દીકરાના અનેક રૂપ વિનાયકની આંખ સમક્ષ તરવરી ઉઠ્યાં. સત્તર વર્ષની કાચી વયમાં એ વિનાયકથી વધુ ખતરનાક થઈ ચૂક્યો હતો. વિનાયક એને જેવો ઘડવા માંગતો હતો, સંપૂર્ણ પણે એ એવો ઘડાઈ ચૂક્યો હતો. દેખાવે વિનાયકની કાર્બન કોપી હતો. ગરીબો પ્રત્યે વિનાયકની જેમ હમદર્દી ધરાવતો પરંતુ ખૂંખારતામાં એ બાપથી ચાર ચાસણી ચડે તેમ હતો. દારૂ-જુગારનાં અડ્ડા ચલાવતો બાપ દિકરાની પ્રગતિ જોઈ પોરસાતો હતો. વિનાયક પોતે માનતો હતો કે આ લાઈનમાં જીંદગીનો કોઈ ભરોસો નથી હોતો, એના જેવા લોકોનું જીવન ટૂંકુ જ હોય છે. એને પોતાને મોતનો ભય પણ નહોતો, પરંતુ વિવેક વિશે સોચવાનું એ ચૂકી ગયો હતો! એને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે વિવેક સાથે આવું પણ કંઈ થઈ શકે છે.  નજીવી બાબતે હાથાપાઈ થઈ હતી નટવર સાથે. 
      બરફની લારી ફેરવી ગુજરાન ચલાવતો નટવર એક સમયે સંપૂર્ણ મવાલી હતો. ભૂતકાળમાં પોલીસના ચોપડે અસંખ્ય ગુના એના નામે બોલતા હતા. એક હત્યા પણ એણે કરી હતી, પરંતુ છેલ્લા દસ વર્ષથી આશ્ચર્યજનક રીતે એની જિંદગીમાં બદલાવ આવ્યો હતો. વર્તમાન સમયમાં એનો દેખાવ, વ્યવહાર અને ચાલ-ઢાલ જોઈ કલ્પના કરવી પણ મુશ્કેલ હતી કે આ એક સમયનો ખૂંખાર મવાલી અને હત્યારો હશે. તદ્દન સામાન્ય જીવન જીવતો નટવર લોકો સમક્ષ પરિવર્તનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતો હતો.
        વૈભવ નગરની ગલીઓમાં લારી ફેરવીને થાકેલા નટવરે સાંજે બજારની મધ્યમાં લારી ઉભી કરી. એ સ્થળની બિલકુલ સામે વિનાયકની રોજની બેઠક હતી. નટવરને લારી ઉભી રાખતો જોઈ વિનાયકે સાદ આપ્યો, “એય ટકલા, પાંચ શરબત લાવ.” પિસ્તાળીસ વર્ષના નટવરના માથાના વાળ સમય પહેલાં ખરી ગયા હતાં. સામાન્ય સંજોગોમાં એ “ટકલા” સંબોધનથી ખોટું ન લગાડતો. પરંતુ આજે વાત અલગ હતી. એક તો એ બરાબર થાક્યો હતો અને વિનાયકના સંબોધનથી આસપાસ બેસેલ બંને ચમચાઓના ખડખડાટ હાસ્યથી એની ભીતર દબાયેલ લાવારસ ઉકળી ઉઠ્યો.

         “શરબત પતી ગયું.” ઉપેક્ષાથી મળેલા જવાબે વિનાયકના અહમ પર સીધો ઘા કર્યો.          
        “પતી ગયું તો ઘરેથી બીજું લઈ આવ.” ચમચાઓને સાથે લઈ વિનાયક લારી સુધી ઘસી આવ્યો. 
        “હવે સમય પૂરો થયો, કાલે મળશે.” આમ પણ ઘણા સમયથી બજારના બધા દુકાનદાર વિનાયકથી કંટાળ્યા હતાં. એક એંગલથી એ ગરીબોનો મસીહા કહેવાતો, પરંતુ સૂરજ આથમતા સમયે દારૂ એના પેટમાં પડતું પછી એની બોલવાની રીત બદલાઈ જતી. વિના કારણે એ દુકાનદારો પાસે કોઈ ન કોઈ વસ્તુની માંગણી કરતો. માંગણી પૂર્ણ ન થતા એ એલફેલ ગાળો બકવાનું શરૂ કરી દેતો. કોઈ અવાજ ઉઠાવવાની કોશિશ કરે તો મારામારી પણ કરી નાંખતો. આજે નટવરે એ જ કર્યું. એના ઉપેક્ષિત વર્તને વિનાયકના અહમને ઠેસ પહોંચાડી. ઉપરથી મદિરાનો નશો… 
       “સાલા બેન.... ચૂ.. યા, તું મને ના પાડે છે? તારી આટલી હિંમત?” સટ્ટાકના અવાજ સાથે એક તમાચો નટવરના ગાલ પર પડ્યો. દારૂ અને ઘમંડના નશામાં ભાન ભૂલેલા વિનાયકની આ બહુ મોટી ભૂલ હતી. એણે એક ભૂતપૂર્વ ગુંડાને લલકાર્યો હતો. એની હિંમતને ઓછી આંકી હતી. તદ્દન અજાણપણે જ શાંત મધપૂડાને છંછેડવાની ભૂલ કરી બેઠો વિનાયક. કદાચ એને ખબર હોત કે આ ભૂલ એના પાસેથી વિવેકને છીનવી લેશે, તો એણે એવી ભૂલ કદાપિ ન કરી હોત. સામસામે તમાચા, લાતો, મુક્કા, ફટકાબાજીના આદાનપ્રદાનમાં એકલો હોવા છતા નટવરનો હાથ ઉપર રહ્યો. હાર પચાવી ન શકેલ વિનાયકે હળવેથી મોબાઈલ નીકાળી વિવેકને ફોન કરી ઘટના સ્થળે બોલાવ્યો. વિવેક અને એના મિત્રોએ તાત્કાલિક આવી નટવરની ધોલાઈ શરૂ કરી નાંખી. હવે સાત જણ સામે નટવર ધોવાઈ રહ્યો હતો. ફક્ત મારામારીથી સંતોષ ન પામી વિવેકે નટવરની લારી ઊંધી વાળી નાંખી. બરફ, શરબતના બોટલ અને વિવિધ સાધનો સાથે બરફ તોડવાનું ચપ્પુ નટવરના પગ પાસે પડ્યું. મારથી બેવડ વળી ગયેલ નટવર આજીવિકાના એકમાત્ર સાધનને નાશ થતું જોઈ સાંખી ન શક્યો, અચાનક ઉભો થઈ બરફનું ચપ્પુ હાથમાં લીધું અને પૂરતા ઝનૂનથી વિવેકના પેટમાં ખૂંપાવી દીધું. ગરમ લોહીની એક પિચકારી ઉડી અને સમય જાણે થંભી ગયો. શોરબકોરવાળા બજારમાં સન્નાટો છવાઈ ગયો. બધા પોતાના સ્થાને થીજી ગયા. વિવેક કપાયેલા થડની જેમ ‘ધબ્બ’ ના અવાજ સાથે જમીન પર પડ્યો. વારાફરતી બધાને હોશ આવ્યો, પરિસ્થિતિની વિષમતાનું ભાન થયું. કોઈએ એમ્બ્યુલન્સને ફોન કર્યો. એક જણ વિનાયકના ખિસ્સામાંથી ચાવી લઈ કાર લઈ આવ્યો. આ બધી અફરાતફરીનો લાભ લઈ નટવર છટકીને સીધો પાસેના પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો અને ખૂનનો ગુનો કબૂલ કરી લીધો. 

ક્રમશઃ